માંદા બાળકને દવાખાને લઈ જવા વાહનની રાહ જોઈએ છીએ

મહેશભાઈ રાઠોડ અને અશ્વિનભાઈ બાબરિયા/

વગડામાં ઝાડ નીચે સ્ત્રી-પુરુષ ઊભાં છે. બંનેના ખભે ઊંઘતાં બાળક છે. માનું નામ તેજલ. ખભે નાંખેલ બાળકને ધાબળામાં વીંટેલું છે અને તેને દવાખાને લઈ જવા પતિપત્ની કોઈ ખાનગી વાહન મળે તેની રાહ જોતાં ઊભાં છે. તેમનું મૂળ વતન ઉના. ૨૦ વર્ષથી ભાચા ગામે આવીને વસેલાં છે. તેમની કોમ ‘નટડા’ છે. સ્ત્રી માથે સૂંડલા મૂકી ગામેગામ ફરી કટલરી વેચવાનો ધંધો કરે છે અને પુરુષો બકરાં ચારે છે. જે જમીન પર રહેતાં હતાં ત્યાંથી માલિકે તગેડી મૂકતાં ગામથી ત્રણેક કિલોમીટર ખુલ્લા વગડામાં વસે છે. આવાં વીશેક કુટુંબો અહીં રહે છે. રેશન કાર્ડ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ છે જેની જરૂર લાભ મેળવવા કરતાં સતત ભટકતી જિંદગીમાં નાગરિકતા પુરવાર કરવા વધુ જરૂરી બની રહે છે. એમનું પોતાનું કોઈ ઘર નથી.

‘અમે મત આપીએ છીએ પણ કંઈ મળતું નથી’. આપ-લેના એકતરફી વ્યવહારથી તે જાણે ટેવાઈ ગયા છે.

કહે છે, ‘ભગવાનના ભરોસે રહીએ છીએ’. આ પ્રદેશનું નામ છે, ‘દેવભૂમિ દ્વારકા’ !

વિકાસ કરવો હોય તો અમને રખડતાં-ભટકતાં બંધ કરો

તેમનું નામ દેવીપૂજક લખમીબેન. સાવરણી બનાવી ગામેગામ ફરી વેચવાનો એમનો ધંધો. તે મૂળ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના વેરણ ગામનાં છે. તેમનું પરિવાર ધંધાર્થે ફરતું-ફરતું આકોલવાડી, તાલાલા (ગીર), થઈને ઉનાથી ભાવનગર જતાં ધોરી માર્ગે ઊભાં છે. કામ શોધે છે.

લખમીબેન કહે છે, ‘ ધંધાના વિકાસ માટે દસ વરસ પહેલાં ૪૦,૦૦૦ રૂપિયાની લોન લીધી હતી તેના વિયાજ ભરી-ભરીને ધોવાઈ ગયાં. હજુ અમારા ઘરનાં નળિયાં બદલાયાં નથી. અમને ક્યાંક વસાવો. રખડતી પ્રજા ભણી શકતી નથી. આરોગ્ય જળવાતું નથી. ગરીબ માણસોનો વિકાસ કરવો હોય તો અમને રખડતાં-ભટકતાં બંધ કરો’.

અમેતો વિહ વરહથી આનું આજ ભાળીએ છીએ

ગામ મોટા સમઢીયાળા. કાળુભાઈ જીવાભાઈ વિંઝુડા એમનું નામ. ખેતમજૂરી પર એમનું જીવન નભે છે. કહે છેઃ ‘વિકાસ શાને કહેવો? આવી દશા પે’લા નોતી. બૅંક લોન નથી આલતી. કહે છે તમને નો મલે. બેવાર મંજૂર થવા છતાં (ઘરનો) પલોટ નથી મલતો. ૮૦ રૂપિયે તેલ અને ૩૦૦ રૂપિયે બાજરો. આમાં આગળ કાંથી અવાય? આપણું અનાજ આપણી કને હોય તીયારે ઈના ભાવ નઈ ને વેપારી જોડે જાય ઈટલે ઈના ભાવ થાય? આંધળું રાજ હાલે છે. અમે તો વીહ વરહથી આનું આ જ ભાળીએ સીએ.’

