વિશ્વામિત્રી રીવરફ્રન્ટ પ્રોજેકટ પડતો મૂકવો પડ્યો: નદી પર હિંસા આચરવાનું બંધ કરો

vishwamitri4

સેજલ જોશી*/

નદીને ‘માતા’ કહીએ છીએ પરંતુ નદી સાથે વાત કરવાની, તેને સમજવાની, તેની સાથે રહી સહજીવન જીવવાની કદાચ આપણી તૈયારી જ નથી. માનવ સંસ્કૃતિઓ નદી કિનારે વિકસી પરંતુ ‘મૌજૂદ વિનાશકારી વિકાસ નીતિ’ ને કારણે હવે તો નદીઓ અને નદી કિનારે વસતા માણસોની જિંદગી જ ખતરામાં છે. કોઈ નકારી શકે તેમ નથી કે નદી એ જીવન છે અને તેના વગર માનવ જીવનનું અસ્તિત્વ જ ખતરામાં છે. ‘મોજૂદ વિકાસ નીતિ’ જે ડાળ પર માણસ બેઠો છે તે ડાળ જ નથી કાપી રહી પરંતુ તે આખે આખું જંગલ જ નેસ્ત નાબૂદ કરી રહી છે.

જેટલી નદીઓ સુકવી શક્યા તેટલી નદીઓ સૂકવી નાખી અને જે નથી સૂકવી શક્યા તે નદીઓને સરકારો, ઉધોગો, કોર્પોરેશનોએ, મૂઠીભર લોકો જેવાએ ભેગા મળી ગંભીર રીતે પ્રદુષિત કરી દીધી. નદીઓ પર ‘મોટા ડેમ’ બાંધી  ‘ડેમ’ જાણે નદીનો અંત હોય તેમ ત્યાર પછી વહેતી નદીને સમજ પૂર્વક તેનું અસ્તિત્વ મીટાવવામાં આવે છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ ભરુચ પાસેની નર્મદા નદી છે. નદી જીવિત વ્યક્તિ છે, તેને ‘વોટર બોડી’ કહી નેસ્ત નાબૂત કરવાનું, અપમાનિત કરવાની ભરપૂર કોશિશ થાય છે.

રિવરફ્રન્ટને કારણે નદીઓનું અસ્તિત્વ જોખમાય છે. ‘સાબરમતી નદી રિવર ફ્રન્ટ’ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. વિશ્વામિત્રી નદી સામે પણ આ જ પ્રમાણે કરવાનો ભરપુર પ્રયત્ન વર્ષ ૨૦૦૫ – ૨૦૧૭ દરમ્યાન થયો. લોકોને ભ્રમિત કરવાની આ કોશિશ કરોડો રૂપિયાની જાહેરાતો દ્વારા થઈ. પરંતુ વડોદરા શહેરના જાગ્રત નાગરિકોએ ભેગા મળી તેની સામે વૈચારિક અને કાયદાકીય સંઘર્ષ કર્યો. તથ્યો અને સમજ સાથે તેનો સામનો કર્યો. સાથી તૃપ્તિ શાહ કે જેઓ આપણી વચ્ચે હવે નથી, તેઓ જ્યારે કેન્સરની ગંભીર બીમારીમાં સપડાયા હતા ત્યારે તેમણે રોહિત પ્રજાપતિ, નકુલ પ્રધાન, સંજય સોની, સુરેખાબેન સુળે અને પ્રતિક લાકડાવાલા સાથે મળી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ (એપ્લીકેશન નં. ૪૯/૨૦૧૬) દાખલ કર્યો હતો. સાથી તૃપ્તિ શાહના મૃત્યુના એક દિવસ પહેલા જ તા. ૨૫.૦૫.૨૦૧૬ના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પૂના બેન્ચે  તા. ૨૫-૫-૨૦૧૬ના રોજ વિશ્વામિત્રી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના (VRDP) વિસ્તારમાં ચાલતા તમામે તમામ કામ ઉપર રોક લગાવી છે. આ વચગાળાના ચુકાદાનો અમલ કરવા આજે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયાર નથી. આ વચગાળાના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો પણ નથી અને તેનો અમલ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કરતી નથી. આજે આ કેસની સુનવણી કોર્ટમાં ચાલે છે.

