અમદાવાદનો એક આ પણ વારસો… ૧૮૯૬માં એક દલિત સ્ત્રીને પ્રસુતિ માટે દાખલ કરતાં બાકીની સ્ત્રીઓએ હોસ્પિટલ છોડી દીધું હતું

heritage city

ચંદુ મહેરિયા*

યુનેસ્કોએ અમદાવાદને વલ્ર્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું છે. ભારતના એકમાત્ર હેરિટેજ સિટીનું માન અમદાવાદને મળ્યું તેથી ન માત્ર અમદાવાદી કે ગુજરાતી ભારતવાસી પણ હરખાશે.

પંદરમી સદીમાં અમદાવાદ સ્થપાયું તે પૂર્વે આશા ભીલનું આશાપલ્લી કે સાબરમતીની પેલે પાર કર્ણદેવનું કર્ણાવતી હોવાના પુરાવા મળે છે. મુસ્લિમ સલ્તનત, મુગલ સામ્રાજ્ય, મરાઠા યુગ, બ્રિટિશ શાસન અને આઝાદી પછીનું અમદાવાદ- એવા પાંચ ભાગમાં અમદાવાદનો ઈતિહાસ-વારસો વહેંચાયેલો છે. હિંદુ, જૈન અને ઈસ્લામિક સ્થાપત્યો સાથે ગાંધીજીનો વારસો અમદાવાદને વૈશ્વિક વારસાનું શહેર ઠરાવે છે. આ શહેર છ સદી કરતાં વધુ વરસોથી જીવંત રહ્યું છે અને એની ધર્મ-જાતિ-કોમની વિવિધતા ટકી રહી છે.

ઈ.સ.૧૮૫૦માં મગનલાલ વખતચંદે અમદાવાદનો ઈતિહાસ લખ્યો હતો. તેમાં અમદાવાદની વસ્તીની જાતિ-કોમ-ધંધાવાર વસ્તીની તપસીલ કંઈક આમ વાંચવા મળે છે “હીંદુમાંની ઉચ વરણના લોકો માણેકચોકની આસપાસ અથવા શહેરની મધ્યભાગમાં રહે છે. દક્ષિણ ભાગમાં બાંધણીગરા, ભાઉસાર તથા કણબી રહે છે. પૂર્વ ભાગમાં વાંણઈઆ,કણબી તથા મુશલમાંનની વસ્તી છે. ઉત્તરભાગમાં કાલુપુરમાં મુશલમાંન તથા ખાતરી વણનાર રહે છે, ને ઉત્તર ઈંદૂડીઆમાં તથા શાહાપુરમાં હિંદુ તથા મુશલમાંન, કાગદી તથા સપેતી વણનાર રહે છે. પસ્ચિમ ભાગમાં ભદર તથા ગાયકવાડ હવેલી છે, ત્યાં મુશલમાંન ને પારશી રહે છે.”

આ વર્ણન પરથી સમજાય છે કે એ જમાનાના અમદાવાદમાં કહેવાતા અસ્પ્રુશ્યો એવા દલિતોનું સ્થાન કશા દરજ્જા વગરના નાગરિકનું હશે. ગાંધીજીના અગમન પૂર્વે ૧૮૬૧માં શેઠ રણછોડલાલે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરી અને ઓધ્યોગિક અમદાવાદનો જન્મ થયો. પોળોનું અમદાવાદ ચાલીઓનું પણ બન્યું. એકએક મિલના ભૂંગળે ચાલીઓની વણજાર ફાટી નીકળી હશે. વલ્ર્ડ હેરિટેજ અમદાવાદની આ ચાલીઓ કેવી હતી ? ગઈકાલના વૈશ્વિક વારસાના અમદાવાદની ચાલીનું વર્ણન દાદાસાહેબ માવળંકરના શબ્દોમાં, “ચાલ એવા પ્રકારની હતી કે એને ઓટલો નહોતો. એટલું જ નહીં પરંતુ ઓરડીની ભોંય, આજુબાજુની જમીન કરતાં દોઢ ફુટ નીચી હતી. એટલે એમાં જવું એ એક ભોંયરામાં પેસવા જેવું હતું. એની બાંધણીમાં પાકી ઈંટો વપરાયેલી નહોતી પણ લોખંડના પતરાં વપરાયેલાં હતાં. સાડા પાંચ ફૂટનો માણસ ટટ્ટાર ઉભો પણ ન રહી શકે એટલી ઓરડીની ઉંચાઈ હતી અને પગ લાંબા કરીને સૂઈ ન શકાય એટલી એની પહોળાઈ હતી. “

