ગુજરાતમાં વિકાસ ‘વધારે’ કહેવાય છે પણ વેતન ઓછું!

BRT Ahmedabad

… આ અહેવાલ વિરોધપક્ષનો નથી પણ હાલની મોદી સરકારના ગ્રામ વિકાસ વિભાગનો છે. જુલાઈ ૨૦૧૬થી મે ૨૦૧૭ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં ખેતમજૂરોને ચુકવાતા વેતનના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ‘વિકાસનું મોડલ’ કહેવાતા ગુજરાતમાં ભારતના પંદર રાજ્યો કરતાં ઓછી મજૂરી ચૂકવાય છે.

દેશમાં સૌથી વધુ ખેતમજૂરી કેરાલા રાજ્યમાં ચૂકવાય છે. જ્યાં પુરુષોને રોજના રૂપિયા ૬૬૧ અને મહિલાને ૪૯૪ મળે છે. ખેતમજૂરોને તમિલનાડુ રાજ્યમાં રૂપિયા ૪૧૧; હિમાચલ પ્રદેશમાં ૩૯૪; પંજાબમાં ૩૧૨; કર્ણાટકમાં ૨૯૭; રાજસ્થાનમાં ૨૮૧; આન્ધ્રપ્રદેશમાં ૨૭૬; પશ્ચિમ બંગાળમાં ૨૫૮; મહારાષ્ટ્રમાં ૨૫૬; આસામમાં ૨૫૬; બિહાર અને ઉત્તરપ્રદેશમાં ૨૪૯ રૂપિયા ચૂકવાય છે. આ બધાં રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પુરુષને સરેરાશ રૂપિયા ૨૨૩ અને મહિલાને રૂપિયા ૨૦૨ ચૂકવાય છે.

દલિતો માટે આ આંકડા આઘાતજનક એટલા માટે છે કારણ સમગ્ર ભારતમાં તેમની વસ્તી સાડા સોળ ટકા છે અને તેમાંથી ૫૪.૬૭ ટકા કુટુંબો ખેતમજૂરીમાં રોકાયેલાં છે. ગુજરાતમાં દલિતવસ્તી સાત ટકા છે છતાં તેમનાં ૬૩.૨૪ ટકા કુટુંબો ખેતમજૂરીમાં રોકાયેલાં છે.

પ્રશ્ન એ છે કે દલિત-આદિવાસી-ઓબીસી, જેમાંથી સૌથી વધુ લોકો ખેતમજૂરી કરે છે. તેમનો વિકાસ થયો નથી તો થયો છે કોનો?

સરકારી વકીલ કેસમાં ધ્યાન આપતા નથી એટલે ખાનગી વકીલ મેળવવા સમાજ કલ્યાણ ખાતામાં માંગણી કરી છે

સૂઈગામ એટલે કચ્છને અડીને આવેલો બનાસકાંઠાનો છેલ્લો તાલુકો. ત્યાંના કાણોઠી ગામે હેરાનગતિ બાબતે દલિતોએ પોલીસમાં થોડા ક્ષત્રિય લોકો સામે અરજી કરેલી. પોલીસ તપાસ કરે તે પહેલાં આરોપીએ દલિતોને તેમની સામે અરજી કરવાનું પરિણામ શું આવે તે સમજાવ્યું ! બે દલિત ભાઈઓ તેમની દીકરીઓ સાથે ગામના બ્રાહ્મણના મકાનનાં બાંધકામમાં મજૂરી કરવા ગયા હતા. ત્યાંથી આરોપીઓ પસાર થતા હતા અને દલિતોને જોતાં ગાડામાંથી ઊતરી ધારિયું અને ગાડાનું આડું લઈ તૂટી પડ્યા. એક ભાઈનો હાથ ભાંગ્યો અને બાકીના બધાને નાની-મોટી ઈજા થઈ. જવાભાઈને દસ દિવસ સારવાર દવાખાનામાં દાખલ થઈ લેવી પડી. દલિતોના હાથમાં હથિયાર ન હતા અને આરોપી પાંચ. બધા આરોપીએ એકસંપ થઈ હુમલો કરેલ હોવા છતાં પોલીસે ફરિયાદમાં ગુનાઈત કાવતરાની કલમ ઉમેરી નથી.

