કપિલા નાયક, દિનેશ રાઠવા/
ગુજરાતની હદ અહીં પૂરી થાય છે અને મધ્યપ્રદેશની હદ શરૂ થાય છે. ગુજરાતથી સામે પાર જવા દ્વિચક્રી વાહન માર્ગ છે. ગામનું નામ છે, ઢોરકુવા. બે ચાર લોકો વિશાળ મહુડાના ઝાડ નીચે ઊભા છે અને અમને આગંતુકોને જોઈ ચહેરા ચિંતિત છે. ગામમાં ૧ થી ૪ ધોરણની શાળા છે. અહીંથી અને બાજુના ગામેથી ઘણી યુવતીઓ દલિત શક્તિ કેન્દ્રમાં તાલીમ લઈ ચુકી છે. રસ્તામાં પણ અમને ઘણી શંકાશીલ તાકી રહેલ નજર જોવા મળી. મધ્ય પ્રદેશથી દારૂ ગુજરાતમાં અહીંથી પસાર થાય છે એટલે અમને રખેને પોલીસ સમજે એ સ્વાભાવિક હતું. દારૂની અહીં નવાઈ નથી. પોલીસ સઘળું જાણે છે. દારૂની ખેપ મારતી બધી ગાડીઓ અને વાહનો વડોદરા જિલ્લાની નોંધણી ધરાવે છે. બેકાર યુવાનોને આ કામે રોજીરોટી મળી રહે છે.
ગામમાં શિક્ષક બપોરે એક પહેલાં ડોકાતા નથી, તેવી ફરિયાદ મળી. બીજા ગામે એવું જાણવા મળ્યું કે સાતમા પગાર પંચથી તારાજ થઈ ગયેલા શિક્ષકો શાળામાં આવતા જ નથી અને ભણાવવાનું કામ કોઈ ૧૦-૧૨ ભણેલ સ્થાનિક યુવાનને દિવસના ૧૦૦-૧૫૦ રૂપિયાના ભાવે આપી દે છે. જાણવા મળ્યું કે તલાટી એ એકમાત્ર સરકારી પ્રતિનિધિ છે, જે ગામે આવતા હોય. હા, નવજાત શિશુઓને રસી મૂકવાવાળા જરૂર આવે.
થોડે આગળ દુણ ગામે ગયા. અહીં બેત્રણ નાનાં બાળકો મળ્યાં પણ માજી સરપંચ સક્રિય હતા અને બાળકોને વાંચતાં આવડતું હતું. પણ ગામ ચિંતામાં હતું. ગામની કોઈ જુવાન દીકરી સીવણ વર્ગમાં જતી ને ક્યારેક દૂરના સંબંધીને ત્યાં રોકાઈ જતી, કારણ બસની સગવડ ન હતી. એનાં માબાપને વાવડ મળ્યા છે કે એમની દીકરીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કોઈ ગામના પટેલ સાથે લગ્ન કરી લીધા છે. પણ માબાપને શંકા છે કે એમની દીકરીને વેચવામાં આવી છે. છોકરીઓને પરણાવી દેનારા એજન્ટોની હાજરી નવી નથી. અહીંની ગરીબ ઘરની આદિવાસી છોકરીઓ પટેલના ઘરમાં પત્ની અને ખેતમજૂરની બેવડી ઓળખ ધરાવે છે. ઘણી છોકરીઓ બહુપત્નીત્વ ધરાવતા મુસ્લિમ સમાજમાં ગોઠવાઈ છે. માબાપ લાચાર છે. એવું બને તેમાં કોઈને અત્યાચાર દેખાતો નથી અને છેલ્લે મામલો પૈસામાં સમેટાઈ જાય છે.
જંગલમાંથી શાળાએ જતી નાની કન્યા શોષણનો ભોગ બને છે તો ક્યારેક કોઈ કપડાં ધોતી હોય ને તેને બે જણા ઉપાડી જાય અને બે દિવસ પછી પાછી મૂકી જાય, એવા બનાવો પણ જાણવા મળે છે. ડૉ. આંબેડકર કહેતા, “દેશની પ્રગતિ કેટલી થઈ તે માપવાનો માપદંડ સ્ત્રીઓની પ્રગતિ કેટલી થઈ તે છે.” આ વ્યાખ્યા ગુજરાતના ગળે ઊતરે ખરી?