રોહિત પ્રજાપતિ/
પર્યાવરણ મંત્રી શ્રી અનિલભાઈ દવેએ વાપી, અંકલેશ્વર અને વટવામાંથી યેનકેન પ્રકારે‘મોરોટોરિયમ’ (વિસ્તારમાં નવા ઉધોગો અને મોજૂદ ઉધોગોની ઉત્પાદન ક્ષમતા વધારવા પર પ્રતિબંધ) ઉઠાવી લેવા જાહેરાત કરી એ ‘પર્યાવરણની પ્રદૂષણ સામે હાર’ છે.
જી.પી.સી.બી. છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ કાયદાઓનો ખુલ્લંમ ખુલ્લા ભંગ કરતાં ઉદ્યોગોને અવારનવાર ક્લોઝર નોટિસો આપતી આવી હોવા છતાં વાપી, અંકલેશ્વર, વટવા, વગેરે ઔધોગિક વિસ્તારોની પ્રદૂષણની માત્રામાં ગુણાત્મક ફેરફાર જણાતો નથી. અને તેથી જ આ વિસ્તારમાં આવેલા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો અને તેની ‘ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ’ સામે આકરા પગલાં ભરવાની જરૂર છે. તેથી યેનકેન પ્રકારે વાપી,અંકલેશ્વર અને વટવામાંથી ‘મોરોટોરિયમ’ (વિસ્તારમાં નવા ઉધોગો અને મોજૂદ ઉધોગોની ઉત્પાદન ક્ષમતા વધારવા પર પ્રતિબંધ) ઉઠાવવાના મો-માંથા વગરના નિર્ણયનો અમે સખત વિરોધ કરીએ છે.
ભારતમાં જ્યાં કેમિકલ ઉદ્યોગો આવેલા છે, તેવા મોટાભાગના ઔધોગિક વિસ્તારોમાં વધતાં જતાં પ્રદૂષણની ગંભીર સમસ્યા બાબતે અસરગ્રસ્ત લોકો અને પર્યાવરણના મુદ્દે કામ કરતાં જન સંગઠનોની અવિરત ફરિયાદોને કારણે સી.પી.સી.બી. અને રાજ્યના સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડો (એસ.પી.સી.બી.) એકમને પણ ૧૯૮૯માં ક્રિટીકલ પોલ્યુટેડ એરિયાને અંકિત કરવાની પ્રક્રિયા શરૂ કરવી પડી હતી. તે સમયે ૨૪ ઔધોગિક વિસ્તારો કે જેમકે વાપી, અંકલેશ્વર, લુધિયાના, વગેરે વિસ્તારોને ‘અતિ-ગંભીર પ્રદુષિત વિસ્તાર’ તરીકે જાહેર કરવા પડ્યા હતા.
ત્યારબાદ સી.પી.સી.બી. અને એસ.પી.સી.બી.ની અનેક મીટીંગોમાં આ વિસ્તારો બાબતે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી અને જે તે વિસ્તાર માટે બનાવવામાં આવેલા ‘એક્શન પ્લાન’ને અમલ કરવાની કોશીસ બાદ પણ આ વિસ્તારોના પ્રદુષણની માત્રમાં ખાસ નોંધપાત્ર, ગુણાત્મક સુધારો નોંધાયો ન હતો. અને તેથી જ પર્યાવરણના મુદે કામ કરતાં જન સંગઠનોની માંગણીને ધ્યાનમાં રાખીને ૨૦૦૯માં સી.પી.સી.બી. અને આઈ.આઈ.ટી. દિલ્લીએ સાથે મળીને એક નવી પધ્ધતિથી પ્રદુષિત વિસ્તારોના પ્રદૂષણની માત્ર માપવાનું નક્કી કર્યું. જે પધ્ધતિ ‘કોમ્પ્રીહેંસીવ એન્વાયરોંમેંટલ પોલ્યુશન ઇંડેક્સ’ (CEPI) એટલે કે ‘વ્યાપક પર્યાવરણીય પ્રદુષણ ઇન્ડેક્સ’ તરીકે ઓળખાય છે. સી.ઈ.પી.આઈ.ની ગણતરીમાં હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીન તેમજ આસપાસ વસતા લોકોના આરોગ્યને થતાં નુકસાનનો સમાવેશ કરવામાં આવ્યો છે॰ જો કે અમારી માંગણી છે કે તેમાં ખેત પેદાશોની ઉત્પાદન સમતા અને ગુણવત્તાને થતાં નુકસાનને સામેલ કરવામાં આવે તો જ પરિસ્થિતીની સાચી ગંભીરતાનો ખ્યાલ આવે કારણ કે ઔધોગિક પ્રદૂષણને કારણે ખેત પેદાશોમાં પ્રવેશેલા કેમિકલ અને ભારે ધાતુઓની સીધી જ અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે॰
હાલમાં નક્કી થયેલ માપદંડ મુજબ જે ઔધોગિક વિસ્તારોનું સી.ઈ.પી.આઈ. ૭૦ થી વધારે હોય તેને ‘અતિ-ગંભીર પ્રદુષિત વિસ્તાર’ અને જેનો સી.ઈ.પી.આઈ. ૬૦-૭૦ વચ્ચે હોય તેને ‘ગંભીર પ્રદુષિત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવ્યા. મારા મતે જે ઔધોગિક વિસ્તારોનો સી.ઈ.પી.આઈ. ૪૦-૬૦ વચ્ચે હોય તે વિસ્તારોને ‘પ્રદુષિત વિસ્તાર’ તરીકે નવાજવા જોઈએ.
