અસ્પૃશ્યતા નિવારણ ન થાય તો હિંદુ ધર્મ બચી શકે તેમ નથી. આ મૂળભૂત બાબત સમજવામાં આર.એસ.એસ. 50 વર્ષ મોડો પડ્યો

gunvant_shah
ગુણવંત શાહ

નીરવ પટેલ*

નવ ધર્મ અને નાગરિક ધર્મ સિવાયના કોઈ પણ ધર્મમાં હું માનતો નથી, એટલે સ્વાભાવિક રીતે જ હું કોઈ પણ ધર્મનાં દેવદેવીઓ કે એના ધર્મગ્રંથો કે ધર્મપ્રવર્તકો કે ધર્મગુરુઓ કે ધર્મ પ્રચારકોમાં પણ હું માનતો નથી. અલબત્ત મારી અંગત લાઈબ્રેરીમાં આ બધા જ સારા પાડોશીઓની જેમ અન્ય લેખકો અને તેમની અલગ વિચારધારાઓ સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની રીતે રહેતા જોવા મળે.

સુપ્રસિદ્ધ લેખક અને વિચારક ગુણવંત શાહનાં બે પુસ્તકો (૧. સબકો સન્મતિ દે ભગવાન ૨.ઈશ્વર અલ્લા તેરો નામ) મેં ૧૯૯૫માં ‘બુકશેલ્ફ’ નામક પુસ્તક ભંડારમાંથી ખરીદેલાં, અને બે દિવસ પહેલાંની કુરીયરમાં એમના તરફથી ભેટ રૂપે મને બીજાં બે પુસ્તકો મળ્યાં : ૧. કરુણામૂર્તિ બુદ્ધ ૨.કૃષ્ણલીલા મધુર મધુર.

એમાં લખેલી બધી જ વાતો સાથે મારું સંમત હોવું શક્ય નથી અને તેમ છતાં મને એમ થાય છે કે આ પુસ્તકો કે જેમને મેં એક કરતાં વધારે વાર વાંચ્યા છે તેનું થોડુક આચમન કરાવું મારા ફેસબુક ફ્રેન્ડસને:

૧.

બુદ્ધના આગમન વખતે હિંદુ ધર્મમાં અનેક દૂષણો પ્રવેશી ચૂંક્યા હતાં. રૂઢિઓ, કર્મકાંડો, ગુરુપરમ્પરાની દીવાલો, અંધશ્રદ્ધા અને બદ્ધ મતોમાં ધર્મ પૂરાઈ ગયો હતો. ધર્મને નામે યજ્ઞોની આડમાં હિંસા અને ક્રૂરતાની બોલબાલા હતી. બુદ્ધે આવીને ધર્મને નામે ચાલતા આ ધતિંગ સામે પોતાનો જબરજસ્ત પોકાર કર્યો. બ્રાહ્મણ ધર્મની અધોગતિ સામે પોતાનો બુલંદ અવાજ રજૂ કર્યો. અવાજ એટલો તો બુલંદ હતો કે બ્રાહ્મણ ધર્મ પોતાના સ્વરક્ષણમાં પડી ગયો. બુદ્ધનો અવાજ બુલંદ હતો કારણ કે એ અનુભૂતિનો અવાજ હતો.

બ્રાહ્મણ ધર્મને પીછેહઠ કરવી પડી. ભારતવર્ષના ધાર્મિક ઇતિહાસનું એ એક જ્વલંત પ્રકરણ છે. સૈકાઓ જૂની પ્રબળ પરંપરાને એક વ્યક્તિ પડકારી શકે અને એ પડકારથી ધર્મના પાયાને હચમચાવી શકે એ એક અદભૂત ઘટના માનવ ઇતિહાસમાં બની.

ધર્મને આ રીતે પડકારનાર વ્યક્તિ તે બુદ્ધ.

આ પડકાર હિંદુ ધર્મને એટલો આકરો પડ્યો કે હિંદુ ધર્મને બચાવવા શંકરાચાર્યને આવવું પડ્યું. શંકરાચાર્યે હિંદુ ધર્મનું રક્ષણ તો કર્યું, પણ તે બુદ્ધ વિચારધારાના ઘણા અંશો અપનાવીને. એટલે જ તો શંકરાચાર્યને ‘પ્રચ્છન્ન બુદ્ધ’ કહેવામાં આવે છે……..શંકરાચાર્યે આ વિચારધારા અપનાવી ના હોત તો હિંદુ ધર્મનું બચવું મુશ્કેલ હતું.