સમજ પૂર્વક્ના તથ્યો સાથેના વૈચારિક અને કાયદાકીય સંઘર્ષને કારણે હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ‘રિવર ફ્રન્ટ’નો પ્રોજેકટ મને-કમને પડતો મૂકવો પડ્યો છે. હવે વડોદરા શહેરમાં વસતા નિષણાંતો સાથે રહી આખી વિશ્વામિત્રી નદીને ફરી વહેતી કરવા માટે કામ શરૂ કરવાની ફરજ પડી છે. આ નાનકડી શરૂઆત છે હજુ ઘણું કરવાનું બાકી છે.

ભૂમિપુત્રના તા. ૦૧.૦૨.૨૦૧૬ના અંકમાં તૃપ્તિ શાહે વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવાનો એક લેખ લખ્યો હતો. આ લેખમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા EIA Notification of 2006ના ભંગ, નદીના પુનરુત્થાન માટે પાયાની વાતો, સ્થાનિક સત્તાઓની નીતિ અને શહેરના તળાવો, પાણી ધરાવતી જગ્યાઓની કટોકટી ભરેલી પરિસ્થિતિની તાસીર રજુ કરી છે.

જાણીતા લેન્ડસ્કેપ આર્કિટેક અને ઈકોલોજિકલ પ્લાનર શિશિર રાવલ કે જેઓ હાલમાં અમે. એસ. યુનિવર્સિટીની, ફેકલ્ટી ઓફ ટેકનૉલોજી એન્ડ અનેજીનારીગના આર્કિટેક ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેઓ અમેરીકામાં ભણાવતા હતા ત્યારે તેમના વિદ્યાર્થીઓ સાથે ૧૯૯૮માં ભારત આવ્યા હતા અને વિશ્વામિત્રી નદી પર અભ્યાસ કરી વિશ્વામિત્રી નદીને જીવંત રાખવા – પુનર્જીવિત કરવાના ઠોસ સૂચનો કર્યા હતા અને ત્યાર બાદ ૨૦૦૬થી ભારત પરત ફર્યા બાદ આ મુદ્દે સક્રિય છે.

‘વહો વિશ્વામિત્રી’ અને ‘કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર’ આ મુદ્દે વિશ્વામિત્રી નદી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે. રોહિત પ્રજાપતિએ નદીની વેદના વ્યક્ત કરતી તેમની કવિતા – I am not a ‘Water Body’ -I am a live being – માં પણ નદીની સમજ અંગે મહત્વના મુદ્દાઓ વણ્યા છે.

vishwamitri2

૧૦ ઓગષ્ટ ૨૦૧૭ના રોજ વડોદરાના નાગરિકો દ્વારા વિશ્વામિત્રી નદી વિશે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે ચર્ચા વિચારણા સાથે ફિલ્મ રીલીઝ કરી.

આ ફિલ્મ વિશ્વામિત્રી નદીની જાળવણી અને સંરક્ષણ માટે સહુ વડોદરાવાસીઓને એક થવા માધ્યમ પૂરું પાડશે. વડોદરાના સંવેદનશીલ નાગરીકો અને નેચર વોક ગૃપનાં સભ્યો દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.

વિશ્વામિત્રી નદી અને તેની આસપાસની જૈવ વિવિધતાને જાળવી રાખી, તેને વધુ સમૃદ્ધ બનાવવાના લક્ષ્ય સાથે આ નાનકડી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મમાં વિશ્વામિત્રી નદીના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે વાત કરવામાં આવી છે અને નદીને સમજવાની કોશિશ કરવા લોકોમાં નદી અને કુદરત અંગેની સમજ વધે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મ બનાવવા પોતાનું યોગદાન આપનાર સહુ આવનારા સમયમાં નદી અને કુદરત અંગે જાગૃતિ ફેલાવવા વધુ ફિલ્મો બનાવવાનું આયોજન કરી રહ્યા છે.

