વિભીષણ પાત્રે/
૩૨ વર્ષની કુમારી બાઈ સતનામી પણ પાંચ બાળકીની માતા છે અને વિધવા થઈ છે. છત્તીસગઢના બલાદા બાઝાર જિલ્લાના કસડોલ તાલુકાના દોંગ્રીડીહ ગામની કુમારી બાઈ પણ પોતાના ગામના અન્ય મજૂરો સાથે સાણંદના શેઠ અરવિંદ પ્રજાપતિના ભઠ્ઠામાં ઈંટો પાડવા ૨૦૧૪ની સાલમાં આવી હતી. કાચી ઈંટો અને ઉપર લોખંડનાં પત્તરાં એ જ તેમનું આવાસ. ઊંચાઈ થોડી જ હોય એટલે ઉનાળામાં પતરાં તપી જાય. કામ કરતાં બીમાર પડે તેનો ઈલાજ તો પોતે જ કરવાનો. પીવા માટે-નહાવા ધોવા માટે એક જ ખારું પાણી.
કામ શરૂ કર્યાને હજુ બે જ મહિના થયા હતા ને ગામેથી કહેણ આવ્યું કે ‘આધાર કાર્ડની ઝુંબેશ ચાલી રહી છે. આધાર કાર્ડ નહિ હોયતો રાશન કાર્ડ બંધ થઈ જશે’. ગરીબ લોકોનો આધાર કોઈ એક જગ્યાએ સંપૂર્ણ ક્યાંથી હોય? વેરવિખેર ટુકડા જેવી સરકારી યોજના અને રોટલા માટે સ્થળાંતરનું મિલન થાય તો આધાર ઊભો થાય. એમની વાત સાચી પણ હતી. રાશન કાર્ડ એટલે જીવાદોરી અને એ ટકાવવું હોય તો મહાભારતના સાતમાં કોઠાનું યુદ્ધ જીતી ‘આધાર કાર્ડ’ તો મેળવવું જ પડે. પતિની સૂચનાથી કુમારી બાઈ પોતાના પર આધારિત સૌથી નાના બાળકને પોતાની સાથે લઈને વતનની વાટે પકડી. ચાર બાળકો પતિ વિષ્ણુપ્રસાદ પાસે રહ્યા.
બાઈ કુમારી હજુ ગામ પહોંચી આધાર કાર્ડની લાઈનમાં ઊભી રહે તે પહેલાં સમાચાર આવ્યા કે તેનો પતિ મરણ પામ્યો છે. વળતી સવારે તે કામ કરવા ન ઊઠ્યો એટલે કોઈ તેને ઉઠાડવા ગયું ત્યારે ખબર પડી કે તે મરણ પામ્યો છે. આગલી રાત્રે તો દસ વાગ્ય સુધી એ ઈંટો પાડવાના કામે લાગેલો હતો. માલિકે કે ગુજરાત સરકારે પોતાની જવાબદારી બનતી હોવાનો પરચો ન આપ્યો. હવે બાઈ કુમારી પોતાના વતનમાં જ મજૂરી કરી પોતાનાં બાળકોનો ઊછેર કરી રહી છે