આભડછેટમુકત ભારત-મિશનઃ 2047
આઝાદ ભારતની સૌથી મોટી નિષ્ફળતા એ છે કે તે 70 વર્ષની પોતાની આઝાદી દરમિયાન પોતાને આભડછેટમાંથી મુક્ત કરી શક્યો નથી. અંગ્રેજોની ગુમલામીમાંથી જે દેશને આઝાદ થતાં 100 વર્ષથી ઓછો સમય લાગ્યો હતો તે દેશને સેંકડો વર્ષ પછી પણ આંતરિક ગુલામીમાંથી આઝાદ થવામાં નિષ્ફળતા મળી રહી છે. ગુજરાતીમાં કહેવત છે તેમ, ‘કૂવામાં હો તો હવાડામાં આવે’ તે જ રીતે જ્યાં રાજકીય ઈચ્છા શક્તિ ન હોય ત્યાં સમાનતાની દેશદાઝ ક્યાંથી આવે?
2047માં ભારત દેશ પોતાની આઝાદીની શતાબ્દિ ઊજવશે ત્યારે તે આભડછેટમાંથી મુક્ત હશે કે કેમ? તેવો વાજબી સવાલ ગુજરાતના નાગરિક-સમાજમાંથી ઊભો થયો છે. આ અવાજ કોઈ એક જ્ઞાતિ, પેટાજ્ઞાતિ કે ધર્મમાંથી પેદા થયો નથી પરંતુ ભારતના બંધારણની કલમ-17 અંગેની પ્રતિબદ્ધતામાંથી પેદા થયો છે.
15મી જુલાઈ, 2017ના રોજ સાણંદ તાલુકાના નાની દેવતી ગામે આવેલ દલિત શક્તિ કેન્દ્રમાં લગભગ 1000 ગામોના આગેવાનોનું સંમેલન યોજાયું હતું અને આ સંમેલનમાં ‘આભડછેટમુકત ભારત-મિશનઃ 2047’ શરૂ કરવામાં આવ્યું છે.
‘આભડછેટમુકત ભારત-મિશનઃ 2047’ દ્વારા તારીખ ૧૧મી ઑગસ્ટ, ૨૦૧૭ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ યોજાયો. આવેદનપત્રમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને નિવેદન કરાયું કે તારીખ ૧૫મી ઑગસ્ટ, ૨૦૧૭ના દિવસે, ભારતની આઝાદીનાં સિત્તેરમા વર્ષની ઊજવણી નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ ગુજરાતના એક ગામને આભડછેટ મુક્ત જાહેર કરે. ભારત એક દેશ હોય તો ભારતમાં બે રાષ્ટ્ર શા માટે હોવા જોઈએ?
આવેદનપત્રને સૂપડામાં અપાયું. સૂપડું શા માટે?
ગુજરાતમાં સદીઓથી સૂપડું બનાવવાનો જ્ઞાતિ આધારિત વ્યવસાય દેશને સ્વચ્છ અને તંદુરસ્ત રાખનાર વાલ્મીકિ સમાજ કરે છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અસરગ્રસ્ત ગામ ઋણી, જ્યાં હાલમાં મુખ્યમંત્રી મુલાકાતે ગયા હતા ત્યાંનાં વાલ્મીકિ પરિવારો આજે પણ સૂપડાં બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. સૂપડાં પર ચામડું મઢવાનું કામ રોહિત પરિવારો કરે છે. વર્ષે ભારત દેશને સેંકડો કરોડ રૂપિયા રળી આપતા ચામડાંના વ્યવસાય સાથે સંકળાયેલા ઉનાના દલિત પરિવારોના માથે ગુજરાતે શું વિતાડ્યું તેનો ઇતિહાસ તાજો છે. અનાજને કાંકરા મુક્ત કરનાર સૂપડાના ઘડવૈયા ભારતના નાગરિકો ગણાય છે પરંતુ કાગળ પર; સામાજિક રીતે નહીં. સૂપડું તે ભારતના દલિતોને સરખા નાગરિક ન ગણવાનું પ્રતીક છે.
આવેદનપત્ર સાથે ‘આભડછેટમુકત ભારત-મિશનઃ 2047’ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને ભારતનું સૌથી મોટું રાષ્ટ્રધ્વજ આપવાનો કાર્યક્રમ પણ યોજાયો. દલિતોની સમાનતાના સપના અને અસ્મિતાના પ્રતીકરૂપે નાની દેવતી થી ગાંધીનગરની આ આવેદનપત્ર યાત્રામાં ગુજરાતના 26 જિલ્લાના 150 તાલુકાના લગભગ 1500 લોકો જોડાયા અને મુખ્યામન્ત્રીશ્રી ના પ્રતિનિધિને ગાંધીનગર ખાતે રજુ કર્યું. સરકારી અધિકારીએ આવેદન પત્ર લઇ લીધું, પણ રાષ્ટ્રધ્વજ એમ કહીને ના લીધું કે અમારી પાસે એને મુકવા માટે જગ્યા નથી.
