કિરીટ રાઠોડ/
નવસર્જન ટ્રસ્ટના સર્વે અહેવાલમાં ચોકાવનારી હકીકતો બહાર આવી:
· મેગાસીટી અમદાવાદ શહેરી વિસ્તારને અડીને આવેલ બોપલ, ભાત, ભુવાલડી, ઝાણું, પાલડી(કાંકજ) માં દલિતોને મંદિરમાં પ્રવેશ મળતો નથી.
· ગાંધીજીના ગુજરાતમા ડો.બાબા સાહેબ આંબેડકરનું “ આભડછેટ મુક્ત ભારત “ નું સપનું આઝાદીના ૭૦ વર્ષે પણ અધૂરું
ડો.બાબ સાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મ જયંતિની ઉજવણી રાજ્ય સરકાર ધામધુમથી ઉજવણી તો કરી પણ આઝાદીના ૭૦ વર્ષે ગુજરાતમાં અનેક ગામોમાં દલિત સમાજ લોકો આભડછેટ અને ભેદભાવનો ભોગ બની રહ્યા છે.
આ અંગે સેમ્પલ સર્વેથી જાણવા મળ્યું કે અમદાવાદ જીલ્લાના અનેક ગામોમાં દલિતો સાથે જાહેર જગ્યાએ અસ્પૃશ્યતાના આચરણથી હજારો દલિતોને ગુલામ તરીકે જીવન નિર્વાહ મજબુર કરવામાં આવ્યા હોવાનું ચોકાવનારું તારણ બહાર આવ્યું છે.
નવસર્જન ટ્રસ્ટ દ્વારા અમદાવાદ જીલ્લાના દસકોઈ, ધોળકા, ધંધુકા, સાણંદ, બાવળા, વિરમગામ, માંડલ તાલુકાઓના ૩૬ ગામોમાં જાત તપાસ કરીને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
આ સર્વેની હકીકતોમાં ગાંધીજીના ગુજરાત તરીકેની ઓળખ અપવાનાર અને રાષ્ટ્રપિતાનું બિરુદ મેળવનાર મહાત્મા ગાંધીજીએ પોતાની કર્મભૂમિ બનાવેલ સાબરમતી આશ્રમથી અડીને આવેલા ગામોના ૧૫૦૦ દલિત પરિવારોને જાહેર મંદિરોમાં ભગવાનના દર્શન કરવા ઉપર પ્રતિબંધ, વાળંદની દુકાનમાં વાળ – દાઢી કરી આપવા પ્રતિબંધ અને ચા ની કીટલી ઉપર અલગ રકાબી ની વ્યવસ્થા રાખીને જાહેર સ્થળોએ આભડછેટ પળાતી હોવાનું જાહેર થયુ છે.
ડો.બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનકાળ દરમ્યાન દલિતો સાથે પાળવામાં આવતી આભડછેટનો સખત વિરોધ કર્યો હતો. પરંતુ આઝાદીના ૭૦ વર્ષે પણ દલિતોના માથેથી આ કલંક દુર ન કરનાર સદભાવના અને સમરસતાની વાતો કરનારી રાજ્ય સરકાર ઉણપ આખે ઉડીને વળગે છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મુખ્ય ભૂમિકા દલિતોને સામાજિક ન્યાય આપવાની હોવા છતાં આ વિભાગનું નાગરિક સેલ કહે છે કે જો આભડછેટની બાબત સાબિત થાય તો દલિતોની શાંતિ અને સલામતીનું જોખમ ઉભુ થાય.
નવસર્જન ટ્રસ્ટ દ્વારા ગુજરાતના ૫૬ તાલુકાના ૧૫૮૯ ગામોના આભડછેટનો અહેવાલ જાહેર ન કરવા પાછળના લેખિત કારણો :-
· આ માહિતી આપવાથી ગામમાં શાંતિનો ભંગ થાય તેમ છે.
· ગામમાં સંવાદિતા જોખમાય તેવી સંભાવના છે.
· ગામમાં લોકો કોમને આધારિત જીવન જીવતા હોય છે તેમાં સંબંધોમાં વિસંવાદિતા જોખમાય તેમ છે.
· જો કોઇ ગામમાં આભડછેટની બાબત સાબિત થાય તો શાંતિ, સુલેહ તથા સંવાદિતા જોખમાય તેવી દહેશત છે.
જે વ્યક્તિએ નિવેદન આપેલ છે તે વ્યક્તિ ખૂલ્લો પડે તો તેના પર જોખમ આવી પડે તેમ છે અમુક ગામમાં દલિતો પોતે પણ મંદિર પ્રવેશ ઇચ્છતા નથી.વાળંદ વાળ ન કાપે તો શહેરમાં જઇને વાળ કપાવી સંઘર્ષ ટાળવા પ્રયાસ કરતા હોય છે.
દલિતો તથા સવર્ણો એકબીજા આધારિત હોવાથી દલિતોની રોજી છીનવાય તેવી શક્યતા છે.