ગુજરાત સરકારના અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતોનું વિસ્તરણ કાયદાનો અમલના દાવા તદ્દન ખોટા અને ભ્રમમાં નાખનારા છે

tribal areaપૌલોમી મિસ્ત્રી અને હેમંતકુમાર શાહ/

ગુજરાત સરકારે તાજેતરમાં એવો દાવો કર્યો છે કે તે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પેસા (અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતોનું વિસ્તરણ) કાયદાનો અમલ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંધારણમાં 73મો સુધારો 1992માં કરાયો તે પછી દેશના આદિવાસી વિસ્તારો માટે પેસા કાયદો કરાયો કે જેથી 73મો બંધારણ સુધારો વધારે સારી રીતે તે વિસ્તારોમાં લાગુ પડી શકે. પછી ગુજરાત સરકારે 1998માં ગુજરાત પંચાયત ધારા-1993માં સુધારો કરીને આદિવાસી વિસ્તારો માટે ખાસ જોગવાઈઓ કરી હતી. રાજ્ય સરકાર હવે 25 વર્ષ પછી તેના અમલ માટે સક્રિય બની છે એવો તેનો દાવો છે. રાજ્ય સરકાર છાપામાં જાહેરખબરો આપીને આવા દાવા કરી રહી છે. તા-19-01-2017ના રોજ સરકારે છાપામાં આપેલી એક મોટી જાહેરખબરમાં એમ કહેવાયું હતું કે “રાજ્યના ૫૦ તાલુકાની 2584 ગ્રામ પંચાયતો હેઠળનાં ૪૫૦૩ ગામોની ગ્રામ સભાને મળશે વિશેષાધિકારો.” એનો અર્થ એ છે કે આ ગ્રામ પંચાયતોને હજુ સુધી તો કોઈ અધિકારો મળ્યા નથી, હવે “મળશે”. એટલે કે કાયદો થયાનાં ૩૦ વર્ષ પછી પણ રાજ્ય સરકાર એમ જ કહે છે કે હવે વિશેષાધિકારો “ગ્રામ સભાને મળશે”. મૂળ મુદ્દો તો એ છે કે આ કોઈ વિશેષાધિકારો છે જે નહિ, કાયદાકીય સત્તાઓ છે અને તેમનો અમલ થવો જોઈએ.

ગૌણ વન પેદાશોના સંદર્ભમાં ગુજરાત પંચાયત ધારા-1993માં જે સુધારો 1998માં કરવામાં આવ્યો તેમાં ધારાની કલમ-108માં એવી જોગવાઈ કરી કે (1) ગામની હકૂમતમાં આવેલ હોય તેવા વન વિસ્તારોમાંથી મળી આવેલી ગૌણ વન પેદાશો ગ્રામ પંચાયતમાં નિહિત થશે.(2) ગૌણ વન પેદાશની વેચાણ ઊપજ ગામના ફંડમાં ભરવી જોઇશે અને તે તેનો ભાગ બનશે. ગૌણ વન પેદાશ એટલે કઈ વન પેદાશો તે ગૌણ વન પેદાશ વ્યાપાર રાષ્ટ્રીયકરણ અધિનિયમ-1979માં જણાવાયું છે. આ ગૌણ વન પેદાશોમાં ડોળી, મધ, ગુંદર, લાખ, મહુડાનાં ફૂલ, ગાંડો બાવળ, ટીમરુનાં પાન વગેરે જેવી 13 પેદાશોનો સમાવેશ થાય છે. આમ, આ પેદાશોની બધી આવક ગ્રામ પંચાયતના ગામ ફંડમાં જમા થવી જોઈએ એમ કાયદો કહે છે.