આ ફિલ્મમાં વિશ્વામિત્રીના ઉદગમ સ્થાન પાવાગઢથી શરુ થઇ નદીના ‘વોટરશેડ’માં વડોદરા શહેરના વસવાટની વાત થઇ છે. આ નદીને કારણે શહેરને બોરમાંથી પાણી મળી રહે છે અને વાતાવરણમાં થોડું નિયંત્રણ રહ્યાની વાત કરવામાં આવી છે. પહેલા શહેરના તળાવો એકબીજા સાથે સંકળાયેલા હતા અને તે ઉભરાય ત્યારે નદીમાં મળી જતા હતા. નદીની કોતરોને કારણે કુદરતી રીતે પૂરનું નિયંત્રણ થતું હતું પણ કોતરો અને તળાવના પુરાણ, શહેરમાં ખુલ્લા મેદાન અને જગ્યાઓમાં દબાણો અને પુરાણોને કારણે પરિસ્થિતિ વણસી છે. આ આખું દ્રશ્ય આ ફિલ્મમાં બતાવવાની કોશિશ કરી છે. દુનિયામાં ઘણી બધી જગ્યાએ નદીને તેના મૂળ સ્વરૂપ અને કુદરતી સ્વરૂપમાં પાછી લાવવામાં આવી છે એટલે કે નદીને ચોખ્ખી કરી, પુનર્સ્થાપિત કર્યાના, ડેમ તોડીને નદીનો માર્ગ ખુલ્લો કર્યાના, અને એક્સપ્રેસ વે કાઢીને નદીને પોતાનું સ્થાન આપવાનાં દ્રશ્યો બતાડી તેમાંથી બોધપાઠ લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. દુનિયામાં રીવરફ્રન્ટ, કેનાલ, કે કોન્ક્રીટથી બચાવવાની કોઈ ગેરન્ટી નથી. નદીને ભાગમાં નહિ સંપૂર્ણમાં જોવાની દ્રષ્ટિ રાખવાની વાત કરી છે અને છેલ્લે કહેવામાં આવ્યું છે કે, નદી જીવે છે તમારી અને મારી જેમ.

આ ફિલ્મમાં પોતાનું યોગદાન આપનાર કેટલાક સંવેદનશીલ લોકોએ ફિલ્મ વિશે પોતાના અનુભવો પણ જણાવ્યા.

અરૂણ મજુમદાર જેઓ ‘નેચરવોક’ ગૃપનાં સ્થાપક સભ્ય છે. તેમણે કહ્યું કે, “વિશ્વામિત્રીના કિનારે નેચરવોક કરતા જાણવા મળ્યું કે આપણી પાસે પ્રકૃતિનો ખજાનો છે. જે આખી દુનિયામાં બીજે ક્યાંય નથી એવી નદી કે જે શહેરની વચ્ચેથી પસાર થતી હોય અને ૨૫૦ જેટલા મગરનું ઘર પણ હોય. મગરની બાજુમાંથી ડર્યા વગર પસાર થતાં પાણીના કાચબા બીજે ક્યાંય જોવા મળતા નથી. નદીના કિનારાની વનસ્પતિ, પંખીઓ અને જીવજંતુઓ સાથે લાગણીનો તંતુ હવે સંધાતો હોય તેવું લાગ્યું. તેથી જ વડોદરાના લોકો નદીના પ્રેમમાં પડે તેમ નક્કી કરી આ ફિલ્મ બનાવી. વડોદરાના નાગરીકો આપણી નદી, વૃક્ષો, પક્ષીઓ અને પ્રાણીઓને ચાહે છે તેથી જ જ્યારે ખબર પડી કે સાબરમતી રીવરફ્રન્ટ જેવા પ્લાનનું વિશ્વામિત્રી માટે પણ આયોજન થઇ રહ્યું છે ત્યારે વિશ્વામિત્રી અને શહેરના ભાવિ માટે ચિંતા થઇ, પણ ચર્ચા વિચારણાને અંતે નક્કી થયું કે વિશ્વામિત્રી માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જૈવ વિવિધતાનું સંરક્ષણ થાય તેવો પ્રોજેક્ટ બનાવશે ત્યારે થોડી  નિરાંત થઇ.”

