ઉનાની આસપાસના ગામોમાં ભૂતકાળમાં થયેલા અસંખ્ય ભયાનક અત્યાચારોમાં દલિતોને ન્યાય મળ્યો નથી

85f30-screenshot2bfrom2b2016-09-112b07253a37253a11
આંકોલાળી, 2012

રાજેશ સોલંકી/

ઉનામાં દલિતો પર થયેલા દમનથી સમગ્ર દુનિયા વાકેફ છે, પરંતુ ઉનાની આસપાસના ગામોમાં ભૂતકાળમાં થયેલા અસંખ્ય ભયાનક અત્યાચારોમાં દલિતોને ન્યાય મળ્યો નથી. આવા ગામોના દલિત પીડિતોએ ભેગા મળીને ઉના પ્રતિરોધ સમિતિની રચના કરી છે, તેમની માંગણીઓ નીચે પ્રમાણે છે.

1. અમરેલી જિલ્લાના વિવિધ ગામો વડલી, નિંગાળા, ડેડાણ, માંડણમાં થયેલા અત્યાચારોમાં એટ્રોસિટી સેલના ઇન-ચાર્જ અને ડીવાયએસપી ભરવાડે ગુનાઇત બેદરકારી આચરી છે, તેમણે આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી નહીં કરીને ગુનેગારોનું મનોબળ મજબૂત બનાવ્યું હોવાથી ઉના જેવો ભયાનક બનાવ બન્યો છે.

25 ડિસેમ્બર, 2015ના વડલી કેસમાં બળાત્કારનો આરોપી છૂટી ગયો છે. આ કેસમાં ભરવાડે ચોત્રીસ કલાક પછી જાણીબૂઝીને દલિત પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું અને તેને કારણે મહત્વના પુરાવા નાશ પામ્યા હતા અને આરોપી છૂટી ગયો છે. આ કેસમાં ભરવાડે સર્વોચ્ચ અદાલતની ગાઇડલાઇન્સનો ભંગ કર્યો હતો. તેમની સામે એટ્રોસિટી એક્ટની કલમ-ચાર હેઠળ કાર્યવાહી કરવાની ફરિયાદ થઈ હોવા છતાં હજુ સુધી સરકારે કોઈ જ પગલાં ભર્યા નથી.
20 જૂન, 2016ના રોજ નિંગાળાના રમેશ વણઝારાની હત્યામાં સાત આરોપીઓમાંથી મુખ્ય ત્રણ આરોપી હજુ ફરાર છે, જેની ધરપકડ કરવામાં ડીવાયએસપી હજુ સુધી નિષ્ફળ રહ્યા છે.

ઉના જેવો જ અને ઉનાથી પણ ભયંકર બનાવ રાજુલા પાસેના માંડળ ગામના પાંચ દલિતોને રાજુલાની ગૌશાળામાં એક ઓરડીમાં પૂરીને ભયાનક સીતમ ગુજારીને તેનો પણ વીડીયો ઉતાર્યો હતો.આ કેસના આરોપીઓ પણ વીસ દિવસ સુધી મુક્તપણે રાજુલાના બજારમાં ડીવાયએસપી ભરવાડની મહેરબાનીને કારણે બિન્ધાસ્ત ફરતા હતા.

છેલ્લે, ઉના દમનના વિરોધમાં અમરેલી શહેરમાં નીકળેલી રેલીમાં અકસ્માત રીતે એક પોલિસ કર્મચારી મૃત્યુ પામ્યો હતો, તે કેસમાં પણ દલિતોને ખોટી રીતે ફસાવવામાં ડીવાયએસપી ભરવાડની સંપૂર્ણ ભૂમિકા રહેલી છે.
તેથી તેમને તાત્કાલિક અસરથી તેમની ફરજમાંથી બરતરફ કરવાની માંગણી છે.

2. ઉના, રાજુલા, કોડીનાર, ગીર-ગઢડા, સાવરકુંડલા, નવાબંદર, જાફરાબાદ, ખાંભા જેવા અતિ સંવેદનશીલ વિસ્તારો કે જેમાં દલિતો પર મોટેપાયે અત્યાચારો થયા છે અને થવાની શક્યતા પૂરેપુરી છે ત્યાં પોલિસ સ્ટેશનોમાં સેકન્ડ પીઆઈ તરીકે એસસી પીઆઈની નિમણૂંક કરવાની તાત્કાલિક માંગણી છે.

