ડો.આંબેડકરના વડોદરાના કટુ અનુભવોની શતાબ્દી: સો વરસ પછી પણ દલિતોને રોકટોક કે  ભેદભાવ વગર રહેવા ઘર મળતું નથી

Dr._Babasaheb_Ambedkar_and_Savita_Ambedkar_with_Dadasaheb_Gaikwad_and_others

ચંદુ મહેરિયા*

ડો.બાબાસાહેબ આંબેડકરને જાતિભેદ અને આભડછેટને કારણે વડોદરા રાજ્યની નોકરી છોડવી પડેલી તે ઘટનાને  આ દિવસોમાં સો વરસ થશે. ૨૩મી સપ્ટેમ્બરે વડોદરાની સંકલ્પ ભૂમિમાં લોકો સંકલ્પ દિન મનાવશે. ડો.આંબેડકરનો સંકલ્પ અને દલિતોની વર્તમાન સ્થિતિ વિશે ગંભીર વિમર્શનો આ અવસર છે.

ઈ.સ.૧૯૦૭માં ભીમરાવ આંબેડકર ભેદભાવો, કારમી ગરીબાઈ અને અભાવો છતાં મેટ્રિક થયા તે મોટી સિધ્ધિ હતી. પિતા રામજી સુબેદારના માસિક ૫૦રૂપિયાના પેન્શનમાં માંડ ગુજારો ચાલતો હતો એટલે વધુ અભ્યાસ શક્ય નહોતો. પરંતુ ક્રુષ્ણાજી કેળુસકરની મદદથી વડોદરાના સુધારાવાદી મહારાજા સયાજીરાવ ગાયકવાડની શિષ્યવ્રુતિ મળી એટલે ભણી શક્યા અને ૧૯૧૨માં ગ્રેજ્યુએટ થયા. વડોદરા રાજ્યની શિષ્યવ્રુતિની શરત મુજબ આંબેડકર વડોદરામાં  નોકરી કરે તે પિતા ઈચ્છતા નહોતા.પિતાની ઈચ્છાની ઉપરવટ જઈને ૨૩મી જાન્યુઆરી ૧૯૧૩ના રોજ આંબેડકર વડોદરા નોકરી અર્થે આવ્યા. જોકે તેમના રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી. શરૂઆતના બેત્રણ દિવસ તે વડોદરાની દલિત વસ્તીમાં રહ્યા.

આર્યસમાજી આત્મારામે તેમની રહેવાની સગવડ આર્યસમાજના કાર્યાલયમાં કરી જે સ્થળ તેમને અનુકૂળ ન આવ્યું. આવી હાલતમાં એમના પિતાની ગંભીર બીમારીના ખબર આવ્યા એટલે તે મુંબઈ જતા રહ્યા. તે મુંબઈ પહોંચ્યા પછી પિતાનું અવસાન થયું. જીવન ઘડવૈયા પિતાની વિદાયના દુ:ખ વચ્ચે તેમણે મુંબઈ આવેલા મહારાજા સયાજીરાવની મુલાકાત લીધી. તેમને પડેલી મુશ્કેલીઓથી માહિતગાર કરી વધુ અભ્યાસ માટે વિદેશ જવાની માંગણી કરી. ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડે લિખિત મરાઠી આંબેડકર ચરિત્રમાં જણાવ્યા મુજબ એ સમયે આંબેડકરે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાંનો અભ્યાસ કરી દલિતોની સ્થિતિ સુધારવાનો પોતાના અભ્યાસનો ઉદ્દેશ મહારાજાને જણાવ્યો હતો.