vishwamitri2

આ જ ગૃપના બીજા એક સભ્ય અને જીવ વિજ્ઞાનના શિક્ષિકા તેવા સુવર્ણા સોનવણેએ જણાવ્યું હતું કે “આર્કિટેક્ચર અને ભૂગોળના અભ્યાસુઓ માટે વિશ્વામિત્રી એક ખુલ્લી શાળા છે. આપણી આવનારી પેઢીઓ માટે આપણે બીજું કઈ નહિ તો વિશ્વામિત્રીને તેના મૂળ સ્વરૂપમાં જાણીએ તોય બહુ છે. વનસ્પતિ અને પ્રાણી વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે નદી કિનારાના ઝાડ ઝાંખરા, પંખીઓ અને જીવજંતુઓ એક જીવતી પ્રયોગશાળા છે. આ ફિલ્મ અમારી નદી માટેની ભાવના છે અને અમે નદીના ટેકામાં હંમેશા ઉભા રહીશું.”

જાણીતા એન્વાયરમેન્ટ પ્લાનર નેહા સર્વતે એ જણાવ્યું હતું કે “આપણા માટે આનંદની વાત એ છે કે આપણા શહેરની ધરતી પાસે કુદરતી ઇકો સિસ્ટમ છે. આ એક વિશ્વકક્ષાનો જીવંત પ્રાણીસંગ્રહાલય અને બોટનીકલ ગાર્ડનની ક્ષમતા ધરાવતું શહેર છે. કુદરત સાથે તાલમેલ રાખી જીવવું એ વડોદરાવાસીઓ માટે જીવન જીવવાની યોગ્ય રીત બનશે. જો વડોદરાના બધા વિકાસલક્ષી આયોજનો પર્યાવરણલક્ષી દ્રષ્ટિકોણ અને પર્યાવારણના કાયદાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે તો દુનિયાભરમાં લોકો માટેના મુલાકાતના સ્થળોમાં વડોદરાનું સ્થાન મોખરે રહેશે. મોટાભાગની શહેરી વ્યાધિઓ જેવી કે શહેર ગરમીનો ટાપુ બની જવો, જમીનના પાણી ઊંડે ઉતરવા અને હવાની ગુણવત્તા બગડવી વગેરે સમસ્યાઓનો ઉકેલ મળશે.”

બીજા એક સભ્ય અર્જુન સિંહ મહેતા જેમણે ડોક્યુમેન્ટરીના ટેકનીકલ મુદ્દાઓ પર કામ કર્યું છે તેમણે કહ્યું કે “વિશ્વામિત્રીના કિનારે નેચરવોક કરતા અદભુત ઘટનાઓ જોઈ જે સામાન્ય રીતે નેશનલ જીયોગ્રાફીની ડોક્યુમેન્ટરીમાં જ જોવા મળે છે. વિશ્વામિત્રીની ઇકો સિસ્ટમ દવા માટે વપરાતી જડીબુટ્ટીઓથી ભરપુર છે. આપણા જીવનચક્રમાં ફાળો આપતા પક્ષીઓ અને જીવજંતુઓ પણ અહી જોવા મળે છે. આપણા જ શહેરની વચ્ચોવચ એક વન્યપ્રાણી વનસ્પતિનું અભયારણ્ય છે. આ બધું જોવાથી નદી વિષેની અમારી સમજ પર ઘેરી અસર પડી, અને ત્યારબાદ અમે બધાએ આ ટૂંકી દસ્તાવેજી ફિલ્મ બનાવી.”

