તાજેતરમાં કેરાલામાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ રૅલી કાઢી. કેરાલામાં આર.એસ.એસ.ના કાર્યકર્તાઓની સતત હત્યા કરવામાં આવી રહી છે તે મુદ્દો આ રૅલીના આયોજન પાછળ હતો. હત્યા કોઈની ન થવી જોઈએ એવું આપણે બધા માનીએ છીએ. પરંતુ આ રાજકીય હત્યાના માહોલમાં કેરાલા ઉપર માછલાં ધોવાઈ રહ્યાં છે.
ગુજરાતને દેશનું આદર્શ અને વિકાસનું મોડેલ રાજ્ય ગણવામાં આવે છે. સાચું. ૩,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સરદારનું દુનિયાનું સૌથી ઊંચું બાવલું ગુજરાતમાં બની રહ્યું છે; કેરાલામાં નહીં. એ બાવલું અને એની આજુબાજુ પર્યટકો માટે બાગ-બગીચા બનાવવા કેટલા હજાર આદિવાસીના ઝૂંપડાં તોડી નાંખ્યાં અને તેમની કેટલા હજાર એકર જમીન આંચકી લીધી તેની વાત ખાસ થતી નથી. રીવરફ્રન્ટમાં છેક નર્મદાનું પાણી લાવી સાબરમતી નદી ભરી છે ગુજરાતના મનોરંજન માટે, તેવું કેરાલામાં થયું નથી.
હકીકતમાં દલિત-આદિવાસીના વિકાસની વાત લઈએ તો ભારતનું આદર્શ અને મોડેલ રાજ્ય ગુજરાત નહિ પણ કેરાલા છે. આ તમારા-મારા જેવા લોકોએ ઊભી કરેલી વાત નથી પણ એવું ભારત સરકારના પોતાના આંકડા કહે છે.
અનુસૂચિત જાતિના વિકાસ માટે ૨૦૧૬-૧૭માં કેરાલા સરકારે ૧૭૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા અને એમાંથી દલિતોને સીધો લાભ મળે તે માટે ૧૬૯૬ કરોડ રૂપિયા એટલે કે ૭૯ ટકા નાણાં વાપર્યાં. આની સામે ગુજરાત સરકારે આજ વર્ષમાં ૩૯૯૮ કરોડ રૂપિયા ફાળવી તેમાંથી દલિતોને સીધો લાભ થાય તેવી રીતે માત્ર ૧૦૯૦ કરોડ રૂપિયા એટલે કે માત્ર ૧૮.૯ ટકા પૈસા વાપર્યા.
અનુસૂચિત જનજાતિ માટે ૨૦૧૬-૧૭ના વર્ષમાં કેરાલા સરકારે નિયમ પ્રમાણે, ૩૪૨ કરોડ રૂપિયા ફાળવવાના થાય તેના બદલે આદિવાસી પ્રજા માટે ૬૫૨ કરોડ રૂપિયા ફાળવ્યા. એટલું જ નહીં પરંતુ તેમાંથી ૬૦૮ કરોડ રૂપિયા તેમને સીધો લાભ થાય તેવી રીતે વાપર્યા. આવું કરવાવાળા ભારતના ૧૦ રાજ્યોમાં ગુજરાતનો નંબર આવતો જ નથી.