ઉનામાં નબળા દલિતોને અત્યાચાર સામે સંગઠિત કરીને રૅડિકલ અભિગમથી સરકારને પડકારવાનું કામ ઈતિહાસ નોંધ લેશે

સંજય શ્રીપાદ ભાવે/

‘ગાય કી દુમ તુમ રખો, હમકો હમારી જમીન દો’, ‘જય ભીમ, જય ભીમ’, ‘દલિત-મુસ્લિમ એકતા જિંદાબાદ’, ‘ગૌરક્ષક મુર્દાબાદ’ જેવા નારાઓથી સ્વાતંત્ર્ય દિને સૌરાષ્ટ્રના ઉના ગામની શાહ એચ.ડી. હાઇસ્કૂલનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. દરિયાકાંઠાના આ ગામે હજુ હમણાં, અગિયારમી જુલાઈએ ચાર દલિતોની ચીસો સાંભળી હતી. તેમને ઉપલા વર્ગના પાશવી ગૌરક્ષકોનો બેરહમ માર ખાતાં આખા દેશે જોયા હતા. એ જ ગામમાં આઝાદી દિવસે દસ હજાર કરતાં ય વધુ દલિતોની શક્તિશાળી ‘અસ્મિતા મહાસભા’ પણ આખા દેશે જોઈ.

દલિત વર્ગોનાં આવાં જમીર અને જુસ્સાવાળી જાહેર સભા ગયા ત્રણેક દાયકામાં ગુજરાતમાં ઓછી થઈ હશે. આ સભા ઉનાના અત્યાચાર સામે એક મહિના દરમિયાન જગાવવામાં આવેલા લોકજુવાળની સાચા અર્થમાં પરાકાષ્ટા હતી. તેના મંડાણ તો ઉના દલિત અત્યાચાર લડત સમિતિના નેજા હેઠળ પાંચમી ઑગસ્ટે અમદાવાદથી ઉના તરફ ચાલેલી દલિત અસ્મિતા પદયાત્રાથી થઈ ચૂક્યા હતાં.

પદયાત્રા દરમિયાન થયેલી માગણીઓ ઉનાની જંગી સભામાં લડાયક અંદાજમાં રજૂ કરવામાં આવી હતી. ગુજરાતના ખૂણેખૂણેથી અને કેટલાં ય રાજ્યોમાંથી આવેલા દલિતો, સંગઠનોનાં કાર્યકરો તેમ જ સો કરતાં વધુ મીડિયાકર્મીઓ સભામાં હાજર હતા. ચળવળની ઓળખ સમા તેજસ્વી યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ તેના ટૂંકા છતાં જોશપૂર્ણ ભાષણમાં રણટંકાર કર્યો કે જો ગુજરાત સરકાર દરેક દલિત પરિવારને પાંચ એકર જમીન આપવાની માગણી પૂરી નહીં કરે તો બરાબર એક મહિના પછી ‘રેલ રોકો’ આંદોલન કરવામાં આવશે. જિજ્ઞેશની હાકલ મુજબ હજારો લોકોએ ઢોર અને મેલું નહીં ઉપાડવાના તેમ જ ગટરમાં નહીં ઊતરવાના સોગંદ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામે લીધા હતા. જિજ્ઞેશે હિંદુત્વવાદી સરકારના સીધા જ વિરોધમાં હિંદીમાં કરેલા તેજાબી ભાષણમાં પૂછ્યું : ‘દલિતોને બદલે મારી છાતી પર ગોળીઓ વરસાવો કહેનારા વડાપ્રધાન મોદી થાનગઢમાં ત્રણ નિર્દોષ યુવાનો પર પોલીસે ગોળીઓ વરસાવી ત્યારે શા માટે ચૂપ હતા ?’

