પ્રીતિબેન વાઘેલા/
ધોળકા શહેરના ‘ગધેમાર’ વિસ્તારમાં સૂરજ મોડો જાગે છે. સવારે ત્રણ વાગે લોકો જાગી જાય છે. અમદાવાદમાં શાકભાજી રાત્રે ઠલવાય છે અને ત્યાંથી જથ્થાબંધ ભાવે શાકભાજી લાવી તેને લારીમાં ગોઠવી, પાણી છણકોરી વહેલી સવારે ધોળકા શહેરની સોસાયટીઓમાં શાકભાજી વેચવા નીકળી પડવું, તે અહિયા રહેતાં લગભગ ૩૦૦ ‘દેવીપૂજક’ પરિવારો માટે નિત્યક્રમ છે. સંપત્તિમાં બધાં પાસે શાકભાજી વેચવા માટે ચાર પૈડાંવાળી ‘લારી’ છે, જેને દિવસભર હાથથી ધકેલવી પડે છે. આ વ્યવસાયમાં સ્ત્રી ‘પુરુષ સમોવડી’ છે.
બપોરે એકાદ વાગતાં ઘરે જઈ રોટલા ભેળા થવાનું અને પડખું ફર્યા-ન-ફર્યા કરી સાંજે ‘લારી’ માંડવાની.
એમનું રહેણાક ‘છાપરાં’, જે તેમણે પોતાના શ્રમ-પરસેવાથી બનાવેલાં છે. ‘મૂડી’નો અભાવ છે એટલે ઘણા ‘વ્યાજે’ પૈસા લઈ એમાંથી દિવસે ધંધો કરી સાંજે કમાણીમાંથી ‘મૂડી-વ્યાજ’ ભરપાઈ કરે છે. મોટાભાગના બી.પી.એલ. લાભાર્થી ન હોઈ સસ્તા-અનાજના ગરીબને મળતાં એકમાત્ર સરકારી લાભથી વંચિત છે.
વ્યવસાયને કારણે જાત-ભાતના લોકોના સંપર્કમાં આવે છે અને સમાજમાં જ્ઞાતિના આધારે ચાલતાં સંગઠનો જુએ છે એટલે એમની ફરિયાદ રાજકીય સ્વરૂપની છે, ‘અમારા સમાજમાં કોઈ લડવા-બોલવાવાળું નથી એટલે અમારો ‘અવાજ’ આગળ જતો નથી.
પહેલાં નોટબંધી અને પછી ‘જી.એસ.ટી.’થી તેમના ધંધાને ઘણું નુકસાન થયું છે. શાકભાજી મોંઘુ થવાથી ‘ખરીદી’ ઘટી છે. અગાઉ તેમને દિવસભરની રઝળપાટને અંતે ૨૦૦-૩૦૦ મળતા હતા તે હવે ઘટીને ૧૫૦-૨૦૦ થઈ ગયા છે. ક્યારેક ‘માલ’ વેચાતો નથી એટલે પડી રહે છે. આવી પરિસ્થિતિ તેમનું ‘અર્થતંત્ર’ ખોરવી નાંખે છે.
ઘરમાં ચાર છોકરાં હોય તેમાંથી એકને ભણવાની તક મળે છે. માબાપને બાળકોને ભણાવવાનું પોષાય તેમ નથી. બીજી પેઢી આ વારસાગત ‘ધંધો’ સંભાળી લેશે. અહીં રહેતાં લોકોમાંથી ઘણા શહેરમાં બે પૈસા વધારે મળે તેવી ગણતરી કરી ‘સ્થળાંતર’ કરી આવેલા છે. એમની પાસે મકાન નથી એટલે શહેરમાં અગાઉથી રહેતાં સગાંનાં ‘ઘર’ની બાજુમાં પડેલી ખુલ્લી જગ્યામાં ‘ઝૂંપડું’ તાણે છે. સમાજ એકબીજાને ટેકો કરે છે. પેટ એમની પાસે ઘણાં કામ કરાવે છે, જે તેમને મંજૂર નથી. ‘દારૂબંધી’ ગુજરાતમાં લોકોને ‘નોટબંધી’ની જેમ પરેશાન કરતી નથી એટલે એ અંગે આંતરે દહાડે થોડા નૈતિકતાના હોબાળા થાય છે અને અંતે ઘીના ઠામમાં ઘી પડી રહે તેમ, લોકો દારૂબંધીથી ટેવાઈ જાય છે.
ઢળતી ઉંમરે હાથ લાંબો કરવો પડે
જીવુબેન નાયકને ‘તમારી ઉંમર કેટલી?’ તેમ પૂછવાની જરૂર ન જણાઈ. તેમનું મૂળ ગામ ધોળકા તાલુકાના કોઠને અડીને આવેલું ‘ટપરપરા’. પતિના મરણ બાદ નાના દીકરાને તેડીને બેગવા ગામે આવીને ભાડાની એક ઓરડીમાં વસી ગયાં. તે વાતને આજે ૧૯ વરસનાં વહાણાં વહી ગયાં. દીકરાને પરણાવ્યો એટલે તે વહુ સાથે કચ્છમાં મજૂરી કરવા ગયો છે. ક્યારેક ક્યારેક મા માટે ‘પૈસા’ મોકલાવે છે. જીવુબેન આ ગામના ‘મૂળ’ નાગરિક નથી એટલે એમને બી.પી.એલ. કાર્ડ મળે, તેમાં હજાર ‘ટેકનિકલ’ વાંધા કાઢવા માટે સરકાર પાસે સમય છે. સરકારે કોઈ પણ પ્રકારના વાંધા-વચકા કાઢ્યા વગર એમને ‘આધાર-કાર્ડ’ કાઢી આપ્યું છે. એમના ઘરમાં લાઈટ નથી અને ‘અંતર’ના અજવાળે ટકી રહ્યાં છે. ફળિયામાં કોઈની ‘આંતરડી કકડી ઊઠે’ તો તે થોડું ખાવાનું તેમની તરફ લંબાવે છે. બાજુમાં રહેતાં ગૌરીબેન એમને બી.પી.એલ. કાર્ડ અપાવવા ઘણું મથ્યાં પણ સફળ ન થયા. ઢળતી ઉંમરે પેટનો ખાડો સમતળ રાખવા હાથ લંબાવવો પડે, તેને ક્યા મોઢે વિકાસ કહેવો?