ગુજરાતમાં નાતજાતના સમીકરણોનું ધ્રુવીકરણ કરવાની કોઈ ભેદી ચાલ?

cow-vigi-guj

માર્ટીન મૅકવાન

દલિતો પરના અત્યાચારો ગુજરાતમાં નવી વાત નથી. પણ હાલમાં થયા દલિતો પર  થયેલા અત્યાચારોની સંખ્યા એ ચોક્કસ નવી વાત છે.

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતનાં વાતાવરણમાં ભારે હલચલ છે. આ ચૂંટણી ભારતીય જનતા પક્ષ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બનવાની છે. લોકોનો આ પક્ષ તરફનો  અવિશ્વાસ વધી રહ્યો છે અને દલિતો પરના અત્યાચારોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં નાતજાતના સમીકરણોનું ધ્રુવીકરણ કરવાની કોઈ ભેદી ચાલ વરતાઈ રહી છે.

દલિતો પર તાજેતરમાં થયેલા અત્યાચારોના બધા બનાવોમાં હુમલાખોરો ઓબીસી નહીં, પણ ઉજળિયાત કોમોના છે. આ પહેલાંની ચૂંટણીઓમાં ભાજપને  સાંપ્રદાયિક/કોમી ધ્રૂવીકરણનાં મીઠાં ફળ મળ્યાં હતાં. આ વખતે એમાં કામયાબી મળે   એવું લાગતું નથી (પછી ભલે ભાજપના આગેવાનો રાહુલને એ હિંદુ છે કે  ખ્રિસ્તી એવો સીધો સવાલ કરતા). વળી રાહુલ ગાંધી પણ હંમેશ કરતા અલગ રીત અપનાવીને મંદિરોની મુલાકાતો લઈને પૂજારીઓના આશીર્વાદ લઈ રહ્યા છે. પહેલી ઑક્ટોબર આણંદ જિલ્લાના ભદ્રાણિયા ગામમાં વીસ વર્ષના દલિત યુવાન જયેશની પટેલ કોમના આઠ માણસોએ હત્યા કરી. છૂટક મજૂરી કરતો જયેશ એના મા-બાપનો એકનો એક દીકરો હતો. તેને એટલા માટે મારી નાખવામાં આવ્યો કે તે એક જ્ગ્યાએ દૂર બેસીને દશેરાના ગરબા જોતો હતો.  એના એક  દિવસ પહેલાં રાજ્યના પાટનગર ગાંધીનગર નજીકના લિંબોદરા ગામે એક કૉલેજિયન દલિત યુવાન પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કે તે મૂછ રાખતો હતો.ઉત્તર ગુજરાતમાં ચાણસ્મા તાલુકાના ગાંગેટ ગામે ગરબા જોઈ રહેલા ત્રણ દલિતો પર સિત્તેર પટેલોએ હુમલો કર્યો.

અત્યારે સત્તાધારી પક્ષ કેટલીક બાબતોને નેવે મૂકીને પણ  પટેલ આગેવાનોને લાભ આપી રહ્યો છે. દલિતો પણ સત્તાવાળા માટે પટેલો જેટલો જ ખુલ્લેઆમ અવિશ્વાસ દાખવી રહ્યા છે. ખરેખર તો  તેઓ પણ સત્તાવાળાઓ માટે  એટલી જ ચિંતાની બાબત છે. પણ રાજ્ય સરકારને જેના માટે વાટાઘાટો પર આવવું પડે એવી કોઈ નક્કર માગણીઓ દલિતો  આગળ ધરી શક્યા નથી. દલિતોની પદ્ધતિસરની અને લાંબા ગાળાની ચળવળની સરખામણીએ પટેલોનું અનામત માટેનું આંદોલન નવું છે.

ઉના અત્યાચારને પગલે ઊભા થયેલાં દલિત વિરોધને શાંત પાડવા રાજ્ય સરકારે  અત્યાર સુધી લીધેલું એક માત્ર પગલું તે આર્થિક વળતર આપવાનું છે. ઉનાની ચળવળ એવી પહેલવહેલી દલિત ચળવળ છે કે જે કોઈ પણ સંસ્થા કે સંગઠનના ટેકા વિના ચાલી હોય. દલિતો ઉનાને ભૂલી ન શકે. તેઓ એ પણ ભૂલી ન શકે કે સત્તાધારી પક્ષ અને  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવાં સંગઠનો ગૌરક્ષકોને રક્ષણ પૂરું પાડી રહ્યાં છે, એટલું જ નહીં પણ  તેમનું ખુલેઆમ ગૌરવ પણ કરી રહ્યા છે.

ગૌરક્ષકોની  સામે કડક પગલાં લેવાય  અપેક્ષા દલિતોને હતી, અને વડા પ્રધાને આ બનાવ અંગે જે કહ્યું પછી તેમાં વધારો થયો. દલિત યુવાનોમાં રાજકીય સભાનતા વધી રહી છે, અને તેમના પહેલાંની પેઢીઓના દલિતોની જેમ તેઓ જાતિગત અપમાન સહન કરી શકતા નથી.

