સરહદે તનાવ હોય એટલે શાસકની તમામ ત્રુટીઓ ને વિસારે પાડી દેવી જોઇએ તેવો સંદેશ: આટલી લાલસા શા માટે?

જયરાજસિંહ પરમારનો ગુણવંતભાઇ શાહને ખુલ્લો પત્ર:

આપનો બીજી ઓક્ટોબરે પ્રતિષ્ઠિત અખબાર દીવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલ
” યુધ્ધ ના ભણકારા વાગતા હોય ત્યારે મોદી દ્વેષ પ્રગટ કરવાનું યોગ્ય ખરુ ? ”
આ મથાળા હેઠળનો લેખ વાંચ્યો. એક વાચક તરીકે અને દેશના જાગૃત નાગરીક તરીકે હું મારી વ્યક્તિગત લાગણી આપ સુધી પહોચાડવા નો પ્રયત્ન કરી રહ્યો છું .

સમગ્ર લેખ કોઇ તાર્કીક કે બૌધિક આધાર ના બદલે વ્યક્તિપૂજા પર લખાયો હોય તેવુ સ્પષ્ટ જણાય છે. એક એક શબ્દમાંથી ઝરતો મોદી પ્રેમ એક વરિષ્ઠ લેખક અને પત્રકારની કલમ કઇ હદે સત્તા આગળ શાષ્ટાંગ દડંવત કરી શકે તેનું વરવુ ઉદાહરણ છે. .ગુણવંતભાઇ એંશી વરસે સરકારી કૃપાની આટલી લાલસા શા માટે? શું ઘરના શો-કેસ માં હજુય કોઇ એવોર્ડની ખાલી જગ્યા ભરવાની રીત તો નથી?

ગુણવંતભાઇ મોદીના ભાઇ આપણા ઘેર આવે એટલે પ્રભુ પધાર્યાના ભાવાવેશમાં આવી ભક્તિરસમાં તરબોળ થઇ નૈતિકતા ન ભુલી જવાય. એંશી વરસે આપના ઘરે પધારી સારા માણસો (સોમભાઇ) એ આપનો વૈભવ ચોક્કસ વધાર્યો હશે પણ આપે આપની કલમનો વૈભવ ઘટાડ્યો.

આપે નરેન્દ્ર મોદીના મોટાભાઇ સાથેની મુલાકાત નો ઉલ્લેખ કરતાં લખ્યુ છે કે કે સોમભાઇ વડાપ્રધાન સાથે દીલ્હી એટલે નથી રહેતા કે મોદીજી મોટાભાઇ સાથે દીવસનો અડધો કલાક ગાળે તો એટલો સમય દેશને ઓછો આપી શકે. વાંચવામાં સારુ લાગે પણ તુસાદ મ્યુઝીયમ માં મીણનુ પુતળુ મુકાવવા અડધા અડધા દીવસ વેડફતા મોદીજીને જોઇએ તો આ વાત ગળે ના ઉતરે. કોઇકની જાસુસી માટે સમય કાઢનારા સાહેબે કેટલા કલાક અને દીવસો બરબાદ કર્યા હશે તેનો અંદાજ કદાચ આપને નહી હોય. રણોત્સવમાં કાઉબોય જેવી મેક્સીકન ટોપી થી લઇને દસ લાખના શુટ સુધીના સજવા-ધજવાના શોખ પાછળ મોદીજી સમય કાઢી શકે પરિવાર માટે નહી , આ અજુગતુ નથી લાગતુ ?

ભાવનગર નરેશ ને ત્યાં જાન નું જોખમ ખેડી ખરખરો કરવા આવેલા બહારવટીયા જોગીદાસ ખુમાણની વાત તો તમે જાણતા જ હશો. મોદીજીને પોતાની ભત્રીજીના અવસાન બાદ ભાઇને ત્યાં શોક વ્યક્ત કરવા જવાનો લોકાચાર પણ ના સુઝયો. કદાચ મોદીજી અડધો કલાક બગાડવા નહી માંગતા હોય.

ગાંધી – સરદાર – શાસ્ત્રીજી થી લઇને આજના સમય સુધી વિવિધ ક્ષેત્રે દેશની સેવા કરનારા મહાનુભાવો એ પણ પરિવારને ત્યજીને જ પોતાની સેવાકીય પ્રવૃતિ કરી હશે?

