છ વર્ષની પ્રીતિને ખબર નથી કે મરવું એટલે શું? તે હજુ પહેલા ધોરણમાં ભણે છે. બધાં એને સમજાવવાની બનતી કોશિશ કરે છે કે તેની મા મરી ગઈ છે પરંતુ તે તેનું રટણ ચાલુ રાખે છે કે એની મા એના બાપ સાથે દવાખાને ગઈ છે.
પ્રીતિની મોટી બહેન મનીષા ૯ વર્ષની છે. એ સમજણી છે. તે દિવસે, ૧૫મી ઑક્ટોબર, ૨૦૧૭ના દિવસે સવારે તે તેની મા સાથે ગઈ હતી. એણે જોયું કે એક સ્ત્રીને એના દીકરાને માને મારી રહ્યાં છે. મારવાવાળા ઉંમરમાં મોટા હતા એનો એને ડર લાગ્યો એના કરતાં એ વાતનો એને વધારે ડર લાગ્યો કે મારવાવાળા ‘ઠાકુર’ હતા. મનીષા મુઠ્ઠી વાળી દોડી અને પોતાના ફળિયામાં બધાને જાણ કરી. એની માનું નામ સાવિત્રી દેવી.
સાવિત્રી દેવી ૩૪ વર્ષની. એના પતિનું નામ દિલીપ. પહેલી પત્ની મેલેરિયામાં મરી એટલે દિલીપે સાવિત્રી દેવી સાથે લગ્ન કર્યા. સાવિત્રી સગર્ભા હતી અને એને આઠમો મહિનો ચાલતો હતો. સાવિત્રી સગર્ભાવસ્થાની છેલ્લી અવસ્થામાં પથારીમાં આરામ કરતી ન હતી. તેનો પતિ બાંધકામમાં મજૂરી કરતો હતો. એને જો દરરોજ કામ મળે તો એની ૨૫૦ રૂપિયાની આવકમાં ઘર ચાલે તેમ ન હતું એટલે સાવિત્રી પાંચ ગામના ઠાકુરના ઘરોમાંથી કચરો ભેગો કરવાનું કામ કરતી હતી. એને મહિનાના ૧૦૦ રૂપિયા મળતા. રોજ વહેલી સવારે તે કચરો ભેગો કરવા જતી.
એનું અત્યારનું ગામ ખેતલપુર ભંસોલી. તાજમહેલથી શોભતા ઉત્તરપ્રદેશના રાજ્યના બુલંદશહર જિલ્લાનું ગામ ભારતના પાટનગર દિલ્હીથી માંડ ૭૦ કિલોમીટર દૂર છે. ૧૫મી ઑક્ટોબરની સવારે સાવિત્રી દેવી પોતાના કામે લાગી હતી. સવારના નવ વાગ્યા હતાં. ઘરે કાલનાં સાફ કર્યા વગરનાં વાસણ હજુ તેની રાહ જોતાં પડ્યાં હતાં. તેના પેટમાં બાળક હતું એટલે નીચે વળવા-ઊભા રહેવામાં અગવડ પડે તે સ્વાભાવિક હતું.
એકદમ એની પાછળથી રીક્ષા નીકળી. એને કદાચ પોતાના કરતાં પોતાના પેટમાંના બાળકની ચિંતા વધારે હતી. એણે રીક્ષાની અડફેટે ન ચઢે એટલે જલદી ખસવા પ્રયત્ન કર્યો. એનું સંતુલન ખોરવાયું. રીક્ષાની ટક્કર તો ન લાગી પણ તેને પડી ન જાય માટે બાજુમાં પડેલી કચરાપેટીની ડોલનો સહારો લેવો પડ્યો. એ ડોલ ઠાકુર અંજુની હતી. સાવિત્રી દેવી અંજુના ઘરનો કચરો ઉઠાવવાનું કામ કરતી ન હતી.