આવો હતો પ્રબળ પ્રભાવ બુદ્ધનો.

કરુણામૂર્તિ બુદ્ધમાટે રોહિત મહેતાએ લખેલ પ્રસ્તાવનામાંથી ઉદ્ધૃત

૨.
ગુણવંત શાહના પુસ્તક કરુણામૂર્તિ બુદ્ધના બુદ્ધની વિચારક્રાંતિ આજે પણ પ્રસ્તુતપ્રકરણમાંથી એક અવતરણ:

બુદ્ધ સમન્વયવાદી ક્રાંતિકારી હતા. તેઓ ક્રાન્તદર્શી હતા. એ સાબિત કરવા એમના જીવનમાંથી ઘણી ઘટનાઓ મળી રહે તેમ છે. પ્રશ્ન જરૂર થાય કે કોઈ ક્રાંતિકારી માનવ વળી સમન્વયવાદી હોઈ શકે ખરો? આપણે જાણીએ છીએ કે બુદ્ધે મધ્યમમાર્ગનું પ્રતિપાદન કરેલું. મધ્યમ માર્ગની હિમાયત કરનાર વળી ક્રાંતિકારી હોઈ શકે? આપણી મુશ્કેલી એ છે કે આપણે ‘ક્રાંતિ’ સાથે કઠિયારાને જોડીએ છીએ, માળીને નહિ. અંધારામાં કોઈ દીવો પ્રગટાવે તે ક્રાંતિ નથી ગણાતી, પણ મશાલથી આગ લગાડે તે ક્રાંતિ ગણાય છે.

૩.

મને હિંદુ ધર્મ વહાલો છે કારણ કે મને એ વંશવારસામાં મળેલ છે. મને એ ખૂબ વહાલો છે કારણ કે અન્ય ધર્મોમાંથી કોઈ પણ સુંદર વાત સ્વીકારવાની છૂટ મને એણે હજારો વર્ષોથી આપી રાખી છે. આમ છતાં મને જો ધર્માંતર કરવાની જરૂર પડે તો આવતી કાલે કોઈ પણ જાતની અવઢવ વિના હું બુદ્ધ ધર્મ સ્વીકારીને ધન્યતાનો અનુભવ કરું.

— ‘કરુણામૂર્તિ બુદ્ધપુસ્તકમાંથી ઉદ્ધૃત

૪.

નવી પેઢીને આકર્ષી શકે એવું બુદ્ધના જીવનમાં ઘણું છે એ સાચું, પણ આજની આ પેઢીનો સ્વભાવ જ એવો છે કે કોઈ વાત કેવળ શ્રદ્ધાથી ન સ્વીકારે. વળી અઢી હજાર વર્ષો વીતી ગયા પછી પણ આ પેઢી બુદ્ધની વાતોને યથાતથ સ્વીકારી લે તે ઇચ્છનીય ખરું? કિશોરલાલ મશરૂવાળાનાં નીચેનાં વિધાનોમાંથી આ પ્રશ્નો જવાબ સાંપડે છે :

‘મત અથવા પંથપ્રચારની દૃષ્ટિએ બૌદ્ધ ધર્મની હિંદમાં પુનઃસ્થાપના કરવાનો કેટલીક દિશામાં પ્રયત્ન થઇ રહ્યો છે. એ પ્રયત્ન સાથે મને સહાનુભુતિ નથી. મને નથી લાગતું કે જગતના મુખ્ય ધર્મમતો કે તેની કોઈ પણ શાખા એના વર્તમાન સ્વરૂપમાં માનવસમાજને માર્ગ બતાવવાને સમર્થ છે… એમાં બૌદ્ધ મતનો પણ અપવાદ થઇ શકે તેમ નથી. તેમ જ કોઈ પણ ધર્મ શરૂઆતમાં જેટલો શુદ્ધ હતો તેટલો જ શુદ્ધ થઈને આવે, તોયે તે પૂરેપૂરો સ્વીકારી શકાય નહિ. પચ્ચીસસોવર્ષો પહેલા થયેલા સત્પુરુષ આપણને આદરણીય હોઈ શકે અને હોવા જોઈએ, પણ આપણને આજે અનુસરવા માટે તો નવા જ સત્પુરુષ જોઈએ. પ્રાચીન બુદ્ધ, એમનો ધર્મ કે સંઘ આજે આપણા શરણ્ય થઇ શકે નહિ.