૧૯૧૩માં આંબેડકર ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા ગયા. અમેરિકાની મુક્ત હવા અને લોકશાહી વાતાવરણનો એમને અનુભવ થયો. સ્નાતક થયા સુધી સરેરાશ વિધ્યાર્થી રહેલા આંબેડકરનું આંતરસત્વ અહીં પૂર્ણપણે બહાર આવ્યું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી તે અર્થશાસ્ત્રમાં એમ.એ. અને પીએચ.ડી.થયા. એમનું આરંભનું છતાં ખૂબ પાકટ અને મૌલિક વ્યાખ્યાન “કાસ્ટ ઈન ઈન્ડિયા અહીંજ લખાયું હતું. આંબેડકરની ઈચ્છા હતી કે તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં વધુ અભ્યાસ કરે અને બેરિસ્ટર બને. પરંતુ વડોદરા રાજયની શિષ્યવ્રુતિની મુદત પૂરી થતાં લંડનનો અભ્યાસ અધૂરો છોડી અમેરિકા અને ઈંગ્લેન્ડની મુક્ત હવા શ્વાસમાં ભરીને ,ડોક્ટરેટ મેળવીને, ૨૧મી ઓગસ્ટ ૧૯૧૭ના રોજ આંબેડકર મુંબઈ આવ્યા.ધનંજય કીર લિખિત આંબેડકર જીવનીમાં જણાવ્યા મુજબ ૨૦૧૭ના બીજા અઠવાડિયામાં ડો.આંબેડકર મોટાભાઈ બાલારામ સાથે વડોદરા આવ્યા હતા.

baroda-Felicitating-ceremony-of-Babasaheb-Ambedkar-whose-entire-education-was-sponsored-by-Maharaja-Sayajirao-Gaekwar-1

વડોદરા રાજ્યમાં ડો.આંબેડકરને અજમાયશી ધોરણે લશ્કરી સચિવ બનાવવામાં આવ્યા. ૧૭મી મે ૧૯૩૬ની મુંબઈ-કલ્યાણની સભામાં  અને આત્મકથનાત્મક લખાણ ‘વેઈટિંગ ફોર વિસા’(ડો.આંબેડકર રાઈટિંગ એન્ડ સ્પીચીઝ, ખંડ-૧૧, ભાગ-૫, પ્રકરણ-૧, પ્રુષ્ઠ-૬૫૯થી ૬૯૧)માં ડો.આંબેડકરે વડોદરાના કટુ અનુભવો જાતે જ વર્ણવ્યા છે. ડો.આંબેડકર વડોદરા રાજ્યના ઉચ્ચ હોદ્દે પહોંચે તે  પહેલાં તેમનું દલિત હોવું ત્યાં પહોંચી ગયું હતું. ભારે મેઘાવી અને વિશ્વની પ્રસિધ્ધ યુનિવર્સિટીઓની ડિગ્રી છતાં તેમનું જન્મે અસ્પ્રુશ્ય હોવું તેમના માર્ગમાં આડે ઉભું હતું.

ઓફિસમાં પટાવાળા કે સાથી કર્મચારીઓ માન ન જાળવે અને અસ્પ્રુશ્યતાનો વ્યવહાર કરે, રાજ્યની ઓફિસર્સ કલબમાં પણ જુદાપણું દેખાય. રહેવાનું કોઈ ઠેકાણું નહોતું. એટલે પારસીની વીશીમાં જાત છુપાવીને રહ્યા પણ તે લાંબું ન ટક્યું. પારસીઓને તે અછૂત હોવાની ખબર પડી ગઈ. એટલે હિંસક ટોળું તાત્કાલિક જગ્યા ખાલી કરાવવા આવ્યું. રાજ્યના અને મહારાજાના કાને વાત નાંખી પણ પરિણામ શૂન્ય આવ્યું. કોઈ મિત્રોએ પણ આશરો ન આપ્યો. એટલે હાલના સયાજીબાગના એક વ્રુક્ષ નીચે એ પાંચેક કલાક બેસી રહ્યા ને પછી ચોધાર આંસુએ રડતાં રડતાં વડોદરા છોડવું પડ્યું.

ડો.આંબેડકરે એમની ૧૯૧૩ અને ૧૯૧૭ની વડોદરા રાજ્યની બંને નોકરીઓ વખતે તેમને અસ્પ્રુશ્ય તરીકે પડતી મુશ્કેલીઓ સાથે રહેવા મકાન આપવા મહારાજાને અને દીવાનને અનેકવાર રજૂઆતો કરી હતી. જે રાજ્ય આંબેડકરને ભણવા સ્કોલરશીપ આપે, નોકરી આપે તે રહેવા ઘર ન આપે એટલે મજબૂરી વશ એમને વડોદરા છોડવું પડે ત્યારે રાજ્ય કંઈ ન કરે તે સમજવું અઘરું છે. સયાજીરાવ ગાયકવાડની સુધારક રાજવીની છાપ હતી. તેમણે જમાનાથી આગળ દલિતોધ્ધારના ઘણાં પગલાં લીધાં હતા. ૧૮-૧૦-૧૯૦૩માં ,”કમકમાટી ઉપજાવે એવા ઉચ્ચવર્ણના લોકોની જુલમ જહાંગીરી સામે બળવાનો પોકાર કરવાની પહેલી તક હું લઈશ “એવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારનાર સયાજીરાવના વડોદરામાંથી આંબેડકરને અપમાનિત થઈ ઉચાળા ભરવા પડે તે રહસ્ય ન સમજાય તેવું છે.

