બનાસકાંઠા પુરની આફત રેતી-માફિયાઓને માટે કેવી રીતે આશીર્વાદ રૂપ સાબિત થઇ

2 (1)

બનાસકાંઠા પુર સંદર્ભે માર્ટીન મૅકવાનનો આ લેખ અંગ્રેજી બ્લોગ counterview.org માં છપાયો હતો. લેખમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે દલિતો અને અન્ય પછાત વર્ગોની કેવી રીતે અવગણના કરવામાં આવી. અનુવાદ: સંજય શ્રીપાદ ભાવે

સમીથી પંદર કિલોમીટરે આવેલા બાપસા ગામથી રાધનપુરના રસ્તે  હું મોટર ચલાવી  રહ્યો હતો. એ વખતે મારાં મનમાં 2000ના વર્ષમાં ગુજરાતમાં આવેલા ભૂકંપની યાદો સળવળી ઊઠી. મને એમ થયું કે એ વખતે જોયું હતું તેમ આ વખતની પૂરની આપત્તિ કુદરતી હોવાં કરતાં માનવસર્જિત વધુ હતી.

બનાસ નદીના પાણીથી રાષ્ટ્રીય ધોરી માર્ગની એક બાજુ ધોવાઈ ગઈ હતી. પણ તેનાથી થોડેક દૂર નર્મદા યોજનાની ગૌણ નહેરો ધોવાઈને  કાગળના ડૂચાની જેવી થઈ ગઈ હતી. એ નહેરો કાચા બાંધકામને કારણે તૂટી કે પછી ચોક્કસ  મુદતના સમયમાં નહેરો  બાંધવાનો આંકડો પૂરો કરવા માટે ઉતાવળે બંધાઈ હતી ? આ પૂછાવા જેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા નથી.  બીજી બાજુ મુખ્યમંત્રી બધું ધ્યાન રાહતની વહેંચણી કરવામાં કેન્દ્રિત કરી રહ્યા છે. આ રાહત ખોરાકનાં પડીકાં, કપડાં અને રોકડ સહાય પૂરતી મર્યાદિત છે – દસ દિવસ માટેની રોકડ રકમ  પુખ્ત વયના અસરગ્રસ્તને માટે દિવસ દીઠ પાંસઠ રૂપિયા અને સગીરને  પિસ્તાળીસ રૂપિયા છે.

માલધારીઓએ રસ્તાની એક બાજુ આશરા માટે રોકી લીધી છે.ત્યાં તેઓ ભેંસો સાથે રોકાયા છે. મારી મોટરની આગળ રાહત સામગ્રી ભરેલો  ખટારો જઈ રહ્યો હતો. તેમાંથી વપરાયેલાં કપડાંનાં પોટલાં રસ્તા પર રાહતની રાહ જોઈ રહેલા લોકો તરફ ફેંકાઈ રહ્યાં હતાં. આવું એક પોટલું એક મોટર સાયકલ પર પાછળી સીટ પર બેઠેલાં માણસે ઊપાડીને તેની બૅગમાં નાખી દીધેલું પણ મેં જોયું.  રસ્તાની બાજુમાં રહેતાં અસરગ્રસ્તો પોટલાં ઊપાડીને તેમાંથી જે કંઈ કામનું લાગે તે લઈને બાકીની ચીજો ફેંકી દેતા અને તે રસ્તે વેરાયેલી પડી રહેતી એવું તો ઘણી જગ્યાએ  જોવા મળતું હતું.રાધનપુરથી રાજસ્થાનનાં બ્યાવર તરફ જતા ધોરી માર્ગ પર બહુ પોલીસવાળા હતા, કારણ કે આ વિસ્તારની મુલાકાત લેવા ઘણાં રાજકારણીઓ આવ્યા હતા. અમે કાંકરેજ પંથકના રુણી ગામ પહોંચ્યા.

