વિભીષણ પાત્રે/
છત્તીસગઢ રાજ્યના બિલાસપુર જિલ્લાના મસ્તુરી તાલુકાના પચપેડી ગામેથી ૧૨ કુટુંબો ઈંટો પાડવા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગજેરા ગામે ૨૦૧૬માં આવ્યા હતા. માલિકનું નામ લાલમિયાં સાકરમિયાં. શરીરમાં તાકાત હતી તેટલી તનતોડ મહેનત કરી. કોઈનું સપનું કમાણીમાંથી દીકરી પરણાવવાનું હતું તો કોઈનું સપનું ઘરવખરી વસાવવાનું હતું. ખિસ્સાખર્ચી માલિક પાસેથી ઉધાર પેટે મળી રહેતી હતી.
મહિનાઓ બાદ હિસાબ કરવાનો સમય આવ્યો. માલિકે જાણે આશ્ચર્ય પામતો હોય તેમ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું, ‘તમારા પૈસા તમારા ગામનો દલાલ સરદાર રાધેશ્યામ મધુકર લઈ ગયો છે.’ માલિકે તેનો હિસાબ જાણે પતી ગયો હોય તેમ ચાલતી પકડી. માલિક-દલાલ મળી ગયા હતા.
મજૂરો સાથે મળી જંબુસર પોલીસ મથકે પહોંચ્યા. તેમની ફરિયાદ ન લીધી અને સલાહ આપી કે તેમના વતનમાં ચાલ્યા જાય. માલિકના અસામાજિક તત્ત્વો તેમને મજૂર અધિકારીના ઉપરી અધિકારી પાસે પહોંચતા રોકતા હતા. એક્વાર તો ભરૂચ સ્ટેશને તેમને ૨૪ કલાક કેદ કરી રાખ્યા. વર્ષો પહેલાં નવસર્જને આદિવાસી ઈંટ કામદારોને કાઠિયાવાડના માલિકે ગમાણમાં પૂરી રાખેલા તેમને પોલીસની મદદથી છોડાવેલા એટલે આવી ઘટના ગુજરાતમાં બને જ નહીં તેવું માની ન લેવાના પુરાવા મળી રહે.
થાકી-હારી-કંટાળી આ મજૂરો પોતાના વતને પાછા ફર્યા. તેમના હિસાબે તેમને માલિક પાસેથી રૂપિયા ૭,૪૫,૯૦૦ લેવાના નીકળતા હતા. વતન પાછા ફરેલા ૩૨ જેટલા મજૂરોને ગાંધી-સરદાર-છોટે સરદારના ગુજરાતની ન્યાયપ્રિયતાનો કડવો અનુભવ થઈ ગયો હતો. વતને જઈ આ શ્રમિકોએ પોતાના લોહી-પરસેવાની કમાણી મેળવવા પોલીસ અને મજૂર અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવી છે. હમણાં તો તેઓ ધક્કા ખાઈ રહ્યા છે અને ન્યાય મળશે તેની આશા રાખી રહ્યા છે. ગુજરાતનાં શહેરોનાં વિકાસના પુરાવા આપતી ઈમારતોની લાલ ઈંટોમાં આવા છેતરાયેલા મજૂરોનાં લોહી મિશ્રિત પરસેવાના લાલ છાંટા અંકાયા હશે. અધિકારોની સલામતી અને વિકાસ વચ્ચે કોઈ સંબંધ ખરો?