આજે તો ચાલીઓ સુવિધાની રીતે થોડી બદલાઈ છે પણ એના વૈશ્વિક વારસા જેવા નામો અકબંધ છે. અમદાવાદમાં કસાઈની ચાલી છે, તો કડિયાની ચાલી છે. મોદીની ચાલી છે, તો ધોબીની ચાલી છે.જેઠીની ચાલી છે, તો રામીની ચાલી છે. નગરશેઠની ચાલી છે, તો નાણાવટીની ચાલી છે. દેવાજીની ચાલી છે, તો દોસ્ત મહંમદની ચાલી છે, નારણ પીઠાની ચાલી છે, તો નાથુરામ દગડુની ચાલી છે. મેજિસ્ટ્રેટની ચાલી છે, તો જજસાહેબની ચાલી છે. સોસાયટીની ચાલી છે, તો રાજધાનીની ચાલી છે.

આવી ચાલીઓમાં ગરીબો,દલિતો, પછાતો દોજખની જિંદગી જીવતાં અને જીવે છે. આજે દલિતોનો સાક્ષરતા દર ગુજરાતના સાક્ષરતા દર કરતાં લગીર વધારે છે. પણ વૈશ્વિક વારસાના નગર અમદાવાદમાં દલિત માટે શિક્ષણ દોહ્યલું હતું. ડો.આંબેડકરે તુલસીદાસ આચાર્યના ગુહપતિપદે ચાલતી ડિપ્રેસ્ડ ક્લાસીઝ  હોસ્ટેલ વિશે ચર્ચા કરવા, શાયદ પ્રથમવાર, ૨૮મી જુન ૧૯૩૧ના રોજ અમદાવાદની મુલાકાત લીધેલી. પણ એની એકાદ સદી પહેલાં અમદાવાદમાં પહેલી સરકારી અંગ્રેજી નિશાળની શરૂઆત દલિત બાળકોના શાળા પ્રવેશને અટકાવવા, તેમના શાળા પ્રવેશના વિરોધમાં કે તેમનાથી અલગ બેસવામાંથી થઈ હતી. ૧૮૯૬માં અમદાવાદની વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલમાં એક દલિત સ્ત્રીને પ્રસુતિ માટે દાખલ કરતાં બાકીની સ્ત્રીઓએ હોસ્પિટલ છોડી દીધી હોવાનું પણ નોંધાયું છે.

એટલે નગર અમદાવાદમાં આભડછેટ અને ભેદભાવે દલિતોનો પીછો છોડ્યો નથી. ‘રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો’ ગ્રંથમાં દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુલાલ દલાલના જણાવ્યા પ્રમાણે, માંડવીની પોળના રહીશોએ મ્યુનિસિપાલિટીને અરજી આપી હતી કે પોળ પાસેની ટાંકીમાંથી પહેલા શ્રાવકો અને વાણિયા જ પાણી ભરતા હતા.પરંતુ હવે તો બધી જ જ્ઞાતિના પાણી ભરે છે એટલે પાણી દૂષિત થાય છે. તેથી ઉચ્ચવર્ણની બે જ કોમો પાણી ભરે તેવો બંદોબસ્ત કરવો.

