દલિત મુસલમાન: હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથાએ બીજા ધર્મોમાં પણ પગપેસારો કર્યો છે

IMG_8480

ચંદુ મહેરિયા*

આજકાલ માધ્યમોમાં ‘તીન તલાક’ અને મુસ્લિમ મહિલાઓના માનવ અધિકારોનો મુદ્દો છવાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના પાટનગર ભુવનેશ્વરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પક્ષને ‘પછાત મુસ્લિમો’ની કોન્ફરન્સ બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા આપેલી સલાહ પાછળ ધકેલાઈ ગઈ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં મુસ્લિમોની વસ્તી ૧૭.૨૨ કરોડ એટલે કે દેશની કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા છે. આ મુસ્લિમો પૈકીનો બહુમતી વર્ગ પછાત મુસલમાનોનો છે અને તેમાં પોણા ભાગના દલિત મુસલમાનો છે.

સામાન્ય રીતે ઈસ્લામ સમાનતામાં માનનારો ધર્મ મનાય છે. ઈસ્લામનો અર્થ જ બરાબરી છે. તેમાં જાતિપ્રથા નથી. પરંતુ ભારતના હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથાએ બીજા ધર્મોમાં પણ પગપેસારો કર્યો છે. એટલે સમાનતાના સિધ્ધાંતમાં માનનારા ઈસ્લામમાં પણ ઉચ્ચનીચના ભેદ અમલમાં છે. વળી આવા ભેદ કંઈ આજકાલના નથી. મુસ્લિમોમાં ઉચ્ચનીચ દર્શાવતા ત્રણ શબ્દો અશરાફ, અજલાફ અને અરજાલ ઉર્દૂ કે ફારસી શબ્દો નથી પરંતુ અરબી શબ્દો છે ! તે મુસલમાનોમાં પ્રવર્તતી આભડછેટનો વિસ્તાર દર્શાવે છે. એટલે દલિત મુસલમાનો ઈસ્લામમાં લાંબા સમયથી અને સમગ્ર દક્ષિણ એશિયામાં અસ્તિત્વમાં હોવાનું માની શકાય. આ સ્થિતિ ઈસ્લામની સમાનતાની વાતને પોથીમાંનાં રીંગણા પુરવાર કરે છે.

ભારતના મોટાભાગના મુસલમાનો ધર્માંતરિત છે. પરંતુ  જે હિંદુઓની કહેવાતી નીચલી જાતિમાંથી ધર્મપરિવર્તન કરીને મુસ્લિમો બન્યા છે અને અગાઉના ધર્મના નીચા ગણાતા ધંધા રોજગાર કરે છે તેઓ ધર્મપલટા પછી ઈસ્લામમાં પણ નીચા અને દલિત મુસલમાન જ બની રહ્યા છે. ભારતીય મુસ્લિમોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કોટિક્રમ જોવા મળે છે. સૈયદ, શેખ, પઠાણ, મલેક, મિરજા અને મોગલ જેવા મુસ્લિમો અશરાફ કહેતાં સૌથી ઉચ્ચપ્રકારના મુસલમાનો ગણાય છે. ખેતકામદાર એવા શેખ અને કારીગર કોમો એવી દરજી, રંગરેજ, ભઠિયારા, ધોબી, હજામ વગેરે મધ્યમ દરજજાના અજલાફ તો સફાઈકામ અને અસ્વચ્છ એવા વ્યવસાયો કરતાં હલાલખોર અને લાલબેગી અરજાલ અર્થાત સૌથી નીચા મુસલમાનો મનાય છે.