રુણી ગામમાં એક જૈન મંદિર છે, જેના વીસ વીઘા પર પથરાયેલા પરિસરને ફરતે દિવાલ  છે. આ દિવાલનો કેટલોક હિસ્સો પડી ગયેલો હતો. આ મંદિરની બાજુમાંથી પસાર થતો રસ્તો ઓળંગો એટલે સામે દલિત વિસ્તાર છે જેમાં ચામડાનું કામ કરનાર અને સફાઈકામદારોનાં રહેઠાણ છે. મોટા ભાગનાં રહેઠાણોમાં આઠ બાય આઠ ફૂટનો એક ઓરડો છે અને આ આગળ છાપરાવાળી ઓસરી કે વરંડો છે.  આ ઘરોમાં  છેક છત  સુધી કીચડ અને રેત ભરાઈ ગયાં હતાં. કેટલાંક લોકો તે કાઢી શક્યા. આ વિસ્તારમાં તેર ફૂટ જેટલાં પાણી ચઢ્યાં હતાં. લોકોએ ગામની સહકારી મંડળીના મકાનના ઉપરના માળે અથવા થોડાંક પાકાં મકાનોનાં ધાબે આશરો લીધો હતો. આ લોકો એક આખો દિવસ  વરસાદ અને પવનનો સામનો કરી રહ્યા હતા.છેક  ત્રીસ કલાકે લશ્કરના જવાનો તેમની પાસે બિસ્કીટ લઈને પહોંચી શક્યા.

1 (1)એક ઘરમાં અમે જોયું કે પોસ્ટ ગ્રૅજ્યુએશનનું પ્રમાણપત્ર ભીંજાઈને ખતમ થઈ ગયું હતું. પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોનાં કીચડથી ખરડાયેલાં પુસ્તકો ઘરના ધાબે સૂકાવા મૂક્યાં હતાં. મને યાદ આવ્યું કે 1979માં હું મોરબીની એક કૉલેજનો વિદ્યાર્થી હતો ત્યારે મચ્છુ હોનારતમાં  મેં વોલન્ટીઅર એટલે કે સ્વયંસેવક તરીકે નામ નોંધાવ્યું હતું. સ્થાનિક લોકોને તેમનાં ઘરોમાં ભરાયેલા કીચડને સાફ કરવામાં મદદ કરનારામાં હું પણ હતો. આ વખતે બનાસકાંઠાના રુણી ગામમાં મેં જોયું કે સ્થાનિક લોકોને મદદ કરવા માટે વોલન્ટીઅર્સ ન હતા. અહીં  માત્ર મુલાકાતીઓ અને રાહત વહેંચનારા આવતા હતા.

ગામના સાધનસંપન્ન લોકો જેસીબી મશીનો મંગાવી શક્યા  હતા, જ્યારે દલિતો ટ્રૅક્ટરો ભાડે મળવાની રાહ જોઈ રહ્યા હતા. જેમને  ટ્રૅક્ટર મળે તે સડેલું અનાજ, ગાદલાં-ગોદળાં અને ખરાબ થઈ ગયેલી ઘરવખરીનો નિકાલ કરી રહ્યા હતા. સરકારે તેમને ટ્રૅક્ટરનાં ભાડાં માટે કોઈ પૈસા આપ્યા ન હતા. સફાઈ કામદારોનાં રહેઠાણોમાં હજુ કીચડ છલોછલ હતો. ઘણાં ઘરોમાં તે સાફ કરવાનું કામ ચાલુ પણ થયું ન હતું કારણ કે કુટુંબમાં માત્ર ઘરડા લોકો જ હતા.

યુવાનો માઇગ્રન્ટ લેબરર્સ તરીકે   મજૂરી કરવા બહારગામ ગયેલા હતા.  એક માજીના બે જમાઈ તેમને એક ઓરડાનું ઘર સાફ કરવામાં મદદ કરવા ખાસ બહારગામથી આવ્યા હતા, કારણ કે માજીને રહેવા માટે ગામમાં બીજી કોઈ જગ્યા જ ન હતી. એક ઘરડા ભાઈ એક ખૂણામાં બેઠા હતા. એમણે ભેંસ ગુમાવી હતી. એ સૂપડાં બનાવીને અને  ઢોલક વગાડીને પૈસા કમાતા હતા. આ દલિતોને ભાગે આવેલું  કામ છે.