અમારે કોઈને વાડીઓ-ઘોડીઓ નથી

મોટાભાગની ગરીબ સ્ત્રીનાં નામ ‘લખમી’ જોવા મળે તેમ, આ બેનનું નામ પણ લખમી છે. પાછળ કચરાના ઢગલા છે અને રસ્તાની બાજુમાં બેસી માછલી વેચી પોતાનું ગાડું હાંકે છે. ગામનું નામ સીમર અને તાલુકો ઉના. એમનો આક્રોશ એમના જ શબ્દોમાં:

“સત્તર વરસથી વિધવા સહાય માંગું સું. હવે મારો છોકરો અઢારનો થયો એટલે કે’છે તમને નો મલે. કોઈ લાભ મલ્યો નથી. ગઈ ફેર ચૂંટણીમાં કહેલું કે કમળને મત આલજો એટલે મચ્છી માર્કેટ બનાઈ આલશું. કે’છે ખરા કે તઈણ લાખ મંજૂર થયા પણ કંઈ બનાયું નથી. આ વખતે મતનું કે’વા આવે તંઈ પૂછવાનું ને હિસાબ ચૂકતે કરવાનો’.

બાજુમાં મોંઘીબેન બેઠાં છે અને આ જગ્યાએ બેસીને છેલ્લાં પંદર વરસથી મચ્છી વેચે છે. એમની ફરિયાદ છે કે, વાહનવાળા બેસવા દેતા નથી. કહે છે; ‘અમો બધાં કોળી છીએ; અમારે કોઈને વાડીઓ-ઘોડીઓ નથી.’

બધા માછીમારો વીસ વરસથી દરિયાકિનારે વસેલા. ત્યાંથી નવા કલેક્ટરે ‘આ કેંદરની (કેંદ્ર સરકારની) જગા છે’ કહી ખદેડીને ભગાડ્યા. હાલ બધા એક દરબારની જગ્યામાં મહિને ૫,૦૦૦ રૂપિયા આપવાનું કહી પડ્યા છી. ‘ઈન્દિરાજીના વખતે અગાઉ ફક્ત એક પલોટ મળેલો’. અત્યારે તેમને ગરીબમેળામાં માછલાં વેચવાની ‘પેટી’ મળી છે. ‘અમારા ગામમાં ગરીબોની હામે જોનારો મોટો માણસ જ નથી’. ગરીબો સારુ વિકાસ, એ વાતું છે’.

આંગણવાડીમાં અમારાં છોકરાંને લેતા નથી

ઉના ખાતે પાવરહાઉસની સામેનો વિસ્તાર ‘ખારા’ વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીં છેલ્લા વીસ વર્ષથી ૧૦૦ જેટલાં દેવીપૂજક કુટુંબો રહે છે. જૂનાં કપડાં વેચવાનું, ભંગારની ફેરીનું અને ડબ્બા-ઢાંકણાં બનાવવાનું કામ કરે છે. નગરપાલિકામાં મત આપે છે પણ એકપણ કુટુંબ પાસે દેખીતાં ગરીબ હોવા છતાં ‘બી.પી.એલ.’ કાર્ડ ન હોવાથી સસ્તા દરે રાહતનું અનાજ મળતું નથી. સરકારે સંડાસ-બાથરૂમ બનાવવાની યોજનામાં તેમને મદદ આપી છે. અહીં માત્ર સંડાસની દીવાલો દેખાય છે, બારણાં નથી ને અંદર માત્ર ખાડો છે. ખાળકૂવો પણ નથી. ચોમાસામાં ઓછું હોય તેમ એમાં પાણી ભરાય છે અને ગંદકી વધે છે. અહીં રસ્તો ન હોવાથી રીક્ષાવાળા પચાસ રૂપિયા ભાડું આપતાંય આવતા નથી. પંદર દિવસે એકવાર પાણી આવે છે. ૬,૦૦૦ રૂપિયા ભરીને બધાંએ લાઈટનાં મીટર લીધાં છે અને વીજળીના તાર અસુરક્ષિત રીતે અહીંતહીં બધે લટકતા જોઈ શકાય છે. કૂપનમાં બે લીટર કેરોસીન મળે છે. નોકરી-સગવડવાળા બી.પી.એલ. કઢાવી શકે છે. રમેશભાઈ અને મધુબેન કહે છે,’ આંગણવાડીમાં અમારાં છોકરાંને લેતા નથી’.

બુલેટ ટ્રેન વિષે અહીંના લોકોને નહાવા-નીચોવવાનો સંબંધ નથી. કહે છે, “મજૂરો બુલેટ ટ્રેનમાં બેસી થોડા મજૂરી કરવા જવાના !”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s