આરોગ્યના બજેટના ૨૫ ટકા રકમ લોકોની સારવાર પાછળ ખર્ચવામાં આવે છે, બાકી રકમ પગારો, બીજા ખર્ચમાં જાય છે

જન સ્વાસ્થ્ય અભીયાન/

ગુજરાતમાં ત્રણ હજાર જેટલા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો હોવા છતાં અનેક સ્થળે લોકોને આ આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવા માટે ૩૦થી ૪૫ કીલોમીટર જેટલું અંતર કાપવાની ફરજ પડે છે. આરોગ્ય કેન્દ્રોની પુનઃફાળવણી કરવાની સભ્યોએ માગણી કરી હતી. આરોગ્ય કેન્દ્રોમાં અને સામુદાયીક આરોગ્ય કેન્દ્રોમાં તબીબો અને નીશ્ણાતો ન હોવાને કારણે દર્દીઓને મોટા શહેરોમાં રીફર કરવામાં આવે છે અને જીલ્લાની હોસ્પીટલ પહોંચતા સુધીમાં દર્દીનું મ્રુત્યુ થતા હોવાના બનાવ બને છે.

અમરેલી જીલ્લાના તાલુકાઓમાં સ્ત્રી રોગ નીશ્ણાત, બાળ રોગ નીશ્ણાત, એનેસ્થેટીસ્ટ ન હોવાને કારણે દર્દીઓની સારવાર થઇ શકતી નથી. લોહી સંગ્રહ કરવાની સગવડ ન હોવાને કારણે માતા મરણનું પ્રમાણ ઘટાડી શકાતું નથી. જન સ્વાસ્થ્ય અભીયાન, ગુજરાતની રાજ્ય સ્તરીય બેઠકમાં હાજરી આપતા સભ્યોએ પોતાની વ્યથા ઠાલવી હતી.
‘રાજ્યના દોઢ લાખ કરોડના બજેટમાંથી ૪૦ ટકા જેટલી રકમ પગાર, પેન્શન અને વ્યાજ ચુકવણીમાં જાય છે. બાકીની રકમ આયોજન પાછળ ખર્ચ કરી શકાય છે. ઘરેલુ ઉત્પાદના ૯ ટકા જેટલી રકમ આરોગ્ય અને શીક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે તે આદર્શ સ્થીતી છે પરંતુ કુલ બજેટ જ જીડીપીના ૧૪-૧૫ ટકા જેટલું હોય છે તે કારણે આરોગ્ય પાછળ માંડ ૦.૭૫ ટકા જેટલી રકમ બજેટમાં ફાળવાય છે.’

પાથેય બજેટ સેન્ટરના શ્રી મહેન્દ્ર જેઠમલાણીએ વીગતો આપી. તેમણે કહ્યું કે બજેટમાં ફાળવાતી રકમ પણ પુરી વપરાતી નથી. સામાજીક વીકાસ માટે ફાળવાયેલી રકમના ૨૪ ટકા જેટલી રકમ રાજ્ય વાપરી શકી ન હતી. વર્ષ ૨૦૧૬-૧૭નું આરોગ્યનું રાજ્યનું બજેટ ૮૧૫૩ કરોડનું છે તે જો વધારીને ૩૦ હજાર કરોડનું કરવામાં આવે તો માથાદીઠ રુ.૩,૩૦૦/-નો ખર્ચ થઇ શકે. હાલના બજેટ મુજબ શહેરી વીસ્તારમાં માથાદીઠ રુ.૧૧૪૪/- અને ગ્રામ્ય વીસ્તારમાં રુ.૩૭૭/-નું ખર્ચ કરવામાં આવે છે.