સરહદે તનાવ હોય એટલે શાસકની તમામ ત્રુટીઓ ને વિસારે પાડી દેવી જોઇએ તેવો સંદેશ આપતા આપ હોટેલ તાજ પર થયેલા હુમલા વખતે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ હતી ત્યારે જ મુંબઇ પહોંચી રાજકીય બયાનબાજી કરનારા આપના નરેન્દ્ર મોદીને કેમ વિસરી ગયા? ખેર આપની ઉંમરની અસર કદાચ આપની યાદશક્તિ પર વર્તાતી હશે તેમ માની લઉ છું.

આપ લખો છો કે “મોદી જેવો પ્રધાનમંત્રી આ દેશને બીજા સો વરસ સુધી નહી મળે” તેવુ કેટલાક સીનીયર કોંગ્રેસી મિત્રોએ આપને ખાનગીમાં કહ્યુ છે. સાહેબ કેટલાય વરિષ્ઠ લેખકો અને પત્રકારો એ “ગુણવંત શાહ જેવો તકસાધુ ગુજરાતના સાહીત્ય વર્તુળમાં સો વરસેય નહી પાકે” એવુ મને ખાનગીમાં કહ્યુ છે. લ્યો હાટુ વળી ગયુ , આપણે ક્યાં આ મિત્રોના નામ જાહેર કરવા છે?

પાકીસ્તાન અને આતંકવાદ મોદીજી ના ધૈર્ય અને સામર્થયની આકરી કસોટી કરી રહ્યા છે અને આ કસોટી અસાધારણ છે તેવુ આપનુ અવલોકન પણ અધકચરા જ્ઞાનથી વિશેષ કાંઇ નથી કેમકે મોદીજી પાકીસ્તાનની ચુંટાયેલી સરકારના વડાપ્રધાન સાથે ડીલ કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસે આ અગાઉની સરકારો લોકશાહી કચડીને બળજબરી લશ્કરી તાકાતથી ચડી બેઠેલા હાર્ડકોર સરમુખત્યારો જનરલ ઝીયા ઉલ હક અને જનરલ પરવેઝ મુશરફ સાથે ડીલ કરવાનુ પડકારયુક્ત કામ કરેલુ છે. સદામ હુસેન , ગદાફી , ઇદી અમીન જેવા ક્રુર શાસકો કરતાં નવાઝ જેવા મવાળ નેતા સાથે કામ પાર પાડવુ પ્રમાણમાં આસાન હતુ. મોદીજીની કન્ફયુઝ્ડ કુટનીતિએ આને અઘરુ બનાવી દીધુ.

આપે હરહંમેશની જેમ સેક્યુલર કર્મશીલોને ઝુડવા સોહરાબુદીન અને ઇશરત જહાંનો રાગ આલાપ્યો. એક લેખક જાણે કે ધોરણસરનો રાજકારણી હોય તેવુ પોતાની બાજુનું જ સત્ય પીરસી અમિતશાહ આણી મંડળીના ગુન્હાઓ વિરુધ્ધ મુખરતાથી લખતા-બોલતા વર્ગને આપે સોહરાબુદીન અને ઇશરતના વકીલ ગણાવવાનો પ્રયાસ કર્યો છે. આપે એ જાણી લેવુ જોઇએ કે ગુજરાતનાં એન્કાઉન્ટર આર્થિક, રાજકીય અને કોમી ગણતરીથી થયેલાં છે. તેમાં કોઇની પર શંકાના આધારે ભૂલથી નહીં, પણ પાકી ખાતરી કર્યા પછી, પોતાનો અને સાહેબોનો સ્વાર્થ સાધવા માટે પોલીસે લોકોને મારી નાખ્યા છે. સંગીત સોમ , બાલીયાન અને મેઘવાલ જેવા અપરાધીઓને પડખે લઇ શાહ-મોદીની બેલડીએ ગુન્હાખોરીનુ કોરસ ગાયુ છે. હરેન પંડ્યા અને સંજય જોશી ના ચરિત્રહનન નો પ્રયાસ શું અપરાધની વ્યાખ્યામાં ના આવે ? ગાદી ટકાવવા ગોધરા બાદ કેસરીયો આતંક ફેલાવનાર પ્રત્યે આટલી હમદર્દી શા માટે ? આરટીઆઇ એક્ટીવીસ્ટ અમિત જેઠવાની રાજકીય હત્યા ગુજરાતના રાજકારણ પર અપરાધીઓ ના કબ્જાનું ઉદાહરણ છે. આવા ગુન્હાપ્રિય કર્મશીલો આપને કેમ આકર્ષે છે તે સમજવુ મુશ્કેલ છે.