જે દલિત પરિવારોને મળવાનું થયું  તેમાંથી દરેકે સરેરાશ આઠસો કિલોગ્રામ જેટલું ધાન ગુમાવ્યું હતું. લગભગ બધે જોવા મળે છે તેમ દલિતોમાં પણ વર્ષભરના દાણા ભરવાનો રિવાજ છે. ગામનો  સાંકડા રસ્તો  અનાજ આપવા માટે આવેલી ટ્રકોથી  ભરેલો હતો, પણ સ્થાનિક લોકો અનાજ લેવાનો માંગતા ન  હતા, કારણ કે તેઓ અનાજ લઈ-લઈને કંટાળ્યા હતા. તેમને હવે  અનાજ કરતાં વધુ ચિંતા ઘરનો કીચડ સાફ નહીં થાય તો રોગચાળો ફાટી નીકળવાની હતી. સડેલાં અનાજની ભારે દુર્ગંધ  ફેલાયેલી હતી, સૂવા માટે ભાગ્યે જ જગ્યા હતી, મચ્છરોની તો વાત જ થઈ શકે તેમ નથી.

5

ગામની વચોવચ એક ઝાડ નીચે વપરાયેલાં કપડાંનો ઢગલો પડ્યો હતો. રાહત સામગ્રી તરીકે આવેલાં આ કપડાંના કોઈ લેવાલ ન હતા.  મજિરાણા કોમના કેટલાક લોકો નાના ખુલ્લા ચોગાન જેવી જ્ગ્યાની વચ્ચે બેઠા હતા, અને તેમની આજુબાજુ તેમના માટીના ઘર અને વાંસનાં છાપરાં પડી ગયેલાં દેખાતાં હતાં. ગામના લોકોએ તેમની જિંદગીમાં ક્યારેય આવી આફતનો સામનો કર્યો  ન હતો. તેમના કહેવા મુજબ નર્મદાની મુખ્ય નહેરને કારણે તેમને ફટકો પડ્યો છે. ગામથી નજીક જ નર્મદા નહેર  દેખાતી હતી.

નહેરનો મોટો હિસ્સો પાણીનાં જોરને કારણે તૂટી ગયો હતો. લોકોના કહેવા પ્રમાણે ગાંડા બાવળનાં ઊંડાં ઊતરેલાં  મૂળિયાંએ નહેરના તળિયાં  કાચાં પાડી દીધાં હતાં. ગામના કેટલાક દલિતો એક વખત  વાતે ખુશ હતા કે તેઓ ગ્રામપંચાયત પાસે માગણીઓ કરીને તેમનાં ઘરોની આસપાસ ઇંટ-સિમેન્ટનો કોટ બંધાવી શક્યા હતા. પણ છ મહિના પહેલાં બાંધેલા એ બધા કોટ પડી ગયા કારણ કે તેના પાયા ધારાધોરણો મુજબના ઊંડાણ પર લેવામાં આવ્યા ન હતા. રુણી ગામના પરિસરમાં  જે બાંધકામો પડી ગયેલાં હતાં તે બધાં નવી સરકારી યોજનાઓના હતાં, અને ઘણાં જુનાં બાંધકામો અકબંધ હતાં.

રુણી પછી અમે ખારિયા ગયા. આ એ ગામ કે જ્યાં રેતમાં દટાયેલા બાવીસ મૃતદેહો મળ્યા હતા.  ગામના છેડે પહોંચો એટલે  સવ ધોવાઈ  ગયેલો રસ્તો દેખાય અને ત્યાંથી બીજાં ગામ દેખાય . તે બધાં પાણીમાં છે એને ત્યાં હોડી સિવાય જઈ શકાય તેમ નથી.  અવરજવર માટે હોડીઓ હતી,  લોકો તેમાં બેસવા માટે હરોળમાં ઊભા હતા અને હરોળનું ધ્યાન રાખવા  પોલીસ તેમ જ  વોલન્ટીઅર્સ હતા.