ઉપરોક્ત જાહેરખબરમાં રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબના દાવા કરવામાં આવ્યા હતા:

 1. ગૌણ વન પેદાશોની માલિકી હવે ગામ અને આદિવાસી સમાજની.
 2. ગૌણ વન પેદાશોને સંગ્રહ-વેચાણમાંથી એજન્ટોની નાબૂદી.
 3. ગૌણ વન પેદાશોની આવક સીધી આદિવાસીના ખાતામાં જમા થશે.
 4. ગૌણ ખનીજોના ઉત્ખનન માટે ગ્રામ સભાની ભલામણ ફરજિયાત.
 5. જમીન સંપાદન, ગામ તળાવના ઉપયોગ માટે ગ્રામસભા સર્વોપરી.
 6. ગરીબલક્ષી યોજનાના લાભાર્થીઓની પસંદગી ગ્રામ સભા દ્વારા.
 7. ગૌણ વન પેદાશોના વેચાણના નફાની રૂ. ૧૦ કરોડ જેટલી રકમનું સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા સીધું વિતરણ.

જો કે, આ બધા દાવા વિષે તપાસ કરતાં જણાય છે કે હકીકતો કંઇક જુદી જ છે:

 1. ગૌણ વન પેદાશોની રકમ પંચાયતોમાં જમા કરવામાં આવી છે એ વાતમાં અર્ધસત્ય છે. તા. 01-04-2017ના રોજ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ. દ્વારા માહિતી અધિકારની એક અરજીના જવાબમાં એમ કહેવામાં આવ્યું છે કે 2011-12થી 2013-14 દરમ્યાન ગ્રામ પંચાયતોને ચૂકવવાપાત્ર રૂ. 10 કરોડ જેટલી છે. પણ એ રકમ ગ્રામ પંચાયતોને ચૂકવવામાં આવી છે એવું નથી કહેવામાં આવ્યું. વળી, એનો અર્થ એવો પણ થાય છે કે નિગમ એ રકમ ગ્રામ પંચાયતોને દર વર્ષે ચૂકવતી નથી અને 2011-12ની રકમ પણ 2017ના માર્ચ મહિના સુધી ગ્રામ પંચાયતોને ચૂકવવામાં આવી નથી તે આ જવાબથી સ્પષ્ટ થાય છે. તો પછી આ હકીકતને આધારે સરકારે આદિવાસી વિસ્તારોની ગ્રામ પંચાયતોને આર્થિક રીતે સદ્ધર બનાવી એમ કેવી રીતે કહેવાય અને પેસા કાનૂનનો અમલ કર્યો એમ પણ કેવી રીતે કહેવાય?
 2. પેસા કાનૂનનો અમલ કરવા માટે ગુજરાત પંચાયત ધારા-1993માં 1998માં સુધારો કરાયો હતો. આ સુધારા અનુસાર તો ગૌણ વન પેદાશોની બધી આવક આદિવાસી વિસ્તારોની પંચાયતોમાં જમા થવી જોઈએ કારણ કે કાયદા મુજબ તો ગૌણ વન પેદાશોની માલિકી ગ્રામ પંચાયતોની છે. અને તે માટે ગૌણ વન પેદાશોના વ્યાપારનું સંચાલન ગ્રામ પંચાયતો દ્વારા જ થવું જોઈએ. પણ હકીકતમાં તેમ થતું નથી. પેસા કાનૂન અને ગુજરાત પંચાયત ધારામાં તેને આધારે કરવામાં આવેલા સુધારા પછી તો ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ બંધ કરી દેવું પડે અને વન પેદાશોના વ્યાપારનું કામ પંચાયતોને સોંપી દેવું પડે. જો પંચાયતો પાસે તે અંગેનું નિષ્ણાત જ્ઞાન ના હોય તો તેઓ તે ભાડે મેળવી શકે. વળી, જો ગ્રામ પંચાયતો આ કામ ના કરી શકે