રમેશ વસાવા, સતીશ વસાવા/
સોડાપાડા; તા. ડેડીયાપાડા: વસાવા આદિવાસીનું આ ‘ટેકરાવાળું ફળિયું’ તરીકે ઓળખાય છે. શૌચાલય અહીંયા બની ગયાં છે, પણ એકેય વપરાશમાં નથી. કોઈનાં બારણાં તૂટેયાં છે તો કોઈનાં શૌચાલય. લક્ષયાંક પાર પાડવા શૌચાલયોને જૂના ગોબર ગૅસના કૂવા સાથે જોડી દેવામાં આવ્યાં છે. યોજના ૧૨,૦૦૦ રૂપિયાની છે પણ બધાં શૌચાલય સરકારી કૉન્ટ્રાકટરે ઊભા કરી દીધાં છે. નિયમ અને અસરકારકતા માટે મળ એકત્ર કરવાનો ખાડો એક મીટર પહોળો-ઊંડો હોવો જોઈએ પણ અહીં તો ખાડો માંડ દોઢ ફૂટ પહોળો-ઊંડો છે !
કૉન્ટ્રાક્ટરે ત્રણ થેલી સસ્તી સિમેન્ટ અને ૬૫૦ ઈંટો વાપરી છે. ખાડા ખોદવાની મજૂરી લોકોએ કરી છે એટલે જેણે ઊંડા ખોદ્યા તેને ૨,૨૦૦ રૂપિયા અને થોડા ખોદ્યા તેને ૧,૨૦૦ રૂપિયા ચૂકવાયા છે. શૌચાલયને અડીને પાણીની ટાંકી બનાવેલી છે પણ એના ચણતરના સાંધા શૌચાલયની દીવાલ સાથે જોડ્યા જ નથી એટલે ટાંકીની દીવાલ શૌચાલયથી જૂદી પડી ગઈ છે. ટૂંકમાં, આખુંડશૌચાલય માંડ ૩,૦૦૦ રૂપિયામાં તૈયાર થઇ ગયું છે, જેનો કાયદેસરનો ખર્ચ સરકારી ચોપડે ૧૨,૦૦૦ રૂપિયાનો પડ્યો છે !
સ્વચ્છતા મિશનનો વહીવટ પારદર્શક છે. શૌચાલયની હાલત નજરે જોઈ શકાય છે અને ચોપડે ઉધારેલો ખર્ચ પણ !
વધુ ભણેલી યુવતી ૧૨ ધોરણથી આગળ ભણી નથી. થોડા મહિના વડોદરાના કૉલ સેન્ટરમાં કામ કાર્ય બાદ ઘરે બેઠી છે. લોકો સાથે વાત કરી તેમાં આક્રોશ નથી પણ જે ચાલી રહ્યું છે તેની પેટ પકડીને હસાવે તેવી ભારે રમૂજ થઈ રહી છે. કાંઈ બદલાઈ શકે એવો કોઈને ભરોસો નથી.
સરકારી યોજનામાં શું મળ્યું ? તેવા પ્રશ્નનો ગામેગામ એક જ જવાબ મળે છે, ‘ઇંદિરા આવાસ યોજના’. ભાજપ અને કૉંગ્રેસ સરકાર વચ્ચે ફરક શું ? એવું પૂછતાં લોકો કહે છેઃ “કૉંગ્રેસના રાજમાં ગરીબોને થોડું મળતું હતું. અત્યારે ખાલી વાતો છે!”
ખેતમજૂરી દિવસના ૧૦૦ રૂપિયા મળે છે. પહેલાં ૭૦ રૂપિયા મળતા હતા. સૂકી ખેતી છે. દિવાળી પછી ખભે કુહાડી લઈ લાકડા કાપવાની મજૂરી માટે કે જુવાનિયા અંકલેશ્વરની ફૅક્ટરીમાં સ્થળાંતર કરશે. ફૅક્ટરીમાં દિવસના ૩૦૦ રૂપિયા મળે તેમાંથી રહેવાના અને ખાવાના પૈસા કાઢવાના.
બાજુમાં એક જુવાનિયો ખાટલે છે. ઉપર દોરડું બાંધેલું છે તેનો તે વારંવાર ટેકો લે છે. એને ગંભીર બીમારી લાગુ પડી છે, તે જોઈ શકાય છે. એનું વજન છેલ્લા થોડા મહિનાઓમાં ૧૪ કિલો ઘટી ગયું છે. દવાખાનામાં કોઈને વિશ્વાસ નથી તેના મૂળમાં નાણાંની અછતનો વિકટ પ્રશ્ન પણ છે. થોડા છોકરા બેઠા છે તે પોતાની ઓળખ ‘૧૦ ફેલ’ તરીકે આપે છે અને તે ઓળખમાં આજુબાજુ બેઠેલા હસે છે !