ભારતના હિંદુઓમાં જે હાલત દલિત હિંદુઓની છે તે જ હાલત ભારતના મુસલમાનોમાં દલિત મુસલમાનોની છે. “ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ”ના અગ્રણી અલી અનવરે દોઢેક દાયકા પૂર્વે બિહારની રાજધાની પટણાના ૧૦૦ દલિત મુસલમાન પરિવારોના ૫૯૨ સભ્યોનો અભ્યાસ કર્યો હતો. મુસ્લિમ ધોબી, હલાલખોર,,બક્ખો, પવંરિયા, માછીમાર, નાલબંદ અને નટ મુસ્લિમોના  આ અભ્યાસનું તારણ હતું કે, આ સો કુટુંબોમાં એકજ યુવાન સ્નાતક હતો, ૭ મેટ્રિક હતા, જોકે તે તમામ બેરોજગાર હતા. અશિક્ષિતોનું પ્રમાણ ૬૨.૫ ટકા હતું. ૨૫ ટકા પરિવારો રોજ એક જ ટંક ખાવાનું પામતા હતા. માંસાહાર મુસ્લિમોનો ખોરાક મનાય છે. પણ સર્વેક્ષણ હેઠળના ૭૦ ટકા પરિવારો મહિને એકવાર અને બાકીના ૩૦ ટકા અઠવાડિયે એકવાર માંસ ખાઈ શકતા હતા. ૭૮ ટકા લોકો પાસે પગમાં પહેરવાના ચંપલ નહોતા. ૫૮ ટકા પરિવારો ઘરવિહોણા હતા. જે ૪૨ ટકા પાસે ઘરના નામે ભાંગ્યાતૂટ્યા મકાનો હતા તેમાંથી ૨૮ ટકાના ઘરમાં જ જાજરૂની સગવડ હતી. આર્થિક અને શૈક્ષણિક બેહાલીમાં જીવતા આ દલિત મુસલમાનો સામાજિક ભેદભાવો રોજેરોજ સહન કરતા રહ્યા હતા. મસ્જિદમાં નમાજ વખતે ભેગા રહેવા સિવાય સતત જુદાપણું અનુભવતા હતા. મરણ પછી તેમને દફન માટે કબર મળતી નહોતી.લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ કથિત ઉચ્ચ મુસલમાનો તેમના ત્યાં આવતા  નથી કે તેમના પ્રસંગોમાં બોલાવતા નથી. રોટીબેટી વ્યવહાર થતો નથી અને  અલગ વસ્તીમાં રહેતા હતા.

પટણાના દલિત મુસલમાનો વિશેના અલી અનવરના આ લઘુ અભ્યાસના નિષ્કર્ષો ગત વરસના  ઉત્તરપ્રદેશના દલિત મુસલમાનોના અભ્યાસમાં પણ જોવા મળે છે. ગિરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડિઝ,લખનૌ દ્વારા પ્રશાંત ત્રિવેદી, શ્રીનિવાસ ગોલી, ફહિયુદ્દિન અને સુરિન્દર કુમાર એ ચાર સંશોધકોએ યુ.પી.ના ૧૪ જિલ્લાના ૭૧૯૫ પરિવારોનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં દલિત મુસલમાનો પ્રત્યે ભેદભાવ આચરવામાં આવતો હોવાનું  સ્પષ્ટ જોવા મળ્યું હતું. આવો ભેદભાવ કથિત ઉચ્ચવર્ણના હિંદુઓ અને મુસલમાનો બંને તેમના પ્રત્યે રાખે છે. ૨૦.૫૫ ટકા કથિત ઉચ્ચવર્ણના મુસલમાનો અને ૨૫ ટકા કથિત ઉચ્ચવર્ણના હિંદુઓ દલિત મુસલમાનો પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું જોવા મળ્યું હતું. ૮ ટકા દલિત મુસલમાન બાળકોને શાળાના વર્ગ ખંડોમાં અને મધ્યાહ્ન ભોજનમાં અલગ બેસાડવામાં આવતા હતા. દલિત મુસલમાનોના મ્રુતદેહોને  કબ્રસ્તાનમાં દાટવા દેવામાં આવતા નથી કે અલગ ખૂણામાં દફન કરવું પડે છે. મસ્જિદમાં સાથે નમાજ પઢવા દેવામાં આવે છે પણ ત્યાં ય ભેદભાવનો અનુભવ થાય છે. દલિત મુસલમાનો જુદા જ વસે છે અને સામાજિક ધાર્મિક પ્રસંગોએ અન્ય કહેવાતા મુસલમાનો ન એમના ત્યાં આવે છે કે ન તો એમને બોલાવે છે. ૧૩ ટકા દલિત મુસલમાનોને કથિત ઉચ્ચવર્ણના મુસલમાનોના ઘરમાં અલગ વાસણમાં જમવાનું અને પાણી આપવામાં આવે છે. એમને સામાજિક પ્રસંગોએ અલગ જમવા બેસાડે છે.