3

કેટલા માણસોનાં મોત થયાં તેનો કોઈનેય ખ્યાલ નથી. આ વિસ્તારના મોટા ભાગના લોકો ખેતરોમાં રહેતા હોવાથી છૂટાછવાયા હોય છે. વધુમાં, માઇગ્રન્ટ લેબરર્સ એટલે કે બીજાં રાજ્યોમાંથી  આવેલા મજૂરો પણ ખેતરોમાં રહે છે, અને આવા મજૂરો કેટલા છે તેનો ચોક્કસ આંકડો કોઈની પાસે નથી.વસ્તીનો કેટલોક હિસ્સો બનાસ  નદીથી સલામત અંતરે વસે છે. આવા લોકોના ઘરોમાં પણ પાણી આવ્યાં હતાં, પણ હવે તે સાફ થઈ રહ્યાં છે. પણ રાહત માટેની બધી ટુકડીઓ સામગ્રીની વહેંચણીમાં લાગેલી હતી. છતાં એ  જોવા મળ્યું કે તાળું મારેલા ઓરડામાં ચટાઈઓના ઢગલા પડેલા  હતા, જે વહેંચવામાં  આવી રહ્યા ન હતા.

રાહત ટુકડીઓનાં વાહનો પર  બૅનર્સ અને ઝંડા હતા. તેમાં  ક્ષત્રિય-ઠાકોર સેના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહુથી વધુ નજરે પડી રહ્યાં હતાં.  સ્થાનિક લોકો રાહત સામગ્રીનો ઇન્કાર કરી રહ્યા હોય તેવું ઘણી જગ્યાએ જોવા મળ્યું કારણ કે એ તેમને એ તબક્કે પૂરતા પ્રમાણમાં મળી ચૂકી હતી. નાતજાતના ભેદભાવ અને પૂર્વગ્રહો અકબંધ હતા. તે પૂરનાં પાણીમાં તે ધોવાયા ન હતા કે તે  કીચડ હેઠળ દટાયા ન હતા.  સ્થાનિક લોકો પણ મુલાકાતીઓની, અને ઘણી વખત રાહત ટુકડીના કાર્યકર્તાઓની પણ નાતજાત પૂછતા હતા.

લોકોના ઘરોને બહુ નુકસાન થયું છે. આખ વર્ષ માટે ભરેલા અનાજનો નાશ થયો છે. બચત ધોવાઈ ગઈ છે કારણ કે મોટા ભાગના લોકો બૅન્કમાં પૈસા રાખતા નથી.  સહુથી વધુ ખરાબ એ કે જમીનનું ઊપરનું પડ ધોવાઈ ગયું છે. ખેતરની સરહદો અલોપ થઈ  ગઈ છે. આ મુલાકાત દરમિયાન મારી  સાથે જે નરેન્દ્રભાઈ, કલ્પેશભાઈ અને મોહનભાઈ હતા તેમણે કહ્યું, ‘આ આફત કેટલાક લોકો માટે છૂપા આશીર્વાદ સાબિત થઈ છે. આ પૂરને કારણે જો કોઈ એક વર્ગ ખાસ રાજી હોય તો તે રેતી-માફિયાઓનો છે. બનાસ નદી પૂરનાં પાણી  સાથે લાખો ટન રેત પણ લઈ આવી છે, જે હવે છેક અમદાવાદ સુધી બધે બાંધકામમાં વપરાશે.’

રાજકારણીઓ દોષનો ટોપલો એકબીજાને માથે ઢોળી રહ્યા છે. ખરું કામ લશ્કરના જવાનો અને નાગરિક સમાજના લોકોએ કર્યું છે. તેમણે આફતગ્રસ્તોની જિંદગી બચાવી છે અને રાહતસામગ્રી પૂરી પાડી છે. સરકારની હાજરી માત્ર પોલીસ પૂરતી જ દેખાય છે. રોકડ સહાય  માટેનું ઝડપી સર્વેક્ષણ પ્રાથમિક શાળાના શિક્ષકોએ પૂરું કર્યું છે. રહેલી ગરીબોની લાચારી અને મજબૂરી  બહુ સાફ દેખાઈ રહી છે, તે અજંપો જન્માવનારી છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s