તેમ હોય તો તાલુકા કે જિલ્લા પંચાયતોને તે કામ સોંપી શકાય. પણ પંચાયતોને આ કામ સોંપવાની ગુજરાત સરકારની દાનત જ નથી એ વરવી વાસ્તવિકતા છે. ગ્રામ પંચાયતો કે તાલુકા અને જિલ્લા પંચાયતોના ચૂંટાયેલા સભ્યોને ગૌણ વન પેદાશોના વેપાર માટે કડી કોઈ તાલીમ આપવામાં આવી જ નથી અને એમ માની લેવામાં આવ્યું છે કે પંચાયતોને ગૌણ વન પેદાશોનો વેપાર કરતાં ના આવડે અંદ વન વિકાસ નિગમને જ તે આવડે!
 3. સરકારના દાવા મુજબ ગૌણ વન પેદાશોની આવક સીધી આદિવાસીઓના ખાતામાં જમા થાય છે. ખરેખર આવું કશું છે જ નહિ. જેમ કે, ટીમરુ પાનાં જે આદિવાસીઓ એકત્ર કરે છે તેઓ મોટે ભાગે ખાનગી વ્યક્તિઓ એવા સ્થાનિક ફડમુનશી પાસે જ જાય છે અને ફડમુનશી તેની હરાજી કરીને ટીમરુનાં પાન મેળવે છે. આ આખી પ્રક્રિયામાં ક્યાંય ગ્રામ પંચાયતો કે તાલુકા કે જિલ્લા સ્તરની પંચાયતો સામેલ છે જ નહિ. ફડમુનશી જ આદિવાસીઓને ટીમરુ પાનના પૈસા આપે છે અને એ બેન્કમાં જમા થતા જ નથી. આમ, સરકાર જૂઠ્ઠું  બોલે છે અને ખોટી જાહેરખબરો આપીને લોકોને છેતરે છે.
 4. વન પેદાશોના વેચાણમાંથી એજન્ટોની નાબૂદી કરી છે એવો સરકારી દાવો પણ ખોટો છે. ટીમરુનાં પાન ફડમુનશી ખરીદે છે અને પછી તે ખાનગી વેપારીઓને વેચે છે. એવી જ રીતે ગુંદર અને લાખ જેવી વન પેદાશોની ખરીદી માટે વન વિકાસ નિગમ ટેન્ડર બહાર પડે છે અને તે ટેન્ડર વેપારીઓ જ ભરે છે અને વેપારીઓ જ આદિવાસીઓ પાસેથી ટીમરુ પાન ખરીદીને નિગમને આપે છે. ડોળી જેવી વસ્તુના કિસ્સામાં આદિવાસીઓ જાતે જ મોટા વેપારીને ડોળી વેચે છે અને પછી વેપારી વધારે ભાવે તે બજારમાં વેચી દે છે. જો આ સ્થિતિ હોય તો વચેટિયા નાબૂદ થયા છે એમ કેવી રીતે કહેવાય?
 5. આદિવાસી વિસ્તારોમાં જૂથ ગ્રામ પંચાયત હોય તો પણ દરેક ગામની એક ગ્રામ સભા હશે એમ ગુજરાત પંચાયત ધારો-1993 કહે છે. એટલે જો કોઈ ગ્રામ પંચાયતમાં પાંચ ગામો હોય તો ગ્રામ સભા પાંચ મળવી જોઈએ. આવું ક્યાંય થયું હોવાનું જાણમાં નથી. હકીકતમાં તો, ગ્રામ પંચાયતની ગ્રામ સભા પણ સારી રીતે મળતી નથી અને સરકારે ગ્રામ સભાએ કયાં કામો કરવાં તેની જે યાદી આપી છે તે કામો કરવા માટે પણ ગ્રામ સભા સક્ષમ નથી. ગ્રામ સભા જે ઠરાવો કરે છે તેનો અમલ ભાગ્યે જ થાય છે તે તો લગભગ તમામ ગ્રામ પંચાયતોનો અનુભવ છે. એટલે ગ્રામ સભા વિવિધ યોજનાઓના લાભાર્થીઓની પસંદગી ગ્રામ સભા કરે છે એ વાત તદ્દન જ ખોટી છે. આમ, ગ્રામ સભા પાસે કોઈ વહીવટી સત્તા વાસ્તવમાં છે જ નહિ અને તે મોટે ભાગે શોભા ગાંઠિયા જેવી જ છે. ગ્રામ સભાઓ મોટે ભાગે એ જ ઠરાવો કરે છે કે જે તેમને કરવાનું કહેવામાં આવે છે.