આપના મતે મોદીજીના ધૈર્ય અને સામર્થ્ય નો અસ્વીકાર કરનારા સેક્યુલર કર્મશીલો પાસે દલીલબાજી છે , ચપટીક સત્ય સ્વીકારવાની સહજતા નથી. એમને કન્હૈયાકુમાર વિગેરે વિગેરે ન ખુંચે પણ મોદી ખુંચે. આપે કન્હૈયા કુમાર ની સાથે ‘ રાજદ્રોહ ‘ શબ્દ પ્રયોગ કર્યો. પણ કન્હૈયા કુમાર જે ગરીબી , બેકારી , ભેદભાવ , અને અત્યાચાર વિરુધ્ધ આઝાદીની વાત કરે છે તે જ વાત હાલમાં જ મોદીજી એ કેરળની સભામાં કરી છે.

મોદી દેશની સમસ્યાઓ સામે લડવાની વાત કરે તો રાષ્ટ્રપ્રેમી અને કન્હૈયો કરે તો રાજદ્રોહી આ વિચારોનું શિર્શાસન સમજાયુ નહી. વળી કઇ અદાલતે કન્હૈયાકુમાર ને રાજદ્રોહી જાહેર કર્યો છે તે સમજવાની તસ્દી પણ આપે લીધી નથી. તેનાથી વિરુધ્ધ રાજદ્રોહ જેવા ગંભીર શબ્દને આપના ઇષ્ટદેવ નરેન્દ્ર મોદીના વિરોધીઓ ને કચડવા ચણા મમરાની જેમ થતા દુરપયોગ પર અદાલતે અંકુશ રાખવાની સરકારને સલાહ આપી છે .

ગુણવંતભાઇ અમને ભાજપ દ્વારા મુક્ત કરાયેલ અઝહર મસુદ ખુંચે છે અને તેથી જ મોદી પણ ખુંચે છે.કાશ્મીરની જેલમા પુરાયેલ પથ્થરબાજ મસરત આલમની મુક્તિ પણ અમને ખુંચે .

બે વરસમાં સરહદ પાર થી થયેલા હુમલાઓમાં માર્યા ગયેલા સો થી વધુ જવાનોના મોત પણ અમને ખુંચે છે . અલગાવવાદી સમર્થક પીડીપીના ખોળે જઇ સત્તાસુખ ભોગવતી મોદીનિતિ અને કાશ્મીરમાં નિત્ય લહેરાતા પાકીસ્તાની ધ્વજ અમને ખુંચે છે માટે મોદી ખુંચે. નવાઝ સાથે શાલ-સારીનો વ્યવહાર કે લાહોરમાં મોદીએ ઉજવેલો બર્થ ડે કેક નો તહેવાર જેને ખુંચે એને જ મોદી ખુંચે. ગુણવંતભાઇ આ દેશના લોકોને અને સેના ને ગુરુદાસપુર અને પઠાણકોટ પણ ખુંચ્યા હતા , કાશ તમારા સામર્થ્યવાન મોદીને પણ તે વખતે ખુંચ્યુ હોત તો ઉરી હુમલાથી દેશ બચી જાત.

સરહદે યુધ્ધના ભણકારા (જે માત્ર આપને જ સંભળાય છે ) વાગતા હોય ત્યારે મોદી સાથે જુનો હીસાબ ચુક્તે કરવાનો ના હોય , આપની આ વાત સાથે હુ સંમંત છુ .પણ આપને કેમ લાગ્યુ કે આવુ થઇ રહ્યુ છે ? તમામ વિપક્ષોએ સરકાર ને તેના નિર્ણયમાં સમર્થન આપ્યુ છે તેટલુ જ નહી રાહુલજી એ અઢી વરસમાં મોદીજી એ પહેલીવાર પ્રધાનમંત્રીને છાજે તેવુ કામ કર્યુ તેવુ જાહેર નિવેદન કરી સરકારની પીઠ થાબડી છે. સરહદે તનાવ હોય એટલે શાસકની તમામ ત્રુટીઓ ને વીસારે પાડી દેવી જોઇએ તેવો સંદેશ આપતા આપ હોટેલ તાજ પર થયેલા હુમલા વખતે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ હતી ત્યારે જ મુંબઇ પંહોચી રાજકીય બયાનબાજી કરનારા આપના નરેન્દ્ર મોદીને કેમ વીસરી ગયા?