poet_neerav_patel
નીરવ પટેલ

મશરૂવાળાની આ સ્પષ્ટ વાત બધા જ ધર્મોને લાગુ પડે છે. આપણને વિક્રમ રાજાની માફક ક્યારેક આ ધર્મનું કે તે ધર્મનું શબ ખભે લઈને હિન્ડ્યે રાખવાની ટેવ પડી છે. ધર્મનું સારતત્વ અને કેટલીક સારી બાબતો ગ્રહણ કરવાને બદલે આપણે ધર્મને ક્રિયાકાંડોમાં, બાહ્યાચારોમાં, ઝનૂની શાસ્ત્રાર્થોમાં કે વિતંડાવાદમાં પૂરી દેતા હોઈએ છીએ. પછી થાય છે એવું કે ધર્મતત્વ અટવાઈ પડે છે અને ધર્મઘેલછા રહી જવા પામે છે…. પંથો અને પેટાપંથોમાં બંધિયાર બનેલી તથાકથિત ધાર્મિકતાનાં ઉધામા ઓછા નથી હોતા. આ ચારૂતર પ્રદેશમાંય પેટાપંથો વચ્ચેની તકરારમાં ખૂન નથી થયાં શું ? એક સાચો દાખલો આપવાનો લોભ નથી ટાળી શકતો. અમારી યુનીવર્સીટીમાં એક સ્વામીનારાયણ પંથના વડતાલ પેટાપંથના એક ભાઈ પ્રાધ્યાપક તરીકે કામ કરતા હતા. તેઓના દીકરાના વિવાહ થયા ત્યારે એ પેટાપંથના સાધુએ એમને પૂછ્યું : ‘પટેલ, વેવાઈ બોચાસણીયો તો નથી ને?’

કરુણામૂર્તિ બુદ્ધમાંથી ઉદ્ધૃત

૫.

ચુંદ લુહારને ઘરેથી ભિક્ષા ગ્રહણ કર્યા પછી તેમના પેટમાં દુખાવો ઉપડયો અને મહાપ્રસ્થાનની વેળા આવી પહોંચી…..

જેની નીચે તથાગત સૂતા હતા તે સાલવૃક્ષ પરથી બે પુષ્પો એમના દેહ પર પડ્યાં. શિષ્યોએ અંદરઅંદર વાતો કરી કે તથાગતના મહાપ્રસ્થાન વખતે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. ભગવાનને કાને આ શબ્દો પડ્યા અને એમણે તરત જ ચોખવટકરી, ‘ફૂલો પડ્યાં તેને પુષ્પવૃષ્ટિ કે ચમત્કારમાં ખપાવશો નહિ. આ અકસ્માતને મહત્વ આપી દંતકથા રચશો નહિ.’

આ ઘટનામાં ક્રાંતિકારી બુદ્ધની જાગૃતિ અને અંધશ્રદ્ધા સામેની સાવચેતી પ્રગટ થાય છે. એમાં રહેલો ઉપેક્ષાભાવ પણ નોંધવા જેવો છે. બુદ્ધ માત્ર કરુણામૂર્તિ જ ન હતા, ક્રાંતિમૂર્તિ પણ હતા. બ્રાહ્મણોએ તેથી તેમનો ભારે વિરોધ કરેલો.

— ‘કરુણામૂર્તિ બુદ્ધમાંથી ઉદધૃત

૬.

‘યવન’ એટલે ‘આર્ય સંસ્કૃતિની બહારનો માણસ.’ વર્ષો વિત્યાં તે સાથે ‘યવન’ શબ્દ બહારના લોકો માટેના ધિક્કારનો સંકેત બની રહ્યો. ધિક્કાર હોય અને પ્રતિક્રિયા ન જન્મે એવું બને ખરું? સામેથી એક શબ્દ પ્રચલિત થયો તે, ‘કાફિર’. ‘કાફિર’નો મૂળ સંબંધ નાસ્તિકતા સાથે અને ‘એક અલ્લાહમાં શ્રદ્ધા ન ધરાવનાર ઇસમ’ સાથે હતો પણ ધીરે ધીરે એ શબ્દ બિનઇસ્લામી વ્યક્તિ પ્રત્યેના ધક્કારનો સંકેત બની ગયો. હિંદુ અને મુસલમાનો વચ્ચેનાં હુલ્લડો મૂળે આ બે શબ્દો સાથે જોડાયેલા અચેતન મનના સંસ્કારો વચ્ચેના હુલ્લડો છે.

