આજકાલ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે અમદાવાદ ભારતનું પ્રથમ ‘હેરિટેજ સિટી’ બન્યું તેની ઉજવણી કરતા થાકતી નથી. સરકારે વીસ વર્ષ મહેનત કરી એટલે અમદાવાદને આ ઇલકાબ મળ્યો. અમદાવાદનો એક વિસ્તાર તે બાપુનગર. ગાંધી ‘બાપુ’નું નામ ઉજાગર કરવા કોનો આ વિસ્તાર ‘મીની સૌરાષ્ટ્ર’ની સાથે બાપુનગરની ઓળખ પામ્યો. આ વિસ્તારમાં એક પણ હવેલી નથી. થોડાં વર્ષો પહેલાં કાપડની મિલો અહીં ધમધમતી હતી એટલે રોટલાની શોધમાં ગુજરાતના ઘણા વિસ્તારના મજૂરો અહીં ઠલવાયા. મિલો ‘માંદી’ પડી અને હજારો કામદારો બેકાર બન્યા. હવે સુરત પછી હીરા ઘસવામાં બાપુનગર બીજા ક્રમે આવે છે. જો કે હીરાની ચમક ગરીબોની જિંદગી ચમકાવી શકી નથી.
ખોડિયાર મંદિરના સાંનિધ્યમાં ભોમાજી મેઘવાળનું કુટુંબ પણ પંદર વર્ષથી અહીં રહે છે. રાજસ્થાનથી હજારોની જેમ આ કુટુંબ પણ રોટલાની શોધમાં અહીં આવ્યું છે અને હીરા ઘસે છે. એક સાંજે તેમની સાત વર્ષની દીકરી તેના નાના ભાઈ સાથે બરફનો ગોળો ખાવા ગઈ અને પાછી ન આવી. પોલીસને ફરિયાદ લેવામાં બહુ રસ ન હતો. આ છોકરી ‘હેરિટેજ સિટી’ના ધનવાન કુટુંબની ન હતી. ત્રણ દિવસ બાદ કુમળી દલિત બાળકીની લાશ બાજુની નિશાળના સંડાસમાંથી મળી. તેની સાથે બળાત્કાર થયો હતો !
પોલીસ હજુ આરોપીને શોધી શકી નથી. અમદાવાદ સૌથી સારું ફોરેંસિક વિજ્ઞાનનું કેન્દ્ર ગણાય છે. શંકાને આધારે આરોપીનું નામે એના વાલીએ આપ્યું છે છતાં આરોપી ઓળખાયો નથી. હવે કેસની પતાવટ માટે અદાલતમાં પોલીસે ‘એ’ સમરી ભરી છે, એટલે કે પોલીસે આરોપીને શોધવાનું કામ પડતું મૂક્યું છે !