ભાદરણિયા અને લીંબોદરાની મુલાકાત: ગુજરાત અને દેશના દલિતો-ગરીબો-શોષિતો આઝાદી, અભય અને ન્યાય માંગે છે

collage2-1

ચંદુ મહેરિયા*

દલિત અત્યાચારના બનાવોની સ્થળ મુલાકાતે અનેકવાર જવાનું થયું છે. પરંતુ તાજેતરની ભાદરણિયા અને લીંબોદરાની મુલાકાતો દુ:ખદ એટલી જ ડરામણી હતી. ભૂતકાળમાં સાંબરડા અને ચિત્રોડીપુરાના હિજરતી દલિતોના સૂમસામ મહોલ્લાઓમાં ફરતા જે બીક અને સન્નાટો નથી અનુભવ્યો તે ભાદરણિયા અને લીંબોદરાના માનવદેહોથી હાલતાચાલતા દલિત મહોલ્લામાં પ્રસરેલા મૌન અને ભેંકારથી અનુભવ્યો હતો.

કર્મશીલ સોમ વાઘેલા અને સાથીઓ સાથે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણિયા ગામના દલિત મહોલ્લામાં જઈને ઘટનાની દુ:ખ અને આક્રોશમિશ્રિત વિગતો જાણી વિજ્યાદશમીના ગરબા જોવા ગયેલા ૨૦વરસના  યુવાન જયેશને,  ‘ગરબા જોવા કેમ બેઠા છો” ની સાવ નાની અમથી વાતે દીવાલે માથું અફળાવીને ગામના પટેલ યુવાનોએ મારી નાંખ્યો હતો. વહેલી સવારના ચારેક વાગ્યાના આ બનાવની સવારે જ  ભાદરણિયાથી ૧૦ કિલોમીટર દૂરના તાલુકામથક બોરસદથી  ગુજરાતની બીજેપી સરકારની સિધ્ધિઓના નગારા વગાડતી ગુજરાત ગૌરવ યાત્રા પસાર થવાની હતી. ભાદરણિયાની દલિત હત્યાએ આ  ગૌરવમાં છેદ પાડ્યો હતો.

ગૌરવયાત્રાને ઝાઝી હાનિ ન પહોંચે  એટલે કદાચ પોલીસ અને વહીવટી તંત્ર તુરત જ સાબદું થયું. હત્યાના આરોપી આઠેય પટેલ યુવાનોની ધરપકડ થઈ અને રાબેતા મુજબની સરકારી સહાયની જાહેરાત પણ થઈ. બીજી તરફ દલિતોની આક્રોશિત ભીડ પણ ભેગી થઈ. સ્મશાનમાં જ વિરોધસભાના એલાન અપાયા. જોકે પીડિત પરિવાર અને ભાદરણિયાના સ્થાનિક દલિતોએ વિરોધની એક નવી જ મિશાલ કાયમ કરી. સરકારી સહાયના ચેક લઈને રડમસ ચહેરે પહોંચી જતા દલિત મંત્રીઓ અને સત્તાપક્ષના દલિત આગેવાનોને એમણે આવતા  રોક્યા. ‘વહીવટીતંત્રનું આ કામ છે એમાં મંત્રી કે રાજકારણીઓની શી જરૂર’ એમ કહીને રાજકીય રોદણાં રડતા અટકાવ્યા.

