પ્રોફ સુખદેવ થોરાતના લખાણને આધારે/
આભડછેટનાબૂદ કરવાની બૂમ કરતાં અનામતનાબૂદ કરવાની બૂમ વધારે મોટેથી સંભળાય છે. આર.એસ. એસ. છાશવારે અનામત અંગે પુનર્વિચાર થવો જોઈએ, તેવો મુદ્દો એકથી વધુ વખત ઉઠાવી ચૂક્યું છે. અનામત જ્ઞાતિ આધારિત છે તે સાચું છે પણ દલિતોમાં અનામતના લાભાર્થી માત્ર હિંદુ, શીખ અને નવબૌદ્ધો જ છે તે પણ સાચું. એટલે અનામતના લાભાર્થી બહુમતી હિંદુ જ હોય તો પછી હિંદુહિતને વરેલ આર.એસ.એસ.ને અનામત સામે વાંધો શો હોઈ શકે?
અનામતના સંદર્ભમાં માંગ ઊઠી છે કે ‘જ્ઞાતિ’નો માપદંડ કાઢી તેના સ્થાને ‘આર્થિક માપદંડ’ દાખલ કરવામાં આવે. અનામત વિષે એવા દાવા રજૂ કરવામાં આવે છે કે અનામતથી દલિત-આદિવાસીને બહુ લાભ થયો નથી. અનામતનો લાભ આર્થિક રીતે સુખી દલિત-આદિવાસી જ ભોગવી રહ્યા છે તેવી વાત પણ વહેતી થઈ છે. અનામતનીતિના કારણે તંત્રમાં અકુશળતા આવે છે તેવી જૂની પિપૂડી વાગે છે. છેલ્લે એવી માંગ ઉઠાવવામાં આવી રહી છે કે અનામતની મર્યાદા બાંધવી જોઈએ. આ બધા દાવા પાછળની માહિતીને તપાસવાની જરૂર છે.
દલિતોમાં ગરીબીનું વધુ પ્રમાણ ચાલુ રહ્યું છે તે હકીકત હોવા છતાં એમ કહેવું કે અનામતથી ગરીબી દૂર નથી થતી માટે અનામતને બદલે ગરીબ તરફી નીતિથી વધારે ફરક પડી શકે તેવું માનવું કેટલા અંશે વાજબી છે? અનામતનીતિના કારણે ગરીબી પર ધારી અસર નીપજી ન શકવાનું કારણ અનામત નથી, પરંતુ અનામતનીતિનો પાંગળો અમલ થઈ રહ્યો છે તે બાબત જવાબદાર છે.
દલિતોની વસ્તીના પ્રમાણમાં અનામતની નોકરી અમલમાં હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે પરંતુ જે આંખે દેખાય છે તે સાચું હોતું નથી. સરકારી નોકરીમાં જે દલિતોને નોકરી મળી છે તેમાંથી કાયમી કેટલા અને હંગામી કેટલા તેના આંકડા તપાસીએ તો સાચું ચિત્ર બહાર આવે.
ભારતમાં ૨૦૦૪-૦૫ની સાલમાં ખેતી ક્ષેત્રે સંકળાયેલા ન હોય તેવા ૯ કરોડ ૪ લાખ અને ૮૧ હજાર બાંધીઆવક ધરાવતા કારીગરો હતા. તેમાંથી સરકારી અને ખાનગી નોકરીમાં સંકળાયેલા દલિતો ૧ કરોડ ૧૪ લાખ ૫૪ હજાર હતા પણ સરકારી અને ખાનગી નોકરીમાં પણ બે ભાગ પડે છે; કાયમી નોકરી અને હંગામી નોકરી.
૨૦૦૪-૦૫ની સાલમાં કુલ ૪૦ લાખ ૭૧ હજાર દલિતો સરકારી નોકરીમાં હતા. આમાંના ૬૫.૨ ટકા કર્મચારી કાયમી હતા અને ૩૪.૮ ટકા હંગામી હતા. ૨૦૧૧-૧૨ની સાલમાં આ ચિત્ર બદલાયેલું જોવા મળે છે. સરકારી નોકરીમાં વધીને ૪૫ લાખ ૪૧ હજાર દલિતો થાય છે પરંતુ અગાઉ જે ૬૫.૨ ટકા કાયમી હતા તેની ટકાવારી ઘટીને ૫૬.૯ ટકા થઈ છે. હંગામી નોકરીનું પ્રમાણ વધીને સાત જ વર્ષમાં ૩૪.૮ ટકાથી વધીને ૪૩.૧ ટકા થયું છે.