ઈશ્વર અલ્લા તેરા નામપુસ્તકમાંથી ઉદધૃત

૭.

હિંદુ કટ્ટરતા પણ બેડોળ છે. ઋતુમ્ભરાજીની ભાષા ખોમેનીના કુળની જ છે. અયોધ્યાના પ્રશ્ને ન્યાયતંત્રનો અનાદર થયો અને એ તો બંધારણનો અનાદર ગણાય. વિશ્વ હિંદુ પરિષદના માણસોએ ત્રણ ન્યાયમૂર્તિઓની ઠાઠડી બાળી. ભાજપના લોક્સભ્યોએ બંધારણના શપથ લીધા છે. તેઓ વિશ્વ હિંદુ પરિષદથી જુદા છે અને જુદા નથી. બજરંગ દળનું ઝનૂન કે શિવસેનાનું ઝનૂન ઇસ્લામ માટેના ઝનૂનની જ પ્રતિશ્રુતિ છે અને ઝનૂન ગમે તે ધર્મનું હોય, સરખું નિંદનીય છે. તલવારની અને ત્રિશૂલની હિંસા વચ્ચે પાયાનો કોઈ ફરક નથી. આવી સમજણ એ જ ખરું સેક્યુલરીઝમ.

ઈશ્વર અલ્લા તેરા નામપુસ્તકમાંથી ઉદધૃત

૮.

સતીપ્રથા, વર્ણપ્રથા, અસ્પૃશ્યતા અને અંધશ્રદ્ધા સામે ભાજપ તરફથી એવી ઝુંબેશ ઉઠવી જોઈએ કે હિન્દુઓનું ધાર્મિક પછાતપણું દૂર થાય. આ જ ભાજપનો ખરો ‘હિંદુ કાર્ડ’ ગણાય. ‘હિંદુ કાર્ડ’ એટલે મુસ્લિમો પ્રત્યે દ્વેષ નહિ પરંતુ હિંદુઓ પ્રત્યેનો સાચો પ્રેમ. આર.એસ.એસ.નું ખરું મિશન આ જ હોઈ શકે.

*

અસ્પૃશ્યતા નિવારણ ન થાય તો હિંદુ ધર્મ બચી શકે તેમ નથી. આર.એસ.એસ.ને ધર્માંતર ખૂંચે છે એટલી અસ્પૃશ્યતા નથી ખૂંચતી. આ મૂળભૂત બાબત સમજવામાં આર.એસ.એસ. માત્ર પચાસ વર્ષ મોડો પડ્યો છે. આ બાબતે હિન્દુઓએ સ્વામી વિવેકાનંદને પણ હરાવી દીધા.

*

શું હિન્દુઓનો કોઈ વાંક નથી? વાંક છે અને બહુ મોટો છે. વર્ણ પ્રથા અને આભડછેટથી ખદબદતી એમની ભાગાકાર વૃત્તિ તથા બાદબાકી વૃત્તિ પણ અતડાપણાને પોષે છે.

*
….. એક બાજુ હિંદુ હોવા બદલ મારી છાતી ગજગજ ફૂલે છે તો બીજી બાજુ મારી છાતીના પાટિયા બેસી જાય એવું પણ ચાલ્યા કરે છે. હિંદુઓમાં ઉંચનીચના ભાવને ચગાવતી વર્ણવ્યવસ્થાને કારણે મને કાયમ શરમાવું પડે છે… શું એક માનવને, માનવ હોવાનો દરજ્જો પણ ન આપે તેવા ધર્મને હું સહી શકું ખરો? ઉંચનીચના આવા ધર્મમૂલક ભેદભાવો ન હોત તો આ દેશની વાયવ્ય સરહદેથી ખૈબરઘાટને રસ્તે ચાલી આવેલા જંગલી આક્રમણખોરો ફાવ્યા હોત ખરા? મોટા પાયા પર ધર્માંતરો થયાં હોત ખરા? દેશના ભાગલા પડ્યા હોત ખરા?

ઈશ્વર અલ્લા તેરા નામપુસ્તકમાંથી ઉદધૃત

૯.

કોઈ માણસ જયારે ગર્વ સાથે કહે છે કે હું હિંદુ છું ત્યારે એને માથે બહુ મોટી જવાબદારી આવી પડે છે. આ જવાબદારીને કારણે એ પોતાના આદર્શ તરીકે રામને સ્વીકારે છે. રામે રાવણનો વધ કર્યા પછી એના મૃત શરીરને પ્રણામ કરીને કહ્યું : “મરણાન્તાનિ વૈરાણી”. રાવણના મૃત્યુ સાથે વેરભાવનો અંત આવી ગયો.

