વિકાસ હોય ત્યાં ગરીબી કેવી રીતે હોય?
માર્ટિન મૅકવાન
ભારત ૧૯૪૭માં આઝાદ થયો ત્યારે ગરીબી સંતાડવામાં આવતી ન હતી પરંતુ ‘ગરીબી હટાઓ’ તેવા મુદ્દા પર ચૂંટણી લડાતી હતી. ૨૦૧૭માં ચીન-જાપાન-અમેરિકા કે અન્ય દેશના મહાનુભાવો ગુજરાતના વિકાસ-દર્શને આવે ત્યારે હવાઈમથકથી સભાસ્થળે જતાં રસ્તામાં જેટલી આવે તે તેટલી બધી ઝૂંપડપટ્ટીને પ્લાસ્ટિકની લીલી જાળીથી ઢાંકી દેવામાં આવે છે.
ગરીબીને નાથવા દેશમાં ‘ગરીબીની રેખા’ આંકવામાં આવી, જેથી આર્થિક આયોજનમાં જે કુટુંબો ગરીબી-રેખા હેઠળ હોય તેમના વિકાસ માટે આયોજન કરી શકાય. ૧૯૭૮ની સાલમાં ગરીબીને માપવા ‘કેલરી’નો માપદંડ દાખલ કરવામાં આવ્યો. શરીરને ટકાવી રાખવા ઓછામાં ઓછી કેટલી કેલરી (ઊર્જા) જોઈએ અને તે મેળવવા કેટલો ખોરાક જોઈએ અને તે ખોરાક બજારમાંથી કેટલા પૈસામાં ખરીદી શકાય તેના માપે ગરીબીની રેખા આંકવામાં આવી. ગામડામાં જીવવા માટે ૨,૪૦૦ અને શહેરમાં જીવવા ૨,૧૦૦ કેલરી જોઈએ તેવી ગણતરી માંડી નક્કી થયું હતું કે ગામડામાં રહેતાં જે વ્યક્તિની આવક મહિને ૬૧ રૂપિયા ૮૦ પૈસાથી અને શહેરમાં રહેતાં વ્યક્તિની આવક ૭૧ રૂપિયા અને ૩૦ પૈસાથી ઓછી હોય તેમને ગરીબીની રેખા હેઠળ ગણવાનું નક્કી થયું હતું.
એ પછી આવતી તમામ સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખી ગરીબીની નવી રેખા નક્કી કરી. મનમોહનસિંહની સરકારે જયારે ગામડે રહેતા અને દિવસના ૨૬ રૂપિયાથી ઓછા કમાતા અને શહેરમાં રહેતા અને રોજના ૩૨ રૂપિયાથી ઓછા કમાતા લોકોને ગરીબીની રેખા નીચા ગણ્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ આ નીતિનો ભારે વિરોધ કર્યો હતો. ૩૧મી ઑગસ્ટ, ૨૦૧૦માં ભાજપના નેતા ગડકરીએ એટલી હદે માંગણી મૂકી કે ‘બી.પી.એલ.’ની મર્યાદા વધારી એક લાખ રૂપિયા કરવી જોઈએ’.
ગરીબીની રેખા નક્કી કરવાની સત્તા દરેક રાજ્યને પોતાના રાજ્યમાં આપવામાં આવી છે. ગુજરાતે ગરીબીરેખા વધારી એક લાખ રૂપિયાની કરી? સૌથી વિચિત્ર વાત એ હતી કે, ૨૦૧૪ની સાલમાં ગુજરાત સરકારે મોદીની આગેવાની હેઠળ ગરીબીની રેખા ઘટાડી દીધી અને ગામડે રહેતાં અને રોજના ૧૧ રૂપિયા અને શહેરમાં રહેતા વ્યક્તિ જેઓ રોજના ૧૭ રૂપિયાથી ઓછા કમાતા હોય તેમને ‘ગરીબીની રેખા’ નીચે ગણ્યા. ગુજરાતના મુખ્યમંત્રીએ નવી શોધ કરી કે ‘ગરીબી દૂર કરવી હોય તો ગરીબીરેખા બદલી ગરોબોની સંખ્યા ઓછી કરી નાંખો’. ગુજરાત માટે પોતે વિકાસ કર્યો છે તેવું દુનિયાને બતાવવા ‘ગુજરાતમાં ગરીબો નથી’એ બતાવવું ખૂબ જરૂરી હતું.
ગુજરાતમાં વિકાસના લાભાર્થી ગણ્યાગાંઠ્યા લોકો સંગઠિત હતા એટલે ધોળે દિવસે ગરીબોને સરકારી ચોપડે ખતમ કરી નાંખવાના કાવતરાનો વિરોધ કોણ કરે? આ મામલે ગુજરાતની વડી અદાલતમાં જાહેર હિતની અરજી થઈ. સરકારના વિકાસની ઘણી વાતો બહાર આવી, તેમાંથી એ વાત પણ બહાર આવી કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા બે લાખ તેંતાલીસ હજાર અને આડત્રીસ (૨,૪૩,૦૩૮) સફેદ બી.પી.એલ. કાર્ડ બનાવવામાં આવ્યાં હતાં પણ ૨૦૧૪ સુધી તેમાંથી ઈઠ્ઠોતેર હજાર ઓગણચાલીસ (૭૮,૦૩૯) કાર્ડ તો વહેંચવામાં જ આવ્યાં ન હતાં.