અરે ઉતરાખંડની ત્રાસદી સમયે પણ આપ જેવા પ્રચારકોના જોરે મોદીજી એ રેમ્બો અવતાર ધારણ કરી લાશો પર રાજનીતી કરી હતી. નેપાળના ભુકંપ સમયે પણ મોદીના આ પ્રસિધ્ધિ પ્રેમે દેશની આબરુના કાંકરા કરી નાખ્યા હતા. નેપાળે મોદીનો પ્રચાર કરતા ભારતીય મીડીયાને તગેડી મુક્યુ હતુ એટલુજ નહી મદદ લેવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. ગુણવંતભાઇ તમારી સલાહ આપવાની ઔકાત હોય તો આફત ને અવસર ગણવાની માનસિકતા ધરાવતા મોદીને આપો. કદઆપની ઉંમરની અસર કદાચ આપની યાદશક્તિ પર વર્તાતી હશે તેમ માની લઉ છું.

આપે મોદી વિરોધીઓ ને કાગડાની આંખે જોનારા કહી આ વાંકદેખાઓ ને ગાંધી પરિવારનો વંશવાદ કેમ નથી નડતો તેવો ભાવ રજુ કર્યો. પણ , મેનકા-વરુણ , વસુંધરા-દુષ્યંત , રાજનાથસિંહ-પંકજસિંહ , રમણસિંહ -અભિષેક , સાહેબસિંહ-પ્રવેશ વર્મા ,યશવંતસિંહા-જયંતસિંહા, પ્રેમકુમાર ધુમલ -અનુરાગ , કલ્યાણસિહ- રાજવીર થી લઇને ગુજરાતના અશોકભટ્ટ -ભુષણ ભટ્ટ તથા વિઠ્ઠલ રાદડીયા અને જયસુખ રાદડીયા સુધી વહેતી ભાજપી વંશવાદની સરવાણી વિષે પણ આપનો અભિપ્રાય જણાવ્યો હોત તો આપ તટસ્થ દેખાત. ગુણવંતભાઇ તમારા ધૈર્યવાન મોદી જો બાદલ , ઠાકરે , પાસવાન , મુંડે , સીંધીયા જેવા પરિવારનો વંશવાદ પચાવી શકતા હોય તો આપે પણ ગાંધી પરિવારના વંશવાદને પચાવવો રહ્યો.

ખેર, બની શકે કે ઉંમરની સાથે આપની પાચનશક્તિ પણ કમજોર થઇ ગઇ હોય. વળી ,મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુના સ્વાતંત્ર સંઘર્ષ અને સ્વ.ઈંદીરાજી અને સ્વ.રાજીવજી ના બલિદાની રક્તથી સિંચાયેલા ગાંધી પરિવારના દેશભક્ત વંશવાદ ને મોદીએ પાળેલા પારિવારીક રાજકીય વંશવાદ સાથે સરખાવી ના શકાય.

નહેરુજીના પ્રધાનમંત્રી થવાની પૃષ્ઠભુમિ ની પુર્વગ્રહયુક્ત ચર્ચા કરતાં આપ ભુલી ગયા કે તેમણે જેટલા દીવસ વડાપ્રધાનપદુ ભોગવ્યુ તેનાથી વધુ દીવસોનો જેલવાસ ભોગવ્યો છે. સરદાર ના બદલે નહેરુજી ષડયંત્ર કરી પ્રધાનમંત્રી બની ગયા તેવા સંઘના અપપ્રચારને શરણે જઇ તેનો ઉલ્લેખ કરતાં આપ આડવાણીજી અને કેશુભાઇનું રાજકીય કાસળ કાઢી પ્રધાનમંત્રી બની બેઠેલા મોદીજીના ષડયંત્રોને કેવીરીતે નજરઅંદાજ કરી શકો?

ગુણવંતભાઇ હું જાણુ છુ કે નિવૃત આઇ.પી.એસ સંજીવભટ્ટ આપના માટે મોદીના આશીર્વાદ મેળવવા માટેનું પ્રિયપાત્ર છે. ૨૫.૧૦.૧૫ ના રોજ એક આખો લેખ તેમના વિરુધ્ધ ઢસડી કાઢ્યો હતો , આજે પણ આપ સંજીવભટ્ટ ને વીસારે ના પાડી શક્યા.સત્તા સામે કુરનીશ નહી બજાવનારા આગળીના વેઢે ગણી શકાય એવા થોડાક અધિકારીઓમા જેની ગણના થઇ શકે એવા નિડર આઇપીએસ સજીવ ભટ્ટે જેનો સુરજ સોળે કળાએ ખીલ્યો હોય તેવા નરેન્દ્ર મોદી સામે સત્યનો જંગ માંડ્યો. સરકારી મશીનરીનો ધરખમ દુરપયોગ કરી કાયદાના સકંજાથી પર રહેવામા માહીર મોદી-શાહની જોડી સામે પોતાની કારકીર્દીને જોખમમા મુકી સજીવ ભટ્ટ પુરી નિષ્ઠાથી લડ્યા.