મારૂ સ્પષ્ટ માનવું છે કે વડોદરાની મ્યુનિસિપલ કોર્પોરેશન જે રીતે નદી સાથે કામ પાર પાડી રહ્યા છે તે માટે ચોક્કસ ચિંતાતુર છીએ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આપેલ મનાઈ હુકમ છતાં પણ નદીની કોતરોમાં કચરો અને કાટમાળ આજે પણ ઠલવાય છે જેના કારણે શહેર પર પૂરનું જોખમ વધી રહ્યું છે. જો આપણે કોતરોને ખુલ્લી કરવા કામે નહિ લાગીએ તો પૂર ટાળી શકાશે નહિ અને નદીને બચાવી શકાશે નહિ. સાથે જ વડોદરાવાસીઓ જે પાછલા વર્ષોમાં અસરગ્રસ્ત હતા તેઓની આ કોતરોમાં પુરાણોને કારણે સંખ્યામાં વધારો થશે અને લોકોને આર્થિક નુકસાનની સાથે માનસિક ત્રાસ  અસરો પણ બહુજ ગંભીર પ્રમાણમાં સમાજમાં ઉભી થશે.

એક તરફ નદીને માતા કહી તેની પૂજા કરવી અને બીજી તરફ પ્રદુષિત કરવીએ આપણી ‘મોજૂદ સમજ’ સામે પાયાના સવાલો ઊભા કરે છે. નદી અને સ્ત્રીની સરખામણી અહીં થાય છે. આપણા દેશમાં જેટલું પણ સ્ત્રી સાથે સંકળાયેલ હોય તે બધું જ જેમ કે, કોઈ કામ હોય કે વસ્તુ હોય બધું જ સામાજિક, આર્થિક, માનસિક અને રાજકીય દ્રષ્ટીએ ઉતરતું ગણવામાં આવે છે. અહીં નદીમાં કચરો, કાટમાળ, એફ્લુઅન્ટ નાંખી તેને હેરાન કરી કુદરત સાથે ચેડાં કરી રહ્યા છે. જેવી રીતે છોકરીઓ અને સ્ત્રીઓના વિકાસ પર રોક લગાવવામાં આવે છે તેવી જ રીતે નદીની કોતરો ભરીને તેને સાંકળી કરીને અને ડેમ બનાવીને તેના પ્રવાહ પર રોક લગાવવામાં આવે છે.

નદી પર અત્યાચાર, હિંસા કરનાર બધા જ કુદરતના ગુનેગાર છે. આવું કરનાર લોકો આવનારી પેઢી માટે જેના વગર જીવવું મુશ્કેલ છે તેવું પીવા માટે દુષિત પાણી મુકીને જશે. હજી પણ આપણા સમાજમાં સ્ત્રીને એક વ્યક્તિ તરીકે નહિ પરંતુ વસ્તુ ગણવામાં આવે છે તેમ નદીને પણ વ્યક્તિ નહિ પણ વસ્તુ તરીકે ગણવામાં આવે છે તે બહુ દુ:ખદ કહેવાય. આ માનસિકતાને બદલવાની જરૂર છે.

નદીઓને જીવંત રાખવા માટે હવે બહુ થોડો જ સમય રહ્યો છે. નદીઓમાં મોટા પાયે ખતરનાક કેમિકલ્સ ડમ્પ કરવામાં આવી રહ્યા છે. નદી કિનારે અને તેની કોતરોમાં ગેરકાયદે બાંધકામો થઈ ગયાં છે અને આજે પણ આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે. નદીઓ સરકારોના ભરોસે છોડી શકાય તેમ નથી. સમાજે સામૂહિક રીતે નદીઓને બચાવવા આગળ આવવું પડશે. સમૃદ્ધ અને જીવંત જીવન માટે હજી પણ સમય છે, ચેતવાની જરૂર છે.

 


*sejaljoshi2011@yahoo.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s