મરાઠા આંદોલન:  જાહેર ક્ષેત્રોની નોકરીઓ પર્યાપ્ત નથી, સરકારી નોકરીઓમાં અનામત એ સમસ્યાનો એકમાત્ર ઉકેલ નથી

Ahmednagar-Maratha-Morcha

ચંદુ મહેરિયા*

ઓગસ્ટ ક્રાંતિ દિને મુંબઈમાં લાખો મરાઠાઓની રેલીએ મહારાષ્ટ્રના જ નહીં દેશના રાજકારણ પર ભારે અસર કરી. મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા શરૂ થયેલા આંદોલનની મુખ્ય માંગણીઓ હતી: શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત, કોપર્ડી બળાત્કારકાંડના કથિત દોષી દલિતોને ફાંસી, ખેડૂતોના દેવાની માફી, અને અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદાની નાબૂદી. મહારાષ્ટ્રના એક મહત્વના અને બળૂકા એવા મરાઠા સમાજના આ આંદોલનની એટલી મોટી અસર થઈ કે એ જ દિવસે રાજ્યની ભાજપ-શિવસેના સરકારે કેટલીક માગણીઓના સ્વીકારની વિધાનસભામાં જાહેરાત કરી દીધી!

૧૩મી જુલાઈ ૨૦૧૬ના દિવસે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામે મરાઠા કિશોરી પર કેટલાક દલિતોએ સામુહિક બળાત્કાર કરી તેની હત્યા કરી નાંખી.તેથી આક્રોશિત મરાઠાઓએ દોષિતોને ફાંસીની સજા અને અત્યાચાર પ્રતિબંધક કાયદાની નાબૂદીનું આંદોલન ઉપાડ્યું. આ સ્વંયભૂ, સામુહિક નેત્રુત્વ ધરાવતા, શાંત અને વિશાળ આંદોલનમાં મરાઠાઓ માટે અનામતની જૂની માંગણી પણ ઉમેરાઈ. આ આંદોલનની એ વિશિષ્ટતા રહી કે તે અન્ય રાજ્યોના આક્રમક અને હિંસક અનામત આંદોલનની તુલનામાં મહદઅંશે શાંત અને અહિંસક હતું. લાખોની સામેલગીરીથી તે અસરકારક હતી અને રાજ્યના તમામ રાજકીય પક્ષોને તેનું સમર્થન કરવાની ગરજ પડી.

મહારાષ્ટ્રની વસ્તીમાં મરાઠાઓનું પ્રમાણ લગભગ ચોત્રીસ ટકા હોવાનું અનુમાન છે. રાજ્યના રાજકારણ પર તેમનું ભારે પ્રભુત્વ છે. વિધાનસભાની ૨૮૮માંથી પોણા ભાગની બેઠકો પર મરાઠાઓના મતો નિર્ણાયક ગણાય છે. એટલે રાજ્યમાં એકાદ દાયકાને બાદ કરતાં સતત મરાઠા મુખ્યમંત્રીઓનું જ શાસન રહ્યું છે. સહકારી ક્ષેત્ર, ખાસ કરીને સુગર ફેકટરીઓ અને વ્યવસાયી તથા સેલ્ફ ફાઈનાન્સ શિક્ષણ સંસ્થાઓ મરાઠાઓના હાથમાં છે. જોકે તેને કારણે સમગ્ર મરાઠા  સમાજ સુખી અને સાધન સંપન્ન છે એવું નથી. એક નાનો વર્ગ સંપન્ન થયો છે પણ મોટો સમુહ આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોવાનું આંદોલકોનું કહેવું છે. ગામડાઓમાં રહેતા મરાઠાઓમાં નાના અને સીમાંત ખેડૂતો અને ખેતમજૂરો પણ છે.