આ બનાવ ૧ માર્ચ, ૨૦૧૫માં બન્યો હોવા છતાં હજુ કેસનો નિકાલ થયો નથી. ભોગ બનનારે સરકાર પાસે વધારે સહાયની માંગણી કરી નથી. તેમને ન્યાય જોઈએ છે. તેમને સરકારી વકીલ પર ભરોસો નથી અને માટે ખાનગી વકીલ રોકવાની માંગણી કરી છે.

મોતના કૂવા દલિતો માટે અનામત છે

motતારીખ ૩૦ માર્ચ, ૨૦૧૪ના રોજ મૂળ પાલનપુરના નિવાસી ત્રણ દલિતો ઊંઝા ખાતે ખાનગી કંપનીના માલિકો દ્વારા આપેલ ખાળકૂવા સાફ કરતાં મરણ પામ્યા. આવા ગંભીર બનાવો ગુજરાત માટે નવા નથી. નવસર્જન દ્વારા ૧૯૯૬માં માથે મેલું પ્રથા સામે લડત ઉપાડવામાં આવી, તેનો સૌથી મોટો વિરોધ ગુજરાત સરકારે કર્યો. વિદેશમાં ગુજરાતની છબી ખરડાવવાનો પણ આરોપ મુકાયો.

ટેકનોલોજી વગર વિકાસ શક્ય નથી. હજારો કરોડ રૂપિયા સરકારે ઉદ્યોગોને વેપારમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે આપ્યા છે. માથે મેલું દૂર થાય અને મોતના કૂવામાં નવલોહિયા દલિતોના ગેસ ગળવાથી મરણ ન થાય તે માટે છેલ્લાં વીસ વર્ષમાં ગુજરાત સરકારે કેટલી ટેકનોલોજી વિકસાવી તેનો જવાબ તે જ આપી શકશે.

આ બનાવમાં ધ્યાન ખેંચતી બે બાબત છે. તપાસ સામે વડી અદાલતે મનાઈ હુકમ આપ્યો છે, તેની સામે સરકારે કઈ પગલાં ભર્યા નથી. બીજું; સફાઈ કામદારનાં મોત ખાનગી કંપનીમાં થયાં છે અને તેનું વળતર સરકારે ચુકવ્યું છે.

 

સમાધાનનો સીધો અર્થ; મનમેળ નહીં પણ ફરિયાદ પાછી ખેંચો

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું ટીંબા ગામ. ૨૦૧૨ની સાલમાં ગામના રજપૂતો સાથે ટોકરભાઈને બોલાચાલી થયેલી અને ટોકરભાઈએ પોલીસમાં ફરિયાદ દાખલ કરેલી. આરોપી રજપૂત અવારનવાર ટોકરભાઈ પર સમાધાન કરવા અર્થાત્ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતા હતા. ટોકરભાઈએ પૈસા પડાવવા ખોટી ફરિયાદ કરી ન હતી પણ ન્યાય માટે કરી હતી.

તારીખ ૯ એપ્રિલ, ૨૦૧૪ના રોજ ટોકરભાઈ પોતાનાં બે બાળકોને શાળાએ મૂકવા જતા હતા અને રસ્તે આવતી દુકાને થોભી બાળકો માટે નાસ્તો લઈ રહ્યા હતા. આ વખતે જાણે મોકાની રાહ જોઈને ઊભા હોય તેમ નવ રજપૂતોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ટોકરભાઈને ગંભીર રીતે જખમી કર્યા. વધુ સારવાર અમદાવાદ થઈ પણ તે બચી ન શક્યા. તેમના કુટુંબીજનો એ વાતે રાજી છે કે છ આરોપીને જનમટીપની સજા ફટકારવામાં આવી છે. અગાઉની ફરિયાદ પોલીસે ગંભીરતાથી લીધી હોત તો ટોકરભાઈને જીવ ગુમાવવો ન પડત.

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s