હા, ૧૯૧૫માં અમદાવાદમાં ગાંધીજીનું આગમન થાય છે .કોચરબમાં તે આશ્રમ સ્થાપે છે. આરંભે જ એક ‘હરિજન” કુટુંબને ખાસી ઝીંક ઝીલીને વસાવે છે. તે પછી સાબરતટે બીજો આશ્રમ સ્થાપે છે. એ વખતનો આ હરિજન આશ્રમ હવે આજે તો ગાંધી આશ્રમ કે ગાંધી સ્મ્રુતિ સંગ્રહાયલ બની ગયો છે. હવે જાહેર શૌચ મુક્ત બની રહેલા અમદાવાદમાં એ દિવસોમાં જાહેર જાજરૂનો દલિતો વપરાશ કરી શકતા નહોતા. ન્હાવા માટેના બાથરૂમની સાહ્યબી તેમના નસીબમાં નહોતી. સરદાર પટેલે અમદાવાદ મ્યુ.ના પ્રમુખ તરીકે કામદાર વિસ્તારોમાં નાહવાની તકલીફો વેઠતી સ્ત્રીઓ માટે ૧૦૦૦ નાવણિયા બનાવડાવ્યા હતા. આ જ અમદાવાદમાં બરાબરીના હક માટે દલિતોના બસપ્રવેશ, હોટલ પ્રવેશ અને મંદિર પ્રવેશના સત્યાગ્રહો થયા હતા.૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં, દેશની આઝાદી માટે ત્રણ મહિના મિલો બંધ રાખી ભાગ લેનારા દલિતોને માત્રને માત્ર આભડછેટને લીધે જ મિલોના સાળખાતામાં કદી રાખવામાં આવતા નહોતા.

૧૯૩૪માં વડી ધારાસભાના આભડછેટ નાબૂદીના ઠરાવનું સમર્થન કરવાનું આવ્યું તો અમદાવાદ મ્યુનિસિપાલિટીના બે હિંદુ સભ્યો તેના વિરોધમાં આવ્યા. એ તો જાણે સમજ્યા. પણ છ મુસલમાન અને બે પારસી સભ્યો તટસ્થ રહ્યા હતા. ૧૯૪૨માં બરતરફ મ્યુનિસિપાલિટીના સ્થાને રચાયેલી મેનેજમેન્ટ કમિટીએ મ્યુનિસિપાલિટીના નોકરવર્ગમાં સહુના પ્રતિનિધિત્વના ખ્યાલે ૫૦% મુસ્લિમ, ૨૫% દલિત અને ૨૫% સામાન્ય અનામતનું ધોરણ ઠરાવેલું. આઝાદી પછીના બીજા જ મહિને, મ્યુનિસિપલ બોર્ડે આ ઠરાવ રદ કરી નાંખેલો ! એટલે ૧૯૮૧ અને ૮૫માં, આખા ભારતમાં ક્યાંય નહીં ને અમદાવાદ અને ગુજરાતમાં જ પહેલવહેલા અનામત વિરોધી રમખાણો થયાની નવાઈ શાની ? કોમી એકતા માટે શહાદત વહોરનાર ગાંધીના જન્મ શતાબ્દી વરસે, સૌથી ભૂંડા કોમી રમખાણોનો બદતર ઈતિહાસ પણ અમદાવાદનો જ વારસો છે.

વિકાસ માટે વિલોપન એ તો જાણે આ નગરના હાંસિયામાં જીવતા લોકોની નિયતિ છે. શું કોમી કે શું જાતિ રમખાણો હોય કે શું સરકાર વિરોધી આંદોલનો હોય. તેનો સૌથી વધુ ભોગ દલિત,પછાત,ગરીબ બનતા હોય છે. રિવરફ્રન્ટ બંધાય કે કાંકરિયાનું પાણી કેદ કરાય તેને કારણે કે શહેરના અવનવા વિકાસ માટે હાંસિયાના લોકોનું વિલોપન થતું રહે છે. વૈશ્વિક વારસાને યોગ્ય ઠરવા તો આશાભીલ, કર્ણદેવ અને અહમદશાહના વારસદાર અમદાવાદીઓએ,” નહીં વરણ નહીં વેશ” ધરી ,મનના મેળાપીપણાથી તન હેળવાય તેમ કશા ભેદભાવ વિના જોડાજોડ રહેવાનો પડકાર ઉઠાવવો પડશે. કર્ણાવતીના વર્તમાન ખેલંદાઓનું એ ગજું નથી એ બરાબર સમજી લેવું પડશે.

*સંપર્ક: maheriyachandu@gmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s