રાષ્ટ્રધ્વજની વિગતો
(૧) અત્યાર સુધીનો કદાચ ભારતનો આ સૌથી મોટો રાષ્ટ્રધ્વજ છે.
(૨) તેનું માપ ૧૨૫ ફૂટ x ૮૩.૩ ફૂટ છે.
(૩) બંધારણીય સભાની રાષ્ટ્રધ્વજ સમિતિ (જેના ડૉ. આંબેડકર સભ્ય હતા)માં નક્કી થયા મુજબ, આ રાષ્ટ્રધ્વજ હાથે વણેલી ખાદીમાંથી તૈયાર કરવામાં આવ્યો છે.
(૪) આ ધ્વજ માટે કાપડ ધોવા, રંગવા અને સીવવાનું કામ દલિત શક્તિ કેન્દ્રના વિદ્યાર્થી અને શિક્ષકોએ કર્યું છે.
(૫) આ ધ્વજ માટે ખાદી વણવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાનાં દલિત પરિવારોએ કર્યું છે.
(૬) રાષ્ટ્રધ્વજમાં અશોકચક્ર ૨૫ ફૂટ x ૨૫ ફૂટ નું છે.
(૭) આ રાષ્ટ્રધ્વજ બનાવતા ૨૫ દિવસનો સમય લાગ્યો છે.
(૮) રાટ્રધ્વજમાં ૨૧૨૦ ચોરસ મીટર ખાદીનો ઉપયોગ થયો છે.
(૯) રાષ્ટ્રધ્વજ બનાવવા પાછળ અંદાજે રૂપિયા ૫૩,૦૦૦નો ખર્ચ થયો છે. માનવ શ્રમની કિંમત ગણી નથી.
રાષ્ટ્રધ્વજ શા માટે?
રાષ્ટ્રધ્વજ નિયમ અનુસાર, હાથે વણેલ ખાદીનો હોવો જરૂરી છે અને ખાદી વણવાનું કામ પેઢીઓથી દલિતો કરે છે. ભારતના નવા વરાયેલા રાષ્ટ્રપતિના પૂર્વજો પણ આ કામ કરતા હતા. સંત કબીર પણ આ કામ કરતા હતા. જે નાગરિકો રાષ્ટ્રધ્વજ પોતાના હાથે બનાવે છે તેમની સાથે આજે પણ આભડછેટ?
અશોકચક્ર કે ધમ્મચક્રના ૨૪ કાંટા તે જિંદગીને અર્થસભર બનાવવા અને નિર્વાણ પામવા ગૌતમ બુદ્ધે પ્રબોધેલા ૧૨ પાયાના સિદ્ધાંતોનું પ્રતીક છે. અવિદ્યા, સંસ્કાર, વીજનાન (સભાનતા), નામરૂપ, સદાયતના, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપદાન, ભવ (પ્રતીતિ), જાતી(જન્મ ધરવો) અને જરમરણના આ સિદ્ધાંતો ભારત રાષ્ટ્રની નૈતિક જીવનશૈલી તરીકે રાષ્ટ્રધ્વજમાં સ્થાન પામ્યા છે. દેવની મોરી (સાબરકાંઠા), વડનગર, કાળિયો ડુંગર (ભરૂચ) અને તલાલા તેમજ ઉપરકોટની બૌદ્ધકાલીન ગુફા-ઈતિહાસને સાંકળી લઈ ગુજરાત પોતાને બુદ્ધ-વારસાઆધારિત પ્રવાસ-પર્યટન તરીકે વિકસાવવા કટિબદ્ધ છે, તે ગુજરાતમાં બુદ્ધે પ્રબોધેલા ધર્મથી વિરુદ્ધ આભડછેટ શા માટે?
‘આભડછેટમુકત ભારત-મિશનઃ 2047’ તે સાચા અર્થમાં રાષ્ટ્રને અખંડિત બનાવવાનું આંદોલન છે. તેનો ધ્યેય કોઈને શામ-દામ-દંડ-ભેદથી ચૂંટણીમાં હરાવવાનો કે જીતાડવાનો નથી; પરંતુ ભારતને આભડછેટથી મુક્ત કરવાનો છે. આ મિશનના કોઈ દુશ્મન ખરા? રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રની અખંડિતતાનું પ્રતીક છે.
આવેદનપત્ર મુખ્યમંત્રીને શા માટે? કોઈ પણ ચુંટાયેલી સરકારની બંધારણીય ફરજ આભડછેટને નાબૂદ કરવાની છે. જે બંધારણને વફાદાર રહેવાના શપથ લીધા છે, તે બંધારણમાં આભડછેટ નાબૂદીનો મૂળભૂત અધિકાર તરીકે સમાવેશ થયો છે. ધાર્મિક માન્યતાઓ ગમે તેટલી મજબૂત હોય; રાષ્ટ્રનું બંધારણ સર્વોપરી છે.
અતિ ઉત્તમ