વિકાસ સુરતી*/
બે દિવસ ચીનમાં વન બેલ્ટ વન રોડનું મહાસંમેલન મળી ગયું. અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, જર્મની વગેરે વિકસિત દેશો ઉપરાંત જગતના 50 દેશોના વડાઓ હાજર રહ્યા અને યુરોપથી ચીન સુધી સિલ્ક રૂટ પર એક ભવ્ય રસ્તો બાંધવાનો ચીનનો પ્લાન સફળ ગયો. ચીનથી લઈને 50 દેશો અને જગતની 7 અબજ વસતીમાંથી 4.4 અબજ લોકોને પહોંચે તે રીતનો રસ્તો સ્થાપવાની દરખાસ્ત આ બધાં રાજ્યોએ સ્વીકારી. આ પહેલાં ચીને ચીનથી યુરોપ સુધીનો રેલમાર્ગ બાંધ્યો અને યુરોપથી ચીને 20 દિવસમાં માલ-સામાન પરિવહન કરી શકાય તેવી વ્યવસ્થા કરી, તો હવે ચીનનું આયોજન ચીનથી શરૂ કરીને પેસિફિક સમુદ્રથી બંગાળના ઉપસાગર, અરબી સમુદ્ર થઈને એટલાન્ટિક સાગરમાં થઈને યુરોપ પહોંચવા માટે દરિયાઈ રૂટનું આયોજન પણ કર્યું છે. ચીનના OBOR પ્લાનનો શરૂમાં અમેરિકાએ વિરોધ કર્યો હતો. પરંતુ પછીથી પોતાનાં વેપારીહિતોને ધ્યાનમાં લઈને અમેરિકાએ પણ આ પરિષદમાં ભાગ લીધો.
અલબત્ત, આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં ચીન ખંધુ ખેલાડી છે. તેને આ OBORથી પોતાને શું ફાયદો થશે તેનો ફોડ હજી સુધી પાડ્યો નથી. પરંતુ તેની સાથે રહેનારા રશિયા, અમેરિકા, જર્મની કે બ્રિટન પણ એટલા જ ખંધા ખેલાડીઓ છે. આ તમામે આંતરરાષ્ટ્રીય સહકારના નામે આ OBOR પરિયોજનાને આવકારી છે. આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં એક 1990 પછી જે બદલાવ આવ્યો છે, તેમાં કોઈ વિકસિત રાજ્ય અન્ય રાજ્ય પર હુમલો કરી તેને કબજે નથી કરતું. હવે રાજકીય નહીં, આર્થિક વર્ચસ્વની સ્પર્ધા છે. કયો દેશ અન્ય દેશ પાસેથી પોતાની અનુકૂળ શરતો મુજબ કમાણી કરી લે છે તે બાબત મુખ્ય છે. આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં આ પેરેડાઇમ શિફ્ટ છે. આમ હોવા છતાં હજી આપણે આર્થિક વર્ચસ્વની ભાષા નથી શીખ્યા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટનના વડા પ્રધાન ચર્ચિલને કોઈએ પૂછ્યું કે બ્રિટનના કાયમી મિત્ર કોણ છે? ચર્ચિલે કહ્યું, બ્રિટનને કોઈ કાયમી મિત્રો નથી, બ્રિટનને માત્ર કાયમી હિતો છે. આ વાત જોઈએ તો ચીન માટે અન્ય કોઈ દેશો કાયમી મિત્રો કે કાયમી શત્રુ નથી. આપણાં આર્થિક હિતો મુજબ મિત્રો કે સ્પર્ધકો પણ બદલાતા રહે છે. આ વાત જો આપણે સમજીએ તો આપણે કોઈ સાથે ઐતિહાસિક દુશ્મની ન રાખીએ, પરંતુ અત્યારે આપણાં આર્થિક હિતો શું છે તે જોઈ સંબંધો રાખીએ.
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના આ જમાનામાં સમગ્ર વિશ્વ વેપાર માટે એક થાય છે. પહેલાં આપણે ગેટ રાઉન્ડ કર્યા, પછી વર્લ્ડ ટ્રેડ સંગઠન બન્યું, જેમાં જગતમાં કોણ કોની સાથે કેવો વેપાર કરશે તે નક્કી થાય છે. આ ઉપરાંત યુનોએ માનવઅધિકાર, આંતરરાષ્ટ્રીય અદાલત, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વગેરે બનાવ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે અણુ બિનપ્રસારણસંધિ, જાગતિક ગરમી ઓછી કરવા માટેના પ્રયાસો, કાર્બન ઉત્સર્જનના નિયમો વગેરે નક્કી કરવા માંડ્યા છે. વર્લ્ડ બેન્ક સમગ્ર જગતના નાણાકીય વ્યવહારોની દેખરેખ કરે છે. આમ વૈશ્વિકરણના હવામાનમાં વૈશ્વિક સંગઠનો ઊભાં થતાં જાય છે. અલબત્ત, અત્યારે તો અમેરિકા, રશિયા, જર્મની , બ્રિટન અને ચીન આ વૈશ્વિક સંગઠનોમાં પ્રભાવી ભૂમિકા ભજવી રહ્યા છે.
