ગોરધન, જયપાલ, ચંદન/
બે નાની બાળકી અમદાવાદના વિકાસશીલ વિસ્તારના બંગલામાં ઝાડું-પોતાં કરવામાં પોતાની માને મદદ કરી રહી છે. એક બાળકી આ વર્ષે ત્રીજા ધોરણમાંથી ઊઠી ગઈ છે. હકીકતે એને શાળામાંથી ઉઠાડી લીધી છે, એવું કહીએ તે વધારે યોગ્ય હશે. એનાથી નાની બહેન શાળામાં પગ માંડે તે પહેલાં જ કુટુંબે નક્કી કરી લીધું છે કે ભણવા કરતાં એ ઝાડું-પોતાં કરવાનું શીખી લે તે વધારે સારું રહેશે.
આ સાત લોકોનું કુટુંબ મલાવ તળાવના ‘લેક-ફ્રન્ટ’ વિસ્તારમાં રહે છે તેવું કહીએ તો તેમનું ભારે અપમાન ગણાય. આજુબાજુના વિસ્તારનું ગંદું પાણી તળાવમાં ઠલવાય છે. ચોમાસામાં તળાવ ઊભરાય એટલે બધું પાણી ઘરમાં ભરાઈ જાય છે. આઠ ફૂટ લાંબા-પહોળા એક ઓરડાવાળા રહેણાંકને ‘ઘર’ કહેવાય કે કેમ, તે સવાલ છે. માટીની ભીંતો અને વાંસ-પ્લાસ્ટીકનું બાથરૂમ તે તેમનું રહેણાંક છે. પણ એમનો વિકાસ ચોક્કસ થયો છે કારણ આ બાળકીઓના દાદા-દાદી જયારે રાજસ્થાનના સિરોહી તાલુકામાંથી ઝનૂની સપનું લઈને અમદાવાદ ૪૦ વર્ષ પહેલાં આવેલાં ત્યારે તે લારી ખેંચવાની અને ઈંટના ભટ્ટા જેવામાં છૂટક મજૂરી કરતાં કરતાં અમદાવાદના ફૂટપાથ પર સ્થાયી થયાં, તે પહેલાં સોળ નાનાં-મોટાં શહેરોમાં રઝળેલાં !
આ બાળકીઓના પિતા શ્યામજી, તેમના પિતા પેથાજી અને તેમના પિતા ભાથીજી એંશી વીઘા જમીનના માલિક હતા ને ખેતરમાં કૂવો પણ ખોદાવેલો. એમની માના કારજમાં પૈસા ગામના વાણિયા પાસેથી ઉછીના લીધેલા અને પઠાણી વ્યાજ ચઢતું ગયું. પૈસાની ઉઘરાણી આકરી અને અપમાનજનક બની અને એકવાર બધા લોકોની હાજરીમાં જાહેર સામાજિક પ્રસંગમાં એમને ઉઘરાણી બાબતે માર પડ્યો. ભાથીજીને લાગી આવ્યું. બધી જમીન જે ભાવ મળ્યો તેમાં ગીરવે મૂકી દીધી ને દેવું ચૂકવી દીધું. સપનું સેવ્યું કે ગુજરાત જઈ પૈસા કમાઈશું અને જમીન છોડાવીશું.
આજે આ બાળકીઓ રોટલા ભેળા થવા મજૂરીએ લાગી છે ત્યારે પોતાના વડવાઓના અને ઈતિહાસ બની ગયેલાં સપનાંઓની વાર્તા સાંભળવા સિવાય બીજું કશું કરી શકે તેમ નથી. તેમની ગણના બાળમજૂરમાં થતી નથી, કારણ પ્રગતિશીલ ગુજરાતમાં સરકારીતંત્ર એટલી મોટી પરિયોજના પૂરી કરવામાં લાગ્યું છે કે આવા ‘ક્ષુલ્લક અપવાદ’ નજરે નિહાળવા તેમની પાસે સમય અને મન નથી.
બાળકીઓના બાપે નાનપણમાં જ આગળ વધવાની હિંમત ખોઈ દીધી. માબાપનાં સંતાનોમાં બે ભાઈ હતા અને એમાંથી એક માંદો પડ્યો. એની સારવારમાં રૂપિયા દોઢ લાખ ખર્ચાયા. મહીને સો રૂપિયા પર દસ રૂપિયાના વ્યાજના પૈસા વાળવામાં બીજા ભાઈએ પાંચમાં ધોરણનું શિક્ષણ છોડી લારી ખેંચવાની મજૂરીમાં લાગવું પડ્યું. બીમાર ભાઈ મરી ગયો.