૨૦૦૪-૦૫ની સાલમાં ખાનગી નોકરીમાં દલિતોનું પ્રમાણ ૭૩ લાખ ૮૩ હજાર હતું પરંતુ તેમાંથી કાયમી નોકરીમાં માત્ર ૭.૨ ટકા જયારે હંગામી નોકરીમાં ૯૨.૮ ટકા લોકો હતા. સાત વર્ષના સમય બાદ ખાનગી નોકરીમાં દલિતો વધીને ૯૪ લાખ ૨૯ હજાર થયા છે પરંતુ હંગામી નોકરીની ટકાવારી ૯૨.૮ ટકાથી વધી ૯૩.૨ ટકા થઈ છે. એટલે કે અનામતમાં હવે કાયમી નોકરીના બદલે હંગામી નોકરી વધી રહી છે. આ થવાના કારણે નોકરીની આવકમાં ફરક પડે ખરો? માટે અનામતના કારણે ગરીબી ઘટી ન હોય તેનું કારણ ઓછા પગારવાળી હંગામી સરકારી નોકરીઓ અને ખાનગી ક્ષેત્રમાં કાયમી નોકરીમાંથી દલિતોની બાદબાકી તે જવાબદાર છે.
અનામતનો ફાયદો ગરીબોને મળ્યો નથી તેવી વાતના આંકડા પણ તપાસવાની જરૂર છે.
કેંદ્ર સરકારની જાહેરસેવામાં ૨૦૦૪ની સાલમાં ૮ લાખ ૬૭ હજાર ૭૩૨ દલિતો હતા. આ નોકરીના ચાર વર્ગ છેઃ ‘એ’ ‘બી’ ‘સી’ અને ‘ડી’. તેમાં જોઈએ તો સૌથી ઓછા પગારવાળી ‘સી’ અને ‘ડી’ વર્ગની નોકરીમાં ૮૭.૮ ટકા લોકો જયારે વધારે પગારવાળી ‘એ’ અને ‘બી’ વર્ગની નોકરીમાં માત્ર ૧૨.૨ ટકા દલિતો હતા. ૨૦૧૧ની સાલમાં દલિતોનું પ્રમાણ ‘એ’ અને ‘બી’ વર્ગની નોકરીમાં વધીને ૧૯.૨ ટકા થયું છે. આ નોકરીમાં રોકાયેલા લોકો કેટલું ભણી શક્યા છે તેના આધારે તેમની આર્થિક સ્થિતિનો અંદાજ મળી શકે.
૨૦૧૧-૧૨ના આંકડા જોતાં જણાય છે કે, ઉપર જણાવેલી કેંદ્ર સરકારની નોકરીમાં રહેલા ૯ ટકા દલિતો પાસે અક્ષરજ્ઞાન ન હતું. બીજા ૪ ટકા દલિતો એવા હતા કે જેમનું ભણતર પ્રાથમિક કરતાં ઓછું હતું. બીજા ૫.૭ ટકા દલિતો પ્રાથમિક ભણતર પૂરું કરેલા હતા. ૧૧.૨ ટકા દલિતો માધ્યમિક; ૧૮.૧ ટકા દલિતો સેકંડરી અને ૧૫.૩ ટકા ઉચ્ચતર માધ્યમિક ભણતર મેળવેલ હતા. ડિપ્લોમાં અભ્યાસક્રમ પૂરો કરેલા ૪ ટકા હતા. ૩૨.૬ ટકા દલિતો સ્નાતક કક્ષા અને તેનાથી વધુ ભણેલા હતા. એટલે કે અનામતનો લાભ ગરીબ દલિતોને વધુ મળ્યો છે. જે લોકો વધુ ભણ્યા છે તે પણ પૈસાપાત્ર હતા માટે ભણ્યા તેવું માની ન શકાય. સરકારી યોજનાના વત્તાઓછા અંશે ભણી શક્યા તે પણ ગણતરીમાં લેવું જોઈએ.
