એનું નામ આકાશ છે, ‘વિકાસ’ નહીં

adivasi school

રમેશ વસાવા, સતીશ વસાવા/

સરવાટા: નસવાડી શહેરથી બાવીસ કિલોમીટર દૂર અત્યંત ખાબડખૂબડ રસ્તા પર ૨૦૦ ઘરની વસ્તી ધરાવતું આદિવાસી ગામ સરવાટા આવેલું છે. ગામમાં ૧ થી 7 ધોરણની શાળા આવેલી છે. શાળામાં ત્રણ શિક્ષકો છે, તેમાંથી સ્થાનિક લોકોનું કહેવું છે કે મુખ્ય શિક્ષક દારૂ પીને શાળામાં આવે છે.

રસ્તાથી ઉપર લગભગ પાંચસો પગલાં સીધા ઢાળે ચઢીએ એટલે વસ્તી આવે છે. અહીંયા માત્ર ચોમાસુ ખેતી થાય છે. મકાઈ આ વર્ષે સારી પાકી છે અને તુવેર દાળ અને કપાસનું વાવેતર થયેલું છે. ચોમાસું છે એટલે ભીંડા થયા છે અને એટલે લીલું શાક દરરોજ મળી રહે છે.

સ્થાનિક આગેવાનના ઘરે અમે બેઠા. ઈંદિરા આવાસ યોજનામાં ઘર ૨૨ વર્ષ પહેલાં મળેલું. પાણીનો સરકારી બોર છે પરંતુ વીજળીના ધાંધિયા છે. સવારથી લાઈટ નથી અને ક્યારે આવે તેનું નક્કી નહીં. બોર ચાલુ ન થાય તો પાણી ન મળે એટલે ઘરથી ૧૦૦ મીટર છેટે હૅન્ડપંપ છે. ઘરે ચાર ઢોર છે એમને પાણી પીવડાવવા હૅન્ડપંપથી ખેંચી ડોલમાં પાણી લાવવું પડે. ચાર ઢોર એટલે વીસેક પાણીના ફેરા થાય. બે મહિને વીજળીનું બિલ આવે છે ને સ્થાનિક લોકો કહે છે તેમ, બિલવાળો ડુંગરે-ડુંગરે ચઢી વીજળીના મીટર વાંચવાના બદલે નીચે રોડ પર ઊભો રહી આશરે બિલ ફાડે છે. ચોમાસામાં મહિને એક દિવસ માંડ વીજળી આવે.

boyએક ઓરડાના પાકા ઘરમાં ગરમી વધારે લાગે છે એટલે અમે બહાર બે વિશાળ મહુડાનાં ઝાડ નીચે બેઠા. અમને ચા આપી તે ઉકાળો હતો, કારણ ગાય વસૂકી ગયેલી અને ગામમાં ડેરી નથી એટલે દૂધ મળતું નથી. પચ્ચીસેક ભાઈઓ-બાળકો ટોળે વળ્યાં. ઈંદિરા આવાસ, કહેવાતી વીજળી અને પાણી સિવાય કોઈ સરકારી યોજના અહીં પહોંચી નથી. સીધી લીટીએ જોતા ગુજરાતના ગૌરવ સમો સરદાર સરોવર ડેમ આ ગામથી ૧૧ કિલોમીટરના અંતરે છે. તેનું પાણી અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં લોકોના મનોરંજન માટે ઠલવાય છે પણ નર્મદાનાં પાણી આ ગામે પીવા માટે કે ખેતી માટે પહોંચ્યાં નથી.

