વજુભાઈ પરમાર, હરજીભાઈ અંજારા/
બીનલ અને શર્મિષ્ટાબેન મૂળ માતર તાલુકાના અસામલી ગામનાં. છેલ્લાં આઠ વર્ષથી ગાયત્રીનગર-સરખેજમાં રહે છે. બંને બહેનોના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મકાન ભાડાનું છે. આખી જિંદગી અહીં રહીને પોતાનું મકાન બનાવી નહીં શકાય તેની પાક્કી ખાતરી છે. પાણી નળમાં આવે છે પણ રોજનું અડધો કલાક. મચ્છર-બીમારી-ખાનગી અને મોંઘી સારવારનો કોઈ વિકલ્પ નથી. નોટબંધી મોંઘી પડી. ૨,૦૦૦ રૂપિયાની એક નોટ લેવામાં ૨૦૦ રૂપિયાની મજૂરી ગઈ. ઘર ચલાવવું કે બાળકો ભણાવવા તેની ભારે મૂંઝવણ છે. ગરીબ કલ્યાણ મેળાની વાત સાંભળી છે. શહેરમાં રહેવાનું પણ શૌચાલય બહાર ખુલ્લામાં જવાનું !
૭૫% સાથે એન્જિનિયરીંગ પાસ કર્યું; હાલમાં મજૂરી કરે છે
હિંમતભાઈ ધોલકા તાલુકાના ધીંગળા ગામેથી ૨૦ વર્ષ પહેલાં સરખેજના ગાયત્રીનગરમાં સ્થાયી થયા. ચૂંટણીની પહેલાં ઘટતા ભાવ ચૂંટણી પછી વધે તેવી ઘણી બધી ઘટનાઓના તે સાક્ષી રહી ચૂક્યા છે એટલે ભાવઘટાડાના સમાચારથી તેમનો ચહેરો ચમકી ઊઠતો નથી. રેશન કાર્ડ નથી. ભત્રીજો એન્જિનિયરીંગમાં ૭૫ ટકે પાસ થયો છે. નોકરીની આજીવન રાહ જોયા કરતાં મજૂરીએ લાગ્યો છે.
ભોજનની થાળીના ૬૦ ને બદલે ૭૦ થયા ત્યારે જી.એસ.ટી. ની ખબર પડી
ગલાભાઈ પણ ૨૦ વર્ષ પહેલા ધોળકા તાલુકાના ઉતેડિયા ગામે પોતાનું ખોરડું છોડી સરખેજમાં સ્થાયી થયેલા. દર વર્ષે નવા રૉડ બને અને થોડા સમયમાં તેનું રીપેરીંગ થાય, તેની પાછળની ગતિવિધિઓથી તેઓ પરિચિત છે. તનતોડ મહેનતથી પોતાની માલિકીનું ઘર બનાવી શક્યા છે. ભણેલાં દીકરા-દીકરી ૭,૦૦૦ રૂપિયાની ખાનગી નોકરી કરે છે. ગામડે હતા ત્યારે ૨૦ વર્ષ પહેલાં જમીન મળેલી, તે એકમાત્ર મળેલો સરકારી લાભ છે. નોટબંધીની દોડાદોડીમાં તે માંદા પડેલા તે યાદ રહી ગયું છે. જી.એસ.ટી.ની ખબર ન હતી પણ ભોજનની થાળીના ભાવ ૬૦ રૂપિયાથી ૭૦ થયા એટલે ખબર પડી. કર માળખું સરળ બને તેમાં મોંઘવારી વધે તે સમજાતું નથી.
સસ્તું અનાજ હકીકતે ઘણું મોંઘુ પડે છે
ભવાનભાઈ, શીવાભાઈ, ખાનાભાઈ, જેઠાભાઈ, હરિભાઈ પોતાના વતન સુરેન્દ્રનગર જિલ્લાના ભલગામડા, ધંધુકા તાલુકાના પડાણા, ખરડ અને રોજીદ તથા લીમડી તાલુકાનું ભોઈકા છોડી, છેલ્લાં પંદરેક વર્ષથી સરખેજના ગાયત્રીનગર વિસ્તારમાં સ્થાયી થયા છે. તેમનું જીવન મજૂરી આધારિત છે અને તેમાં પણ થોડા સમયથી મંદી વેઠી રહ્યા છે. ગરીબોના હાથમાંથી જમીનો પૈસાદારોના હાથમાં કયા-કયા વાને સરકી ગઈ છે, તેના આટાપાટા તેઓ સુપેરે સમજે છે. લોકોને મજૂરીના ફાંફાં હોય ત્યારે અઢળક રૂપિયા ખર્ચે થતાં મેળાવડા સામે અસંતોષ વ્યક્ત કર્યા સિવાય તે બીજું કશું કરી શકતા નથી !
રેશન કાર્ડ ગામમાં છે અને મજૂરી ગામમાં નથી. સરકારી નિયમ પ્રમાણે ગામની સસ્તા અનાજની દુકાનમાં અંગૂઠો વાગે તો જ અનાજ મેળવવાની કૂપન નીકળે છે. મશીન દ્વારા વહીવટ થાય ત્યાં સામાજિક વાસ્તવિકતાની રજૂઆત ક્યાં થાય? ઘણા લોકો પોતાનું રેશન કાર્ડ ચાલુ રહે એટલા માટે દિવસની મજૂરી ભાંગી, ભાડું ખર્ચી પોતાના વતનમાં મશીનમાં પોતાનો અંગૂઠો મારવા જાય છે. ગરીબીની રેખા હેઠળ ગણાતા કુટુંબોને મળેલું કહેવાતું સસ્તા ભાવનું અનાજ ખાસ્સું મોંઘુ પડે છે. સસ્તું અનાજ ન લેવા જનારની સંખ્યા મોટી છે એટલે ‘ગરીબી ઘટવાના’ સરકારી આંકડા વધે છે. બૅંકમાં ખાતાં ખોલાવીને બેઠા છે. એ.ટી.એમ.ની વ્યવસ્થા પણ છે પણ ખાતામાં પૈસા નથી!