તો શહેરોમાં માથોડા કામદારો કે કુલી પણ છે. ૨૦૧૪માં કોંગ્રેસ-એનસીપી સરકારે રચેલી નારાયણ રાણે સમિતિ કે તે પૂર્વેના બાપટ આયોગ અને સર્રાફ આયોગે મરાઠાઓની સ્થિતિની તપાસ કરી હતી. રાણે સમિતિના અહેવાલ મુજબ ૭૩% મરાઠાઓ મધ્યમ આવક ધરાવે છે. ૬૭% દેવાદાર છે. ૫૦% જમીન વેચી દેનાર છે. કુલ ખેડૂત આત્મહત્યામાં મરાઠાઓની સંખ્યા ૩૬ % છે.રાજ્યની સરકારી નોકરીઓમાં તેમનું પ્રમાણ ૧૫ ટકા જ છે. તો ઉચ્ચ શિક્ષણમાં તે ૧૨ ટકા છે. છેલ્લા બે દાયકાથી ખેતીમાં બરકત રહી નથી. તેથી ગામડાઓમાં સ્થિતિ વધુ ખરાબ છે.

૨૦૧૪માં તત્કાલીન કોંગ્રેસ-એનસીપી સરકારે મરાઠાઓ માટે ૧૬ ટકા અનામતનો વટહુકમ બહાર પાડ્યો હતો. પરંતુ અદાલતે મરાઠાઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોવાની સરકારની દલીલનો અસ્વીકાર કરી આ અનામતની માંગણી સ્થગિત કરી હતી. તે પછી ૨૦૧૫માં દેવેન્દ્ર ફડનવીસની સરકારે પણ મરાઠાઓ માટે  અનામતની જોગવાઈ કરતું વિધેયક પસાર કર્યું હતું. પરંતુ ત્યારે અનામતનું પ્રમાણ ૪૯ ટકા કરતાં વધી જતું હોઈ તેને પણ અદાલતે સ્વીકાર્યું નહોતું. અહીં પ્રશ્ન થાય છે કે હરિયાણાના જાટ, ગુજરાતના પાટીદારો , આંધ્રના કાપૂ, રાજસ્થાનના ગુર્જરો અને મહારાષ્ટ્રના મરાઠા સરકારી નોકરીઓમાં અનામત માંગે છે ત્યારે જે તે રાજ્ય સરકારો તેમની માંગણી સ્વીકારીને અનામત આપી દે છે અને પછી અદાલતનો ડારો દઈને બેસી જાય છે. રાજ્ય સરકારો અને આંદોલકો શું એ હકીકત જાણતા નથી કે આવી અનામતની જોગવાઈ ગેરબંધારણીય જ ઠરવાની છે?

અનામતનું પ્રમાણ ૪૯% કરતાં વધી જાય કે આર્થિક ધોરણે અનામત આપવાની થાય તો બંધારણ સુધારો કરવો પડે. આ માટે બંધારણની નવમી અનુસૂચિમાં આવા કાયદાઓનો સમાવેશ કરવાનો પણ વિકલ્પ છે. જેથી તે અદાલતી સમીક્ષાની બહાર રહી શકે. પણ આમ કેમ કરવામાં આવતું નથી ?મહારાષ્ટ્ર સરકારે પણ શિક્ષણમાં અનામતની માંગણી સ્વીકારી, તો સરકારી નોકરીઓમાં અનામતની માંગણી માટે પછાત વર્ગ કમિશનની રચના કરી.

