જયેશ પરમાર, લક્ષ્મણ મકવાણા/
ગુજરાતનો વિકાસ માપવાનું જાણે એકમાત્ર સાધન એ છે કે રાજ્યમાં ફેક્ટરી કેટલી ખૂલી. ઘણા લોકો રોજગારી, પછી તે હંગામી અને ઓછા પગારવાળી હોય તો પણ વખાના માર્યા સ્વીકારી લે છે. પણ ખાસ કરીને એવા ઘણા દલિત કુટુંબો છે જેની સ્ત્રીઓને આવી ફેકટરીએ ફેંકી દીધેલ કચરામાંથી બે ટંકના રોટલા મળી રહે છે.
અમદાવાદ-બાવળાની વચ્ચે આવેલ ચાંગોદર ગામે ઘણા કારખાનાં આવેલાં છે જેમાં દૂર-દૂરના વિસ્તારોમાંથી બેકારોની ફોજ રોટલા રળવા આવે છે. ભારતમાં સૈન્યની ફોજ કરતાં બેકારોની ફોજ મોટી છે !
તારીખ ૨૭/૨/૨૦૧૪ના દિવસે નિત્યક્રમ પ્રમાણે પોતાના ખભે ખાલી થેલો ભેરવી ગંગાબેન કચરો વીણવા નીકળી પડ્યાં. એમની ઉંમર ૬૫ વર્ષની. કચરો વીણતા લોકોને માટે પી.એફ. કે ગ્રેજ્યુઇટી સાથે નિવૃત્તિ અથવા વી.આર.એસ. લેવાની સરકારી જોગવાઈ નથી. હાથ-પગ ચાલે ત્યાં સુધી વૈતરાં જાણે વારસામાં મળ્યાં હોય છે. ગંગાબેન બપોરે ૧૨ના સુમારે પાછાં વળતાં જેથી રોટલા ઘડી શકે. પણ તે દિવસે તે બપોરે પાછા આવ્યા નહીં. ખાસ્સીવાર રાહ જોઇને ગંગાબેનને શોધવા કુટુંબીજનો નીકળી પડ્યા. સાંજ સુધી ન મળતાં ફળિયાના બીજા લોકો પણ શોધવા લાગ્યા. ગંગાબેનની લાશ બીજા દિવસે એક કારખાનાના પાછળના ભાગેથી કાંટા-ઝાંખરાં વચ્ચે જોવા મળી. એમના બે કાનની બૂટ કાપેલી હતી અને એકમાત્ર જણસ, પહેરેલી બુટ્ટી ગૂમ હતી. કપડાં અસ્તવ્યસ્ત હતાં, અંગત ભાગેથી લોહી નીકળેલ હતું અને સ્થળ પર ઈજાઓ હતી, જે વૃદ્ધશરીર સાથે છેડછાડની ચાડી ખાતાં હતાં.
તબીબી અહેવાલો ભારે વિસંગત છે. પોસ્ટમોર્ટમ અહેવાલમાં વીર્યની હાજરી; અંગત ભાગમાં ઈજાને આધારે બળાત્કારની કોશિશ દર્શાવી છે પણ એફ.એસ.એલ.નો અહેવાલ જુદો પડે છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગંગાબેન રહ્યાં નથી અને ભીખ માંગવાના બદલે કાગળ-કચરો વીણીને રોટલો રળતી વૃદ્ધ અને સ્વમાની દલિત સ્ત્રી પોતાની ઈજ્જત ગુમાવી મરી ચૂકી છે.
પોલીસ આરોપીને શોધી શકી નથી. જ્યાં કાગળ-કચરો વીણીને પેટનો ખાડો પૂરતી વૃદ્ધ સ્ત્રીઓની સલામતી ન હોય તેને વિકાસ કઈ રીતે કહેવો?