રમેશ વસાવા, સતીશ વસાવા/
ભચરવાળા, તાલુકા નાંદોદ, નર્મદા જિલ્લો: વસાવા ફળિયામાં પચીસેક વસાવા આદિવાસી ભાઈ-બહેનો બેઠાં છે. સૌથી વધુ ભણેલો યુવાન ૧૨મું પાસ છે અને આધાર કાર્ડની કચેરીમાં કૉન્ટ્રાક્ટ લેબર તરીકે કામ કરે છે. તેને મહિને ૭૫૦૦ રૂપિયા મળે છે પણ છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી.
સૌથી વધુ યુવતી ૧૨મુ ભણેલી છે અને તે મધ્યાહ્ન ભોજનમાં સંચાલિકા છે. તેને મહિને ૧૬૦૦ રૂપિયા પગાર મળે છે પણ છેલ્લા આઠ મહિનાનો પગાર બાકી છે. ૧ થી ૫ ધોરણની શાળા છે. એક શિક્ષક પંદર દિવસે એકવાર નિશાળે આવે છે. બાળકોને આ વર્ષની શિષ્યવૃતિ મળી નથી.
પીવાનાં પાણી માટે બોર છે. હમણાં જ બોર બગડ્યો. પંચાયતે પૈસા ન આપ્યા અને પાણી વગર તકલીફ ઘણી પડી એટલે લોકોએ આઠેક હજારનો ફાળો કરી બોરનું સમારકામ કરાવ્યું.
નાંદોદ તાલુકાને ૧૦૦% શૌચાલય બનાવવા માટે સરકારી ઈનામ મળ્યું છે. વસાવા ફળિયામાં ૬૫ શૌચાલય બન્યાં છે પણ વાપરવાલાયક નથી. ઇંદિરા આવાસ યોજનામાં રૂપિયા ૩૫,૦૦૦ સરકારી સહાય મળે છે અને શૌચાલયનું બાંધકામ આવાસનો ભાગ છે. અહીંયા ૩૭ આવાસ બન્યા છે પણ એકેયમાં શૌચાલય નથી, કારણ બધા આવાસ સરકારી કૉન્ટ્રાક્ટરે બાંધ્યા છે. આવાસમાં ૧૭ થેલી સિમેન્ટ અને ૩૫,૦૦ ઈંટો વપરાઈ છે. લાભાર્થી પોતાનું ઘર જાતે બાંધવા માંગે તો એના પર ભારે તવાઈ આવે. બધી શરતનું પાલન તો કરવાનું જ અને છતાંય છેલ્લો હપ્તો ચુકવાતો નથી એટલે લોકો પાસે બે રસ્તા છે: શેતાનના શરણે થાવ અથવા ઊંડા દરિયામાં કૂદો.
હવે બીજા ૪૩ શૌચાલય મંજૂર થયાં છે. વાંધો એ છે કે ચૂંટણી કમિશ્નરે ચૂંટણીની તારીખ જાહેર કરી જ નથી છતાંય અહીંયા સરકારી અધિકારી બીક બતાવે છે કે આચારસંહિતા લાગુ પડી જશે, પછી પૈસા આપી નહિ શકાય ! અમદાવાદ શહેરમાં કરોડોનું બજેટ ૧૦ મિનિટમાં આડેધડ મંજૂર થઇ ગયું પણ આ ગામ અમદાવાદ નથી. કારણ કે અહીં કોઈ વિરોધ કરનાર નથી.
આ ગામે ખેતમજૂરીમાં વેતન રોજના ૭૦ આપતા હતા. નવસર્જને આંદોલન કરેલું. સ્થાનિક આગેવાન મોહનભાઈની પોલીસે આંદોલન માટે ૨૪ કલાક અટકાયત કરેલી પણ લોકવિરોધ પ્રબળ થયો એટલે હવે ૧૫૦ રૂપિયા ચૂકવાય છે. આંદોલનની અસર બાજુના ગામમાં નથી એટલે ત્યાં આજે પણ દિવસની મજૂરી ૭૫ રૂપિયા જ મળે છે. આંદોલનની આડઅસર એ છે કે હવે સ્થાનિક લોકોને મહિને માંડ ૩ દિવસ મજૂરી મળે છે. ખેડૂતો વધારે પૈસા આપવા પડે તે આપીને પણ સ્થાનિક લોકોને દબાવવા બહારથી મજૂર લાવે છે.
દશ-અગિયાર વર્ષ પહેલાં દિનેશ શિવલાલ પટેલે ૩૧ આદિવાસી લોકોને સરકારી સહાયમાં ભેંસ અપાવેલી. લોકો લેવા માંગતા ના હતા અને એમને એ પણ ખબર ન હતી કે ભેંસ લોન પર મળેલી છે. અંગુઠાથી કામ થઇ ગયું. લોકો એ દોઢ વર્ષે પટેલને દૂધ આપી ૧૮,૦૦૦ રૂપિયા વસૂલ કરી દીધા. હવે પાંચ વર્ષ પછી લોકઅદાલતની નોટિસ આવી છે કે વ્યાજસહિત ભેંસની લોન તમારી બાકી બોલે છે. સરકારી યોજનામાં સહાય લાભાર્થીના ખાતામાં સીધી દાખલ કરવાનો નિયમ છે પણ અહીં તો બધા નિયન નેવે મુકાયા છે. સરકારથી લોકો ડરે છે એટલે નવ કુટુંબોએ ઉછીના પૈસા લઈ સરકારી લોન ભરી દીધી.
ખેતીની જમીન કોઈની પાસે નથી. તેનું મને ભારે આશ્ચર્ય થયું. ખબર પડી કે થોડા કિલો કોદરામાં લોકોની જમીનો પટેલોને વેચાઈ ગઈ છે. આદિવાસીની જમીન બિનઆદિવાસીને વેચી ન શકાય તેવો નિયમ હોવા છતાં આમ થયું છે. એક યુવાન જમીન વેચાણનો દસ્તાવે જ મને બતાવે છે. ૧૯૩૩ની સાલમાં તેના દાદાએ પટેલને જમીન વેચી છે. વેચાણ દસ્તાવેજ ગુજરાત સરકારના પાંચ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર થયો છે. ગુજરાતની રચના ૧૯૬૦માં થઈ. સ્ટેમ્પ પપેરનું વેચાણ ૧૯૭૫માં થયું છે અને તેના પર ૧૯૩૩નું વેચાણ નોંધાયું છે. સરકારી સિક્કો મારેલો છે પણ અડધા ભાગનો, એટલે કોઈને ખબર ન પડે કે કઈ કચેરીનો સિક્કો છે? આવા હજારો ગેરકાયદે જમીન વેચાણ ગામેગામ છે પણ એમાં ભાજપ કે કોંગ્રેસને રસ નહીં પડે !
આ ગામે કેરોસીન મળતું ન હતું એનુંય આંદોલન થયેલું. હસતા હસતા એક બહેન કહે છે: “લડો તો જ મળે એવો કાયદો છે !”