ગોરધન જયપાલ, ચંદનકુમાર/
ત્રીસેક વર્ષ પહેલાં પોતાના માદરેવતન સિરોહી જીલ્લાના મુંઢ મંદાપર ગામે ભારે દુષ્કાળ પડતાં અને ઘરમાં ખાવા દાણો પણ ન રહેતાં ચંપાબેને પોતાના પતિ સાથે અમદાવાદને પોતાનું વતન બનાવેલું. ખુલ્લા આકાશ નીચેનો રઝળપાટ હવે કૈલાશ તલાવડી શંકરપુરમાં ફેરવાયો છે. ચંપાબેને પોતાનું આયખું લોકોના ઘરે વાસણ માંજવામાં અને ઝાડું મારવામાં કાઢ્યું છે. લારી ખેંચતાં-ખેંચતાં પતિની જિંદગી ઘણાં વર્ષો પહેલાં જ ખેંચાઈ ગઈ. પોતાની ચાર દીકરીમાંથી તેમણે બેને પરણાવી છે અને નાની બેને વારસામાં પોતાનું વાસણ-ઝાડુંનું કામ સોંપ્યું છે. ચંપાબેનને એવું જ્ઞાન લાધેલુ કે ઘર ભાડાનું હોય તો સારું. અડધી રાત્રે કોઈ તોડી ન પાડે. તે પોતાના એક ઓરડાના મકાનનું હાલ અઢી હજાર રૂપિયા ભાડું ભરે છે. લાઈટનું બીલ જૂદું. મહેમાન આવે ત્યારે તેમને રાખવાની મોકાણ થાય છે. ચંપાબેને વૃદ્ધ-પેંશન મળે તેવું સાંભળેલું અને ઘણાં પ્રયત્નો પછી પણ પેંશન મેળવી શક્યાં નથી.
સામે બોલવું તે પાઠ ભણાવવા માટેનું પૂરતું કારણ છે
ચાણસ્મા શહેરમાં કશીક બાબતે ૪૦ વર્ષના દલિત રાજેશભાઈને તે સવારે બોલવાનું થયું હતું તેવી વિગત જણાય છે. સામા પક્ષે ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને બળદેવ રાવલ. તે સાંજે ભરબજારમાં આરોપીએ ઘાતક હથિયારોથી હુમલો કરી રાજેશભાઈને મોતને ઘાટ ઉતાર્યા. કાયદામાં તો આદર્શ નોંધેલો છે કે દલિત અત્યાચારના બનાવમાં ખાસ અદાલત માત્ર છ મહિનામાં ચુકાદો આપી દેશે. આ ઘટના ૨૭/૧૦/૨૦૧૪માં બનેલી છે છતાં હજુ કેસની સુનાવણી શરૂ થઈ નથી.
આત્મહત્યા ન્યાયની નિષ્ફળતા છે
ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગામે લક્ષ્મીબેન રામજીભાઈ રહે છે. તે વિધવા છે અને તેમના જીવનનિર્વાહનો એકમાત્ર આધાર તેમનો ૨૭ વર્ષનો અપરણીત દીકરો દશરથ. સરકારી ચોપડે દશરથનું મોત આત્મહત્યા તરીકે નોંધાયું છે અને ધોળકા પોલીસે અકસ્માત-મોતની નોંધણી કરી છે. પોતાના દીકરાએ આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવી છે એ તો વિધવા મા પણ પોતાની ફરિયાદમાં કહે છે. આત્મહત્યા કરવાનું કારણ પોલીસ નોંધતી નથી. દશરથ ખેતમજૂરી કરતો હતો અને ગામના પટેલનું ખેતર ભાગે વાવતો હતો. પાક લણાઈ-વેચાઇ ગયો પણ પટેલે પૈસા ચૂકવ્યા નહીં. પોતાના હાથમાં કાયદો લેવાનું દશરથ માનતો ન હતો એટલે એણે પટેલ ખેડૂતની મારઝૂડ કે હત્યા કરી નથી. તેણે પોલીસમાં જઈ જાણ કરી. પોલીસે તેની ફરિયાદ લેવાના બદલે સમજાવી પાછો મોકલ્યો. પોલીસે કાર્યવાહી ન કરી, એટલે બીજીવાર પણ જાણ કરી. છેલ્લે પોતાની માને જાણ કરી કે તે ફરી પોલીસમાં ફરિયાદ આપવા જવાનો છે અને આ વખતે પોલીસ ફરિયાદ નહીં સ્વીકારે તો પોલીસમથકની સામે જ મરી જશે. જયારે એને ખાતરી થઈ કે ન્યાય નહીં મળે ત્યારે તેણે પોલીસ મથક સામે જ ઝેર ગટગટાવ્યું.
રાજ્ય પોતાનો વિકાસ દેખાય તે માટે ગુનાખોરી ઓછી દર્શાવે છે અને તેમ કરવા માટે તેમની પાસે હાથવગું સાધન છે કે ગુનો નોંધવો જ નહીં. નવસર્જનના અભ્યાસનું તારણ છે કે દલિત અત્યાચારના ગુના નહીં નોંધવાનું પ્રમાણ ગુજરાતમાં દોઢસો ટકા છે !