ગોલાણાથી ભાદરણિયા સુધીના સઘળા દલિત હત્યાકાંડો પછી સરકાર માબાપ રાંકડી રૈયત એવા દલિતો સામે ખોળો પાથરી અરજ કરે છે કે બોલો અમે તમારા માટે શું કરીએ ?અહીં પણ એમ જ થયું .હત્યાનો ભોગ બનેલ દલિત યુવાનના પિતાએ ન્યાય તો માંગ્યો પણ એ તો કેમ મળે એટલે બીજી મુશ્કેલીઓ પૂછી.  ગુજરાતના કોઈપણ ગામની દલિત વસ્તીને પૂરતા પ્રેસરથી અને પૂરતું પાણી ન મળવાની કાયમી ફરિયાદ હોય છે. ભાદરણિયાના દલિતોએ પણ પાણીની ફરિયાદ કરી. તંત્ર તુરત જાગ્યું. દલિત વસ્તીને પૂરતું પાણી ન મળે તે માટે પાણીના વાલ્વમાં હેતુપૂર્વક નંખાયેલા  પથરા કાઢી નંખાયા ને ભળભળ પાણી આવતું થયું. આટલા વરસોથી પાણી માટે ટળવળતા દલિતોને પાણી માટે દૂધમલ દીકરાનું લોહી વહેવડાવવું પડ્યું !. એ જ રીતે  ફળિયાની સ્ટ્રીટ લાઈટ અને દલિત ફળિયા માટેની સંરક્ષણ દીવાલની માંગ તાબડતોબ ઉકેલાઈ ગઈ.

આજે બીજેપીની કેન્દ્ર સરકારના વિદેશ રાજ્યમંત્રી અને એક જમાનાના તેજસ્વી પત્રકાર એમ.જે. અકબરે એમના પુસ્તક ‘રાઈટ્સ આફટર રાઈટ્સ’ માં લખ્યું છે, “ જો તમારે વિકાસ યોજના જોઈતી હોય તો તમે મુખ્યપ્રધાનના મતવિસ્તારનો ભાગ બની જાવ અથવા થોડા દલિતોની હત્યા કરો.”  આ વાત બહુ કરુણ રીતે સાચી ઠરી. ભાદરણિયાના દલિતો  ગુજરાતના મુખ્યમંત્ર્રી માધવસિહ સોલંકી અને કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના મતવિસ્તારના મતદારો હતા. ત્યારે જે ન મેળવી શક્યા તે દલિત હત્યાકાંડથી  મેળવી શક્યા !

ભાદરણિયાના દલિતોના રક્ષણ માટે ફળિયાના નાકે પોલીસ હતી. પરંતુ જ્યારે મેં જયેશની હત્યાનું સ્થળ બતાવવા દલિતોને કહ્યું  તો અમારી સાથે આવવા બધા એકબીજાને ખો આપવા લાગ્યા. બહાર નીકળતા ફળિયાના ઉકરડા પાસે ઉભા રહીને દૂરથી સ્થળ બતાવ્યું. હત્યા પછીની વિરોધસભાને શ્રધ્ધાંજલી સભા બનાવવી પડી. આ સભાના બેનરમાં સરકાર માટે દલિતની જિંદગીની શું કિંમત છે એ મતલબનું લખાણ હતું તે અડધીસભાએ ઉતરાવી લીધું.જુવાનજોધ દીકરાના લોહી રેડાયા પછી પણ દલિતો ડરેલા હોવાની પ્રતિતી થતી હતી.

રાજ્યની રાજધાની ગાંધીનગરથી માંડ ૧૭ કિલોમીટરના અંતરે આવેલા લીંબોદરા ગામના દલિત યુવાનોને મૂછો રાખવા માટે દરબાર યુવાનોએ માર માર્યાના ત્રણ બનાવો બન્યા હતા. જે દિવસે સવારે અમે લીંબોદરામાં હતા તે જ દિવસે  ત્રીજો બનાવ દલિતોએ ઉપજાવી કાઢેલો હોવાના સમાચારો પ્રકટ થયા હતા. લીંબોદરામાં નવ જ દિવસમાં ત્રણ દલિત યુવાનો પર હુમલા થયા હતા. પ્રથમ દિવસે બનાવ બન્યો ત્યારે જે પોલીસતંત્ર ફરિયાદ સુધ્ધાં લેવા તૈયાર નહોતું  કે દલિતોના રક્ષણ માટે કોઈ વ્યવસ્થા કરી નહોતી તે જ પોલીસે ત્રીજા બનાવની તપાસ માટે સધળી શક્તિ લગાડી દીધી હતી. તેના મૂળમાં દલિતોએ આપેલું ગ્રુહરાજ્યમંત્રીના રાજીનામા માટે સચિવાલયના પ્રવેશદ્વારે હલ્લા બોલનું એલાન હતું. પોતાના રાજકીય આકાઓ માટે જે પોલીસ અને વહીવટી તંત્ર મરી ફીટે છે તે પ્રજા માટે કેમ કશું કરતી નથી ?