ડીસેમ્બર ૨૦૦૯માં દેશના ૮૮ ‘પ્રદુષિત ઔધોગિક વિસ્તારો’નો CEPI માપવામાં આવ્યો, જેમાંથી ૪૩ ઔધોગિક વિસ્તારોને ‘અતિ-ગંભીર પ્રદુષિત વિસ્તાર’ અને ૩૨ ઔધોગિક વિસ્તારોને ‘ગંભીર પ્રદુષિત વિસ્તાર’ તરીકે જાહેર કરવાની સી.પી.સી.બી. અને ‘વન અને પર્યાવરણ મંત્રાલય’, દિલ્લીને ફરજ પડી હતી.
આ અભ્યાસને આધારે તા. ૧૩-૧-૨૦૧૦ના રોજ ૪૩ ‘અતિ ગંભીર’ પ્રદુષિત વિસ્તારો’માં ‘મોરોટોરિયમ’ (વિસ્તારમાં નવા ઉધોગો અને મોજૂદ ઉધોગોની ઉત્પાદન ક્ષમતા વધારવા પર પ્રતિબંધ) લાગુ કરવાની ‘વન અને પર્યાવરણ મંત્રાલય, દિલ્લી’ને ફરજ પડી હતી. જો કે તે સમયે‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’ જેવા જન સંગઠનોએ ૪૩ + ૩૨ = ૭૫ એમ તમામ ‘અતિ-ગંભીર’ અને ‘ગંભીર પ્રદુષિત વિસ્તારો’ માટે ‘મોરોટોરિયમ’લાગુ કરવાની માંગણી કરી હતી પરંતુ ઉદ્યોગો અને રાજયોની સરકારોના દબાણને કારણે તેમ ના થયું. આમ પર્યાવરણના ‘જતન અને સવંધર્ન’પર જી.ડી.પી.નું ગંદુ ‘રાજકારણ અને અર્થકારણ’ હાવી રહ્યું.
આમ તો ‘મોરોટોરિયમ’ લાગુ કરવાની શરૂઆત ૨૦૦૭થી અંકલેશ્વર (ગુજરાત)થી થઈ હતી. અંકલેશ્વર ખાતે આવેલ અંકલેશ્વર, પાનોલી અને ઝગડિયા જી.આઈ.ડી.સી.ના ઉદ્યોગો તેમનું એફ્ફ્લુએંટ ‘કોમન એફ્ફ્લુએંટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ’માં ટ્રીટ કરી, આ એફ્ફ્લુએંટ ‘ફાઇનલ એફ્ફ્લુએંટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ’માં ટ્રીટમેન્ટ આપી દરિયામાં ઉદ્યોગોના એફ્ફ્લુએંટ નાખવામાં આવે છે. આ ‘ફાઇનલ એફ્ફ્લુએંટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ’ શરૂવાતથી જ‘ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’ના નોર્મ્સ મુજબ કામ કરતો ન હતો અને આજે પણ નોર્મ્સ મુજબ કામ કરતો નથી. તેથી જ તા. ૭-૭-૨૦૦૭ના રોજ સી.પી.સી.બી.ના આદેશથી જી.પી.સી.બી.એ અંકલેશ્વર, પાનોલી અને ઝગડિયા જી.આઈ.ડી.સી. માટે કમને ‘મોરટોરિયમ’ જાહેર કરવો પડ્યો હતો॰ જે ‘મોરટોરિયમ’ આ વિસ્તારમાં ઉદ્યોગોએ બનાવેલ ‘એક્શન પ્લાન’ના કહેવાતા અમલ પછી પણ પ્રદૂષણની માત્રામાં ગુણાત્મક સુધારો ન થવાથી ‘વન અને પર્યાવરણ મંત્રાલય’, દિલ્લીએ તા. ૧૭-૯-૨૦૧૩ના પત્રથી આજે પણ તે ચાલુ રાખવાની ફરજ પડી છે.
