કપિલા નાયક, દિનેશ રાકવા/
પાલસંડા, છોટાઉદેપુર: થોડા વર્ષો પહેલાં સુખી ડેમથી અસરગ્રસ્ત થતાં ૧૨ દલિત કુટુંબો આ ગામે સ્થાયી થયાં અને મળેલ વળતરની રકમમાંથી ઘરની જમીન ખરીદી. તેઓ સફાઈ કામમાં પેઢીઓથી સંકળાયેલા નથી અને વાંસમાંથી ટોપલા, સવારણા, અનાજ ભરવાની કોઠી કે સૂપડાં બનાવે છે.
ભાથીજીના મંદિરના નાના આંગણામાં ઝાડ નીચે પંદર જેટલી સ્ત્રી અને એટલા જ પુરુષો ભેગા થયા છે. બાળકો પણ ભળ્યાં છે. એક સ્ત્રી બીજી ચોપડી ભણી છે. બાકીમાંથી કોઈ નિશાળે ગયું નથી. તે સ્ત્રીઓની ઉંમર ૨૦ વર્ષથી માંડી ત્રીસ વર્ષ સુધીની દેખાય છે. સૌથી વધુ ભણેલો યુવક ત્યાં આધુનિક ફેશનવાળાં કપડાં અને હાથમાં મોબાઈલ લઈને ઊભો છે, તે બારમું ભણેલો છે. એક યુવતી આઠ ભણી છે.
આઠમા ધોરણનાં બાળકો હિન્દી અક્ષરો વાંચી શકતાં નથી. બાળકોની સંખ્યા ઘટે તો શાળા બંધ થાય અને શિક્ષકોની કદાચ દૂર બદલી થાય તે પરિસ્થિતિ ટાળવા શિક્ષકો પોતાના પગારમાંથી ફાળો કરી વાહન બાંધ્યું છે, જે બાળકોને શાળાએ લઈ જાય અને ઘરે મૂકી જાય છે !
બધા જ લોકો વાંસકામમાં નથી. આમેય ખેતીની મોસમમાં બધા ખેતમજૂરીમાં જોતરાય છે અને દિવસના રૂપિયા ૧૨૦ મેળવે છે. વાંસ ખેડૂતના ખેતરમાંથી ખરીદવા પડે છે. વાંસની વસ્તુઓ આજુબાજુનાં ગામોમાં હાટ મંડાય ત્યારે વેચવા જાય છે. વાંસ કેટલા વપરાય તેના આધારે તેમને વસ્તુઓના ભાવ મળે છે. ક્યારેક અનાજના બદલામાં સૂંડલા-સૂપડાં વેચાય છે.
સામે ભાઈ બેઠા છે. પિસ્તાળીસની ઉંમર જણાય છે. હમણાં જ મોતિયા ઉતરાવ્યા તેમાં લેન્સનો ખરચ રૂપિયા પાંચ હજાર અને ચશ્માંનો ખર્ચો સાડી પાંચસો રૂપિયા આવ્યો છે. ઊછીના-પાછીના પૈસા ભેગા કરી માંડ ઑપરેશન પતાવ્યું. તેવામાં વીજળીવાળા ત્રણ બાકી બિલની રૂપિયા ૨૯૦૦ની ઉઘરાણી કરવા આવ્યા. એમને રૂપિયા ૧૫૦૦ આપી બીજા ભરવાનો વાયદો કર્યો તોય વીજજોડાણ કાપી મીટર લઈને જતા રહ્યા.
હું એમના ઘરે બેઠો હતો ત્યાં મારી નજર એક ગાડી પર પડી. એમના જુવાનજોધ દીકરાએ પોતાના શોખ માટે તે રૂપિયા ૬૦,૦૦૦માં ખરીદી હતી. આ વિસ્તારમાં રસ્તા સારા છે. કારણ વડોદરા જેવા શહેરોના બાંધકામ માટે આ વિસ્તારમાંથી રેતી અને પથ્થરની ગાડીઓ પૂરપાટ દોડે છે પણ બસ દિવસમાં એક વાર આવે છે એટલે લોકો બચત કરી વાહન વસાવે છે. પેટ્રોલ પંપ દૂર પડે એટલે નાના નાના ગામમાં પણ છૂટક પેટ્રોલ, ઑઈલ અને ડિઝલ વેચવાનો ગૃહઉદ્યોગ પૈસાપાત્ર લોકો કરે છે.