ગુજરાતના વિકાસના ‘ઘટિયા મોડેલ’ની સામે તેમણે દલિત ચળવળને વિકાસવંચિત કિસાન, મજૂર અને આદિવાસી આંદોલન સાથે જોડવાની વાત પણ કરી હતી. જમીન સંપાદન કાયદામાંથી ગુજરાત સરકારે ખેડૂતની સંમતિ અને સોશ્યલ અને એનવાયર્નમેન્ટલ ઇમ્પૅક્ટ અ‍ૅસેસમેન્ટની કલમો કાઢી નાખી હોવા સામે પણ તેમણે વિરોધ નોંધાવ્યો. ગાયની પૂંછડી મોદી સરકાર માટે ફાંસીનો ફંદો બની શકે એવો ઇશારો પણ પાંત્રીસ વર્ષના નેતાએ આપ્યો.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી આગેવાન કનૈયા કુમારનું ઉનામાં હોવું એ બધા માટે આશ્ચર્ય હતું. તેમણે ત્રણેક મિનિટના સંબોધનમાં કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતમાંથી કાઢેલી રથયાત્રા દેશને તોડવા માટે હતી, જ્યારે મેવાણી અને સાથીઓએ કાઢેલી અસ્મિતા પદયાત્રા લોકોને જોડવા માટેની તેમ જ જમીન અને સ્વમાન માટેની યાત્રા છે. હાજર જનતાને બિરદાવતા તેમણે કહ્યું કે તમે બધાએ ગુજરાત મૉડેલની હવા કાઢી નાખી છે. હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ભેદભાવનો ભોગ બની આપઘાત કરનાર દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાનાં માતુશ્રી રાધિકાએ દેશના બંધારણના રક્ષણ માટે હાકલ કરી હતી. સભાના આરંભે રાધિકાબહેનના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું.

તેમની સાથે, ઉનામાં અત્યાચારનો ભોગ બનનાર બાલુભાઈ સરવૈયા પણ હતા. ન્યાય ન મળે ત્યાં સુધી, ભાગલા પડવા દીધા વિના, લડત ચાલુ રાખવાની અપીલ તેમણે કરી હતી. ધ્વજવંદન દરમિયાન ‘લોકનાદ’ના જનવાદી કલાકાર યુગલ ચારુલ-વિનયે રાષ્ટ્રગીત ગવડાવ્યું હતું. અજોડ ડૉક્યુમેન્ટરિ ફિલ્મ મેકર આનંદ પટવર્ધન ખુદ શૂટિંગ કરી રહ્યા હતા. આ પૂર્વે તેમણે રંગકર્મી દક્ષિણ છારા થકી આખી પદયાત્રા કૅમેરામાં સાચવી લીધી છે. અત્યાચારના વિરોધમાં ગુજરાત સરકારનું સન્માન પાછું આપનાર એકમાત્ર સાહિત્યકાર અમૃત મકવાણાને દલિત સાથીઓએ ભેગા કરેલા પચીસ હજાર રૂપિયાનો ચેક આનંદને હાથે આપવામાં આવ્યો.

અભિયાનમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવનાર યુવા કાર્યકર જયેશ સોલંકીએ ત્રણ દલિત કવિઓએ ભેદભાવ વિશે લખેલી તેજાબી રચનાઓ રજૂ કરી. તે પહેલાં મુંબઈના રિપબ્લિકન પૅન્થરના સાંસ્કૃિતક જૂથના યુવાઓએ રજૂ કરેલા સામાજિક ક્રાન્તિના ગીતોથી સભાનો વિદ્રોહી માહોલ વધુ સઘન બન્યો. અમદાવાદના એન.પી.જી. ગ્રુપે મહારાષ્ટ્રના જાણીતા જનવાદી લોકશાયર સંભાજી ભગતનું કટાક્ષગીત ‘ઇનકી સૂરત કો પહેચાનો ભાઈ’ રજૂ કર્યું.

ઉપર્યુક્ત વ્યક્તિઓ, વક્તવ્યો અને બનાવો ઉપરાંત સ્વાતંત્ર્ય-સમતા-બંધુતાભર્યા ભારતીય સમાજની આશા જગવનાર સભામાં અનેક નોંધપાત્ર બાબતો હતી. ગોધરાકાંડ પછીના કોમી રમખાણો દરમિયાન ગુજરાત સરકારની ધર્મઝનૂની ભૂમિકા સામે સક્રિય રીતે શિંગડાં માંડનાર પૂર્વ આઇ.પી.એસ. અધિકારી રાહુલ શર્માએ અસ્મિતા યાત્રાના આરંભમાં બીજરૂપ ભૂમિકા ભજવી હતી. ધારાશાસ્ત્રી મુકુલ સિંહાને માનવઅધિકાર માટે સરકાર સામેની લડતમાં આજીવન સાથ આપનાર તેમનાં પત્ની નિર્ઝરી અને પુત્ર પ્રતીક અસ્મિતા યાત્રાની સાથે પૂરો સમય હતા.

