પંક્તિ જોગ*/
ક્રિમીનલ પ્રોસીજર કોડ કાયદામાં ૨૦૦૮ માં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા. પોલીસ જે આમ તો નાગરીકો માટેની અનેક સેવાઓમાની એક અગત્યની સેવા છે, પણ જે હવે “પોલીસ ફોર્સ” તરીકે વધુ પ્રચલિત થઇ છે, તે પોતાની સત્તા નો દુરુપયોગ કરીને નાગરિકોને રંજાડવાનું કામ ન કરી શકે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે “જાતેજ” સમાજમાં અવિશ્વાસ, અને અવ્યવસ્થા ઉભી કરે તેવું વર્તન કરે તો તેને કાબુ માં લેવાના દૃષ્ટિકોણથી જોઈએ તો આ ફેરફાર ખુબજ અગત્યના છે.
CRPC ની કલમ 41 C મુજબ દરેક પોલીસ સ્ટેશને જે પણ ધરપકડ, અને અટકાયત થાય તેની વિગતો જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમને આપવાની થાય છે, અને તમામ જીલ્લાના પોલીસ કંટ્રોલ રૂમે તે વિગતો નોટીસબોર્ડ પર મુકવાની થાય છે. તેમાં મુખ્યત્વે કોની ધરપકડ, કેટલા વાગે કયા દિવસે, કયા સમયે અથવા અટકાયત કરી છે તેનું નામ, ઉમર, સરનામું, કયા ગુનામાં અટકાયત કરી, કોણે (પોલીસ ઓફિસર નું નામ) અને તેને JMFC કોર્ટમાં ક્યારે હાજર કરવામાં આવ્યા તેની વિગતો હોવી જોઈએ.
41 C માં આગળ જણાવ્યું છે, જુદા જુદા કન્ટ્રોલ રૂમ ઉપરથી આ વિગતો ભેગી કરી પોલીસ વિભાગે એક વેબસાઈટ અથવા ડેટાબેઝ બનાવાનો રહેશે અને તે જનતા માટે જાહેર કરવાનું રહેશે. આજે ગુજરાતમાં છાસવારે પોલીસ “કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે સામાજિક કાર્યકરો અને લોકશાહી ઢબે ગરીબો, વંચિતોના મુદ્દા પર સરકારને સવાલ કરવાવાળા, વિરોધ કરવાવાળા કર્મશીલોની અટકાયત, કરી તેમને આખા આખા દીવસ માટે નજરકૈદી તરીકે કોઈ મેદાન માં અથવા ગાયકવાડની હવેલી જેવી જગ્યાએ રાખે છે અને પછી છોડી દે છે. આ અંગે તેમના પરિવારજનો માહિતી અધિકાર કાયદા અંતર્ગત કલમ ૭(૧) મુજબ ૪૮ કલાક માં જયારે માહિતી માંગે છે ત્યારે તે અંગે કોઈજ રેકર્ડ ઉપલબ્ધ નથી તેમ જવાબ આપવામાં આવે છે. કોઈ મૌખિક આદેશ પર કરેલ આ કૃત્યોનું નું કોઈજ રેકર્ડ હોતું નથી. જે CRPC ના જોગવાઈ નો તેમજ માનવ અધિકારોનું પણ ભંગ છે.
તાજેતરમાં દિલ્લીમાં યોજાયેલ એક સેમીનાર માં પોલીસની પારદર્શિતા અને જવાબદેહિતાના સંદર્ભમાં સઘન ચર્ચા થયેલ .તેમાં કેરલા પોલીસ વિભાગની વેબસાઈટ મોડલ વેબસાઈટ તરીકે દર્શાવવામાં આવી હતી. કેરલા પોલીસ વિભાગની કાયદાની જોગવાઈ મુજબ તેમને આખા રાજ્યમાં કયા પોલીસ સ્ટેશનથી કોની ધરપકડ કેટલા વાગે કોણે, કયા ગુનામાં કરી અને તેને ક્યારે JMFC કોરમાં હાજર કરવામાં આવ્યા અને ત્યાં સુધી ક્યા રાખવામાં આવ્યા તેની તમામ વિગતો જોઈ શકાય છે. આ વિગતો અઠવાડીએ અઠવાડીએ અપડેટ (અદ્યતન) કરેલી હોઈ છે. તેમની જેલ વિભાગ દ્વારા જેલ મેન્યુઅલ, અને કાચા કામના અને પાકા કૈદીઓની વિગતો પણ જાહેર કરેલી છે.
તેવીજ રીતે બિહાર રાજ્યે પણ આ કામગીરી શરુ કરી છે. સિક્કિમ જેવા નાના ગણાતા રાજ્યોએ CRPC ના આ જોગવાઈનું પાલન કર્યું છે. બધી બાબતોમાં અને ખાસ કરીને “ગવર્નન્સ” પોતાની જાતને આગળ માનતા ગુજરાતના પોલીસ વિભાગ તરફથી હજુ આ અંગે કોઈજ કાર્યવાહી કરેલ નથી.
માહિતી અધિકાર કાયદાની હેલ્પલાઇન ૯૯૨૪૦૮૫૦૦૦ પર આવેલ ફોન કોલ્સમાં લગભગ ૯ થી ૧૦ ટકા ફોન કોલ્સ પોલીસ વિભાગને લગતા મુદ્દાઓ અંગે હોય છે. આયોગની ૨૦૧૫-૧૬ ના વાર્ષિક અહેવાલમાં આપેલ વિગતો તેમને મળેલ કુલ અપીલ/ફરિયાદોમાં ૭ ટકા ઉપરાંત અપીલો ગૃહ વિભાગને લગતી હોય છે, અને સૌથી વધુ અપીલો/ફરિયાદો મળેલ વિભાગની યાદીમાં ગૃહ વિભાગ હમેશ પ્રથમ પાંચમાં ક્રમે રહેલ છે. માહિતી આયોગે તેમના અહેવાલ માં માહિતી સામેથી જાહેર કરવાની વારવાર સૂચના અને ભાલમાં કરેલ હોવા છતાં, પોલીસ વિભાગે તેમનું મૌન કાયમ રાખ્યું છે.
કાયદાનું રક્ષણ કરવાવાળા પોતેજ કાયદાનું ભંગ કરતા રહે તો રાજ્યમાં કાયદાનું શાસન કેવી રીતે જળવાઈ રહે?
—
*માહિતી અધિકાર ગુજરાત પહેલ