અસુરક્ષિત પરપ્રાંતના મજૂરો

5.-The-entire-family-comprising-husband-wife-and-children-move

સુનીતા બંજારેની ઉંમર ૨૬ વર્ષ છે અને તે પાંચ વરસના દીકરા અને ત્રણ વર્ષની દીકરીની મા છે. તેનો પતિ અકાળે મૃત્યુ પામતા સુનીતા વિધવા બની છે. સુનીતા કે તેના પતિએ કદાચ ભારતનું બંધારણ વાંચ્યું ન હતું એટલે તેમને ભારત દેશના નાગરિક તરીકે દેશના કોઈપણ ખૂણે જઈ રોજગારી મેળવવાનો મૂળભૂત અધિકાર છે તેની જાણ ન હતી. પણ વખાના માર્યા રોટલાની શોધમાં તેઓ ગુજરાત આવ્યા હતા.

છત્તીસગઢ કુદરતી સંપત્તિથી ભરપૂર રાજ્ય છે પણ ત્યાં પણ વિકાસ માટેની દોટમાં સ્થનિક ગરીબો શોધ્યા જડતા નથી. પૈસાદારો વધુ ધનિક બની ગયા છે એટલે જેમની પાસે હાથ-મજૂરી માત્રની આવડત છે તેમને રોટલાની શોધમાં ભટકવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સુનીતા અને તેનો પતિ પણ બાળકોને લઈને ૨૦૧૫ ની સાલમાં વિકાસશીલ ગુજરાત રાજ્યમાં આવી ગયા. ધોળકા તાલુકાના ચલોડા ગામે ઈંટના ભટ્ઠામાં તેમને ઈંટો પાડવાનું કામ મળ્યું. રહેવા માટે ખેતરમાં જ કાચી ઈંટ-પ્લાસ્ટીકનું છાપરું અને પીવા માટે ખેતરનું ખારું પાણી. જાજરૂ-પાણી તો વાડે જ હોય.

દિવાળી હમણાં જ પતી હતી ને કાળી મજૂરી કરી દિવસના અંતે આ કુટુંબ સૂતું હતું ત્યાં તેમના આવાસમાં ઝેરી સાપ ઘુસી ગયો અને પતિને ડંસી ગયો. સ્થળાંતરિત મજૂર ટોળકીનો એક સરદાર હોય, જે મજૂર-માલિક વચ્ચેની કડી હોય. સરદારને અને તેના દ્વારા માલિકને રાત્રે બે વાગે બનેલી ઘટનાની જાણ કરી. આ વાતને ગંભીરતાથી લેવાવાળું અને તેને દવાખાને લઈ જવાવાળું કોઈ ન મળ્યું. વિનંતી-આજીજીમાં સવાર પડી ગઈ. છેવટે સુનીતા દેવીએ જ પોતાના ધણીને રીક્ષામાં નાંખી દવાખાને લઈ જવો પડ્યો પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ઈંટના ભટ્ઠામાં સૂરજ ઊગી ગયો હતો પણ સુનીતા અને તેનાં બે બાળકોની જિંદગીમાં અંધારાં ઊતરી આવ્યાં હતાં.

ભટ્ઠાના માલિકને વધુ કોઈ આપત્તિ વહોરવી ન હતી. સુનીતા દેવીને ૨૦,૦૦૦ રૂપિયા પકડાવી દીધા અને સુનીતા પોતાના પતિને સ્થળાંતરની ભૂમિમાં જ દફનાવી પોતાના બાળકોને લઈ છત્તીસગઢ પાછી ફરી. ઝાંઝગીર ચાંપા જિલ્લાના દરેક ગામથી પચ્ચીસ-ત્રીસ કુટુંબો ઈંટો પાડવા દર વર્ષે ગુજરાત આવે છે. આંતરરાજ્ય સ્થળાંતરિત મજૂરો માટે તેમના હક્કોના રક્ષણ માટે કાયદો જરૂર છે. ગુજરાતને જ્યાં એની બહુમતી ગરીબ પ્રજા દેખાતી નથી ત્યાં એને પરપ્રાંતના મજૂરોના હક ક્યાંથી દેખાય?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s