આરોગ્યના બજેટના ૨૫ ટકા જેટલી રકમ લોકોની સારવાર પાછળ ખર્ચવામાં આવે છે બાકીની રકમ મેડીકલ કોલેજો, પગારો અને બીજા ખર્ચમાં જાય છે. હાલ દવાઓ પાછળ માથાદીઠ રુ.૪૫/-નો ખર્ચ કરવામાં આવે છે. તામીલનાડુ રાજ્ય રુ.૬૫/-નો ખર્ચ કરે છે. ૨૦૦૫માં રાજ્ય સરકારે કરાવેલા અભ્યાસ મુજબ તે સમયે ગુજરાતમાં લોકોને આરોગ્ય પાછળ માથાદીઠ ખીસાખર્ચ રુ.૭૭૭ થતો હતો જે હવે ઘણો વધ્યો હશે. ગરીબોને જ્યારે આરોગ્ય પાછળ ખર્ચ કરવો પડે છે ત્યારે તેમની બચતો ધોવાઇ જાય છે અને સરકારે ગરીબી નીવારણ માટે કરેલા કાર્યક્રમો પાછળ કરેલો ખર્ચ નકામો જાય છે.

રાજ્યના આરોગ્ય વીભાગના અધીકારીઓએ નેશનલ હેલ્થ મીશન વીશે વીગતો આપતાં જણાવ્યું કે ૨૦૦૫માં શરુવાત થઇ ત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આરોગ્ય માટે આ બજેટ આપતું હતું તે રાજ્ય સરકારને જે રીતે વાપરવું હોય તે રીતે વાપરી શકાય તેવું હતું પણ હવે તેમ રહ્યું નથી. બજેટના જે હેડમાં રકમ ફાળવી હોય તે રકમ તે જ હેડમાં વાપરવી પડે છે.

શરુમાં કેન્દ્ર સરકાર ૯૦ ટકા ફાળો આપતી હતી તે હવે ઘટાડીને ૬૦ ટકા કરી દીધો છે. મીશન ડાયરેક્ટરને ૨૦ ટકા બજેટ હેડ બદલવાની સત્તા હતી તે સત્તા હવે પાછી ખેંચવામાં આવી છે. આમ પૈસા વાપરવાની પહેલાં જે છુટ મળતી હતી તે હવે મળતી નથી.

રાજ્યમાં આરોગ્યની દ્રુશ્ટીએ ૭૭ તાલુકા ઉન્ચી પ્રાથમીકતા ધરાવે છે. હવે ગ્રામ સંજીવની સમીતી અને પેટા આરોગ્ય કેન્દ્રો પાસે રુ.૧૦ હજારનો ખર્ચ કરવા માટે ભંડોળ આપવામાં આવે છે, પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં રુ.૧.૭૫ લાખ સુધી, સામુદાયીક આરોગ્ય કેન્દ્ર અને સબ જીલ્લા હોસ્પીટલમાં રુ. પાંચ લાખ સુધી અને જીલ્લા હોસ્પીટલને રુ. દસ લાખ સુધીનું ભંડોળ ઉપલબ્ધ છે. હાલ રાજ્યનું આ બજેટ એક હજાર કરોડનું છે.

જન સ્વાસ્થ્ય અભીયાન સંસ્થાના સભ્યો આ બજેટમાંથી થતા ખર્ચ ઉપર દેખરેખ રાખશે. ખાસ કરીને જુદાજુદા સ્તરે જે મુક્ત ભંડોળ આપવામાં આવે છે તેનો ખર્ચ કઇ રીતે કરવામાં આવે છે તેનો અભ્યાસ કરશે. વીનામુલ્યે દવા આપવાની સરકારની જાહેરાતનો પ્રજાને કેવો અને કેટલો લાભ મળે છે તેનો ૧૭ જીલાઓમાં અભ્યાસ કરવામાં આવશે.

અભીયાન દ્વારા રાજ્ય સરકારને એક આવેદનપત્ર પણ આપવામાં આવશે જેમાં સમાવવાના મુદ્દાઓની ચર્ચા સભ્યોએ કરી હતી. જન સ્વાસ્થ્ય અભીયાન, ગુજરાતની રાજ્ય સ્તરીય બેઠકમાં 16 જીલ્લાની 18 સંસ્થાના 39 સભ્યોએ હાજરી આપી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s