ભારતમાં ગરીબો કેટલા? આંકડો નક્કી થતો જ નથી. ‘બી.પી.એલ. કાર્ડ હોય તો જ તમે ગરીબ’ એવા છેલ્લા ફતવાથી લાખો ગરીબો સરકારી ચોપડેથી ગરીબ મટી ગયા, જેમાં ભાત ના દાણા વગર મરી ગયેલી ઝારખંડની ૧૧ વરસની સંતોષી પણ ખરી !
ભારત સરકારે અર્થશાસ્ત્રી સુરેશ તેંદુલકરની સમિતિ નીમી. સમિતિના તારણ અનુસાર, બજારભાવે ૨૦૦૯-૧૦ની સાલમાં ગ્રામીણ વિસ્તાર માટે માસિક ૬૭૩ અને શહેરી વિસ્તાર માટે માસિક ૮૬૦ રૂપિયાથી ઓછી આવકવાળાને ‘અત્યંત ગરીબ’ ગણ્યા. તેંદુલકર સમિતિએ ૨૦૧૧-૧૨માં વધેલી મોંઘવારીને ધ્યાનમાં લઈ ગ્રામીણ વિસ્તાર માટે માસિક ૬૭૩ અને શહેરી વિસ્તાર માટે માસિક ૮૬૦ રૂપિયાથી ઓછી આવકવાળાને ‘અત્યંત ગરીબ’ ગણ્યા. એ રીતે જોતાં ભારતમાં ‘અત્યંત ગરીબ’ની સંખ્યા ૨૭ કરોડની, એટલે કે ભારતની કુલ વસ્તીના ૨૧.૯ ટકા લોકો નક્કી થયા.
તેંદુલકર સમિતિની ભલામણ પર પુનર્વિચાર કરવા સારું બીજા ખ્યાતનામ અર્થશાસ્ત્રી રંગરાજનના વડપણ હેઠળ સમિતિ બની. રંગરાજન સમિતિએ ભલામણ કરી કે ૨૦૦૯-૧૦ના વર્ષ માટે ગ્રામીણ વિસ્તારમાં ગરીબીની રેખા ૬૭૩ રૂપિયાના બદલે ૮૦૧ અને શહેરી વિસ્તારમાં રૂપિયા ૮૬૦થી વધારી ૧,૧૯૮ ગણવા જોઈએ. તેમની ભલામણને જોતાં ભારતમાં ‘અત્યંત ગરીબ’નો આંકડો ૨૭ કરોડથી વધી ૩૬ કરોડ ૩૦ લાખ, એટલે કે દેશની ૩૮.૨ ટકા વસ્તી થઈ. રંગરાજન સમિતિએ એ પણ ધ્યાન દોર્યું કે શહેરમાં ગરીબો વધ્યા છે. ખાસ ધ્યાનમાં રાખવાનું કે ગરીબીની રેખા નક્કી કરવા જે આર્થિક માપદંડ નક્કી કર્યો છે, તેમાં માત્ર ‘ભૂખે ન મરવાના’ પૈસા જ ગણ્યા છે. તેમાં કપડાં-લત્તાં-આગળ વધવાનાં સપનાં ગણ્યાં નથી. જો જેમ જેમ વર્ષો વધે તેમ તેમ ગરીબી વધે તો વિકાસ કોને કહેવો?
અત્યારે ગુજરાતનાં ગામડે ગામ બી.પી.એલ.ની બુમરાણ છે. વિકાસની વાતોમાં ગરીબો વેતરાઈ ગયા છે. બી.પી.એલ.ના લાભાર્થી કોણ, એનું સૌથી સારું મોડલ કેરાલા રાજ્યનું છે.
કેરાલામાં જેની પાસે (૧) બે ગુંઠાથી ઓછી જમીન હોય કે જમીન ન હોય, (૨) ઘર ન હોય કે તૂટેલું ઘર હોય (૩) શૌચાલય ન હોય, (૪) ઘરમાં ભણેલી (અક્ષરજ્ઞાન વગરની) વ્યક્તિ ન હોય, (૫) સ્થાયી આવક કમાતી વ્યક્તિ ઘરમાં ન હોય, (૬) સ્વચ્છ પીવાલાયક પાણીથી કુટુંબ વંચિત હોય, (૭) જે કુટુંબની મોભી સ્ત્રી-વિધવા-ત્યકતા હોય, (૮) જે કુટુંબ અનુસુચિત જાતિ-જનજાતિનું હોય અને (૯) જે ઘરમાં માનસિક રીતે બીમાર વ્યક્તિ હોય તેવા તમામ કુટુંબોને ગરીબીની રેખા હેઠળ ગણવામાં આવે છે. ભાજપ એવો પ્રચાર કરે છે કે દેશ ગુજરાત વિરોધી છે.
હકીકત એ છે કે ગુજરાતમાં ભાજપ ગરીબ-વિરોધી છે અને આ બધા ગરીબો ‘ગુજરાતી’ છે એટલું જ નહિ પરંતુ તે તમામ ધર્મો અને જ્ઞાતિના છે. જ્યાં સરકારી પ્રચાર પાછળ કરોડો રૂપિયાના ધુમાડા થતાં હોય તે રાજ્યમાં વિધવા બેનોને ‘વિધવા સહાય’ મેળવવા ભિખારીની જેમ લાઈનમાં ઊભા રહેવું પડે તે વિકાસના નામે માત્ર ગરીબોની મજાક છે.