દલિત ઉત્થાન માટેની સંસ્થા ‘નવસર્જન’ના સ્થાપક અને દુનિયાભરમાં જાણીતા માર્ટીન મૅકવાન, માહિતી અધિકાર કર્મશીલ ભરતસિંહ ઝાલા, અંબરનાથના કામદારનેતા શ્યામ ગાયકવાડ, ડાબેરી મહિલા અગ્રણી કવિતા કૃષ્ણન, ચિત્રકાર-ફિલ્મમેકર પ્રવીણ મિશ્રા જેવા સમર્પિત કર્મશીલ સમર્થકોની યાદી બહુ લાંબી થઈ શકે છે. આખું મેદાન દલિત ચળવળને લગતા ઝંડા, બૅનરો અને સૂત્રોથી છવાઈ ગયું હતું. જુદી જુદી ઉંમરના દરેક સ્ત્રી-પુરુષની આંખોમાં એક સારા સમાજનું સ્વપ્ન હતું.

કેટલીક અવ્યવસ્થા વચ્ચે મહાસભા પૂરી થયા બાદ પાછા ફરી રહેલા દલિતો પર હુમલા થવા લાગ્યા હતા. પદયાત્રા દરમિયાન પણ હુમલા થયા હતા. સભા ન થાય તે માટેની કોશિશ સ્થાપિત હિતોએ કરી હતી. સભા પછીના હુમલામાં ઉનાની નજીકના સામતેર ગામના કેટલાક માથાભારે લોકોનો મોટો ફાળો હતો. અત્યાચાર માટે પકડાયેલા સહુથી વધુ આરોપી આ ગામના છે.

જુલમનો ભોગ બનેલા સરવૈયા પરિવારના સભ્યોને હુમલાની શક્યતાને કારણે લાંબો સમય દીવ પોલીસ સ્ટેશનમાં રોકાઈ જવું પડ્યું હતું. કેટલાક કિસ્સામાં પોલીસ પણ નિષ્ક્રિય અને દલિતવિરોધી હોવાનું નોંધયું છે. જિજ્ઞેશ સહિત અન્ય આગેવાનો લોકોને એમના હાલ પર છોડીને નીકળી ગયા હોવાની વાતો પણ વહેતી કરવામાં આવી હતી. તપાસને અંતે તે ગેરસમજભરી અને પ્રેરિત હોવાનું જાણવા મળ્યું.

આખા ય અભૂતપૂર્વ અભિયાને ગુજરાતની દલિત ચળવળમાં નવાં પ્રાણ પૂર્યાં છે. આ વિરોધ ચળવળ કોઈ બિનસરકારી સંગઠન અર્થાત એન.જી.ઓ. કે રાજકીય પક્ષ પ્રેરિત નથી. ઉના અત્યાચાર પછીના આક્રોશને સક્રિય બનાવવા માટે નિસબત ધરાવતા દલિતોના જૂથે રચેલી ઉના દલિત અત્યાચાર લડત સમિતિની મહેનત અને મક્કમતાનું આ પરિણામ છે. તેણે દલિતેતર વર્ગોના તેમ જ માધ્યમોના એક હિસ્સાનો પણ સારો ટેકો મેળવ્યો છે.

અભિયાનની દેખિતી તેમ જ લાંબા ગાળાની અસરવાળી મર્યાદાઓ તરફ પણ અભ્યાસીઓ ધ્યાન દોરી રહ્યા છે. જો કે તેઓ એ સ્વીકારશે છે કે ગુજરાત જેવા પાકા ભાજપ તરફી રાજ્યમાં, આર્થિક રીતે અનિવાર્યપણે નબળા દલિતોને અત્યાચાર સામે સંગઠિત કરીને રૅડિકલ અભિગમથી સરકારને પડકારવાનું, આ પહેલાં જવલ્લે જ થયું હોય તેવું કામ ઉના દલિત અત્યાચાર લડત સમિતિએ કર્યું છે. તેની ઈતિહાસ નોંધ લેશે.

સ્ત્રોત: http://opinionmagazine.co.uk/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s