આ ઘર સરકારના બુલડોઝર નીચે વિકાસના માર્ગમાં અવરોધરૂપ હોઈ એકથી વધુ વાર ધ્વસ્ત થયું છે. માખી-મચ્છર-ગંદકી-ગંધ તેમને પજવી શકે તેટલા નબળાં તેઓ રહ્યાં નથી. ક્યારેક ઘરે મહેમાન આવે ત્યારે નક્કી કરવું પડે છે કે ઘરમાં કોણ સૂઈ જશે અને રસ્તા પર કોણ સૂઈ જશે !
આ કટુંબ એકલું રહેતું નથી. શહેરોમાં સૌથી વધુ વિકાસ ઝૂંપડપટ્ટીનો થાય છે એટલે અહિયા લગભગ ૮૦૦ જેટલાં ઝૂંપડાં થયાં છે, જેમાંથી રાજસ્થાનના સિરોહી-બાડમેર-પાલીથી આવેલ ૧૦૦ કુટુંબ છે. બાળકીનો બાપ સૌથી વધુ પાંચ ચોપડી ભણ્યો છે અને વસ્તીની એક યુવતી બાર સુધી ભણી છે. બચત-રોકાણ-શૅર-સરપ્લસ જેવા શબ્દો અહીં સાંભળવા મળતાં નથી. બાળકીનાં દાદા-દાદી હવે મજૂરી કરવા સક્ષમ રહ્યાં નથી. દાદી પાસે જે પણ મિલકત-બચત ગણો તે તેમના ચાંદીના કડલા હતા પણ મરણ પામેલ દીકરાને બચાવવામાં વેચાઈ ગયેલ છે.
આ કુટુંબ ‘માજીરાણા’ કહેવાય છે. ભીલ પ્રજાએ મહારાણા પ્રતાપને મુસલમાન બાદશાહના આક્રમણ સામે ઝઝુમવા પોતાના તીર-કામઠાંથી મદદ કરેલ, તેના બદલામાં તેમનો રાજ્યમાં સ્વીકાર થયેલો. મહારાણા રાજપૂત અને આ ભીલ. જ્ઞાતીવ્યવ્સ્થા બાધારૂપ બનતાં રાણાની માએ વચલો રસ્તો કાઢી બધાને કપાળે તિલક કરતાં તે ‘ભીલ’માંથી ‘માજી(ના) રાણા’ બન્યા. તે કહાની મેં પાકિસ્તાનથી નિરાશ્રિત બનીને ભારત પરત આવેલા માજીરાણા સાથે ૧૯૮૦માં કામ કરતાં કરતાં સાંભળેલી.
બાળકીઓને નાની ઉંમરમાં મા પોતાની જોડે જ મજૂરીમાં રાખે તેની પાછળ આર્થિક કરતાં સામાજિક ગણતરી વધુ હોય છે. ગરીબી અને દારૂ-ચરસનું વ્યસન સિક્કાની બે બાજુ સમાન છે. વિકાસશીલ શહેરોમાં સ્ત્રીસલામતી સૌથી મોટો પડકાર છે. બાળકી માની સાથે મજૂરીમાં હોય તો નજર સામે રહે છે.
સરકારી યોજનામાં રાશન કાર્ડ મળ્યું છે પણ રાશન મળતું નથી. આધાર કાર્ડ પણ છે પણ તે આર્થિક આધારનો માપદંડ નથી બની શક્યું. સ્થાનિક રાજકારણીઓ અને થોડા ખર્ચની મદદથી વીજળી મળી છે. રાજસ્થાનના સ્થળાંતરિત મજૂરો પોતાના અન્ય ઓળખીતા સાથે સંબંધ જાળવે છે અને તેમની માહિતી મુજબ મલાવ તળાવ, થલતેજ, નારોલ પાસે શિવરાજ, વેજલપુર, વાસણા, પ્રવીણનગર, સોમેશ્વર, લાંભા, ઠક્કરનગર જેવા વિસ્તારોમાં તેમની ૨૦૦થી વધુ વસાહતો છે. ઘણાં રાજસ્થાની કુટુંબો આર્થિક રીતે સદ્ધર થયાં છે, જેમાં મોટાભાગના અહીં વર્ણવેલા લોકોનો સમાવેશ થતો નથી.
મલાવ તળાવના ૮૦૦ ઘરની વસ્તીમાં એક જૂનું ટીવી જોવા મળ્યું. ખાડા ભરી-ભરી જમીન સમતળ બનતી જાય છે અને નવા ઝૂંપડાં માટે જગ્યા બને છે. આ વસ્તી ‘હૅરિટેજ’નો ભાગ નહીં બની શકે. એમ બને તો જ આ ઝૂંપડાં ધ્વસ્ત થતાં બચે.
—
બે દિવસની મુલાકાતને આધારે આ વર્ણન કર્યું છે. નામ બદલ્યાં છે, કારણ અજ્ઞાતવાસ એ જ ગરીબોની સલામતી બની રહે છે