માત્ર ભણતરને આધારે આર્થિક સ્થિતિ અંગે અનુમાન લગાવવાનું કોઈને સ્વીકાર્ય ન હોય તો આપણે જે ગ્રામીણ વિસ્તારના લોકો કેંદ્ર સરકારની નોકરીમાં છે તેમની પાસે ખેતીની જમીન કેટલી છે તે તપાસીએ. અક્ષરજ્ઞાન ન ધરાવતા અને પ્રાથમિકથી ઓછું ભણેલા દલિતોના ૮૯ ટકા પાસે અડધા હૅક્ટરથી ઓછી જમીન હતી. પ્રાથમિક અને માધ્યમિક ભણેલા કર્મચારીના ૭૬ ટકા લોકો પાસે અડધા હૅક્ટરથી ઓછી જમીન હતી. સેકંડરી, ઉચ્ચતર માધ્યમિક અને ડિપ્લોમા કરેલ કર્મચારીઓના ૮૦ ટકા લોકો પાસે અડધા હૅક્ટરથી ઓછી જમીન હતી અને સ્નાતક કક્ષાથી વધુ ભણેલા કર્મચારીઓના ૮૦.૭ ટકા લોકો પાસે અડધા હૅક્ટરથી ઓછી જમીન હતી.
વધુમાં જોઈએ તો ૨૦૧૧-૧૨માં ૮૭.૩ ટકા કેંદ્ર સરકારના કર્મચારીઓ એવા છે જેમની પાસે ૧ હૅક્ટર કરતાં ઓછી જમીન હતી. ગ્રામીણ વિતારમાં રહેતાં દલિતો પાસે ખેતીની કેટલી જમીન છે તો તેનો આંકડો પણ મળતો આવે છે. ૮૮.૮ ટકા લોકો પાસે જમીન એક હૅક્ટર કરતાં ઓછી છે, એટલે અનામતનો લાભ મહદ્ અંશે દલિતોમાં ગરીબને મળ્યો છે તેમાં કોઈ શંકા નથી.
અનામતનો માપદંડ ‘જ્ઞાતિ’ને બદલે ‘આર્થિક’ કરવા પાછળની માંગણીમાં સમજણનો અભાવ છે. ભેદભાવ અને આભડછેટ ગરીબ-પૈસાદારના ભેદ સિવાય તમામ દલિત સાથે પળાય છે. બીજો અગત્યનો સવાલ એ છે કે, દલિત ઉમેદવાર આર્થિક રીતે સદ્ધર હોય તો તેટલા માત્રથી અનામતમાં તેને કોઈપણ પ્રકારના ભેદભાવનો સામનો નહીં કરવો પડે એ શક્ય છે ખરું? આર્થિક રીતે સંપન્ન દલિત ઉમેદવારના કલ્યાણકારી યોજનામાં આર્થિક લાભ ન મળે તે એક યોગ્ય સવાલ છે પરંતુ તેમને અનામતની રોજગારીમાંથી હટાવી દેવા તે વાત કેટલે અંશે યોગ્ય છે? સરકારી નોકરીમાં તમામ સુખી-સંપન્ન વર્ગના લોકોને હટાવી દેવા તેમાં સંમત કેટલા?
છેલ્લે એવો સવાલ પુછાય છે કે, અનામત ક્યાં સુધી ? દલિતો પર અત્યાચાર કેટલા થાય છે તેના આંકડા જગજાહેર છે. ભારતમાં અન્ય સમાજની સરખામણીમાં દલિતોમાં પોતાના સ્વતંત્ર ધંધાનું પ્રમાણ ખાસ્સું ઓછું એટલે કે ૧૦ ટકા જ છે. ધંધાની હરીફાઈમાં પોતાનો માલ વેચવા બિનદલિત વેપારી દલિતની જ્ઞાતિનો પ્રચાર કરી તેનો માલ ન વેચાય તેવા પ્રયત્નો કરે છે.
નાતજાતની વ્યવસ્થા ક્યાં સુધી ચાલશે? તે પ્રશ્નમાં જ અનામત ક્યાં સુધી? તે સવાલનો જવાબ સમાયેલો છે.