ઉત્તરપ્રદેશના દલિત મુસલમાનો સાથેના ભેદભાવનું એક સ્વરૂપ તેમને અપમાનજનક અને વ્યવસાયસૂચક શબ્દોથી સંબોધવામાં આવતા હોવાનું  પણ છે. હિંદુ દલિતોની નીચલી જ્ઞાતિઓમાં રોહિત, વાલ્મિકી અને ગુરુબ્રાહ્મણ જેવા સન્માનજનક શબ્દો પ્રચલિત થઈ રહ્યા છે. પરંતુ દલિત મુસલમાનોના સન્માનજનક નામોને બદલે એમને અગાઉના તુચ્છકારક શબ્દોથી જ  ઓળખવામાં આવે છે. કુંભારનું કામ કરતા દલિત મુસલમાનો ‘ઈંટફરોશ” તરીકે જાણીતા છે. તેમણે વધુ સન્માનજનક નામ ‘ઈંટપજ ઈબ્રાહિમ” રાખ્યું છે. તો પણ તેમને ભૂતકાળમાં ગધેડા પર ઈંટો લાવવા લઈ જવાનું કામ કરતા લોકો તરીકે “ગહદેડી” તરીકે જ ઓળખવામાં આવે છે. નાની મોટી રસોઈના કામ કરતા દલિત મુસલમાનો પોતાની નવી ઓળખ ‘ફારુકી” સ્થાપિત કરવા મથે છે. પણ તેમને ‘ભઠિયારા’ની ઓળખમાંથી બહાર આવવા દેવાતા નથી. ‘હલાલખોર’ નો અર્થ જ મહેનતનો રોટલો રળનાર થાય છે. પણ આ ઓળખ સફાઈકામ કરતા દલિત મુસલમાન સાથે જ જોડાઈ રહી છે. આવું જ લાલબેગીનું છે.

લગભગ તમામ પછાત અને દલિત મુસલમાનોનો સમાવેશ ઓ.બી.સી. અર્થાત સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોમાં થયો છે. તે મુજબ તેમને શિક્ષણ અને નોકરીઓમાં અનામતનો લાભ મળે છે. મુસ્લિમોનો એક વર્ગ તમામ મુસ્લિમો માટે અનામત માંગે છે તો દલિત મુસલમાનોના નેતાઓ તેમનો સમાવેશ અનુસૂચિત જાતિમાં કરવા સતત મથે છે. હિંદુઓની જે નીચલી જ્ઞાતિઓએ જાતિભેદ અને આભડછેટમાંથી છૂટકારો મેળવવા ધર્મપરિવર્તન કર્યું છે તે નવા ધર્મમાં પણ યોગ્ય સ્થાન મેળવી શકી નથી. આજે તે અનુસૂચિત જાતિમાં સ્થાન માંગે છે તેનો અર્થ  તેમનું ધર્મપરિવર્તન અર્થહીન બની ગયું છે. તે બાબતે વિચારવું રહ્યું.

ડો.આંબેડકરના પગલે દલિતોએ મોટાપાયે હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.  આવા નવબૌધ્ધોને વી.પી.સિંહના વડાપ્રધાનકાળ વખતે અનુસૂચિત જાતિમાં સામેલ કરી અનામતના લાભ આપવામાં આવ્યા છે.એટલે દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસલમાનો પણ અનુસૂચિત જાતિમાં સામેલ થવા માંગે છે. તેમની આ માંગણીના વાજબીપણાની ચર્ચા બાજુ પર રાખીને  આ ધર્મો ધર્માંતરિતોને સમાનતાના હક કેમ આપતા નથી તેની ચર્ચા કરવા જેવી છે. દલિત મુસલમાનોના નેતાઓએ તેમની અનુસૂચિત જાતિમાં સામેલગીરીની માંગને બદલે સમાનતાના સિધ્ધાંતને વરેલા ઈસ્લામમાં તેમના બરાબરીના હકની માંગ બુલંદ કરવી જોઈએ. ધર્મ સુધારણા અને સમાજ સુધારણા એ ખરો માર્ગ છે તે તેમણે સમજી લેવું જોઈએ. હાલની દલિત મુસલમાન એવી ઓળખ તેઓ પહેલાં દલિત છે અને પછી મુસલમાન છે તેમ દર્શાવે છે.તેથી તેમણે પોતાની દલિત મુસલમાનની ઓળખને બદલે મુસલમાન દલિતની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ.

મહાત્મા ગાંધીએ ખ્રિસ્તીઓ અને મુસલમાનો તેમના ધર્મ બંધુઓ પ્રત્યે જે આભડછેટ અને ભેદભાવ રાખે છે તેને હિંદુઓની દેન તરીકે સ્વીકારીને કહ્યું હતું કે હિંદુઓએ પોતાના ધર્મમાં રહેલી આભડછેટ સમાપ્ત કરીને બીજા ધર્મોનું માર્ગદર્શન કરવું જોઈએ. શેષ કામ બીજા ધર્મોએ જાતે કરવું જોઈએ. ગાંધીજીના આ શબ્દોમાં રહેલું દર્દ અને વાસ્તવ ન માત્ર હિંદુઓએ તમામ ધર્મોએ સમજવું પડશે. દલિત મુસલમાનોની સામાજિક ભેદભાવની અજાણી વ્યથાનો ઉકેલ અનામતમાં નથી સમાજ અને ધર્મ સુધારણામાં છે.

*સંપર્ક: maheriyachandu@gmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s