 6. જાહેરખબરમાં સરકારે એમ પણ જણાવ્યું છે કે જમીન સંપાદન અને ગામ તળાવના ઉપયોગની બાબતમાં ગ્રામ સભા સર્વોપરિ છે. હકીકતમાં એવું કશું છે જ નહિ. વાસ્તવમાં, આવાં કોઈ ઉદાહરણો જોવા મળતાં નથી. ગ્રામ સભા એને માટે ઠરાવો કરતી હોય કે પછી તેના ઠરાવોને ગંભીરતાપૂર્વક લેવામાં આવતા હોય એવું પણ જાણમાં આવતું નથી. જમીન સંપાદન પહેલાં તેનાથી અસર પામનાર વ્યક્તિઓના પુનર્વસન માટે તાલુકા પંચાયત સાથે વિચાર વિનિમય કરવો એમ ગુજરાત પંચાયત ધારા-1993ની કલમ-૧૩૨ જણાવે છે. પણ એનો અમલ થતો જ નથી. એક પણ તાલુકા પંચાયતે આ મતલબનો ઠરાવ કર્યો હોય તો સરકાર તેનો પુરાવો આપે.
 7. રાજ્ય સરકારનો એવો પણ છે કે ગૌણ ખનીજોના ઉત્પાદન માટે ગ્રામ સભાની ભલામણ ફરજિયાત બનાવવામાં આવી છે. પેસા કાનૂનમાં એવી જોગવાઈ કરાઈ છે કે જો કોઈનેરેતી કે મુર્રમ જેવાં ગૌણ ખનીજો મેળવવાં હોય તો તે માટેનું લાયસંસ કે ભાડાપટો મેળવતાં પહેલાં તેણે ગ્રામ સભાની મંજૂરી ફરજિયાત લેવી જ પડે. પરંતુ હકીકતમાં ગ્રામ સભાની કોઈ મંજૂરી લેવામાં આવતી જ નથી. આ લાયસંસ આપવાનું કામ રાજ્ય સરકારનો ખાણ વિભાગ કરે છે અને તે ક્યારેય ગ્રામ સભાનો એ માટે સંપર્ક કરતો જ નથી. ખાણ અને ખનીજ નિયમન અને વિકાસ ધારા-1955 અન્વયે ગુજરાતમાં ગુંજરત ગૌણ ખનીજ નિયમો-1966 ઘડાયા છે. આ ઉપરાંત 2010માં ગુજરાત ગૌણ ખનીજ રાહત નિયમો ઘડાયા છે. તે બંને મુજબ 17 ચીજો ગૌણ ખનીજ કહેવાય છે. 2010ના નિયમો અનુસાર નિયમો-4, 10, 57 અને 61 પ્રમાણે ગ્રામ સભાની પરવાનગી કોઈ પણ પરવાનો આપતાં પહેલાં મેળવવી જરૂરી છે. આમ છતાં, તેમ કરવામાં આવતું નથી અને બારોબાર પરવાના આપવામાં આવે છે. આ અંગે ગ્રામ સભાના સભ્યોને કે કોઈ પણ સ્તરની પંચાયતોના સભ્યોને તાલીમ આપવામાં આવતી જ નથી.

આમ, ઉપરોક્ત વિગતો એમ જણાવે છે કે ગુજરાત સરકારના પેસાના અમલ અંગેના દાવા તદ્દન ખોટા છે અને ભ્રમમાં નાખનારા છે. તદ્દન ખોટી વાત કરીને સરકાર માત્ર આદિવાસી લોકોને જ નહિ પણ તમામ લોકોને માટે એવો ભ્રમ ઊભો કરે છે કે તે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે પેસાનો અમલ કરી રહી છે. સરકાર દેખાડે છે કંઇક જુદું અને કરે છે કંઇક જુદું. હાથીના દાંત જેવું છે. તદ્દન અસત્ય બાબતોને આધારે લોકોને છેતરવાનો ધંધો ચાલી રહ્યો છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s