સમાધાન રૂપિયા પાંચ હજારમાં?

adivasi khetar

વિનુભાઈ, મુળજીભાઇ, પ્રવીણભાઈ/

ધાવટ, તા. કરજણ, જિ. વડોદરા: તારીખ પચીસમી સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધાવટ ગામે એક ગંભીર ઘટના બની ગઈ. આસાની રહે તે સારું હવે ગામડે નાનાં ટ્રૅક્ટરો પ્રવેશી રહ્યાં છે. ધાવટ ગામમાં પટેલ ખેડૂતના ટ્રૅક્ટરે પલટી ખાધી અને ટ્રેક્ટરમાં બેઠેલો ૧૨ વર્ષનો આદિવાસી છોકરો તેની નીચે દટાઈ ગઈ મરણ પામ્યો. તે છોકરો મા વગરનો હતો અને તે તેના બાપની અને ૧૪ વર્ષના ભાઈ સાથે રહેતો હતો. મળતી માહિતી મુજબ આ છોકરો ટ્રેક્ટરમાં એટલે હતો કે તે બાળમજૂર હતો અને પોતે ટ્રેક્ટર હાંકતો હતો.

તે બાદ બનેલી ઘટના આઘાતજનક છે. પાટીદાર ખેડૂતોએ દીકરો ગુમાવેલ આદિવાસી બાપને ફરિયાદ ન કરવા સમજાવ્યો અને તેમનું પંચ સમાધાન કરવા બેઠું. સમાધાન પેટે રૂપિયા પાંચ હાજર આપવાનું ઠરાવ્યું. આ અસંવેદનહીનતા નિહાળી એક યુવકે વિરોધ કર્યો તો તેને માર પડ્યો. આથી તે યુવકે વિનુભાઈ, મુળજીભાઈ, કનુભાઈ વગેરે સામાજિક કાર્યકર્તાઓને જાણ કરી. આથી ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ.

ગામમાં વસાવા આદિવાસીની વસ્તી મોટી છે પણ તે બધા ભૂમિહીન ખેતમજૂરો છે. પટેલ ખેડૂતો સંગઠિત છે. પટેલ ફળિયામાં પાટિયા પર સૂચના લખવામાં આવે છે કે ‘૧૦૦ રૂપિયાથી જે વધારે મજૂરી ચૂકવે તેને દંડ’. ગામમાં છોટુભાઈ વસાવા સ્થાપિત ‘ટાયગર સેના’ના પાટિયા જોઈ શકાય છે પણ તેનાથી શોષિત મજૂરોને કોઈ રાહત મળતી નથી.

ફરિયાદ થઈ તેનાથી પટેલો ગિન્નાયા છે. વસાવા સમાજના અમુક લોકોને ઉશ્કેરીને ફરિયાદના સાક્ષીને તોડી પાડવાની કોશિશ થઈ રહી છે. હું રાત્રે પોણા દસના સુમારે વસાવા ફળિયામાં પહોંચ્યો ત્યારે ગામમાં પુષ્કળ તાણનું વાતાવરણ જોઈ શકાતું હતું. ગરીબ લોકોને કદાચ પોતાની માનસિક સમતુલા જાળવવામાં દારૂ જ મદદ કરી શકે છે. દારૂની તીવ્ર ગંધ મારાથી દૂર ન હતી. દારૂના વાસણમાં અહીં સ્ત્રી-પુરુષ કે પ્રૌઢ-જુવાનના ભેદ નથી.

જેણે દીકરો ગુમાવ્યો છે તે મારી બાજુમાં હતો. શર્ટના બટન  ખુલ્લા હતા. પાછળ તેના ઝૂંપડામાં ઘોર અંધારું હતું. તેનું પાટલૂન મેલું-ઘેલું અને સાંધાવાળું હતું. બાજુમાં તેનો નાનો દીકરો હતો. મેં તેને ભણે છે કે કેમ, તેવો સવાલ પૂછ્યો તો કહે, ‘હું અપંગ છું’. એના ભાઈની ટ્રેક્ટર નીચે દટાયેલી લાશ તેણે કદાચ જોઈ હતી અને તે તેની લાગણી છુપાવવાનું અત્યારથી શીખી ગયો હતો. જિંદગી પ્રત્યેની અલ્લડ બેફિકરાઈ એ જ વાતાવરણ હતું. મને લાગ્યું કે હું આફ્રિકા ખંડના ઊંડા અંધારા ખૂણાની કોઈ વસ્તીમાં છું. દક્ષિણ આફ્રિકામાં આવા ગામમાં ગયેલો એટલે કદાચ મનમાં સરખામણી થઈ આવી. કયા ખૂણે વિકાસ શોધવો? તાજેતરમાં પ્રધાનમંત્રીએ પોતાના માદરે વતન વડનગરમાં શાળાની ધૂળ પોતાના કપાળે લગાવી. અહીં તો બધાંનાં શરીર કદી મજૂરીથી ધૂળથી રગદોળાયેલાં હતાં અને એ શરીર અને કપડાં વચ્ચેની ભેદરેખા ભૂંસી નાંખતાં હતાં.

આ વિસ્તારનાં ગામોમાં વિકાસના કારણે મસમોટા કારખાનાં જોઈ શકાય છે, જે મને પંદર વર્ષ પહેલા દેખાયાં ન હતાં. પરુંતુ સ્થાનિક જમીનદારોની શરમે તેના માલિકો આ ખેતમજૂરોને કામે રાખતા નથી. આ ખેતમજોરોની કાળી મજૂરી અને શોષણથી જ તેમની જાહોજલાલી ટકી છે.

સ્પષ્ટ  જણાય  છે કે અહીં ન્યાય નહીં મળે. જ્યાં અંતઃકરણ ન હોય તે ભૂમિમાં ન્યાય ક્યાંથી પાંગરે?

જ્યાં વયસ્કોના આર્થિક શોષણ અને મજૂર કાયદાના ધજાગરા ઊડતા હોય ત્યાં સરકારી આંકડે બાળમજૂરોના અસ્તિત્વનો સ્વીકાર ક્યાંથી થાય? આવા બાળમજૂરો ગુજરાતના ગામડે ગામ જોવા મળે છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s