હા, તેઓ અદાલતમા પોતાના સત્યને સિધ્ધ કરવામા અસફળ રહ્યા તે ચોક્કસ કહી શકાય. પરતુ સજીવ ભટ્ટને કેસ દરમિયાન ઝેલવી પડેલી પ્રતાડના , સરકારી તિજોરીમાથી ગુમ થતી મહત્વની ફાઇલો, પુરાવાની સીડી સાથે છેડછાડ વિગેરે જેવી કઇક બાબતો સત્તા સામે સંજીવ ભટ્ટનો પનો ટુકો પડવા માટે કારણભુત છે . પણ અફસોસ આપનો મોદીમોહ સિક્કાની બીજી બાજુ ક્યારેય જોઇ નથી શકતો.

મોદીમાં બીજા દોષ હશે પણ ‘સાલ્લો’ કરપ્ટ નથી એવુ ખરબચડુ પ્રમાણપત્ર આપતા આપ શીવરાજ નુ વ્યાપમ , પંકજાનુ ચીકી , રમણસિંહ નુ ચાવલ , વસુંધરાનુ લલિત, જેટલીના ક્રીકેટ કૌભાંડ અને આનંદીબેન ના અનારકાંડ ને સહજતાથી સ્વીકારી લો છો. આપના નોન કરપ્ટ મોદીજીની પાર્ટીના ઉપાધ્યક્ષ યેદુરપ્પા ને પણ વીસરી ગયા. મોદીજી ની આ ભ્રષ્ટ ટોળકીના કરતુતોના દાગ આપને નજરે ના ચડ્યા. મોદી સરકાર ના જ એકલાખ કરોડ રુપીયાના કૌંભાંડો ના દસ્તાવેજી પુરાવાઓ કોંગ્રેસના શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા અને શક્તિસિંહ ગોહીલે મહામહીમ રાષ્ટ્રપ્રતિને સુપ્રત કરેલા છે.

ગુણવંતભાઇ તમારે જોવા હોય તો હું આપને તે ઉપલબ્ધ કરાવીશ.મોદીએ લોકાયુક્ત ની નિમણુક નહી થવા દેવા કરેલી હડીયાપટ્ટીનુ આખુ ગુજરાત સાક્ષી છે. બાબુ બોખરીયા અને પુરશોતમ સોલંકીના ભ્રષ્ટાચારની રખેવાળ મોદીસરકાર જ હતી. બની શકે કે વયની સાથે આપની દ્રષ્ટી પણ કમજોર પડી ગઇ હોય. હા વાડ્રા વાડ્રાની માળા જપતા આપ જેવા સૌ કેસરીયા ચિંતકોએ એ યાદ રાખવુ જોઇએ કે કેન્દ્ર તેમજ હરીયાણા અને રાજસ્થાનમાં ભાજપની જ સરકાર છે. બે વરસ વીત્યા છતાં રાજકીય આક્ષેપોથી આગળ મોદી સરકાર નથી વધી શકી.

આપે આ લેખ દ્વારા મોદી વિરોધીઓ ને રોકડુ પરખાવ્યુ કે મોદી કૃપાની રોકડી કરી તે તો વાચક વર્ગ નક્કી કરશે. આપે અંતમાં ઉલ્લેખ્યુ છે કે મેં ગાળો ખાવાની મનશાથી જ આ લેખ લખ્યો છે , મારા સંસ્કારો આ ન વિચારી શકે. હા, વયવૃધ્ધિ સાથે પીળા પડતા જતા આપના પત્રકારત્વ સામે મારી બૌધિક અસહમતિ વ્યક્ત કરવાના મૌલિક અધિકાર ને આપ અપશબ્દ ની દ્રષ્ટીએ નહી જુવો એટલી અપેક્ષા ચોક્કસ રાખુ છુ.

સ્ત્રોત : https://www.facebook.com/shruti.shah.3979489/posts/871717029629762


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s