ભારતના સંગઠિત દલિતો/
તા. 31 ઑગષ્ટ, 2016ના રોજ રાજકોટ ખાતે ‘ભારતના સંગઠિત દલિતો’ના નેજા હેઠળ રાષ્ટ્રીય દલિત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત દેશમાં ઉનાસહિત અસંખ્ય દલિત અત્યાચારો થવા પાછળનાં કારણો ઘણાં વ્યાપક અને ઊંડાં છે. કોઈ એક સંગઠન કે વ્યક્તિના નેતૃત્વ હેઠળ આ આંદોલન સફળ થવાનું શક્ય નથી. આથી ‘જ્ઞાતિ વ્યવ્સથાની નાબૂદી’ અને ‘સમાનતા’માં માનતા તમામ સંગઠનો તથા વ્યક્તિઓ ભેગાં મળી આ સંમેલન યોજી રહ્યાં છે.
એકમાત્ર સંગઠિત દલિત તાકાતથી જ આંદોલન ગતિમાન બની શકે છે તે સંદેશો રજૂ કરવા માટે ‘ભારતના સંગઠિત દલિતો’ તેવું મંચ ઊભું કરવામાં આવ્યું છે.
આઝાદીનાં 70 વર્ષ બાદ દલિત અત્યાચારો ચાલુ રહ્યા છે તેની પાછળ આર્થિક કારણો છે. આઝાદી બાદ સૌરાષ્ટ્રમાં પટેલોના હિતમાં 37.50 લાખ એકર જમીન તબદીલ કરવામાં આવી હતી. આટલી જ જમીન ગુજરાતના બીજા ભાગમાં ટોચ મર્યાદા અને ગણોતધારા હેઠળ દલિતો અને આદિવાસીઓને મળવાપાત્ર હતી, પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી. આને પરિણામે છેલ્લા આંકડા અનુસાર, ભારતમાં ગરીબી-રેખા હેઠળ જીવતા સૌથી વધુ ગરીબો દલિત અને આદિવાસી છે.
આ સાથે ખેતમજૂરી અને છૂટકમજૂરીમાં પણ દલિતો અને આદિવાસી રોકાયેલા છે. તેમનાં હિતમાં લઘુતમ વેતનધારાનો અમલ ન થાય તે માટે કાયદાકીય જોગવાઈઓ હતી તેને સરકારે રદ કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં મજૂર સહકારી મંડળીઓ દ્વારા ઘણા દલિતોને સ્વરોજગારી મળતી હતી, પરંતુ મોટા બિલ્ડરોને સાચવવા સરકારે આ મંડળીઓ ખતમ કરી નાંખતા દલિતોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.
આ સંમેલન દલિતો અને આદિવાસીનાં હિતમાં તેમના હકની છીનવાઈ ગયેલી લગભગ 25 લાખ એકર જમીનની વહેંચણીનું સમયપત્રક સરકાર જાહેર કરે તે ઉપરાંત, ચર્મકામ કરતાં દલિતોનાં પુનર્વસન માટે કુટુંબ દીઠ 5 એકર ખેતીની જમીન તેમને મળે તથા સહકારી મજૂર મંડળીઓ પાછી ઊભી થાય તેવા અધિકારની વાત સરકાર સમક્ષ રજૂ કરશે.
સંમેલનમાં અનામત હેઠળ વણભરાયેલી હજારો નોકરીઓની જગ્યાઓ ભરવાનું સમયપત્રક સરકાર જાહેર કરે, તે ઉપરાંત પૂરા દેશમાં ખાનગીક્ષેત્રમાં અનામત નીતિ દાખલ થાય તેવી ઘોષણા પણ થશે.
ગુજરાત તથા દેશમાં વિકાસ માત્ર કહેવાતા સમાજના અગ્ર વર્ગનો જ થયો છે. સંમેલનમાં ગુજરાત અને દેશની દલિત-આદિવાસી-ઓબીસીની પંચોતેર ટકા વસ્તી માટે ખાનગી તથા જાહેર ઉચ્ચશિક્ષણ વિનામૂલ્યે જાહેર કરવાની માંગ ઉઠાવશે. વિકલ્પે ગુજરાત સરકાર આ વર્ગોના ઉચ્ચશિક્ષણ માટે રૂ. 75 હજાર કરોડ ફાળવે તેવો સંદેશો પણ પ્રસારિત કરશે.
આઝાદી સમયે દેશને વચન આપવામાં આવેલું કે, 10 વર્ષના ગાળામાં આભડછેટસહિત જ્ઞાતિગત ભેદભાવો દૂર થતાં રાજકીય અનામતની જરૂર રહેશે નહીં. આ સંમેલન માંગણી કરે છે કે 70 વર્ષની આઝાદી પછી પણ આભડછેટ અને રાજકીય અનામતો શા માટે ચાલુ રહ્યાં છે અને દેશે આભડછેટ દૂર કરવામાં કેટલી સફળતા મેળવી છે તેનું ‘અશ્વેતપત્ર’ જાહેર કરવામાં આવે.
આ સંમેલનની મુખ્ય માગણી કોઈપણ કાનૂન નીચે નહીં નોંધાયેલા ગૌરક્ષકોની અસામાજિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની અને તેમની સામે તથા જ્યાં પોલીસ કાયદાથી વિરુદ્ધ તેમને મદદરૂપ બનતી હોય તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવે છે.
આ સમંલેનમાં ભારતભરમાંથી વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, કાર્યકરો તથા લોકો આવવાના છે અને સમગ્ર ભારતમાં દલિત તથા આદિવાસીઓની સામાજિક પરિસ્થિતિનો ચિતાર આપશે.
ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાના સંદર્ભમાં 1000 સ્રીઓ તેમનાં સંતાનો સાથે સંમેલનમાં હાજર રહેશે. પોતાની માનું જાહેર સન્માન કરી યુવાનો શપથ લેશે કે, ‘મને જન્મ આપનાર સ્ત્રી તે મારી એકમાત્ર માતા છે અને હું મારી માને ક્યારેય અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં મોકલીશ નહીં.’ આ સાથે જ ગૌતમ બુદ્ધને વૃક્ષ નીચે જ્ઞાન મળ્યું હતું તે વૃક્ષને નજર સમક્ષ રાખી 1000 બાળકો ‘ત્રિશૂળ દીક્ષા’ નહીં, પરંતુ બુદ્ધના માનવતાભર્યા સંદેશને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લેશે.
સંમેલનનો હેતુ સ્પષ્ટ સંદેશ મોકલવાનો છે કે, દલિતો પોતાની પ્રથમ વફાદારી પોતાના સમાજને અને ત્યાર બાદ પોતાના રાજકીય પક્ષને દર્શાવે, જેથી ડૉ. આંબેડકરની કલ્પના અનુસારનું રાજકીય પ્રતિનિધિત્વ ઊભું થાય.
આ સંમેલનને મહારાષ્ટ્રમાં ‘એક ગાંવ, એક પનઘટ’નું આંદોલન ચલાવનાર અને હમાલ પંચાયતના સ્થાપક બાબા આઢવ, ડૉ. આંબેડકરના પૌત્ર શ્રી પ્રકાશ આંબેડકર, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના માજી અધ્યક્ષ અને અર્થશાસ્ત્રી પ્રો. સુખદેવ થોરાટ તથા જાણીતા દલિત કર્મશીલ શ્રી માર્ટિન મૅકવાન સંબોધન કરશે.
સંમેલન શ્રી ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી મળશે.