તા. ૧૩-૧-૨૦૧૦માં ‘વન અને પર્યાવરણ મંત્રાલય’, દિલ્લી દ્વારા લાદવામાં આવેલ ‘મોરટોરિયમ’ બાદ જેતે વિસ્તારના ‘એક્શન પ્લાન’ અને તેના અમલીકરણના આધારે તેમની પરના ‘મોરટોરિયમ’ અલગ અલગ સમયે ઉઠાવી લેવામાં આવ્યા હતાં.
પરંતુ ત્યાર બાદ પણ કેટલાક ઓધોગિક વિસ્તારોની પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી. ‘સેંટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’(સી.પી.સી.બી.)ના એપ્રિલ ૨૦૧૩ના કોમ્પ્રીહેંસીવ એન્વાયરોંમેંટલ પોલ્યુશન ઇંડેક્સ (CEPI) માપવાના અભ્યાસ મુજબ વિવિધ ઓધોગિક વિસ્તારો પ્રદૂષણની માત્રા વધુ મેળવવાની હરિફાઈ કરતાં જોવા મળ્યા. જેમાં વાપી (ગુજરાત) સી.ઈ.પી.આઈ. – ૮૫.૩૧, ગાજિયાબાદ (ઉત્તર પ્રદેશ) સી.ઈ.પી.આઈ. – ૮૪.૩૦, સિંગરૌલી (ઉત્તર પ્રદેશ) સી.ઈ.પી.આઈ. – ૮૩.૨૪, પાનીપત (હરિયાણા) સી.ઈ.પી.આઈ. – ૮૧.૨૭, ઇંદૌર (મધ્ય પ્રદેશ) સી.ઈ.પી.આઈ. – ૭૮.૭૫, પટ્ટનચેરું – બોલ્લારામ (આંધ્ર પ્રદેશ) સી.ઈ.પી.આઈ. – ૭૬.૦૫, લુધિયાના (પંજાબ) સી.ઈ.પી.આઈ. – ૭૫.૭૨,ઝારસુગુડા (ઉડીસા) સી.ઈ.પી.આઈ. – ૭૩.૩૧ સાથે પ્રદૂષણની માત્રા વધુ મેળવવાની હરિફાઈ કરતાં જોવા મળ્યા હતા. અને તેથી જ આ પહેલા જે તે સમયે આ વિસ્તારો પરથી ‘મોરોટોરિયમ’ (વિસ્તારમાં નવા ઉધોગો અને મોજૂદ ઉધોગોની ઉત્પાદન ક્ષમતા વધારવા પર પ્રતિબંધ)ઉઠાવી લેવામાં આવ્યો હતો તે ફરીથી તા. ૧૭-૯-૨૦૧૩થી ‘વન અને પર્યાવરણ મંત્રાલય’, દિલ્લીએ લાદવાની ફરજ પડી છે.
૨૦૧૩માં અંકલેશ્વર (ગુજરાત), ચંદ્રપુર (મહારાષ્ટ્ર), પાલી (રાજસ્થાન), વટવા (ગુજરાત), વેલ્લોર (તામિલનાડુ), નજફગઢ (દિલ્લી) અને જોધપુર (રાજસ્થાન)નો સી.ઈ.પી.આઈ. ૭૦-૮૦ કરતાં વધારે અને તેના સી.ઈ.પી.આઈ.માં ઘટાડો થવાને બદલે વધારો નોંધાતા તેમની ઉપર‘મોરટોરિયમ’ ચાલુ રાખવાની ‘વન અને પર્યાવરણ મંત્રાલય’ને ફરજ પડી હતી.
જી.પી.સી.બી. છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ કાયદાઓનો ખુલ્લંમ ખુલ્લા ભંગ કરતાં ઉદ્યોગોને અવારનવાર ક્લોઝર નોટિસો આપતી આવી હોવા છતાં વાપી, અંકલેશ્વર, વટવા, વગેરે ઔધોગિક વિસ્તારોની પ્રદૂષણની માત્રામાં ગુણાત્મક ફેરફાર જણાતો નથી. અને તેથી જ આ વિસ્તારમાં આવેલા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો અને તેની ‘ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ’ સામે આકરા પગલાં ભરવાની જરૂર છે.