3. આંકોલાળીમાં 2012માં દલિત યુવાન લાલજીભાઈ સરવૈયાને ઘરમાં જીવતો સળગાવવાની ઘટનામાં હજુ સુધી પરીવારજનોને જમીન મળી નથી. મામલતદારે આંકોલાળીની જૂની જમીન પર લીધેલી રૂ. દોઢ લાખની લોન પરત કરવાની શરતે દેલવાડા ગામમાં નવી જમીન આપવા જણાવેલ છે. હકીકતમાં, આ કેસમાં લાલજીભાઈને જીવતા સળગાવ્યા ત્યારે ઘરમાં રાખેલી પતરાની પેટીમાં આ રકમ હતી અને તે સળગી ગઈ હતી અને તેની નોંધ મૃતકના પંચનામામાં સરકારી સાહેદોએ લીધેલ છે. તો આ કેસમાં લોનની રકમ તાત્કાલિક માંડવાળ કરીને લાલજીભાઈના પરીવારને દેલવાડામાં જમીન ફાળવી આપવાની માંગ છે.

4. સામતેરમાં વર્ષ 2012માં ભીમજીભાઈ ચૌહાણની હત્યા થઈ હતી. તે કેસમાં 2014માં આંબેડકર ફાઉન્ડેશન, ભારત સરકાર તરફથી રૂ. પાંચ લાખનો ચેક મૃતક ભીમજીભાઈના પિતાના નામે આવ્યો હતો. જે વીસ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. આ રકમનો ચેક પરત ફરી ગયા પછી હજુ સુધી મૃતકના પરીવારને રકમ મળી નથી. તે તાત્કાલિક મળવા માંગણી છે.

5. અમરેલીમાં ઉના દમન પછી નીકળેલી રેલીમાં સંયોગવશાત એક પોલિસ કર્મચારીનું મૃત્યુ થયું હતું. આ કેસમાં પોલિસે આઈપીસી કલમ-302માં નિર્દોષ દલિતોને ખોટી રીતે ફસાવી દીધા છે. જેમ કે આ કેસના એક આરોપી રજનીકાંત મકવાણા ઘટના સમયે સાંસદ શંભુપ્રસાદ ટુંડીયાની સાથે હતા અને તેના પુરાવારૂપે વીડીયો ફુટેજ પણ છે.

તેમને ખોટી રીતે આરોપી બનાવ્યા છે. આ ઉપરાંત, રોહિત પટણી નામના દેવીપૂજક સમાજના હેન્ડીકેપ વ્યક્તિ એક અન્ય કેસમાં સીવીલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તે ઘટના સમયે હોસ્પિટલમાં જ હતા અને મેડીકો-લીગલના કાગળમાં તેમનો કેસ નંબર અને નામ બંને છે. તેમને ખોટી રીતે પોલિસ કર્મચારીના મૃત્યુના કેસમાં ફસાવી દીધા છે.

આનાથી સાબિત થાય છે કે પોલિસે ખોટી રીતે દલિતોને આ કેસમાં ફસાવીને તેમનું નૈતિક મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો છે. વળી, નિંગાળાની બે દલિત મહિલાઓ તો નિંગાળા દલિત હત્યા અંગે ન્યાય માંગવા અમરેલી આવ્યા હતા, તેમને પણ કેસમાં આરોપી બનાવી દેવામાં આવ્યા છે. આથી, આ કેસ પાછો ખેંચી લેવા માંગણી છે.

6. ઉના તાલુકાના મોઠા ગામે ફેબ્રુઆરી, 2016માં દલિતોએ બનાવેલા બૌદ્ધવિહાર આરએસએસના કાર્યકર્તા અને ગીર-સોમનાથ જિલ્લા પંચાયતના સભ્ય ભાવેશ વ્રજલાલ ઉપાધ્યાયે પ્રશાસનની મદદથી તોડી પડાવ્યું છે. ભાવેશ પોતે ગૌરક્ષકોનો ગોડફાધર છે. તેની સામે પગલાં ભરવાની અને બૌદ્ધવિહાર તાત્કાલિક બનાવી આપવાની માંગણી છે. વળી, બૌદ્ધવિહારના નિર્માતા સંજય સોંદરવા અને તેમના પત્ની પર હૂમલો થયો હતો અને છેડતીની કોશિશ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓની હજુ પોલિસે ધરપકડ કરી નથી અને તેમને ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન લેવાનો સમય આપ્યો છે. તો આ કેસમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી છે.

