માપદંડ: ગુણવત્તા નહિ; પરંતુ જ્ઞાતિ; પૈસા અને ઓળખાણ

‘ગુજરાતનું કોઈ મેદાન બચ્યું નથી કે જેની પર હું દોડ્યોના હોઉં’

માર્ટીન મેકવાન, દિનેશભાઈ પરમાર, વાજુભાઈ પરમાર/

ભરતભાઈ લઘુભાઈ પરમાર અત્યારે કરિયાણાની દુકાન ચલાવે છે. શરીરનો બાંધો મજબૂત છે અને પોણા છ ફૂટથી વધુ ઊંચાઈ. હિંદી વિષયમાં બી.એ. પૂરું કરી એમ.એ.નું પહેલું વર્ષ પણ પૂરું કર્યું. પોતાના કુટુંબની તમામ પેઢીમાં અત્યાર સુધી તે સૌથી વધુ ભણેલ યુવાન. ૧૧ વખત પોલીસ ખાતામાં ભરતી થવા માટે પ્રયત્ન કર્યો. શારીરિક કસોટીમાં બધી વાર પાસ થયા. લેખિત-મૌખિક પરીક્ષામાં પણ પાસ થયા. નોકરી ન મળી. છેલ્લો પ્રયત્ન ૧૧મી વારનો બની રહ્યો. કારણ ૩૩ વર્ષની ઉંમર પછી અરજી કરવાની સરકારી ‘લાયકાત’ પતી ગઈ. ૨૧ વર્ષની ઉંમરથી શરૂ થયેલી નોકરીની તલાશ ૩૩ વર્ષે નિરાશાજનક રીતે પૂર્ણ થઈ.

પોલીસ નોકરીની સાથે સાથે પી.ટી.સી. કૉલેજમાં પ્રવેશ મેળવવા પણ ત્રણ વાર નિષ્ફળ પ્રયત્ન કર્યા. ‘ઓ.બી.સી.’ની અનામતની જગ્યા ઓછી અને ઉમેદવારો ઝાઝા. માંડલપંચની ઓ.બી.સી. જ્ઞાતિ/વર્ગમાં ગણાવા માટેના તમામ ૧૧ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક માપદંડો ભરતભાઈની ‘હિંદુ દેવીપૂજક’ જ્ઞાતિને લાગુ પડે છે. આ જ્ઞાતિ પાકિસ્તાનમાં ‘અનુસૂચિત જાતિ’માં ગણાય છે.

ભરતભાઈને પોતાની નિષ્ફળતાના ત્રણ ચોખ્ખાં કારણ જણાય છે; પૈસા, જ્ઞાતિ અને ઓળખાણ. ભરતભાઈની સાથે તેમના જ ગામના ‘ઊંચી જ્ઞાતિના’ યુવા સાથીદારો જે એસ.એસ.સી. બારમાંથી વધુ ભણ્યાના હતા તે પહેલા-બીજા પ્રયત્ને પોલીસમાં લાગી ગયા.

બાજુમાં વડીલ બેઠા છે. તેઓ આ ગામમાંથી ને આ જ્ઞાતિમાંથી ‘તલાટી’ થયેલા. ‘તમારા બાપુજી શું કરતાં હતા?’ મેં એમને પૂછ્યું. ‘મારા બાપુને રૂપિયાના છૂટા ગણતાં આવડતું ન હતું’. એમના અને ગુજરાતમાં લોકો આજે પણ આ જ્ઞાતિના લોકોને ભારે સૂગથી જૂએ છે તેનો ઈતિહાસ રસપ્રદ છે. આઝાદી પછીના ગાળામાં મહારાષ્ટ્રના ‘જંગલેશ્વર મહારાજ’નાનામે ઓળખાતા સમાજસેવકે આ જ્ઞાતિ વચ્ચે રહી શિક્ષણની જેહાદ જગવેલી. તેમના પ્રયત્નોથી અને પ્રભુદાસ ઠક્કર જેવા સખાવતીના સહયોગથી ધોળકા ખાતે ‘વાઘરી આશ્રમશાળા’ સ્થપાઈ. આવી બીજી બે આશ્રમશાળા ભાવનગરના વલ્લભીપુર અને ખેડામાં શરૂ થઈ હતી. ૧૯૫૬માં સ્થપાયેલી આ આશ્રમશાળામાં આ જ્ઞાતિના પહેલી પેઢીના બાળકો શિક્ષણના માર્ગે ચઢ્યા.