*

બંને બાજુએથી ટપલાં ખાવાનો મને શોખ છે, પરંતુ તેથી હું મારી મૃદંગદશા છોડી શકું તેમ નથી. ગાંધીજી ભવ્યાતિભવ્ય હિંદુ પરંપરાના શ્રેષ્ઠ યુગપુરુષ હતા; કારણ કે તેઓ માનવતાના પૂજારી હતા. એમની રામપ્રીતિનો હજારમો અંશ પણ ઝનૂની હિન્દુવાદીઓમાં જણાતો નથી. આર.એસ.એસ.નાં સ્વયંસેવકોને આ વાત ક્યારે સમજાશે?

*

થોડાક દિવસ પર પ્રોફેસર મહમદ મિયાં વડોદરા આવ્યા ત્યારે ઘરે મળવા આવ્યા. અમારી વચ્ચે હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય અંગે ઘણી વાતો થઇ ….

મારી વાતોનો સાર એ હતો કે કટ્ટર હિન્દુત્વના ઉદય માટે ભારતના મુસ્લિમો જવાબદાર છે. તેઓ એવું ઈચ્છે છે કે એક હાથે તાળી પાડતા રહે અને ઉદારતા બતાવતા રહે. મુસલમાનો જાણે ભારતના હિન્દુઓને કહી રહ્યા છે : ‘અમારી જડતા અમે અકબંધ રાખીશું પરંતુ આપણી બિનસામ્પ્રદાયિક્તામાં અમારો અડધોઅડધ ભાગ કાયમ.’

*

હવે સમય આવી પહોંચ્યો છે જ્યારે થોડીક આક્રમકતા સાથે હિન્દુઓએ, મુસલમાનો નારાજ થશે એવી લેશમાત્ર ભીતિ રાખ્યા વિના નીચે જણાવેલાં સો ટચના સેક્યુલર પગલાંઓ ભરવા માટે કટિબદ્ધ થઇ દેશને બચાવવો પડશે. દેશ ન બચે તો મુસલમાનો પણ નહિ બચે એવી રોકડી વાત હવે સરદારના સ્પીરીટથી કરવી પડશે. ‘મુસલમાનભાઈઓ નારાજ થશે’ એવી ડરપોક મનોવૃત્તિએ દેશના સેક્યુલારિઝમને જે નુકસાન પહોંચાડ્યું છે તેહી અંતે મુસલમાનોએ જ સખત માર ખાધો છે. હવે મુસલમાનોએ હિન્દુઓનું ગુડવિલ મેળવીને પોતાના કાયમી હિતો માટે નીચેનાં સેક્યુલર પગલાંઓને ટેકો આપીને નવી આબોહવાનું સર્જન કરવું પડશે.
૧. ……. ૨. ……. ૩. …… ૪. …… ૫. ……

આ પગલાં ન લેવાય ત્યાં સુધી કટ્ટર હિન્દુવાદના ઝેરી અને જીવલેણ પરિબળોને ખાળવાનું શક્ય નથી જણાતું. સેક્યુલારિઝમ એ માત્ર હિન્દુઓની જવાબદારી નથી એવું રોકડું સત્ય મુસલમાનોના દુષ્ટ કટ્ટરપંથી નેતાઓને કહેવાનો સમય પાકી ગયો છે અને આ સત્ય મુસલમાનોએ જ પરખાવવું પડશે.

*

એક જન્મજાત હિંદુ તરીકે મને પુનર્જન્મમાં શ્રદ્ધા છે. મૃત્યુ પછી મને જો પસંદગીની છૂટ મળે તો ઇસ્લામના નામે મધ્યયુગના અંધકારમાં જીવતા અને પેટ્રો ડોલરમાંના પ્રમાદમાં મરતા કોઈ પછાત આરબ દેશમાં માણસ તરીકે જન્મ

લેવાને બદલે હું આફ્રિકામાં વાંદરા તરીકે જન્મ લેવાનું પસંદ કરું.

*

— ‘ઈશ્વર અલ્લા તેરા નામપુસ્તકમાંથી ઉદધૃત

*કવિ, અનુવાદક અને સંપાદક. સ્ત્રોત: https://www.facebook.com/neerav.patel.397


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s