મજૂરો માટે પોતાના વતનમાં દફનાવું જરૂરી નથી

બાલકિશોર છત્તર/

બસંતી જાની ૩૦ વર્ષની ઉમરે વિધવા બની છે. તેનું મૂળ વતન ઓડીશા રાજ્યના બાલાંગીર જિલ્લાના તીતલગઢનું પતલપાડા  ગામ. પોતાના પતિ બનબાસી જાની સાથે પોતાના ચાર બાળકોને લઈને ઈંટો પાડવા ચરોતરના આણંદ મુકામે ૨૦૧૫માં આવેલી. તેની મોટી દીકરી કબીતા ૧૩ વર્ષની અને સૌથી નાનું બાળક ચાર વર્ષનું. સુરેન્દ્ર હરપાલ નામનો વચેટિયો પાંચ હઝાર રૂપિયા ઍડવાન્સ આપીને તેમને લાવેલો. કબીતા રાંધતી, નાના ભાંડુઓને સાચવતી અને બંને પતિપત્ની વહેલી સવારથી મોડી રાત્રે સોથ વળી જાય ત્યાં સુધી કામ કરતાં. ખિસ્સાખર્ચી દર અઠવાડિયે મળતી.

છ મહિના વીતી ગયા. એક દિવસ બનબાસી ભારે તાવમાં સપડાયો. પોતાના પતિને દવાખાને પહોંચાડવા બસંતી માલિક-દલાલને વિનવતી રહી. તેમણે કહ્યું, ‘તે બેચાર દિવસમાં ઠીક થઈ જશે; તું તારું કામ ચાલુ રાખ’. બનબાસી સાજો ન થયો. દસ દિવસમાં તેણે દમ તોડ્યો. બસંતી અને તેનાં બાળકો રોકકળ કર્યાં સિવાય બીજું કંઈ કરી શકે તેમ ન હતાં.

બસંતીને લાગ્યું કે વતન વધારે સારું. હિસાબ માંગ્યો તો માલિકે બાકી નીકળતા પૈસા દલાલને ચૂકવી આપ્યાનું જણાવ્યું. બસંતીને માલિકનું નામ ખબર નથી. તે તેને માત્ર ‘પટેલ’ તરીકે ઓળખે છે. બીજા મજૂરોએ મદદ કરી અને બધાએ મળી બનબાસીને પોતાના ‘કંગાળ-પછાત’ વતનથી સેંકડો જોજન દૂર ભારતના ‘આદર્શ’ રાજ્યની ભૂમિમાં દફ્નાવ્યો.

બસંતી સાસરીમાં પરત ફરી ત્યારે સાસરિયા પતિના મોત માટે તેને જવાબદાર ઠેરવવા તાકીને બેઠા હતા. કદાચ પતિના મસ્તકને ખોળામાં લઈ બળતી ચિત્તામાં બેસવા કરતાં જીવે ત્યાં સુધી જીવતી ચિત્તામાં બેસવું તે વધારે સારું કે કેમ, તેનો જવાબ તો બસંતી જ આપી શકે.

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s