વજુભાઈ પરમાર, હરજીભાઈ અંજારા/
ગુજરાતમાં ચૂંટણી મોડી જાહેર કરવા માટે ચૂંટણીપંચે ગુજરાતમાં ચાલી રહેલ પૂર-અસરગ્રસ્તોના બાકી રહી ગયેલા રાહતકામને એક કારણ ગણાવ્યું. ગુજરાત સરકાર બનાસકાંઠાનાં અમુક ગામોને અન્ય જગ્યાએ વસાવવા માંગે છે. શું બનાસકાંઠાના અસરગ્રસ્તોનું અસરકારક પુનર્વસન થશે?
ખેર, લોકોના કહેવા મુજબ આ વર્ષનું પૂર ખાસ્સું નુકસાનકારક હોવા છતાં ૧૯૭૩ના પૂરની તોલે ન આવે. ૧૯૭૩ની સાલમાં ગુજરાતે કુદરતી પૂરનો ભારે પ્રકોપ વેઠયો હતો. અમદાવાદમાં કાંઠે વસતા લોકોના ઘરો તણાઈ ગયા હતા. આમાંથી ૫૯ દલિત કુટુંબનું પુનર્વસન સરખેજ વિસ્તારના નવા વણઝર મુકામે કરવામાં આવ્યું હતું. આ ઘટનાને આજે ૪૫ વર્ષનાં વહાણાં વહી ગયાં. આ વિસ્તાર ‘મૅગાસિટી’ અમદાવાદનો જ ભાગ છે. ૧૯૭૩માં પ્રહ્લાદનગર, વેજલપુર, બોડકદેવ જેવા અત્યાધુનિક સગવડો ભોગવતા વિસ્તારો ન હતા. આ બધા વિસ્તારો તાજેતરમાં વિકસ્યા હોવા છતાં ત્યાં બાગ-બગીચાસહિત તમામ સગવડો છે; જયારે આ જૂના વિસ્તારમાં પાણી-ગટર-રસ્તા-શૌચાલય-સ્ટ્રીટ લાઈટની સગવડ નથી. ચોમાસામાં એવું લાગે કે દહેજ-ઘોઘાની જેમ આ વિસ્તારમાં ફેરીની વ્યવસ્થા થવી જોઈએ.
૪૫ વર્ષમાં વસ્તી વધી છે પણ અસરગ્રસ્તોનાં મકાન વધે તેવી શક્યતા નથી. યુવાનો ૧૦-૧૨થી આગળ ભણતા નથી. લોકો પાસે ખાસ દરે સસ્તા અનાજ મેળવવા હકદાર બને તેવા એ.પી.એલ કાર્ડ છે પરંતુ સસ્તા અનાજની દુકાનમાંથી તેમને મહિને માત્ર ૪ લીટર કેરોસીન મળે છે. તેઓ ‘ગરીબ મેળાના’ લાભાર્થી બન્યા નથી.
સ્થાનિક લોકો જણાવે છે કે, અમારો જે પણ વિકાસ થયો છે તે અમારી જાત-મહેનતથી થયો છે. અહીં ઘણા લોકો સિમેન્ટની ટ્રક ભરવાની મજૂરી કરે છે. છેલ્લા કેટલાક સમયથી જી.એસ.ટી નામની માનવસર્જિત આફત ઊતરી આવી છે. પરિણામે, ભાવ વધી જતાં સિમેન્ટની ટ્રક ન ભરાતાં એકમાત્ર મજૂરી છીનવાઈ ગઈ છે. નોટબંધીના મારમાંથી હમણાં જ કળ વળી. મજૂરી પર જવું કે પૈસા મળવાની કોઈ ખાતરી ન હોવા છતાં નોટ બદલાવવા લાઈનમાં ઊભા રહેવું કે મજૂરી કરવા જવું? લોકો કહે છે કે કુદરતી આફતને પહોંચી વળાય પણ માનવસર્જિત આફતને નહીં.