હું પેલા ગાડી ધરાવતા પણ મજૂરી ન કરતા જુવાનિયા સાથે વાત કરતો હતો ત્યાં એના બાપે મોતિયાના ઑપરેશનવાળી આંખેથી ચશ્માં ઉતારી વાંસકામ કરીને બરડ થઈ ગયેલી પોતાની હાથની ચામડીથી ચશ્માંના કાચ સાફ કરતા કહ્યું, “ટોપલા બનાવી બનાવી છોકરો ઉછેર્યો. એને ભેગો બેસાડી ટોપલા બનાવવાનું શીખવ્યું પણ એને કામ ફાવતું નથી. મજૂરી કરતો નથી.” બાપની સુક્કી આંખનો ભીનો ખૂણો હું જોઈ શક્યો. વિ-કા-સના વિજ્ઞાન અને ટેક્નોલોજી(વિ) અહીં ના હતા, પણ બાપના ભાગે કાળી મજૂરી (કા) હતી અને બેકાર છોકરીના ભાગે સપનાં (સ) આવ્યાં હતાં. જ્યાં જૂઓ ત્યાં જુવાનિયા હાથમાં મોબાઈલ ફોન મચડતા દેખાય છે.
થોડાં કુટુંબો બકરાં અને મરઘાં ઊછેરે છે. બકરીની ચારેબાજુ ગાંધી મને ન મળ્યા. બકરીનું દૂધ લોકો વાપરતા નથી પણ તેનાં બચ્ચા માટે જ રહેવા દે છે. મુસ્લિમ વેપારી આવી બકરાં-મરઘાં ખરીદે છે. અજેય હાટમાં આદિવાસી જોવા મળે ત્યારે જેની બગલમાં મરઘું દબાવેલુ હોય કે હાથમાં બકરું હોય. એની પાસે પૈસા નથી હોતા. એટલે મરઘાં-બકરાંના બદલામાં બજારથી ઘરવખરી અને અનાજ ખરીદે છે.
અહીં સરકારી યોજનામાં ઈંદિરા આવાસનાં ઘરો મળ્યાં છે. નવું ઘર પાક્કું ગણાય એટલે એનો ઘરવેરો જૂના માટીના અને મોટા ઘર કરતા સરકાર બમણાથી વધુ વસુલે છે. વાંસકામ માટે લોન મળે છે પણ ઘણાએ લીધી નથી. શહેરોમાં લોન લેવા કાવાદાવા થાય ત્યારે અહીં લોન લેવાની અનીચ્છા જાતાં મને આશ્ચર્ય થયું. જાણવા મળ્યું કે સ્વરોજગારીમાં રૂપિયા વીસ હજારની યોજનામાં દસ હજાર બૅંક લૉન અને દસ હજારની સબસીડી મળે છે. બૅંકવાળા લોન કાગળ પર બતાવી તરત કાગળ પર વસૂલી લે છે. બાકી વધેલી સબસીડીમાંથી એજન્ટ અને અધિકરીઓ કટકી કરે છે, એટલે હાથમાં રૂપિયા સાડા છ હજાર કે સાત હજાર આવે છે પણ વ્યાજ તો ન મળેલા પૈસા પર પણ ભરવું પડે છે. વિકાસના આ નવતર પ્રયોગોમાં લોકોને રસ પડતો નથી.
ચાનો ઉકાળો પીતાં પીતાં મેં પૂછ્યું, “સરકારે નોટબંધી કરી તેમાં કેટલી નોટો બદલી?’ તેમણે કહ્યું, ‘નોટ હતી જ નહિ તે બદલવાની કાંથી !”