બધા જ સામાજિક વર્ગના રાજકારણીઓએ જેમાં ફાળો આપ્યો છે તે નાતજાતના ભેદભાવ ગુજરાતમાં બહુ જ વધી રહ્યા છે. ગુજરાતમાં અત્યારે જ્ઞાતિઓનાં અને એમાંય ખાસ તો ઉપલી જ્ઞાતિઓનાં જેટલાં સંગઠનો ઊભા થયાં છે,  તેટલાં આ પહેલાં ક્યારેય ઊભા થયાં ન હતાં. ઉપલી જ્ઞાતિઓનાં આ સંગઠનો તેમની જ્ઞાતિઆધારિત સામાજિક પ્રતિષ્ઠાને ફરીથી ઉજાગર કરવાની અને તેનું રક્ષણ કરવાની કોશિશ  કરી રહ્યાં છે. એટલા માટે આગામી ચૂંટણીમાં નીતિ અને સિદ્ધાંતને લગતા મુદ્દાઓનો અભાવ, અને જ્ઞાતીનાં સમીકરણો સાચવવાના પ્રયત્નનો  પ્રભાવ દેખાય છે. ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેમાં  ૧૯૮૧માં અનામત વિરોધી લોહિયાળ રમખાણો થયાં હતાં. તેમાં ગામેગામમાં  દલિત વ્યક્તિઓ, સમૂહો, સંગઠનો અને માલમિકતને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.   અઢી દાયકા પહેલાં, ઓબીસી વર્ગોને માટે અનામતની હિમાયત કરતાં મંડલ કમિશનના અહેવાલના વિરોધમાં દેશમાં બધે અશાંતિ ફેલાઈ. ત્યારથી રાજ્ય ઉપલા વર્ગોને જ્ઞાતિઆધારિત અનામતને પ્રોત્સાહન આપી રહ્યું છે.  અનામતની જોગવાઈનું અમલીકરણ ન થવાની સમસ્યાનો દલિતો અને આદિવાસીઓ ઘણાં વર્ષોથી સામનો કરી રહ્યાં છે. પણ છતાં ઉજળિયાત વર્ગો  તેમને અનામતના લાભાર્થીઓ ગણીને તેમની તરફ રોષ દાખવે છે.

દલિતો તેમના નેતાઓ પર પહેલી વાર પસ્તાળ પાડી રહ્યા છે, કેમ કે આ એવા નેતાઓ છે કે જે આગળ તો આવ્યા છે દલિત વર્ગોમાંથી,અને હવે વફદારી સેવી રહ્યા છે પક્ષ માટેની. એમાંથી હવે એવી ચર્ચા ઊભી થઈ રહી છે કે દલિતો માટે રાજકીય અનામતને બદલે અલગ મતદારસંઘ  હોવો જોઈએ. આ મુદ્દે  ગયાં અઠવાડિયે ત્રણ મહત્વની સભાઓ  યોજાઈ હતી. અમદાવાદ, સુરેન્દ્રનગર અને વડા પ્રધાનના વતન વડનગરની  આ સભાઓમાં  લેવામાં આવેલા રેફરન્ડમ એટલે કે જનમતમાં નવ હજારથી વધુ દલિતોએ અલગ મતદાર સંઘની તરફેણમાં મત આપ્યો, જ્યારે માત્ર સાત જ મત રાજકીય અનામતની તરફેણમાં પડ્યાં.

દલિતો ડૉ. બાબાસાહેબ આંબેડકરની એ દલીલ  હવે સ્વીકારી રહ્યા છે કે જાતિઆધારિત સામાજિક વ્યવસ્થામાં  સીધું રાજકીય પ્રતિનિધિત્વ જ દલિતોને   દમન  અને અપમાનમાંથી અસરકારક મુક્તિ  અપાવશે. દલિત મતો ગુમાવવાથી શું પરિણામ આવે તે ભાજપ જાણે છે.

ભદ્રાણિયા ગામમાં મેં પહેલી વખત નવી બાબત જોઈ. આ ગામમાં  ૨૦૦૦ના વર્ષમાં પટેલોએ દલિતો પર હુમલો કર્યો હતો અને તેમની સાથે  ઓબીસીમાં આગળ પડતી ગણાતી ઠાકોર કોમ જોડાઈ હતી. આનો અર્થ એ  કે હુમલો કરનાર ઠાકોરોએ પોતાની દલિત તરીકેની ઓળખ છોડીને  પટેલોની સાથે  બિનદલિત તરીકેની ઓળખ ધારણ કરી હતી. પણ આ વખતે મેં જોયું કે ભદ્રાણિયામાં   જયેશની સ્મશાનયાત્રામાં ઠાકોર યુવાનો જોડાયા હતા અને તે ચેહ રચવામાં પણ મદદ કરી રહ્યા હતા. દલિત અને ઓબીસી ભેગાં થાય એ વાત રાજ્યસરકારને  અસ્વસ્થ બનાવે છે. કારણ કે,  આ બંનેનું  એક થવું એટલે ગરીબી અને અપૂરતા વિકાસે એકબીજા સાથે એ સમજથી હાથ મિલાવવા કે તેમની પોતાની ઉન્નતિ માટે તેમણે નાતજાતના ભેદને તોડી પાડવા પડશે.

સૌજન્ય: અમદાવાદ મિરર. અનુવાદ: સંજય શ્રીપાદ ભાવે 


One thought on “ગુજરાતમાં નાતજાતના સમીકરણોનું ધ્રુવીકરણ કરવાની કોઈ ભેદી ચાલ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s