પરેશ પરમાર, ચંદ્રિકા ખ્રિસ્તી, દીનાબેન પરમાર
ભારતના દલિત રાષ્ટ્રપતિની ઓળખ ધરાવતા શ્રી રામનાથ કોવિંદ ગાંધીજીની ૧૪૮મી જન્મજયંતીના દિવસે પોરબંદર જવાના હતા ને ભાજપની ગૌરવયાત્રાનું પ્રસ્થાન પણ ત્યાંથી થવાનું હતું. તે દિવસે સરદાર પટેલના વતન કરમસદથી પણ ભાજપની ગૌરવયાત્રાનો બીજો માર્ગ શરૂ થવાની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. તે જ દિવસે વહેલી સવારે સાડા ચારના સુમારે બોરસદ તાલુકાના ભાદરણિયા ગામે દલિત યુવાન જયેશની હત્યા પોતાને સરદાર પટેલના વારસદાર ગણાવે છે તે સમૂહના લોકોએ કરી. ગૌરવયાત્રા શરૂ થાય તે પહેલાં કરમસદની મેડિકલ કૉલેજમાં જયેશનો મૃતદેહ પહોંચી ગયો હતો. પોલીસને હજુ ફરિયાદ નોંધવાનો સમય મળ્યો ન હતો.
દલિત અત્યાચાર થાય ત્યારે જ સમાજ કલ્યાણ મંત્રીને બનાવના ગામે પોતાની પધરામણી કરવાનો રૂડો અવસર મળે છે. સરકારી વળતર એ જ જાણે અત્યાચાર સામે લડવાનો એકમાત્ર સૌથી મોટો સરકારી કાર્યક્રમ બની રહે છે. ભૂતકાળમાં કાયદામાં જોગવાઈ હતી કે દલિતો સામેના ગંભીર અત્યાચારના સવાલોમાં સમગ્ર ગામ પર સામુહિક દંડ નાખવો અને ગ્રામપંચાયત પર શિક્ષાત્મક પગલાં લેવાં. ગુજરાતના ઈતિહાસમાં આવા પગલાં લેવાયાનો એકેય બનાવ બન્યો નથી.
પડ્યા પાર પાટુની જેમ સરકારના મંત્રી વળતરનો ચૅક લઈ પત્રકારોની હાજરીનો કાર્યક્રમ ગોઠવી પહોંચી જાય છે. ન્યાય જાણે વળતરમાં સમાપ્ત થઈ જાય છે. વળતરના નાણાં લોકોના કરમાંથી અપાય છે અને જેની હત્યા થઈ હોય તે કુટુંબનો પોતાનો પણ એ વળતરના જાહેર નાણાંમાં ભાગ હોય છે !
દલિતોના ઘરે જમવાનો જેણે ઉત્તર પ્રદેશમાં કાર્યક્રમ ગોઠવ્યો અને તે ઘટનાને રાષ્ટ્રીય છાપાઓમાં ચગાવી તથા ઉજ્જૈનના કુંભમેળામાં દલિત સાધુઓને સ્નાન કરાવવા લઈ ગયેલા અમિત શાહની ગૌરવયાત્રાની મિટીંગ મળી ત્યાંથી જયેશનું ઘર માત્ર આઠ કિલોમીટર દૂર હતું પણ સ્વાભાવિક છે કે જયેશની હત્યા એ ગુજરાતના ગૌરવનો ભાગ ન હોઈ શકે એટલા કારણે તેમને ત્યાં જવાનું યોગ્ય નહિ લાગ્યું હોય. ખેર! પરંતુ તેમને પોતાની ગૌરવયાત્રાના ભાષણમાં પણ આ ગોઝારી ઘટનાનો ઉલ્લેખ કરવાનું પણ ન સૂઝ્યું.
૧૯૮૦ના દાયકામાં ભાલના ગામડાંઓમાં દલિતો પરના અત્યાચારોને ઉજાગર કરવા એક નાટક શ્રેણી બનેલી તેનું નામે હતું; ‘હવે ન સહેવા પાપ’. આ નાટકોમાંનું એક નાટક હતું ‘ગીધડાં’. ઢોર મરે ત્યારે એને ચૂંથી ખાવા ગીધડાં તલપાપડ થઈ જાય તેમ દલિતની હત્યા પર રાજનીતિ કરવા જાણે ગીધડાં તૂટી પડે છે! આ અત્યાચારો ક્યારે અટકે તેની ગંભીર ચર્ચા વિધાનસભામાં થતી નથી કે દલિતો મતાધિકાર રદ્દ કરાવવા અને ‘પૂના કરાર’ દાખલ કરવા જેમ ગાંધી ઉપવાસ પર ઉતરેલા તેવા કોઈ ગાંધીજનો આવા પ્રસંગે ઉપવાસ પર ઉતર્યા હોય તેવા દાખલા પણ ઈતિહાસનાં પાને જડતા નથી.
કદાચ એવું પહેલી જ વાર બન્યું કે ભાદરણિયાના દલિતોએ સમાજ કલ્યાણ મંત્રીને વળતરનો ચૅક લઈને આવવા ઘસીને ના પાડી દીધી અને સંભળાવ્યું, “તમારા ઘરના પોતીકા પૈસા લઈને આવવાના હોય તો સુખેથી એવો; પણ સરકારી પૈસા હોય તો અમે કોઈ અધિકારીના હાથે સ્વીકારી લઈશું.” ચૂંટણીના માહોલમાં હિંદુ ધાર્મિક સંગઠનો પણ ગામે પહોંચી ગયાં અને ‘પોતે જયેશના અસ્થિ હરિદ્વારમાં પધરાવશે’ એમ કહી અસ્થિ માંગ્યાં. દલિતોએ તેમને સમજાવ્યું કે તેમને મન તેમનું હરિદ્વાર તેમનું પોતાનું ગામ જ છે!
એક નવું મેં સગી આંખે નિહાળ્યું. ૨૦૦૦ની સાલમાં પણ ભાદરણિયાના દલિતોના ઘર પર ભારે હુમલો થયો હતો અને ત્યારે પટેલ અને ઠાકોર એક હતા. જયેશની સ્મશાનયાત્રામાં બધા જ ઠાકોર જોડાયા અને તેની ચિત્તામાં લાકડાં ગોઠવવાનું કામ ઠાકોર યુવાનો કરી રહ્યા હતા!
આ બધા પરિવર્તનથી રાજકીય ગીધડાંઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે કે કેમ? તેવો સવાલ મનમાં પેદા થાય છે.