પોતાની કચરાપેટીને ‘અછૂત’ સ્ત્રીનો હાથ લાગેલો જોઈ અંજુનો ગુસ્સો ફાટ્યો. એણે સાવિત્રી દેવીને મારવા માંડી. મારવાની જગ્યા એણે બાળક જન્મવાની રાહ જોતું હતું તે પેટને પસંદ કર્યું. પેટમાં મુક્કા માર્યા. સાવિત્રીનું માથું દીવાલમાં પૂરી તાકાતથી ભટકાડ્યું. સાવિત્રી દેવીની ચિચિયારી અને પોતાની માની બુમરાણ સાંભળી અંજુનો જવાનજોધ દીકરો રોહિત બહાર નીકળ્યો. તેણે લાકડીથી સાવિત્રીને ફટકારી. અછૂત સ્ત્રીના શરીરને હાથથી મારતાં મા-દીકરો ન અભડાયાં. તેમને પોતે અપવિત્ર થઈ જાય તેના કરતાં કચરો ભરવાની પોતાની ડોલ અપવિત્ર થઈ ગઈ તેનો જવર હાડોહાડ વ્યાપી ગયો હતો. બીજી દલિત સ્ત્રીઓ દોડીને આવી અને છોડાવી ત્યાં સુધી સાવિત્રી પીટાતી રહી.
દિલીપ પણ ખબર પડતાં આવ્યો. તેણે પોતાની પત્નીને દવાખાને તાત્કાલિક લઈ જવાનું પસંદ કર્યું. ડૉકટરે આમતેમ તપાસી કહ્યું કે શરીરે કોઈ ઈજા દેખાતી નથી ને લોહી પણ નીકળ્યું નથી એટલે કંઈ સારવારની જરૂર નથી. ઘરે આવ્યા પણ સાવિત્રીની માથા-પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ ચાલુ રહી. બનાવના ત્રીજા દિવસે સાવિત્રીને સારું ન થતાં દિલીપ પોલીસમથકે ફરિયાદ કરવા પહોંચ્યો. પોલીસે ફરિયાદ ન લીધી. કારણ ઈજા દેખાતી ન હતી અને લોહી નીકળતું ન હતું. ઉત્તરપ્રદેશની યોગી સરકારનો નવો કાયદો હતો કે ઈજા દેખાય અને લોહી નીકળે તો જ ફરિયાદ લેવી. અગાઉ માયાવતીનો કાયદો હતો કે ગંભીર ગુનો જણાય તો જ અત્યાચાર કાયદા હેઠળ ફરિયાદ નોંધવી.
વીસમી તારીખે બનાવની ચર્ચા વધારે જાગતાં પોલીસે સાક્ષીના નિવેદન નોંધ્યાં અને નજરે જોનાર દલિત સ્ત્રીઓએ સાક્ષી પૂરી એટલે સાદી ઈજાની ફરિયાદ નોંધી.
૨૧મી તારીખે સાવિત્રીની તબિયત લથડી. એમ્બુલન્સ બોલાવી. હોસ્પિટલ પહોંચ્યા. ઘણું મોડું થઈ ગયું હતું. સાવિત્રી અને એના પેટમાં અવતરવાની રાહ જોતો સંપૂર્ણ સ્વસ્થ દીકરો મરણ પામ્યાં હતાં. પોસ્ટમોર્ટમ અહેવાલ સ્પષ્ટ છે: સાવીત્રી દેવીનું મરણ એને મર્યા પહેલાં થયેલી માથાની ઈજાને કારણે થયું છે. અંજુ-રોહિત ફરાર છે. અંજુની ૨૪ વર્ષની રીસામણે આવેલી દીકરી જ્યોતિ પોતાની માના બચાવમાં જણાવે છે કે ‘અમારી કચરાની ડોલ સાવિત્રીના હાથમાં જોઈ મારી માને લાગ્યું કે તે અમારી ડોલ ચોરી જવાની છે’. એનો બચાવ એની માનસિકતાની ઘણી વાતો કહી જાય છે.
સ્વતંત્રતા એ આ દેશમાં કયા ખેતરની મૂડી છે તે સમજાતું નથી.