એક બીજી યોજના અહીં પહોંચી છે. બી. પી. એલ. કાર્ડ ધારકોને ઘરદીઠ રૂપિયા ૧૦૦ના બદલામાં સગડી સાથે ગૅસ કનેક્શન મળ્યું છે. ગૅસ કનેક્શન મળતાં સસ્તા અનાજની દુકાને કેરોસીન મળતું બંધ થયું છે. હવે ગૅસનો બાટલો ખાલી થતાં તે અત્યંત ખાબડ-ખૂબડ રસ્તે ૨૦ કિલોમીટર દૂર મળે છે અને તે પણ રૂપિયા ૬૫૦માં ! એટલે ઘણાના ઘરે ખાલી બાટલા પડ્યા છે. સરકાર હવે જે લોકો ગૅસ વાપરતા ન હોય તેના બાટલા જપ્ત કરવાની છે તેવી ચર્ચા ચાલુ છે.

ગામમાં બે યુવાનો ગ્રેજ્યુએટ છે અને ત્રીજો એક વિષયમાં નાપાસ થયો છે. બાકીના ૨૦-૩૦ વર્ષ ઉંમરવાળા તમામ લોકો શાળામાં ગયા નથી. ગામમાં એક પણ સરકારી નોકરીનો કોઈને લાભ મળ્યો નથી. દિવાળી બાદ ગામ ખાલી થઈ જશે અને લોકો અમરેલી, રાજકોટ, ભાવનગર અને કચ્છ સુધી મજૂરી કરવા જશે. ત્યાં ભલે સરકારી કાયદો લઘુત્તમ વેતન રૂપિયા ૨૬૫ ચૂકવવાનું કહેતો હોય પરંતુ તેમને દરરોજના રૂપિયા ૧૨૦ જ મળશે. ક્યારેક એ પૈસા ચૂકવવામાં પણ માલિકો ડખા કરે છે. તે બધા પોતાના ગામે હોળી પર પાછા આવશે. જે ઘરોમાં ઘરડાં નથી તે લોકો પોતાના છોકતાંઓને પણ મજૂરી પર લઈ જશે. ભણેલા યુવાનોને પૂછ્યું તો કહે તેમને સરકારી યોજનાની કોઈ માહિતી નથી.

હું બાળકોને મારી જોડે ખાટલે બેસાડું છું. દીપક પાંચમા ધોરણમાં ભણે છે પણ તેને વાંચવામાં ભારે તકલીફ  પડી રહી છે. સચીન બીજા ધારણમાં ભણે છે પણ તે ‘થ’, ‘ણ’, ‘ઠ’ કે ‘ધ’ વાંચી શકતો નથી, હું દીપકની નોટમાં જોઈ શકું છું કે ત્રણ સંખ્યાના સરવાળા ખોટા છે પણ શિક્ષકે સુધાર્યા નથી. હું તેની પાસે તે દાખલો ફરી ગણાવું છું પણ તે ગણી શકતો નથી. રસિકા ઉંમરે ખાસ્સી મોટી છે પણ પાંચમા ધોરણમાં છે તેને દાખલો આવડ્યો. સચીનને વાંચતા ન આવડ્યું પણ તેને મારા મોબાઈલ પર અમારો બધાનો ફોટો પાડી આપ્યો ! બાળકોને વર્ષે રૂપિયા આઠસો શિષ્યવૃત્તિ મળે છે, તેમાંથી એક જોડ ગણવેશના માસ્તર રૂપિયા ત્રણસો કાપી લે છે. ગણવેશની કોઈ સરકારી યોજના નથી તેમ જાણ્યું. બાળકોને ગુજરાતના મુખ્યમંત્રીનું નામ ખબર નથી પણ ‘મોદી’ નામથી પરિચિત છે.

બીજો એક આઠેક વર્ષનો છોકરો આવ્યો. પૂછ્યું તો ખબર પડી કે તે નિશાળે દાખલ થયો જ નથી. તેનો બાપ મરી ગયો છે એટલે મા તેને લઈ પિયર આવી છે. તેને પૂછ્યું તો કહે, “ભણવું છે!” પણ એની પાછળ રસ લેવાવાળું કોઈ નથી. એનું નામે ‘વિકાસ’ નથી, પણ ‘આકાશ’ છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s