સંઘે તેના ગણવેશમાં ફેરફાર કર્યો છે પણ મૂળભૂત વિચારોમાં કશું પરિવર્તન કર્યું નથી

1413520884-4148

ચંદુ મહેરિયા*

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના નાગપુર ખાતેના વિજ્યાદશમી વક્તવ્યના કેટલાક મુદ્દા તેમના ગુરુભાઈ અને દેશના પ્રધાનસેવકને ચચરે એવા છે. વળી ભાગવતનું આ ભાષણ ભાજપની દિલ્હી પરિષદ અને સંઘની વ્રુંદાવન  સમન્વય બેઠક પછી આવ્યું છે તેને કારણે ભાજપ સંઘ વચ્ચે બધું સમુંસૂતરું ન ચાલી રહ્યાનું લાગે છે.

ઈ.સ. ૧૯૨૫માં ‘હિંદુઓ માટે આક્રમકપણે લડી શકે’ તેવી સંસ્થારૂપે  નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો જન્મ થયો હતો. આજે એ વાતને લગભગ સવા નવ દાયકા થવા આવ્યા છે. પોતાને સાંસ્ક્રુતિક સંગઠન ગણતું સંઘ, ઉગ્ર રાષ્ટ્રવાદનું પુરસ્કર્તા મનાય છે. ભારતીય જનતા પક્ષ તેનો રાજકીય ચહેરો છે. છતાં સંઘ અને ભાજપના સંબંધો ચર્ચાસ્પદ છે.

બલરાજ મધોકે જનસંઘ છોડતાં ‘મારી તકરાર જનસંઘનો કબજો લઈ બેઠેલા ફાસિસ્ટ તત્વો સામે છે” એમ સ્પષ્ટ જણાવ્યું હતું. તેમને આરએસએસ દ્વારા જનસંઘમાં નીમાતા સંગઠન મંત્રીઓ સામે વાંધો હતો. પણ પોતે તો સાંસ્ક્રુતિક સંગઠન જ છે તેવા સંઘના રટણ સાથે એ સિલસિલો આજે પણ યથાવત છે. મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતાપક્ષની સરકાર બેવડા સભ્યપદને મુદ્દે તૂટી હતી. પણ આજે  દેશના તમામ બંધારણીય પદો પર સંઘના સ્વંયસેવકો બિરાજમાન હોય તે સંઘની મોટી સફળતા છે.

આઝાદી બાદ બે વખત પ્રતિબંધિત થઈ ચૂકેલા સંગઠનની વિચારધારા  લોકસભામાં પૂર્ણ બહુમતી મેળવીને સતા મેળવે તે બાબત નાનીસૂની નથી.પોતાની સરકારને મોહન ભાગવતે તેમના નાગપુર ભાષણમાં આત્મખોજ કરવા, લોકોને વધુ સાંભળવા, સત્ય હકીકતોથી વાકેફ રહેવા કહેવું પડ્યું છે.  સંઘે તેની આર્થિક વિચારધારા અકબંધ રાખીને જરા જુદી રીતે સ્વદેશી રાગ આલાપ્યો છે.રાહુલ ગાંધી વર્તમાન કેન્દ્ર સરકારને સૂટબૂટની સરકાર કહે અને સંઘ સુપ્રીમો’માત્ર થોડાક ઉધ્યોગપતિઓને લાભ પહોંચાડે એવી આર્થિક નીતિઓની જરૂર નથી’, એમ કહે તો તે બે બાબતો વચ્ચે ઘણું સામ્ય છે. ભારતીય મજદૂર સંઘ અને કિસાન સંઘ જેવા સંઘના સંગઠનો સરકારની નીતિઓના વિરોધમાં આંદોલન કરવાના છે ત્યારે વિપક્ષની નહીં તો પોતાની માત્રુસંસ્થાની નાગપુરઆલોચના બીજેપી નજર અંદાજ ન  કરે તે તેના હિતમાં છે.

