રેણુ ખન્ના, નીતા હાર્ડીકર અને જગદીશ પટેલ/
તા. ૨૬ ઓગષ્ટને દીવસે જન સ્વાસ્થ્ય અભીયાનના સભ્યોની દીપક ફાઉન્ડેશન, વડોદરા ખાતે મળેલી બેઠકમાં હાજર સભ્યોએ રાજ્યની આરોગ્ય સેવાઓ અંગે વ્યાપક ચર્ચા કરી. જેમાં મુખ્યત્વે જાન્યુઆરી ૨૦૧૬માં મુંબઇ ખાતે રાષ્ટ્રીય માનવ અધીકાર પંચ અને જ.સ્વા.અભીયાન દ્વારા સંયુક્તપણે યોજવામાં આવેલ જાહેર સુનાવણીમાં અભીયાનની સભ્ય સંસ્થાઓ દ્વારા રજુ થયેલ ફરીયાદોની સમીક્ષા કરવામાં આવી.
જાહેર સુનાવણીના આદેશોના પગલે જે જીલ્લાઓમાં સરકારી દવાખાનામાં દર્દીઓ પાસેથી સારવારના પૈસા લેવાયા હતા તે પરત કરાયાની માહીતી મળી તો અન્ય ફરીયાદોના જવાબોમાં રાજ્યના આરોગ્ય વીભાગે હવે પોતાના જવાબો સાથે જે દસ્તાવેજો જોડ્યા તે દર્દીને અગાઉ આપ્યા જ ન હતા પણ જે પાછળથી ઉભા કરવામાં આવ્યાના અનુભવો હતા. એક વાત સ્પષ્ટપણે તરી આવી કે દર્દીને સારવાર દરમીયાન જે દસ્તાવેજો આપવાનો ઇન્કાર કરાય છે તે માનવ અધીકાર પંચના આદેશને પગલે , તે પછી ઘડવામાં આવે છે. અભીયાને આ પરીસ્થીતીની ગંભીર નોધ લીધી છે અને આ મુદ્દઓને આરોગ્ય વીભાગ સાથે ચર્ચા દ્વારા ઉકેલવાનું ઠરાવેલ છે.
ગુજરાત સરકારે ૨૦૧૩માં કરેલા જાહેરનામા મુજબ રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લેવા જનારા દર્દીઓને ૫૭૫ દવાઓ વીનામુલ્યે મળવાપત્ર છે. બોરસદના વીકાસ વસાણીને તેમની સારવાર માટે જે દવાની જરુર હોય છે તે બહુ મોંઘી હોવાને કારણે સરકાર આપતી નથી.
સરકારની દવાઓની યાદીમાં તે દવા સામેલ હોવા છતાં અને જાન્યુઆરી ૨૦૧૬ની જાહેર સુનાવણીમાં માનવ અધીકાર પંચ દ્વારા વીકાસભાઈની દવા માટે યોગ્ય કરવાનો સ્પષ્ટ આદેશ હોવા છતાં આ દવા નીયમીતપણે અપાઈ નથી, એટલું જ નહી જે એકવાર આ સારવાર અપાઈ તેમાં દર્દીને ફરીથી ઉપેક્ષા અને તીરસ્કારનો અનુભવ થયો.
માનવ અધીકાર પંચની ભલામણ બાદ જયારે ફરીયાદી આ પરીસ્થીતીનો સામનો કરે છે ત્યારે અભીયાનને પોતાના પ્રયત્નોને વધુ સુદ્રઢ અને વેગવંતા બનાવવાની અગત્યતા અને પ્રાથમીકતા સમજાય છે.
આવનારા દીવસોમાં અભીયાનનું પ્રતીનીધી મંડળ આરોગ્ય મંત્રીની મુલાકાત લઇ આ અને આવા મુદ્દાઓની રજુઆત કરશે. અભીયાન સાથે જોડાયેલ સંસ્થાઓ, સંગઠનો અને નાગરીકો દર્દીઓને વીનામુલ્યે મળવાપાત્ર દવાઓ અંગે તેમના અનુભવોનો અભ્યાસ કરશે તથા જવાબદેહીતા સ્થપાય તે માટે જાગૃતી અભીયાન હાથ ધરશે. નાગરીકો અને ખાસ કરી વંચીત સમુદાયના સ્વાસ્થ્ય અધીકારની સુરક્ષા માટે લોક જાગૃતી, સમુદાયની ભાગીદારી અને ફરીયાદ નીવારણ માટે અભ્યાસ અને અભીયાન હાથ ધરશે। .