જમીનસુધાર કાયદાનો અમલ થાય અને 5% જમીનોનું પુનર્વિતરણ થાય તો પણ 30% ગરીબી ઘટી શકે છે

ચંદુ મહેરિયા/

અષાઢી બીજના દિવસે એ વાડીએ વાવેતર માટે ગયેલા, પણ લોહીતરસ્યા લોકોએ એમને જ મારીઝૂડી ભોંયમાં દાટી દીધા! રથયાત્રાના દિવસે પોરબંદર પાસેના સોઢાણા ગામે રામાભાઈ ભીખાભાઈ સીંગરખિયા નામક દલિતની જઘન્ય હત્યા કરવામાં આવી. રામાભાઈ છેલ્લા ૨૫ વરસોથી સોઢાણા ગામે સરકારી ખરાબાની જમીન ખેડી પેટ ગુજારો કરતા હતા. સરકારી પડતર જમીન ખેડતા સરપંચ સહિતના બિનદલિતોને તે ખૂંચતા હતા.

ગયા વરસે એમનો ઊભો પાક ભેલાડી મૂક્યો અને ગામ છોડી જવાની ફરજ પાડી. આ હિજરતી દલિત આ વરસે વાવેતર કરવા આવ્યા, તો તેમની પર સરપંચ સહિતના ૩૦ થી ૪૦ લોકોના ટોળાએ હિંસક હુમલો કરી મારી નાખ્યા. હત્યારાઓની ધરપકડની સાદી માગણી માટે દલિતોને ચારચાર દિવસ લાશ રઝળતી રાખી આંદોલન કરવું પડ્યું.
મધ્યપ્રદેશના શિહોર ખાતે ૫૦ દલિત કુટુંબોએ સરકાર પાસે આત્મવિલોપનની મંજૂરી માગી છે. કેમ કે સરકારે તેમને ૧૫ વરસથી ફાળવેલી જમીનનો હજુ કબજો મળતો નથી. એટલે આ દલિતો ‘કાં જમીન આપો, કાં મોત આપો’ની માગણી કરે છે. સોઢાણા કે શિહોરની જેમ દેશના ઘણા ઠેકાણે પેટ માટે રોટી અને રોટી માટે જમીન માગતા દલિત-આદિવાસી ભૂમિહીનોના આંદોલનો ચાલતા રહે છે. હાલમાં ચાલી રહેલી ‘ઉના અત્યાચાર લડત સમિતિ’ની દલિત અસ્મિતા યાત્રાનો હેતુ પણ જાતિગત થોપાયેલા રોજગારમાંથી મુક્તિ અને જમીનની માગણીનો જ છે.

જમીન સરકાર માટે મહેસૂલની આવકનું સાધન, સ્થાપિત હિતો –ઉદ્યોગકારો માટે નવું આર્થિક ક્ષેત્ર અને નફો, પર્યટકો માટે નવું પર્યટન સ્થળ, તો જમીનદારો માટે ગામમાં સ્ટેટસ સિમ્બોલ છે. પણ દલિત-આદિવાસી માટે તે જીવન છે, રોટલો રળવાનો એકમાત્ર આધાર છે. સરકાર સહિતનાં સ્થાપિત હિતો જમીનો ઝૂંટવતાં રહે છે. જમીનદારો માટે તે ગરીબોના શોષણનું સાધન છે. એટલે જમીનવિહોણાઓને જમીન મેળવવા કે મળેલી જમીન ટકાવવા સતત ઝૂઝવું-ઝઝમવું પડે છે.

સ્વતંત્ર ભારતમાં સરકારે જમીનદારી-ગિરાસદારી નાબૂદ કરી. ૧૯૪૮માં અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરની ઈચ્છાશક્તિ અને સમજાવટને લીધે ભૂમિસુધાર કાનૂનનો દૃઢતાપૂર્વક અમલ થયો. એટલે એ સમયે ‘કણબી’ કે ‘ભોંયખોદિયા’ તરીકે ઓળખાતા પાટીદાર ગણોતિયાઓ જમીનમાલિકો બન્યા. ૧,૭૨૬ ગામોના ૫૧,૨૭૮ ગરાસદારોની ૨૨.૫૦ લાખ એકર જમીન પટેલોને મળી. આજે સર્વ ક્ષેત્રે પટેલોનું વર્ચસ્વ એમની આ જમીનમાલિકીને આભારી છે.

જો કે સૌરાષ્ટ્ર રાજ્યમાં કોઈ દલિત ગણોતિયાઓને આ કાયદા હેઠળ જમીનો મળી નહીં, તેનું રહસ્ય સમજવું અઘરું છે. રિપબ્લિકન પાર્ટીના ૧૯૫૮ના કાનપુર અધિવેશને ઠરાવ્યા મુજબ ગુજરાતમાં ભૂમિહીન દલિતોને સરકારી પડતર જમીનો આપવા પક્ષે આંદોલન ઉપાડ્યું હતું. એ વખતની સરકારે આશ્વાસનો આપ્યાં, પણ અમલ ન કર્યો. ૧૮મી ઓગસ્ટ, ૧૯૬૦ના દિવસે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાજ્યભરના દલિતોએ અમદાવાદમાં વિધાનસભા સમક્ષ દેખાવો કર્યા. સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલન ચાલ્યું. ફેબ્રુઆરી, ૧૯૬૧માં ભરાયેલા કોંગ્રેસના રાષ્ટૃીય અધિવેશન સામે પણ દલિતોએ દેખાવો કર્યા. સતત સંઘર્ષ અને સત્યાગ્રહો પછી સૌરાષ્ટ્રના દલિતો સરકારી પડતર જમીનો મેળવવામાં સફળ થયા.