લીંબોદરાના દલિત ફળિયામાં પરિચિત દલિત મિત્રો પણ વાત કરતા ડરતા હતા. ભોગ બનેલા દલિત કુટુંબના ઘરે આવવા તે તૈયાર નહોતા. ફળિયાના નાકે જ વસંતભાઈ મહેરિયાનું ઘર છે. તેમના ભાણિયા પિયુષ પરમાર પર પહેલો હુમલો થયેલો. તો તેમના કિશોર વયના પુત્રએ નાદાનીમાં પબ્લિસિટી માટે હુમલાનું તરકટ રચ્યાનું પોલીસનું તારણ હતું જેને પિતાનું સમર્થન મળ્યું હતુ. વસંતભાઈના ઘરે લટકતી તસવીરોમાં કરડી મૂછોવાળા વસંતભાઈની તસવીર તો હતી જ  ૧૯૯૯માં ૮૫વરસની ઉમરે અવસાન પામેલા તેમના મૂછાળાદાદા શંકરભાઈ જીવણભાઈ મહેરિયાનો પણ ફોટો હતો. શંકરદાદા આઝાદી પૂર્વે આ ગરાસિયાઓના ગામમાં મૂછો રાખી જીવતા હતા. પણ એમના પૌત્રો મૂછો રાખવાના કારણે નવી પેઢીના દરબાર યુવાનો અને કિશોરોનો માર ખાય છે. આટલી પ્રગતિ અને આટલું ગુજરાત ગૌરવ આપણે મેળવ્યું છે!

મૂછો રાખવા માટે દરબારોનો માર ખાનાર લીંબોદરાનો ૨૪ વરસનો દલિત યુવાન પિયુષ પરમાર ભારે દેખાવડો અને છ ફૂટની ઉંચાઈ ધરાવે છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના આ શોખીને અસંખ્યવાર રાઉડી રાઠોર ફિલ્મ જોઈ છે.  ભોગ બનેલો બીજો યુવાન કુણાલ મહેરિયા કાયદાનું ભણે છે, હિદી ફિલ્મના એકટર અક્ષયકુમાર તેના ફેવરીટ છે, તેમની ફિલ્મ ‘જોલી એલએલબી’ તેણે વીસ વખત જોઈ છે. પાટનગર નજીકના એક ગામના એકવીસમી સદીના દલિત યુવાનોનું આ ભાવજગત, દલિતો સામેના હિમાલય ઉંચા પડકારો સામે મને ડરાવે છે. લીંબોદરામાં પોલીસ રક્ષણ ઉઠાવી લેવાયું છે. દલિત વડીલો જ નહીં સમસંવેદી બિનદલિતો પણ દલિત યુવાનોને સજાગ રહેવા જણાવે છે. દલિત યુવાનો પણ ડરેલા છે. કામ હોય તો ય બિનદલિત વસ્તીમાં જવું ટાળે છે. આઝાદ ભારતમાં ગુલામની જેમ રહેવું કઠે છે તેની અકળામણ પણ હશે. . ફેસબુક  અને વ્હોટ્સ અપ પર મૂછો મરડતી તસવીરો મૂકી પડકાર કરનારા ગુજરાતભરના દલિતો વિરોધ કાર્યક્રમોમાં ફરકતા નથી, એ ક્રૂર ડરામણી હકીકત છે.  બહુ ગૂંગળાવનારી આ સ્થિતિમાં વિક્રમનું ૨૦૭૩નું વરસ વિદાય લઈ ચૂક્યું છે. નવા વરસના સબરસરૂપે  સત્તા મેળવવાની ખેવના રાખનારા સૌ પાસે આ બે ગામોના જ નહીં ગુજરાત અને દેશના દલિતો-ગરીબો-શોષિતો આઝાદી, અભય અને ન્યાય માંગે છે.

*maheriyachandu@gmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s