જોકે મોહન ભાગવતે એમના નાગપુર વકત્વ્યમાં ચીન, ગોરક્ષા, કશ્મીર, રોહિંગ્યા મુદ્દે જે વિચારો વ્યક્ત કર્યા છે કે દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા,મુસ્લિમોમાં અસલામતીની ભાવના, દલિતો અને મહિલાઓ પરના અત્યાચાર જેવા મુદ્દે મૌન ધર્યું છે તે સંઘમાં કશો બદલાવ આવ્યો નથી તેમ દર્શાવે છે. કેન્દ્રમાં અને દેશના ઘણાં રાજ્યોમાં સંઘની વિચારસરણી ધરાવતી બીજેપીની સરકારો છે અને તેમના વહીવટમાં સર્વસમાવેશીપણું કેટલું તેવા સવાલો છે ત્યારે સંઘનું વલણ સ્પષ્ટ થવું જોઈતું હતું. અટલ બિહારી બાજપેઈએ કહેલું કે, “ આપણે ત્યાં રાજધર્મની અલગ વ્યાખ્યા કરવામાં આવી છે. રાજા પક્ષપાત ન કરે, ભેદભાવ ન આચરે,પોતાના પરિવારને પણ પ્રાથમિકતા ન આપે.એટલે મતનું રાજકારણ બાજુએ મૂકીને રાજધર્મનું પાલન થાય તો બધી સમસ્યાઓ ઉકલી જાય.” ૨૦૦૨માં ગુજરાતમાં કે ૨૦૧૭માં હરિયાણામાં સંઘના મુખ્યમંત્રીઓના રાજધર્મપાલન અંગે સંઘે જવાબ આપવો પડશે.

આરએસએસ પોતાને હિંદુ સંગઠન ગણતું હોય અને હિંદુસ્તાનમાં રહેતા તમામને હિંદુ માનતું હોય તો હિંદુઓ ખુદ પોતાના જાતભાઈઓ એવા દલિતોને કેમ અલગ ગણે છે અને તે ભેદભાવ અંગે સંઘ કેમ કશું કરતું નથી કે કરી શકતું નથી તેવા સવાલો થવાના. ૨૦૧૬ના માર્ચમાં રાજસ્થાનના નાગોરમાં મળેલી સંઘની પ્રતિનિધિ સભાએ સામાજિક સમરસતા પર પ્રસ્તાવ પસાર કરી હિંદુઓને સ્પષ્ટ નહીં તો  નરમ ભાષામાં દોષિત માન્યા હતા.  જોકે તેના મૂળમાં પૂર્વ સરસંઘચાલક બાળાસાહેબ દેવરસના વસંત વ્યાખ્યાનોમાં વ્યક્ત આ વિચારો છે : “સમાજમાં સોહાર્દ, સામંજસ્ય અને અરસપરસ સહયોગનું વાતાવરણ ઉત્પન્ન કરવા માટે સમાનતાની જરૂર છે. દલિતો કોઈની મહેરબાની ઈચ્છતા નથી.તેઓ સમાજમાં બરાબરીનું સ્થાન માગે છે અને તે પણ પોતાના પુરુષાર્થના આધારે.” સંઘના સર્વોચ્ચસ્થાનેથી આવા વિચારો પ્રથમવાર જ વ્યક્ત થયા હતા. જોકે સંઘ હજુ સમાનતાને બદલે સમરસતાનું જ ગાણું ગાયે રાખે છે. મજા તો એ વાતની છે કે સંઘનો સમરસતા મંચ અને ભાજપનો અનુસૂચિત જાતિ મોરચો બેઉ ભારતના રાજકીય- સામાજિક જીવનમાં સહઅસ્તિત્વ ધરાવે છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હારનું એક કારણ સંઘસુપ્રીમોના અનામત વિરોધી વિચારો હતું. સંઘ દલિત-આદિવાસી અનામત કેટલીક શરતોએ માન્ય રાખે છે પણ ઓબીસી અનામત અંગે એવું નથી. સંઘ વિચારક મનમોહન વૈધ્ય, સમાજના સંપન્ન વર્ગો(ગુજરાતના પાટીદારો અને અન્ય) અનામતની માંગણી કરે તે સાચી દિશાનો વિચાર નથી. આવા સંપન્ના વર્ગોએ તો નબળા વર્ગોની સહાય કરવી જોઈએ. તેના બદલે તે જ  જો અનામત માંગે તે અનામતની મૂળભૂત ભાવનાથી વિરોધની બાબત છે, તેમ માને છે.  સંઘના આ વિચારો અને ગુજરાતસહિતની બીજેપી સરકારોની પાટીદાર, જાટ, ગુર્જરને અનામત આપવાની મજબૂરી વચ્ચે સંઘે સ્પષ્ટ વલણ લીધું નથી.