સવાલ એ થાય છે કે જ્યારે બધા જ આ રમત રમતા હોય ત્યારે ભારત ‘નથી રમતા’ કહીને એકલું પડી શકે? આમ એકલું પડવું આપણને પોસાય? યાદ રાખો, જયારે અંગ્રેજો આવ્યા તે પહેલાંના સમયમાં ભારત જ્યારે વિશ્વ વ્યાપારમાં અગ્રણી હતું ત્યારે ચીન સાથે,આરબ સાથે આપણે સીધા સંબંધો હતા. ચીનના પ્રવાસીઓ અહીં આવતા. ભારતે બૌદ્ધ ધર્મ ચીનમાં પ્રેર્યો હતો. ચીનના લોકો ભારતમાં આવીને વસ્યા હતા અને અહીં અનેક શહેરોમાં ચાઈનાટાઉન બન્યાં હતાં. ભારત-ચીન વચ્ચે રેશમી રસ્તો (સિલ્ક રૂટ) હતો. આજે આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં આપણે જ ‘નથી રમતા’-કહીને રહી ગયા, જે અમેરિકાની સાથે આપણે હતા તેણે પણ OBOR પરિષદમાં ભારતને એકલા પાડી દેવામાં ભાગ લીધો છે. જ્યારે એક વ્યાપારી રૂટમાં સમગ્ર જગત ભાગીદાર બને છે ત્યારે આપણે ન ભાગ લેવામાં કેટલું ડહાપણ?
ચીન જેમ આપણી સામે પાકિસ્તાન અને નેપાળને ઉશ્કેરી રહ્યું છે, તેમ આપણે પણ બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, અફઘાનિસ્તાન, તાઇવાન, જાપાન વગેરેને આપણી સાથે લઇ ચાલીએ તેમ છે. યાદ રહે જાપાન તથા તાઈવાનને ચીનથી ડર છે, તેથી તેઓ આપણી સાથે આવી શકે. આપણે જે સાઉથ એશિયન સેટેલાઇટ ચડાવ્યો તે પણ આ આંતર રાષ્ટ્રીય મુત્સદ્દીગીરીનો જ એક ભાગ છે.
આપણે આ પરિષદમાં ન ગયા, તેથી આપણ ને શું ફાયદો થયો અને શું નુકસાન થયું તેનો અંદાજ મેળવવો પડે. ન જવાથી આપણે આપણો વિરોધ દર્શાવી ન શક્યા, ચીન આપણા આર્થિકહિતો વિરુદ્ધ છે તે વાત જગતને કહી શક્યા. પરંતુ તેની સામે આપણે જગતના ચોકમાં એકલા પડી ગયા. કોઈ આપણી સાથે ન રહ્યું. વળી ગેરહાજર રહીને આપણે OBOR પરિયોજનાને રોકી તો નથી જ શક્યા.
તેની સામે જો આપણે પરિષદમાં ભાગ લીધો હોત તો આપણે આપણાં હિતની વાત જગતના ચોકમાં મૂકી શક્યા હોત. પાકિસ્તાન આપણી સામે આતંકવાદીઓને મદદ કરે છે તે વાત મૂકી શક્યા હોત. એટલું જ નહીં, ત્યાં આવેલા પચાસ દેશોના પ્રતિનિધિઓને આપણા આર્થિક હિતની વાત કરી શક્યા હોત. આટલા મોટા આર્થિક ફોરમમાં આપણે આપણી વાત મુકવાની તક ચુકી ગયા હોઈએ એવું બન્યું. એટલું જ નહીં, ગેરહાજર રહીને આપણે કેટલા અતડા છીએ તેની વાત જગ જાહેર કરી દીધી. હવે જ્યારે આ માર્ગ પરથી વિશ્વ વેપાર ચાલશે ત્યારે આપણે તેમાં ક્યાં હોઈશું?
આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીના નિર્ણયો અહમથી નથી લેવાતા. છેવટે આપણે જુનિયર અફસરોને કે કોઈ જુનિયર પ્રધાન ને મોકલી શક્યા હોત. મૂછે વળ દેવાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં સિદ્ધિ હાંસલ નથી થતી. હવે જે આંતર રાષ્ટ્રીય અર્થકારણ આવ્યું છે તેમાં બળ વડે નહીં, બુદ્ધિ વડે કામ લેવાનું છે. આર્થિક પ્રભાવ માટે આ સહકાર જરૂરી હતો. યાદ રહે જગત આર્થિક પ્રભાવને ઝુકે છે, સામરિક પ્રભાવને નહીં.
—
*લેખકની પરવાનગી થી પ્રકાશિત. સૌજન્ય: નવગુજરાત સમય (મે ૧૬, ૨૦૧૭)