ગુજરાત રાજ્યની કુલ ખેડાણલાયક જમીનમાં દલિતોનો હિસ્સો નગણ્ય જ છે. એ સંજોગોમાં તેમને ભિન્ન ભિન્ન ભૂમિસુધાર કાનૂનો હેઠળ જમીનો મળવી જોઈતી હતી.૧૯૬૧ના જમીન ટોચમર્યાદા અને ૧૯૪૮ના ગણોતધારા હેઠળ જમીનવિહોણા કે ગણોતિયાને જમીનો આપવાની જોગવાઈ છે. સરકારી માલિકીની જમીન ચોક્કસ રકમનું ભાડું (સાંથ) લઈને જમીનવિહોણા ખેતકામદારને ચોક્કસ સમય માટે ફાળવવાની, આવી સાંથણીની જમીન અમુક વરસોના ખેડહક પછી તે ખેડનારને આપવાની જોગવાઈ છે.

રાજાશાહી કે અમલદારશાહીના જમાનાની વેઠના બદલામાં કે ગામના જમીન દફતર પરની પડતર જમીનો ભૂમિહીનોને આપવાની હોય છે. પરંતુ જમીન અંગેની કાયદાકીય જોગવાઈઓ કરતાં જમીની વાસ્તવિકતા સાવ જ જુદી છે. દલિતોને આવા નિયમો કે કાનૂનો હેઠળ આવી જમીનો કાં તો મળતી જ નથી કે પછી જ્યાં મળી છે, ત્યાં તેઓ કાયદેસરની વિઘોટી ભરતા હોવા છતાં જમીનોનો કાયદેરસરનો કબજો તેમની પાસે નથી. ઘણાં ગામોમાં સાંથણીની જમીનોની કાં તો માપણી જ નથી થઈ કે માત્ર કાગળ પર ફાળવણી થઈ છે. વાસ્તવિક કબજો અપાતો નથી. ગુજરાતમાં જેતલપુર, ગોલાણાથી સોઢાણા હત્યાકાંડોના મૂળમાં જમીનનો સવાલ રહેલો છે.

જમીનમાલિકીમાં ભારે અસમાનતા પ્રવર્તે છે અને તે વધતી રહે છે. ૨૦૦૧માં દેશમાં ૪૪.૭ % દલિતો જમીનો ધરાવતા હતા. તે ૨૦૧૧માં ઘટીને ૩૪.૫% થયા છે. ૨૦૦૧માં જમીનવિહોણા દલિતો ૩૬.૯% હતા તે ૨૦૧૧માં વધીને ૪૪.૫% થયા છે (ગુજરાતમાં ૬૩.૨૪% દલિતો ભૂમિહીન છે) આ હકીકત જ દર્શાવે છે કે વધુને વધુ દલિતો જમીનવિહોણા થઈ રહ્યા છે. ગરીબી અને જમીનમાલિકીને સીધો સંબંધ છે. એટલે જમીનવિહોણા લોકો વધુ ગરીબ બને છે. એક અભ્યાસ મુજબ જો જમીનસુધાર કાયદાનો અમલ થાય અને માત્ર ૫% જમીનોનું જ પુનર્વિતરણ થાય તો પણ ૩૦% ગરીબી ઘટી શકે છે.

બંગાળના દીર્ઘ સામ્યવાદી શાસનને બાદ કરતાં દેશમાં કોઈ રાજ્યે ભૂમિસુધાર કાનૂનનો અસરકારક અમલ કર્યો નથી. બિહારમાં મઠો અને મંદિરો પાસે સેંકડો એકર જમીનો છે. ગુજરાતમાં જમીનના મુદ્દે સંઘર્ષરત દલિત અગ્રણી વાલજીભાઈ પટેલના સંશોધન મુજબ, જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનો ખેતસહકારી મંડળીઓને આપવાની સરકારની અગ્રતા નીતિને લીધે વ્યવસાયી દલિત રાજકીય આગેવાનોની બેનામી મંડળીઓએ મેળવી લીધી છે અને ખરા હકદાર દલિતો ભૂમિહીન રહ્યા છે.

નવી અર્થનીતિ, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનની બોલબાલા કે વધતા શહેરીકરણ-ઔદ્યોગિકીકરણના વર્તમાન માહોલમાં જમીનસુધારાની વાત સાવ હાંસિયામાં મૂકાઈ ગઈ છે. હવે તો ખુદ સરકાર નવતર પ્રકારના ભૂમિસુધાર કરી રહી છે. ખેતીની સમૃદ્ધ જમીનો જાહેર હિતના નામે અધિકૃત કરી મોટા ઉદ્યોગોને આપી રહી છે. ભારત સરકારને એનો ભૂમિ અધિગ્રહણ કાયદો પડતો મૂકવો પડ્યો છે. પરંતુ ગુજરાત સહિત ઘણાં રાજ્યો એવા કાયદા ઘડી ચૂક્યાં છે, જેમાં જમીનવિહોણાને નહીં, ઉદ્યોગોનો જમીનો આપવાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં જમીન મેળવવાનો સંઘર્ષ વધુ કઠિન છે.

ડો. આંબેડકરે જમીન સુધારા સંદર્ભે સંસદને ચેતવતા કહ્યું હતું, ‘જમીનના મુદ્દે આ સંસદની બહાર આગ સળગી રહી છે. એની ઝાળ આપણને પણ લાગી શકે છે. જમીનના મુદ્દે અનુસૂચિત જાતિઓ ઝંડો લઈને નીકળી પડશે ત્યારે તમે અને તમારું બંધારણ બધું જ ઝૂકી જશે. કશું જ નહીં બચે.’ આ ચેતવણીની અવગણના સરકારો અને સમાજ માટે હારાકિરીનો માર્ગ હશે.

સાભાર: http://opinionmagazine.co.uk/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s