ઉનાનાં પીડિત દલિતોની મુલાકાત લઈને વર્ધા આશ્રમમાં 25 વર્ષ સુધી રહેઠાણ, ખેડવા માટે જમીન આપવાનો પ્રસ્તાવ

નીતા મહાદેવ/ 

સેવાગ્રામ ગાંધી આશ્રમ – વર્ધા, મુંબઈ સર્વોદય મંડળ, સદભાવના સંઘ, સર્વ સેવા સંઘ (અખિલ ભારતીય સર્વોદય મંડળ), અને ગુજરાત લોકસમિતિના પ્રતિનિધિઓએ 10મી ઑગસ્ટ- બુધવારે ઉનાનાં પીડિત દલિત કુટુંબોની મુલાકાત લઈને ઉનાના પીડિતો પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે સમાજમાં દલિતો સાથે થતા અન્યાય, અત્યાચાર, હિંસા અને રોજેરોજના ભેદભાવને વખોડી કાઢવા તેમ જ તેનો પ્રતિકાર કરવા સમાજને હાકલ કરી હતી. ત્યાં પીડિત કુટુંબના ફળિયામાં સૌએ સાથે મળીને સર્વધર્મ પ્રાર્થના કરી હતી.

ઉનાના પીડિતોને એવો ભય છે કે તેમને અકસ્માત કરીને મારી નાખવામાં આવશે. તેમનું દર્દ સાંભળીને ‘સેવા ગ્રામ ગાંધી આશ્રમ – વર્ધા’ના અધ્યક્ષ જયવંત મઠકરે પીડિત કુટુંબોને વર્ધા રહેવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમણે તેમને વર્ધા આશ્રમમાં 25 વર્ષ સુધી રહેઠાણની સાથે સાથે ખેડવા માટે 2-2 એકર જમીન, એક-એક ગાય તથા તેમનાં બાળકોનાં શિક્ષણ માટેની તમામ વ્યવસ્થા કરી આપવાનો તેમની સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. સર્વ સેવા સંઘ(અખિલ ભારતીય સર્વોદય મંડળ), સેવાગ્રામ ગાંધી આશ્રમ – વર્ધા અને ગુજરાત લોકસમિતિએ પીડિત પરિવારોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત, તેઓ અહીં જ રહેવા માંગતા હોય તો સર્વોદય વિચારસરણીવાળી સંસ્થાઓ તરફથી રોજગારી માટે સ્કિલ ટ્રેઈનિંગની વ્યવસ્થા કરવાનો પણ પ્રસ્તાવ રજૂ થયો હતો.

દલિતો, મરેલાં ઢોરનું ચામડું કાઢવાનું કામ કરીને સમાજ ઉપર ઉપકાર કરે છે, છત્તાં તેમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો તે વાતથી વ્યથિત ઉપરોક્ત સર્વોદય વિચારસરણીવાળી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અન્ય સાથી સંગઠનોએ આજે ગાંધી આશ્રમ સામે ઇમામ મંઝિલ ખાતે પ્રાયશ્ચિત ઉપવાસ કર્યા હતા. તેમાં ગાંધી આશ્રમના દલિત ભાઈ-બહેનો પણ જોડાયા હતા. સાંજે હ્રદય કુંજ – ગાંધી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના કરીને કાર્યક્રમનું સમાપન થયું હતું.

૯ ઑગસ્ટ ૨૦૧૬, મંગળવારે અમદાવાદથી ઉના જતા બરવાળાથી બોટાદની વચ્ચે દલિત અસ્મિતા યાત્રામાં પહોંચીને ગાંધીજનોએ તેને સમર્થન આપ્યું હતું. દલિત અધિકાર માટેની આ લડાઈમાં ગાંધીજનોનો આંદોલનને અડગ ટેકો છે એમ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત, ગુજરાતમાં ભૂદાનની 53,000 એકર જમીન હજુ વહેંચવાની બાકી છે તે જમીન દલિતોને આપવી જોઈએ એમ સર્વ સેવા સંઘ(અખિલ ભારતીય સર્વોદય મંડળ), ગુજરાત લોકસમિતિ અને સેવાગ્રામ ગાંધી આશ્રમ – વર્ધાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s