સત્તા મળે છે ત્યારે સંઘ  અને ભાજપ એનો હિંદુત્વ એજન્ડા સગવડપૂર્વક વિસારે પાડી દે છે અને સત્તા માટે સમાધાનો કરે છે તે હકીકત કોઈથી અજાણી નથી. સંઘે તેના ગણવેશમાં ફેરફાર કર્યો છે પણ મૂળભૂત વિચારોમાં કશું પરિવર્તન કર્યું નથી. એ સંજોગોમાં મોહન ભાગવત નાગપુર ભાષણમાં વિજ્ઞાનની જિકર કરે તે ન સમજાય તેવો કોયડો છે. ભાગવતે કહ્યું હતું કે, ‘વિજ્ઞાન સ્વીકારે તે વિચાર સાચો અને વિજ્ઞાને બતાવેલા રસ્તે આગળ વધવું જોઈએ.’સંઘનો આ વિજ્ઞાનપ્રેમ એની કોઈ રણનીતિનો ભાગ ન હોય તો રાજી થવા જેવું છે. સંઘે હજુ કેટકેટલું કરવાનું બાકી છે તે અટલજીએ ૧૯૮૩ના ઓગસ્ટમાં ‘પાંચજન્ય”ને આપેલી મુલાકાત(જે ગુજરાત ભાજપે ગુજરાતીમાં અનૂદિત કરી “ભ્રમોનું નિરસન” પુસ્તિકારૂપે પ્રગટ કરી હતી.) માં જણાવ્યું હતું કે, “ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની હિંદુ રાષ્ટ્રની ધારણા સાથે મારો કોઈ મતભેદ નથી. પરંતુ હિંદુ શબ્દને દિવસે દિવસે સીમિત થતો જોઉં છું. હિંદુ રાષ્ટ્રને સાથે હિંદુ ધર્મ શબ્દ જોડવાથી પણ મુશ્કેલી સર્જાય છે. સંઘ રાજકીય અને આર્થિક બાબતો અંગે પણ કંઈક વધુ બોલતો થાય તેમ હું ઈચ્છીશ. સંઘ કેવું આર્થિક માળખું પસંદ કરે છે ?વ્યક્તિગત સંપત્તિ બાબત એનો શું અભિપ્રાય છે ? જમીનદારી નાબૂદી સંઘની દ્રષ્ટિએ ઉચિત છે કે નહી ? જમીન સુધારણા અંગે ઘડાયેલા કાનૂનોનો દ્રઢતાથી અમલ કરવો કે નહીં. ? ઉધ્યોગોના રાષ્ટ્રીયકરણ બાબત એનો શો મત છે ?રાજ્ય, મૂડી(સંપત્તિ), અને શ્રમ વચ્ચે કેવો સંબંધ હોવો ઘટે ?” અટલજીના આ સવાલોના જવાબો સંઘ અને ભાજપ બેઉએ આપવાના બાકી છે. ૨૦૧૭ની ગુજરાતની ચૂંટણી તે માટેનું એક સારું નિમિત્ત છે.

*maheriyachandu@gmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s