વર્તમાન કેન્દ્ર સરકાર પોતાને પછાતો- ગરીબોની હામી ગણે છે. પરંતુ પછાત વર્ગો માટેની અનામત કે તેમના વિકાસ માટે દિલચોરી રાખે છે. સંસદના વર્ષાસત્રમાં રાજ્યસભામાં સરકાર હાલના પછાત વર્ગ આયોગના સ્થાને બંધારણીય દરજ્જો ધરાવતા રાષ્ટ્રીય સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ પંચની રચનાનું બંધારણ સુધારા વિધેયક લાવી હતી. આ બંધારણ સુધારો ચર્ચા અને મતદાન માટે મુકાયો ત્યારે સત્તા પક્ષના સભ્યો મોટી સંખ્યામાં ગેરહાજર હતા.આ બંધારણ સુધારામાં  બંધારણીય ઓબીસી પંચ પછાત વર્ગોની યાદીમાં નવી જ્ઞાતિઓને સામેલ કરવાની પ્રક્રિયા કરી તેને માટે ભલામણ કરે અને સરકારને તે સ્વીકારવી પડે તથા સંસદની મંજૂરી લેવી પડે તેવી જોગવાઈ છે. પરંતુ ભાજપની ગેરહાજરીમાં વિપક્ષોના સુધારા સાથે આ બિલ પસાર થયું. મહત્વના બંધારણીય સુધારા બિલ પરના મતદાનમાં સરકારની હાર એ દર્શાવે છે કે બીજેપી પછાત વર્ગોના મુદ્દે માત્ર હોબાળો જ કરે છે પણ તે ખાસ સંવેદનશીલ નથી.

મરાઠા આંદોલને તેની તાકાતનું બરાબર પ્રદર્શન કર્યું પણ ભાવનાત્મક મુદ્દા પર તે રાજી થઈ ગયું. સરકારોને પણ આવી માંગણીઓ સ્વીકારી લેવામાં મજા પડી . મહારાષ્ટ્ર સરકારે  રાજ્યસભા સાંસદ અને શિવાજીના વંશજ રામાજી રાજે ભોંસલેને રાજ્ય ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા, બુલઢાણા જિલ્લાના સિંહખેડરાજામાં શિવાજીના માતા જીજાબાઈનું સ્મારક કે અન્યત્ર ભવ્ય શિવાજી સ્મારક માટે સરકારે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને સરકાર મરાઠાઓની મુખ્ય માંગણીઓને તડકે મુકવામાં સફળ રહી છે.

અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદો રદ કરવાની પણ મરાઠા ક્રાંતિ મોરચાની માંગ કરી. આંદોલનકારીઓનું કહેવું છે કે આ કાયદા હેઠળ જે પોલીસ ફરિયાદો થાય છે તેમાં ૯૦% ફરિયાદો મરાઠાઓ સામે થાય છે. તે પૈકીની મોટા ભાગની જૂઠ્ઠી હોય છે.આ માંગને વાસ્તવિક હકીકતો સાથે ચકાસતા જણાય છે કે રાજ્યમાં નોંધાતી કુલ પોલીસ ફરિયાદોમાં માંડ એક ટકો ફરિયાદો જ દલિત આદિવાસીઓની હોય છે તેમાંથી  ૪૦% જ અત્યાચાર પ્રતિબંધક કાયદા અંતર્ગત હોય છે. આ કાયદા હેઠળ થતી સજાનું પ્રમાણ માંડ બે થી ત્રણ ટકા જ હોય છે. એટલે મૂળ સવાલ જૂઠ્ઠી ફરિયાદોનો નહીં, ફરિયાદો ન લેવાનો, યોગ્ય પોલીસ તપાસ ન કરવાનો અને સજાનો દર સાવ અલ્પ હોવાનો છે.

સરકારી અને જાહેર ક્ષેત્રોની નોકરીઓ પર્યાપ્ત નથી ત્યારે સરકારી નોકરીઓમાં અનામત એ સમસ્યાનો એકમાત્ર ઉકેલ નથી. આ બાબત સરકારે અને સમાજે સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે.મરાઠાઓની સંગઠિત તાકાત સામાજિક વિઘટન કે તણાવ ન સર્જે પણ સામાજિક એકતા અને સમાનતાની દિશામાં વળે તે જ ફુલે આંબેડકરની આ ભૂમિ માટે ઈષ્ટ હશે.

*maheriyachandu@gmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s