વડોદરાના સયાજીબાગમાં અનુભવેલું મંથન કે સંકલ્પ બાબાસાહેબે સ્પષ્ટ નથી દર્શાવ્યો. “વેઈટિંગ ફોર વિસા”માં ,”વડોદરાની નોકરી મેં શા માટે છોડી એ વાત અહીં અપ્રસ્તુત છે. માટે એમાં ઉંડો ઉતરતો નથી” એમ લખ્યું છે. આંબેડકરના જીવનીકારો ધનંજય કીર, ખૈરમોડે અને ગેઈલ ઓમવેટ પણ તેમના મનોમંથન કે સંકલ્પ અંગે મૌન છે. જોકે બાબાસાહેબના ગુજરાતી જીવન ચરિત્રના લેખક ડો.પી.જી.જ્યોતિકરે લખ્યું છે, “ વડોદરાના એ વ્રુક્ષ નીચે તેમણે સમાજસેવાનો સંકલ્પ કરી પ્રતિજ્ઞા લીધી કે ,’જે સમાજમાં હું જન્મ્યો છું તે (દલિત) સમાજ ઉપરના અમાનવીય, અન્યાયી, ઘ્રુણાજનક, ગુલામીયુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને તે અત્યાચારો દૂર કરવામાં હું નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.” (પ્રુષ્ઠ-૭૧)

આજે આંબેડકરને વડોદરા છોડાવ્યાની શતાબ્દીએ, આંબેડકરે ચાહ્યો હતો તેવો દલિત અત્યાચાર મુક્ત અને સમાનતાયુક્ત ભારતીય સમાજ હજુ રચાયો નથી અને સો વરસ પછી પણ દલિતોને રોકટોક કે  ભેદભાવ વગર રહેવા ઘર મળતું નથી.બીજી તરફ ખુદ દલિતો સંઘર્ષસેનાની આંબેડકરને વિસારે પાડી બંધારણના મસીહા આંબેડકરને વળગી રહ્યા છે અને સરકારી નોકરીઓ અને અનામતને જ ઉધ્ધારની એકમાત્ર ગુરુ કિલ્લી માની બેઠા છે. બાબાસાહેબે કહ્યું હતું, “મારા જીવતે જીવ તમે લોકો(દલિતો) કેવું પરિવર્તન લાવો છો એ મારે જોવું છે.”

તો વડોદરાના અનુભવ અંગે,  હુમલો કરવા સજ્જ પારસીઓનું ટોળું અને તેમની સામે આતંકિત ચહેરે દયાની ભીખ માંગતા ભીમરાવ માટે “તે દ્રશ્ય ક્યારેય ધૂંધળું પડ્યું  નહોતું. અને તેના સ્મરણ માત્રથી આંખમાં આંસુ આવી જતા” હોવાનું બાબાસાહેબે બહુ દુ:ખી દિલે લખ્યું હતું. આ બધું સંભારીએ છીએ ત્યારે શિક્ષણ અને રાજકીય સતાના કેફમાં ગુલતાન દલિત સમાજ માટે સંઘર્ષશીલ આંબેડકર વિસ્મ્રુત લાગે છે. પિતા રામજી સુબેદારે તો પુત્ર ભીમરાવને “છાંયડામાં થાય તેવું કામ કરતાં શીખજે’ ની સલાહ આપી હતી. આંબેડકરે સ્વમાનહીન થઈ વડોદરા રાજ્યની નોકરી કરી ખાવાને બદલે તે સ્થિતિને પડકારવા લડી લેવાનું નક્કી કર્યું હતું. તે માટે ભારે અભાવોમાં અંગત જીવન વિતાવ્યું હતું. ન માત્ર દલિત સમાજ સમગ્ર ભારતીય સમાજ આંબેડકરના સંઘર્ષનો માર્ગ ભૂલી ગયો છે તે તેમના જીવનની મોટી કરુણતા છે.

*maheriyachandu@gmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s