ગામઃ કનીજ, તા. સમી, જિ. પાટણ: આઝાદીનાં ૬૮ વર્ષે નાતજાતના ભેદભાવને નાથવા ‘અત્યાચાર ધારો’ નામના કહેવાતા ‘કડક’ કાયદાને પણ સુધારી વધુ કડક કરવામાં આવ્યો. નવા કાયદામાં આવેલ સુધારા મુજબ સરકારે ખાસ વિશિષ્ટ અદાલતમાં કેસ ચલાવી બે મહિનામાં આ કેસનો ચુકાદો આવે તે માટે દરરોજ ખાસ કેસ ગણી ચલાવવાનો હોય છે અને છતાં અહીંયા જણાય છે તેમ ગંભીર અત્યાચારના બનાવમાં ત્રણ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં કેસ ઠેરનો ઠેર છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાનું કનીજ ગામ. જમનાબેન (નામ બદલ્યું છે) પરણીને આ ગામે આવ્યાં છે. ખેતરે જતાં અવાવરું રસ્તે રબારી કોમનો માણસ તેને આંતરી જાતીય સબંધ બાંધવાની બિભત્સ માંગણી મૂકે છે. દલિત સ્ત્રી તરીકે આવો છેડતીનો અનુભવ ઘણી સ્ત્રીઓને થાય છે પણ તેઓ તેને અવગણે છે. જમનાબેન સાથે એવું અઠવાડિયું ચાલ્યું એટલે તેમણે પોતાના ધણી અને સસરાને રાવ કરી. ગામની શરમે સસરા ઠપકો દેવા તે રબારીના ઘરે પહોંચ્યા અને તેની પત્ની અને સગાને પણ જાણ કરી. આ વાતનો ખાર રાખી એક સાંજે જમનાબેનના સસરા પર ખેતરના રસ્તે હુમલો કરી તેમને ભારે જખ્મી કર્યા. જમનાબેનના સસરા પાંચેક મહિના બેભાન હાલતમાં રહ્યા. અત્યારે તેઓ ભાનમાં છે પણ શરીર કામ કરતું નથી અને બોલવાનુંય બંધ થઈ ગયું છે !
હરખપદૂડી સરકાર, જાણે એક જ કામ તેમને ભાગે આવતું હોય તેમ દોડીને આર્થિક વળતર આપી આવી. આરોપી ગામમાં હાજર છે. કાયદાના વાયદા ખોટા થાય છે અને હજુ કેસ સુનાવણી પર પહોંચ્યો નથી. કાયદાની થોડી પણ કાર્યવાહી થઈ હોય તો તે સામાજિક સંસ્થાઓના કાર્યકરોને કારણે.