વડીલ પોતાના ગામની શાળામાં ચોથી ચોપડી ભણી ઘણાં વર્ષો પહેલાં ભણવામાંથી પરવારી ગયેલા તેમને જંગલેશ્વર મહારાજ પાછા ભણવા લાવ્યા. ‘હું પાંચમામાં દાખલ થયો ત્યારે મારે દાઢી-મૂછ હતાં’. વડીલ જૂની મેટ્રિક પાસ થયા એટલે એમને ‘તલાટી’ની નોકરી મળી. વડીલે પોતાના ગામની એમના પછીની પેઢીને ભણાવવા બીડું ઝડપ્યું તેણે પરિણામે તેમનો દીકરો વકીલ બન્યો અને ભરતભાઈ એમ.એ.ના પહેલા વર્ષ સુધી પહોંચ્યા.

ધોળકા શહેરનો વિકાસ થયો અને પાણીની મોટી ટાંકી બનાવવા માટે આ દેવીપૂજક બાળકો માટેની એકમાત્ર શૈક્ષણિક સંસ્થા તૂટી. કાયદાકીય વાંધાને આધારે તેની જમીન ખાલસા થઈ. અમદાવાદ શહેરના ભરચક વિસ્તારોમાં ગેરકાયદે ધર્મસ્થાનોનું દબાણ હઠાવવા પોલીસ પ્રયત્ન કરે તો ઘડીના છટ્ઠા ભાગમાં તે કાયદેસરની કાર્યવાહીને રોકવા ટોળું એકત્ર થઈ જાય. આ કોમ પોતાની સંસ્થાઓને બચાવવા સક્ષમ ન હતી. વિકાસની વ્યાખ્યા મુજબ તો આવી સંસ્થા એકમાંથી વધીને બે થવી જોઈએ.

ભરતભાઈને એ વાતનું ગૌરવ છે કે પોતાની કોમે ભીખ માંગવાને બદલે હુન્નર કરી પોતાની પ્રગતિ કરી છે. અમદાવાદના નહેરુનગર પાસે ૧૨૦ પાથરણાંવાળા કપડાં વેચીને સારી રોજગારી કમાતા હતા તેમને  પોલીસે હટાવી દીધા. આમાંથી બે-ચાર યુવાનો પોતાના ગામ પાછા આવી ક્યારેક મળતી મોસમી એવી દહાડાની બસો રૂપિયા આપતી ખેતમજૂરીમાં જોતરાઈ ગયા છે. ભાજપના એક કૉર્પોરેટરના અંગત પ્રયત્નોના કારણે ગામના બે  પાથરણાંવાળાની લૉ ગાર્ડન પાસે રોજી બચી ગઈ. આ મહેનતુ પ્રજા કલકત્તા, સુરત, મુંબઈથી કાપડ લાવે છે. તેને સીવવા ગામના સિલાઈ મશીન ચલાવતા પંદરેક યુવાનોને રોજગારી મળે છે. નેહરુનગર ખાતે રોજગારી છીનવાતા ધોળકા તાલુકાના વેજલકા ગામે સિલાઈ મશીનવાળાની રોજી પણ છીનવાઈ છે.

સાત ભાઈ-બહેનોવાળા કુટુંબમાં ભરતભાઈના બીજા ભાઈ-બહેન ૧૦ ધોરણથી આગળ ભણી શક્યાં નથી. ધોળકા વિધાનસભા વિસ્તારમાં ૨૨,૦૦૦ની મત સંખ્યા ધરાવતી આ કોમનું વિધાનસભામાં રાજકીય પ્રતિનિધિત્વ છેલ્લે કૉંગ્રેસ શાસન દરમિયાન હતું.

આ કોમ કચ્છ પૂરતી ‘અનુસૂચિત જનજાતિ’માં ગણાતી હતી તે હવે ગણાતી નથી. થોડાં વર્ષો તે એન.ટી.-ડી.એન.ટી. (વિમુક્ત-વિચરતી) જાતિ ગણાતી હતી ત્યારે માત્ર એકવાર ભરતભાઈને ૧૫૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી. સરકારી શાળા મફત શિક્ષણ  જરૂર આપે પણ તે મેળવવા બીજા ગામ રોજના ૫૦ રૂપિયા ખર્ચી જવું પડે તે કોણ ગણે?

ભરતભાઈ પોતાની કડવાસ ભૂલી મન મનાવી કરિયાણાની દુકાન ચલાવવાના કામે લાગ્યા છે. તેલ-અનાજમાં રાતોરાત જી.એસ.ટી લાગતાં ભાવ કેમ વધી ગયા તે પોતાના રોજનું રળીને રોજનું ખાતા ગ્રાહકોને સમજાવવામાં તેમને ખાસ્સી તકલીફ પડે છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s