7. મોટા-સામઢીયાળાના દલિત પીડિતોને ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન, નવી દિલ્હીમાંથી તાત્કાલિક સહાય આપવા માંગણી છે.

8. વડલી રેપ કેસમાં છેલ્લા આઠ મહિનાથી હિજરત કરીને બાવીસ વ્યક્તિઓનો પરિવાર અમરેલી કલેક્ટર કચેરીમાં બેઠો છે. તેમને બાબરા ટાઉન પાસે જમીનનો પ્લોટ ફાળવવાનો ઓર્ડર થઈ ચૂક્યો છે, પરંતુ તેની માપણી કરીને હજુ સુધી ફાળવવામાં આવ્યો નથી. તો તેમને તાત્કાલિક આ જમીન ફાળવવા માંગણી છે.

9. નિંગાળાના દલિત યુવાન રમેશભાઈ વણઝારાની 20 જૂન, 2016ના રોજ ડેડાણ ગામમાં હત્યા થઈ હતી. આ કેસના આરોપીઓ પૈકીના મુખ્ય ત્રણ આરોપી હજુ મુક્તપણે ફરે છે. તેમની તાત્કાલિક ધરપકડ કરવા માંગણી છે. હાલ અમરેલીમાં આઈપીસીની કલમ-302 હેઠળના ખોટા કેસમાં મૃતક રમેશભાઈના કુલ ચાર જણાને જેલમાં ઠુંસી દેવામાં આવ્યા છે. જે ભયાનક કરૂણતા છે.

10. સામતેર રામેશ્વર પાટીયા પાસે રહેતા રાજુભાઈ પરમારે તા. 13 ઓગસ્ટ, 2016ના રોજ ઉનામાં ડો. આંબેડકરની પ્રતિમાના સ્ટેજ પર ચડીને એસિડ પીધું હતું. તેમાંથી તેઓ માંડમાંડ બચ્યા હતા અને ઘરે પરત ફર્યા પછી સામતેરના ખાંટોએ તેમને કહેલું કે તું ભલે ઝેર પીધા પછી બચી ગયો, પરંતુ અમે તને છોડવાના નથી. તેથી આતંકીત થયેલા રાજુભાઈ સામતેર છોડીને જુનાગઢ સહપરિવાર જતા રહ્યા છે. તેમને તાત્કાલિક હિજરતી જાહેર કરીને યોગ્ય સરકારી સહાય આપવા તેમ જ તેમણે નોંધાવેલી ફરિયાદના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગણી છે.

11. ઉના સીતમ પછી જાફરાબાદ તાલુકાના વડલી ગામના દલિતોનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવેલો હતો, તેમાં સરપંચે ખાતરી આપી હોવા છતાં અન્ય ગ્રામજનો બહિષ્કાર ચાલુ રાખ્યો છે. તો આ કેસમાં સમાજ કલ્યાણ દ્વારા તાત્કાલિક રીપોર્ટ કરીને બહિષ્કાર કરનારા ગ્રામજનો સામે પોલિસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગણી છે.

12. ઉના દમન પછી મોટા સમઢીયાળા ગામથી માત્ર પાંચ કિમી દૂર નાંદરખ ગામે હાલ દલિતોનો બહિષ્કાર ચાલુ છે અને દલિતોના અવરજવરના રસ્તા પર દબાણ મૂકીને રસ્તોબંધ કરવામાં આવ્યો છે. આ કેસમાં સમાજ કલ્યાણ દ્વારા તાત્કાલિક રીપોર્ટ કરીને બહિષ્કાર કરનારા ગ્રામજનો સામે પોલિસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગણી છે.

13. છેલ્લે, 6 સપ્ટેમ્બરના રોજ ટીંબી ગામે દલિત મહિલા પર બળાત્કાર કેસનો આરોપી હજુ પકડાયો નથી. તેની તાત્કાલિક ધરપકડ કરવા માંગણી છે.

14. ઉના દમન પછી ભયાનક આઘાતમાં સરી પડેલા કેટલાક દલિતોએ ઝેર પીને કે અન્ય રીતે આત્મહત્યા કરી છે. તેવા તમામ કિસ્સાઓમાં મૃતકોના પરીવારજનોને રૂ. દસ લાખની સરકારી સહાય જાહેર કરવા માંગણી છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s